ચોમાસામાં બણબણતી માખીઓ તમને બીમાર બનાવે એ પહેલાં ચેતો

ચોમાસામાં આ માખીઓની સંખ્યા વધે છે અને એને કારણે આ રોગોનો વ્યાપ પણ. આજે જાણીએ માખીને કારણે ફેલાતા રોગો વિશે અને સમજીએ કે એનાથી બચવા શું કરવું

flies

જિગીષા જૈન

ચોમાસું આવ્યું નથી કે જાતજાતનાં જંતુઓ ઊભરાઈ આવે છે અને એમાં એક સૌથી વધુ ઇરિટેશન આપતું જંતુ છે માખી. એક વરસાદ પડ્યો નથી કે ઘરમાં અને ખાસ કરીને રસોડામાં માખીનાં ટોળેટોળાં ફરી વળે છે. બારી-બારણાં બંધ રાખીએ તો પણ ખબર નહીં ક્યાંથી એ ઊભરાઈ આવે છે. ઊડાઊડ કરીને અને ગણ-ગણ કરીને માથું ખાઈ જાય એ જુદું, પરંતુ એના સિવાય પણ એ કેટકેટલા રોગોને તાણી લાવે છે એની કલ્પના પણ નથી થઈ શકતી. બિલકુલ ડંખ પણ ન મારતી માખી એટલી હદે ડેન્જરસ હોય છે કે એને કારણે જીવ જવા સુધીની હાલત થાય છે. આ માખીઓ પાણીનાં ખાબોચિયાં, કચરો, ગંદકી, મળ કે કાદવ પર બેસે છે અને ઊડીને આપણા પર અને આપણા ખોરાક પર બેસે છે. એની પાંખ અને એના પગ પર રોગનાં જંતુઓ ચોંટી જાય છે અને એ જ્યાં ઊડે કે જ્યાં બેસે ત્યાં આ જંતુઓ ફેલાઈ શકે છે અને આ જ રીતે રોગચાળો ફેલાય છે. આ માખીઓથી બચવું અત્યંત જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન મુજબ માખીને કારણે આપણને ૬૫ જેટલા ગંભીર રોગોથવાની શક્યતા રહે છે. આ ૬૫માંથીબધા તો નહીં પરંતુ આપણે ત્યાં ચોમાસામાં જે વધુ જોવા મળે છે એવા રોગો વિશે જાણીએ.

ડાયેરિયા

માખીને કારણે ખાસ બાળકોમાં થતી આ તકલીફ જેને ડાયેરિયા અને ડિસેન્ટરી કહે છે એ આમ તો કોઈ પણને થઈ શકે છે, પણ આપણે ત્યાં બાળકોમાં વધુ જોવા મળે છે અને બાળકોમાં એ ઘાતક પણ નીવડતી હોય છે. ડાયેરિયામાં ફક્ત ઝાડા જ નથી થતા, સાથે ઊલટી પણ થાય છે, બાળકની ભૂખ મરી જાય છે. કંઈ પણ ખાધા-પીધા વગર, સતત જ્યારે ઊલટી દ્વારા કે ઝાડા દ્વારા શરીરનું પાણી ખતમ થઈ જાય છે ત્યારે બાળકની હાલત નાજુક બને છે અને આ પરિસ્થિતિ લંબાય તો બાળક માટે એ ઘાતક સાબિત થઈ શકે છે. એ વિશે ડૉ. પંકજ પારેખ કહે  છે, ‘બાળક ક્યારેય ડાયેરિયાથી મરતું નથી, પરંતુ ડાયેરિયાને કારણે ડીહાઇડ્રેશન થાય છે એને કારણે પરિસ્થિતિ ઘાતક બની શકે છે. બાળકનું શરીર નાનું હોવાને કારણે આમ પણ પાણી ઓછું હોય છે. સાતથી દસ વાર ઝાડા થાય કે તેના શરીરનું પાણી ખતમ થઈ જાય છે. બાળકને જ્યારે ડાયેરિયા થાય ત્યારે સૌથી મહત્વની બાબત ધ્યાનમાં રાખવા જેવી એ જ છે કે તેના શરીરનું પાણી ખતમ ન થાય.’

વાઇરલ ઇન્ફેક્શન

જેવી રીતે વ્યક્તિને શરદી-ઉધરસ અને તાવ જેવાં લક્ષણો સાથે વાઇરલ ઇન્ફેક્શન થાય છે એ જ રીતે પેટમાં પણ વાઇરલ ઇન્ફેક્શન થાય છે. બાળકોમાં આજકાલ રોટાવાઇરસ ઇન્ફેક્શન જોવા મળે છે જેની આજકાલ રસી પ્રાપ્ïત છે જે બાળકોને ચોક્કસ લગાવવી જોઈએ. પેટના વાઇરલ ઇન્ફેક્શન વિશે વાત કરતાં લેપ્રોસ્કોપિક અને ગૅસ્ટ્રો સજ્ર્યન ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, ‘પેટના વાઇરલ ઇન્ફેક્શનને વાઇરલ ગૅસ્ટ્રાઇટિસ કહેવાય છે. વાઇરલ ઇન્ફેક્શન જો જઠર સુધી જ પહોંચ્યું હોય તો વ્યક્તિને ઍસિડિટી, પેટમાં બળતરા કે દુખાવો જેવાં લક્ષણો જોવા મળે છે અને જો એ આંતરડા સુધી પહોંચી ગયું હોય તો ઝાડાની તકલીફ પણ શરૂ થઈ જાય છે. આ પ્રૉબ્લેમ કોઈ પણ વાઇરલ ઇન્ફેક્શનની જેમ એની જાતે જ અઠવાડિયાની અંદર ઠીક થઈ જાય છે. ક્યારેક કોઈ કેસમાં એ ગંભીર બની શકે છે.’

કૉલેરા

માખી, વાંદા અને ઉંદરો કૉલેરાને ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને વરસાદમાં માખીનો ત્રાસ ખૂબ વધારે રહે છે. આ માખી ગંદકી પર બેસે અને પછી ખોરાક પર બેસે અને પોતાના પગ અને પાંખો દ્વારા કૉલેરાના બૅક્ટેરિયા ખોરાક પર લાવે. કૉલેરા વિશે વાત કરતાં ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રૉય પાટણકર કહે છે, ‘કૉલેરાના બૅક્ટેરિયા પાણીમાં બે અઠવાડિયાં સુધી રહી શકે છે. એકદમ પાતળા ભાતના પાણી જેવા ઝાડા, સખત ઊલટી, પેટમાં ઊપડતો દુખાવો અને એની સાથે સખત લાગતી તરસ એ કૉલેરાનાં મુખ્ય લક્ષણો છે. ઘણી વાર દરદીમાં ઝાડાની સંખ્યા દિવસમાં ૯૦-૧૦૦ જેટલી પણ થઈ જાય છે, જેને કારણે શરીરમાં પાણી બચતું જ નથી અને વ્યક્તિ થોડા જ કલાકમાં મૃત્યુ પામે છે. આવાં લક્ષણો હોય ત્યારે જરૂરી ટેસ્ટ કરાવીને ઇલાજ સમયસર કરાવવો જરૂરી છે.’

ટાઇફૉઈડ

ટાઇફૉઈડના બૅક્ટેરિયા પાણીમાં ૭ દિવસ સુધી જીવી શકે છે અને એ માખી અને વાંદા થકી ફેલાય છે. ટાઇફૉઈડમાં તાવ ધીમે-ધીમે ચડતો હોય છે. એ વિશે વાત કરતાં ડૉ. રૉય પાટણકર કહે છે, ‘જીભ એકદમ સફેદ થઈ જાય છે, લોહીવાળા ઝાડા અને ઊલટી, પેટમાં અસહ્ય દુખાવો અને સ્નાયુ અને સાંધામાં દુખાવો પણ થાય છે. ભૂખમાં ઘટાડો અને ખૂબ વધુ પ્રમાણમાં ડીહાઇડ્રેશન થઈ જાય છે અને આંતરડામાં અલ્સર પણ થઈ જાય છે, જેને કારણે એ પ્રાણઘાતક બની શકે છે. આ રોગમાં પણ જલદી નિદાન અને સમયસર ઇલાજનું ઘણું મહત્વ છે.’

માખીને દૂર કરવા અને એના દ્વારા ફેલાતા રોગોથી બચવા માટે શું કરવું?

ઘરમાં ડિસઇન્ફેક્ટન્ટ વાપરો અને એનાથી જ પોતાં કરાવો જેથી માખી ન આવે અથવા એનું પ્રમાણ ઘટે. કેમિકલયુક્ત પદાર્થ વાપરવા કરતાં હર્બલ પદાર્થ બજારમાં મળે જ છે એ જ વાપરો, જેથી ઉપયોગ વધે તો પણ નુકસાન ન થાય

માખી એક વખત ઘરમાં ઘૂસે પછી એને કાઢવી અઘરી છે. એના કરતાં બારીઓ પર વાયરવાળી નેટ આવે છે એ લગાવો જેથી માખી જ નહીં મચ્છરથી પણ છુટકારો મળી શકે

ક્યાંય પણ જમો કે કંઈ પણ ખોરાક મોઢામાં નાખતાં પહેલાં હાથ ઍન્ટિબૅક્ટરિયલ સાબુથી વ્યવસ્થિત સાફ કરવા. ઇન્ફેક્શનથી બચવા માટેની અકસીર આદત હૅન્ડવૉશ છે. ખાસ કરીને બાળકોમાં આ આદત કેળવવી

પકવેલો ખોરાક ખુલ્લો ન રાખો, ઢાંકીને જ રાખો. ઘરનો ખોરાક સાફ અને જંતુરહિત હોય છે, પરંતુ જો ખુલ્લો હોય અને એના પર માખી બેસે તો એ હાનિકારક બની શકે છે

રોડ પર મળતાં ખુલ્લાં ઠંડાં પીણાં, શરબત, શેક, ગોલા, શેરડીનો રસ વગેરે ન પીવાં. 

ચોમાસામાં રોડસાઇડ ખોરાક ખાવાનું ટાળો. ખુલ્લામાં લારીમાં પડેલા ખોરાક પર ઘણી માખીઓ બેઠી હોઈ શકે છે. આ સિવાય તેમણે વાપરેલું પાણી મલિન હોય તો તમે માંદા પડી શકો છો. આ ચાર મહિના લારીઓ પર ખાવાનું ટાળો. આમ તો હોટેલનો ખોરાક પણ ન ખાવો હિતકારક છે. જો ખાવો જ પડે તો તમારી નજર સામે પકવેલો ખોરાક ખાવો

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK