આજના યુવાનો ધાર્મિક નથી પણ સ્પિરિચ્યુઅલ છે

આજે લાખો યુવાનો આ માર્ગે ચાલી પડ્યા છે. આજે તેમના જીવનમાં ડોકિયું કરીને જાણીએ કે યુવાનો આ માર્ગ કેમ પસંદ કરી રહ્યા છે અને એનાથી તેમને શું લાભ થઈ રહ્યો છે

tiger

જિગીષા જૈન

એક મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતા ૨૩ વર્ષના સૉફ્ટવેર એન્જિનિયરે તેની કંપનીમાં રજાની અરજી મૂકી. ૧૦ દિવસની અધ્ધર રજા લેવા માટે તેની પાસે કારણ માંગવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ૧૦ દિવસની વિપશ્યનાની શિબિર ભરવા જાઉં છું, જેમાં ૧૦ દિવસનું મૌન રાખવાનું હોય છે અને એક નાનકડી કોટડીમાં રહીને ધ્યાન કરવાનું હોય છે. તેના બૉસ હસી પડ્યા અને તેને પૂછ્યું કે તને નથી લાગતું કે આ બધા માટે તું ખૂબ ઉતાવળ કરી રહ્યો છે? તેણે એટલી જ નિખાલસતાથી જવાબ આપ્યો કે ના, મને લાગે છે કે હું ૨૩ વર્ષ મોડો પડ્યો.

આર્યોની એક વ્યવસ્થા હતી, જેને ઉંમર પ્રમાણે વિભાજિત કરવામાં આવી હતી. એમાં ૧-૨૫ વર્ષ બ્રહ્મચર્યાશ્રમ ગણવામાં આવતો, જેમાં વ્યક્તિએ ભણવાનું અને જીવન જરૂરી સ્કિલ્સ શીખવાની. ૨૫-૫૦ વર્ષને ગૃહસ્થાશ્રમ ગણવામાં આવતો, જેમાં તેણે લગ્ન કરવાનાં અને સાંસારિક જવાબદારીઓ નિભાવવાની. ૫૦-૭૫ વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમ ગણાતો, જેમાં તેણે નિવૃત્ત જીવન ગાળવાનું રહેતું અને ૭૫થી તે જીવે ત્યાં સુધી સંન્યસ્થાશ્રમમાં દીક્ષા લઈને સંસારનો ત્યાગ કરવાનો રહેતો અને આત્માના કલ્યાણ અર્થે કામ કરવાનું રહેતું. આ વ્યવસ્થા મુજબ જ હજી સુધી ઘણા લોકો જીવે છે. પરંતુ અમુક જુદો ચીલો ચિતરનારા લોકો પણ છે જે ખૂબ નાની ઉંમરથી આત્માના કલ્યાણ વિશે વિચારે છે. ૧૮ વર્ષથી મોટા અને ૩૦ વર્ષથી નાના લોકો પાર્ટી કરતા હોય, ભણતા હોય, કરીઅર પાછળ દોડતા હોય, ફૅશનેબલ કપડાં પહેરતા હોય, પૈસા કેમ વધુ કમાઈ શકાય એ વિચારતા હોય અને એટલા જ બે હાથે ઉડાડતા હોય એમ કોઈને કહીએ તો તેમને નવાઈ ન લાગે, પરંતુ જો એમ કહીએ કે આ ઉંમરના લોકો પ્રાણાયામ, યોગ અને ધ્યાન કરતા હોય, સત્સંગમાં જતા હોય, સમાજમાં જરૂરી વર્ગની સેવા પાછળ તે સમય કાઢતા હોય તો લોકોને નવાઈ લાગશે. પરંતુ હકીકત એ છે કે આવા લાખો યુવાનો છે જે આ માર્ગે છે. આર્ટ ઑફ લિવિંગ, બ્રહ્મકુમારીઝ, શ્રીમદ રાજચંદ્ર મિશન, વિપશ્યના વગેરે જેવી ઘણી જુદી-જુદી સંસ્થાઓ છે જે સ્પિરિચ્યુઅલિટી તરફ લોકોને વાળે છે. આ સંસ્થાઓ ભલે કોઈ એક ધર્મ તરફથી આગળ વધી હોય, પરંતુ તેમના સંદેશમાં માનવતા મુખ્ય છે. આત્માનું કલ્યાણ અને સમાજનું કલ્યાણ બન્ને પર તેમનું ફોકસ રહેલું હોય છે.

૨૫ વર્ષની ધરા શાહ સૉફ્ટવેર કન્સલ્ટન્ટ છે અને ઘાટકોપરમાં રહે છે. છેલ્લાં ૬ વર્ષથી તે દરરોજ પ્રાણાયામ, સૂર્યનમસ્કાર અને સુદર્શનક્રિયા નિયમિત રૂપે કરે છે. તેણે આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના બે લેવલ સુધીના કોર્સ કર્યા છે. ધરા કહે છે, ‘મારા માટે આ દરરોજ બ્રશ કરવા જેટલું સહજ બની ગયું છે. એ ન કરું તો મને ન ચાલે. આ કોર્સ કર્યા પછી જ્યારે મેં મારી સાધના ચાલુ કરી ત્યારે મેં જોયું કે મારામાં ઘણો મોટો ફેરફાર આવ્યો. ભણવામાં હું ઠીક હતી. સાધના પછી મારું ફોકસ વધ્યું, એકાગ્રતા વધી. મારી વિચારવાની અને વર્તનની ઝડપ વધી. જે એક્ઝામમાં મને લાગતું કે હું ફેલ જ થઈશ એમાં પણ હું પાસ થઈ ગઈ. અત્યારે જૉબ કરું છું તો એમાં પણ મારો આત્મવિશ્વાસ ઘણો વધારે છે. અંદરથી હું મારી જાતને ઘણી મજબૂત મેહસૂસ કરું છું એટલું જ નહીં, હું ખુશ છું. એવું નથી કે હું આ માર્ગ પર છું એટલે હું એક બોરિંગ લાઇફ જીવું છું. હું મારા મિત્રો જોડે ખૂબ હરુંફરું, મૂવીઝ જોઉં અને આનંદ પણ કરું છું; પરંતુ હું આ બધી બાબતોથી છકી જતી નથી.’

૧૨-૧૫ વર્ષની હતી ત્યારે મીરાનાં મમ્મી-પપ્પા બન્ને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરમાં ખૂબ માનતાં અને એને સંપૂર્ણ રીતે ફૉલો કરતાં. પરંતુ મીરાને એ સમયે ખાસ એમાં રુચિ નહોતી. તેના માતા-પિતાએ આ બાબતે તેને કોઈ આગ્રહ કર્યો નહીં, પરંતુ એકાદ વર્ષ પહેલાં મીરાએ એક પ્રવચન સાંભળ્યું અને તેને લાગ્યું કે આ તો ઘણું જ પ્રૅક્ટિકલ છે અને મને એ કરવું ગમશે. આજે મીરા તેમના ગુરુદેવ શ્રી રાકેશભાઈના માર્ગદર્શન હેઠળ દરરોજ ૧ કલાક એક્સરસાઇઝ કરે છે, ૧ કલાકનું મૌન પાળે છે અને દરરોજ ૧૦૦ પાનાં એવા પુસ્તકનાં વાંચે છે જેમાંથી જ્ઞાન મળે. પોતાનો અનુભવ જણાવતાં ૧૮ વર્ષની MBBSનો અભ્યાસ કરતી મીરા મહેતા કહે છે, ‘સ્પિરિચ્યુઅલ માર્ગે આગળ વધવાની ઇચ્છા મને એટલે થઈ કે મારા બધા જ પ્રશ્નોના જવાબ મને મળ્યા. મારા ઘણા મિત્રો મને વખોડે છે. કહે છે કે હું અત્યારથી ઘરડી થઈ ગઈ છું કે હું સાયન્સની વિદ્યાર્થી છું છતાં હું આ બધામાં વિશ્વાસ રાખું છું. મારે એમ ન કરવું જોઈએ. હું તેમને સમજાવું છું કે આ કોઈ તંત્ર-મંત્ર કે શ્રદ્ધાનો સવાલ જ નથી. આ એક પ્યૉર સાયન્સ છે. MBBS કરવાથી ફક્ત મને શારીરિક જ્ઞાન મળશે અને આ એનાથી પણ આગળનું જ્ઞાન છે, જેનો લાભ મને અત્યારથી મળવા લાગ્યો છે. મારો ગુસ્સો પહેલાં ઘણો હતો. હવે મને યાદ નથી કે મેં છેલ્લે ક્યારે ગુસ્સો કર્યો હોય. મને અફસોસ છે કે મેં ૧૮ વર્ષે આ શરૂ કર્યું. મારે થોડું વહેલું આ કરવાની જરૂર હતી. તો વધુ લાભ થયો હોત.’

આજના યુવાનોને મંદિરે જવાનું કહીએ તો તે ના પડશે અથવા જઈ તો આવશે, પરંતુ એ ઘરના કોઈએ કહ્યું છે એટલે. તેમને પૂજા, યજ્ઞ, હોમ-હવન, ઉપવાસ, એકટાણાં, સાãત્વક ભોજન વગેરે સમજાવવું વડીલોને અઘરું લાગે છે. આમ આજના યુવાનને ધાર્મિક બનાવવો અઘરો છે. એનું કારણ આપતાં અંધેરીમાં રહેતી ૨૭ વર્ષની એન્જિનિયર અને ભરતનાટ્યમ ડાન્સર એશા શાહ કહે છે, ‘આજકાલ ધર્મના નામે ફક્ત કર્મકાંડ જ રહી ગયા છે. જે એનું એસેન્સ છે, એનો અર્થ છે એ ગાયબ થઈ ગયા છે. જે માણસ બીજા માણસને માન ન આપી શકે કે પ્રેમ ન રાખી શકે તો તે દરરોજ મંદિરમાં ૪ કલાક પૂજા કર્યા કરે એનાથી તેને કંઈ મળવાનું નથી. હું સ્પિરિચ્યુઅલિટી તરફ એટલે વળી, કારણ કે એમાં કોઈ ધર્મ બીજા ધર્મથી મહાન છે એવું કહેવામાં આવતું નથી. એમાં કહેવાય છે કે માનવતા સર્વોપરી છે. આજના યુવાનોને તમે આંધળી રીતે અનુકરણ કરવાનું કહો તો અમારા માટે અઘરું છે, કારણ કે અમને દરેક બાબતમાં ‘આ કેમ’ પૂછવાની આદત છે. મંદિરે જા. કેમ? ઉપવાસ કર. કેમ? ડુંગળી નહીં ખા. કેમ? જો જવાબ અમને મળે અને એ પણ ગળે ઊતરે તો જ અમે એને અનુસરીએ છીએ. સ્પિરિચ્યુઅલિટી તમને એ જવાબો આપે છે. એટલે અમે એની તરફ વળ્યા છીએ.’

એશા આર્ટ ઑફ લિવિંગને અનુસરે છે અને દરરોજ નિયમિત ધ્યાન કરે છે.

શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સેક્રેટરી આત્માર્પિત મૌલિકજી પોતે એક યુવાન છે જે સ્પિરિચ્યુઅલ માર્ગે ચાલી નીકળ્યા છે એટલું જ નહીં; બીજા ઘણા યુવાનોને તે આ માર્ગે લઈ જઈ રહ્યા છે. સ્પિરિચ્યુઅલિટીની કઈ બાબત છે જે યુવાનોને આકર્ષી રહી છે એ બાબતે સમજાવતાં તેઓ કહે છે, ‘આજના યુવાન પાસે બધું જ છે છતાં તેને એ આભાસ છે કે કંઈક ખૂટે છે. હું મારી જ વાત કરું તો બધાં જ ભૌતિક સુખો મેળવીએ જેમાં ભણતર, સારી નોકરી, પૈસા બધું જ મેળવીએ તો પણ તમને એમ લાગે કે હજી સુખ નથી, કંઈક બાકી રહી જાય છે. મને એ કંઈક અહીં મળ્યું. મનનો જે ખાલીપો છે એ ભરાયો અને સંતોષ સાથે સુખ પણ મળ્યું. આજે ધર્મની મશાલ લઈને જે ફરે છે એ લોકો એની જ્યોતિને જોઈ શકતા જ નથી. એ જ્યોતિ બુઝાઈ રહી છે અને ડંડો ફરી રહ્યો છે. એટલે આજે યુવાનો ધર્મથી વિમુખ થઈ રહ્યા છે, પરંતુ હકીકતમાં ધર્મનું મૂળ વૈજ્ઞાનિક છે અને એનાં ફળો આવતા નહીં, આ જ જન્મમાં મળે છે. યુવાનો સ્પિરિચ્યુઅલ એટલે બની રહ્યા છે કે તેઓ સમજી ગયા છે કે સ્પિરિચ્યુઅલિટી જીવનનો એક ભાગ છે એટલે એ વૃદ્ધ બનીને સમજવાની જરૂર નથી. એ જેટલો જલદી અપનાવીએ એટલું આત્માનું કલ્યાણ છે.’

યુવાનો કેમ વધુ ને વધુ સ્પિરિચ્યુઅલિટી તરફ વળી રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ આપતાં આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનનાં સિનિયર ફેકલ્ટી સંગીતા જાની કહે છે, ‘આજથી ૩૦ વર્ષ પહેલાં આજના જેટલું એક્સપોઝર નહોતું. આજનો યુવાન ચારે બાજુથી ભીંસમાં છે. હિંસા, ક્રાઇમ, સામાજિક દબાણ, કંઈક કરી બતાવવાનું પ્રેશર અને કમાઈ લેવાનો ભાર, નાની ઉંમરમાં મોટા ગોલ્સ સર કરી લેવાનું દબાણ અને આ બધાની વચ્ચે હૂંફ અને સિક્યૉરિટીનો અભાવ. આ બધાને લીધે તે સતત શાંતિ અને ખુશી શોધતો હોય છે. સ્પિરિચ્યુઅલિટી તમને તમારી જાતને મળવામાં મદદ કરે છે અને એ જ પરમ આનંદ અને સુખ છે, જે અહીં યુવાનો અનુભવે છે એટલે આ તરફ બધા દોડી રહ્યા છે. આટલીબધી ટેમ્પરરી વસ્તુઓમાં તે એક કાયમી મુકામ શોધતા હોય છે. એક ઠહરાવ શોધતા હોય છે. વળી આ માર્ગ એવો નથી જે તમને જીવનથી વિમુખ લઈ જાય, પરંતુ આ માર્ગ પર ચાલવાથી જીવનને તમે વધુ સારી રીતે સમજી શકો છો. એટલે ઉંમર ગમે તે હોય, સમજદાર વ્યક્તિઓ આ માર્ગને શોધી જ લે છે.’

‘ધર્મ તમને જીવનમાં ક્યારેય આગળ વધતા અટકાવી ન શકે, જો એ અટકાવતો હોય તો એ ધર્મ નથી. ધર્મ તમને જીવનમાં હાથ પકડીને આગળ વધારે એટલું જ નહીં, શિખરો સર કરાવડાવે.’

આ શબ્દો છે ૨૮ વર્ષના કાંદિવલીમાં રહેતા જેટ ઍરવેઝમાં કામ કરતા સિનિયર કમાન્ડર પાઇલટ દર્શન દેસાઈના. દર્શન શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરમાં માને છે. દર્શન નૅશનલ-ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સના પાઇલટ છે. તેમણે સતત એવા દેશોમાં જવું પડતું હોય છે જેમાં વેજિટેરિયન ખોરાક મળવો પણ મુશ્કેલ હોય એવામાં તે સંપૂર્ણ જૈન ડાયટ જ લે છે. કંદમૂળ તેઓ ખાતા નથી. સવારે જો ૪ વાગ્યાની ફ્લાઇટ હોય તો ૩ વાગ્યે પણ ધ્યાન કરીને જ તે ફ્લાઇટ પકડે છે. ધ્યાન કર્યા વગર તે કામ પર જતા નથી. પોતાનો અનુભવ જણાવતાં દર્શન કહે છે, ‘સ્પિરિચ્યુઅલિટીના માર્ગ પર ચાલીને હું મારા પ્રોફેશનમાં ઘણો જ આગળ વધ્યો છું. એક પાઇલટ તરીકે જ નહીં, એક માણસ તરીકે પણ મેં મારો વિકાસ કર્યો છે. હું જે બાળકોની આર્થિક સ્થિતિ સારી નથી એવાં બાળકોને કરીઅર ગાઇડન્સ આપવાનું પણ કામ કરું છું. મને આ રીતે જીવવું ગમે છે અને હું સદ્ભાગી છું કે મેં આ માર્ગ પસંદ કર્યો.’ 

સ્પિરિચ્યુઅલિટીના માર્ગ પર ચાલીને હું મારા પ્રોફેશનમાં ઘણો જ આગળ વધ્યો છું. એક પાઇલટ તરીકે જ નહીં, એક માણસ તરીકે પણ મેં મારો વિકાસ કર્યો છે.

- દર્શન દેસાઈ

યુવાનો સ્પિરિચ્યુઅલ એટલે બની રહ્યા છે કે તેઓ સમજી ગયા છે કે સ્પિરિચ્યુઅલિટી જીવનનો એક ભાગ છે એટલે એ વૃદ્ધ બનીને સમજવાની જરૂર નથી. એ જેટલો જલદી અપનાવીએ એટલું આત્માનું કલ્યાણ છે.

- આત્માર્પિત મૌલિકજી

સાધના પછી મારું ફોકસ વધ્યું, એકાગ્રતા વધી. મારી વિચારવાની અને વર્તનની ઝડપ વધી. જે એક્ઝામમાં મને લાગતું કે હું ફેલ જ થઈશ એમાં પણ હું પાસ થઈ ગઈ. અત્યારે જૉબ કરું છું તો એમાં પણ મારો આત્મવિશ્વાસ ઘણો વધારે છે.

- ધરા શાહ

આજકાલ ધર્મના નામે ફક્ત કર્મકાંડ જ રહી ગયા છે. જે એનું એસેન્સ છે, એનો અર્થ છે એ ગાયબ થઈ ગયા છે. જે માણસ બીજા માણસને માન ન આપી શકે કે પ્રેમ ન રાખી શકે તે દરરોજ મંદિરમાં ચાર કલાક પૂજા કર્યા કરે એનાથી તેને કંઈ મળવાનું નથી.

- એશા શાહ


મારા ઘણા મિત્રો મને વખોડે છે. કહે છે કે હું સાયન્સની વિદ્યાર્થી છું છતાં આ બધામાં વિશ્વાસ રાખું છું. હું તેમને સમજાવું છું કે આ કોઈ તંત્ર-મંત્ર કે શ્રદ્ધાનો સવાલ જ નથી, આ એક પ્યૉર સાયન્સ છે. MBBS કરવાથી ફક્ત મને શારીરિક જ્ઞાન મળશે અને આ એનાથી પણ આગળનું જ્ઞાન છે.

- મીરા મહેતા


આજનો યુવાન ચારે બાજુથી ભીંસમાં છે. તે સતત શાંતિ અને ખુશી શોધતો હોય છે. સ્પિરિચ્યુઅલિટી તમને તમારી જાતને મળવામાં મદદ કરે છે અને એ જ પરમ આનંદ અને સુખ છે જે અહીં યુવાનો અનુભવે છે. એટલે આ તરફ બધા દોડી રહ્યા છે.

- સંગીતા જાની

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK