બાળકને હેલ્ધી ખાતાં શીખવવા માટે અપનાવો આ સોનેરી શિખામણો

ખાસ કરીને બાળકોની બાબતમાં પણ લોકો બેદરકાર બને છે. બહાનાં આપે છે કે બાળકો માનતાં નથી, કહીએ એમ કરતાં નથી. આજકાલ રૉન્ગ ફૂડનું એક્પોઝર આટલું વધી ગયું છે ત્યારે બાળકને હેલ્ધી આદતો પડાવવી અઘરી છે, પણ અશક્ય નથી. આ માટે અમુક નિયમોનું પાલન જરૂરી છે એ આજે જાણીએ

food

જિગીષા જૈન

આજકાલ હેલ્ધી ખોરાક ખાતા લોકો ભલે ઓછા જોવા મળે, પરંતુ હેલ્ધી ખોરાકની વાતો કરતા લોકો ઘણા જોવા મળે છે. ખાસ કરીને બાળકોને હેલ્ધી ખવડાવો એ બાબત પર સારીએવી વાતો થાય છે. બાળકને શું ખવડાવવું કે શું ન ખવડાવવું એના સેમિનાર થાય છે. પેરન્ટ્સ હોંશે-હોંશે એ ભરવા જાય છે. ડૉક્ટરો, ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થ-એક્સપર્ટ પાસેથી પોતાના બાળકને શું ખવડાવવું અને શું ન ખવડાવવું એનું જ્ઞાન લેનારા ઘણા છે. આમ શું સાચું છે એ જાણે તો બધા જ છે, પરંતુ એને કેટલું અનુસરી શકાય છે એ એક પ્રશ્ન છે.

હાલમાં સબર્બમાં જાણીતી સ્કૂલના પેરન્ટ્સના એક વૉટ્સઍપ ગ્રુપમાં ચર્ચા ચાલી. એ ચર્ચા હતી કે સ્કૂલમાં હેલ્ધી નાસ્તો કેમ નથી આપતા. આ પ્રી-સ્કૂલમાં બાળકોને ઘરેથી નાસ્તો લઈ જવાની મનાઈ છે, કારણ કે સ્કૂલમાં જ બાળકોને નાસ્તો આપવામાં આવે છે. આ નાસ્તામાં તેઓ શું આપે છે? સમોસા, ગાંઠિયા અને મીઠી બુંદી, ઇડલી-ચટણી, ઢોકળાં, બિસ્કિટ અને દૂધ. સાતમાંથી ત્રણ દિવસ જોવા જઈએ તો બાળકને અનહેલ્ધી નાસ્તો મળે છે જેમ કે સમોસા, ગાંઠિયા અને બિસ્કિટ. જ્યારે કોઈ તહેવાર હોય કે પાર્ટી હોય ત્યારે કપ-કેક કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ હોય છે. દરેક સ્કૂલમાં બાળકોને નાનપણથી જ શીખવવામાં આવે છે કે હેલ્ધી ફૂડ કોને કહેવાય? ચાર્ટ બનાવવામાં આવે અને જુદી-જુદી ટેક્નિકથી સમજાવવામાં આવે કે બાળકે શું ખાવું અને શું નહીં. પ્રી-સ્કૂલમાં દરેક વર્ષે હેલ્ધી ફૂડનું જ્ઞાન આપવું આજકાલ ફરજિયાત બની ગયું છે. આમ બાળક પહેલા ધોરણમાં આવે ત્યાં સુધીમાં તેને પૂરું જ્ઞાન મળી જાય છે કે આ ફૂડ હેલ્ધી છે અને આ નહીં. આ સ્કૂલમાં પણ આ વિશે બાળકોને ભરપૂર જ્ઞાન આપ્યું છે, પરંતુ સ્કૂલ પોતે આ જ્ઞાનને કેટલું અનુસરે છે એ દેખીતું છે. આ ચર્ચા ફક્ત વૉટ્સ-ઍપ સુધી સીમિત ન રહી, ઘણા જાગ્રત પેરન્ટ્સે સ્કૂલમાં ફરિયાદ પણ કરી. પેરન્ટ્સની ફરિયાદો પર સ્કૂલે પોતાનો નાસ્તો તો ન જ બદલ્યો, પરંતુ બાળકોને ઘરેથી ખોરાક લાવવાની છૂટ આપવામાં આવી. સ્કૂલમાં મગ કે ચણા, પૌંઆ, ઉપમા, પુલાવ, પરાઠા, સૂકી ભેળ, પૉપકૉર્ન, ધાણી, ઇડલી, વડા, મિક્સ ફ્રૂટ્સ જેવો હેલ્ધી નાસ્તો કેમ ન આપી શકાય? જયારે કોઈ તહેવાર હોય ત્યારે તેને કપ-કેક અને નૂડલ્સને બદલે હલવા-પૂરી કે ખીર-પૂરી કેમ ન આપી શકાય? આવી દલીલો પેરન્ટ્સે કરી હતી, પરંતુ સ્કૂલના લોકોએ પણ જોરદાર દલીલ કરી હતી કે તમારાં બાળકો આ બધું ખાતાં જ નથી. એક સમય એવો હતો કે અમે એકદમ હેલ્ધી નાસ્તો જ આપતા હતા, પરંતુ તમે તમારા બાળકને આ બધું ખાતાં શીખવ્યું જ નથી. એટલે તે સ્કૂલમાં આવીને ખાતાં નથી. એ લોકો ભૂખ્યાં રહે તો પણ પ્રૉબ્લેમ કહેવાય એટલે અમે તેઓ ખાઈ શકે એવો અને પ્રમાણમાં ઓછો અનહેલ્ધી હોય એવો નાસ્તો પસંદ કર્યો છે. ઍટ લીસ્ટ બાળકો ભૂખ્યાં તો નથી રહેતાં એ જોવું વધુ જરૂરી છે. આ દલીલ એક રીતે પ્રૅક્ટિકલ લાગે, પરંતુ હકીકત એ છે કે બાળકને જે ખવડાવો એ જ તે ખાતાં શીખે. બાળક એક દિવસ નહીં ખાય, પાંચ દિવસ નહીં ખાય, પરંતુ પછી ખાશે. તકલીફ એ છે કે જ્ઞાન હોવા છતાં આપણે એ જ્ઞાનનો પૂરો ઉપયોગ નથી કરતા. તમારું બાળક હેલ્ધી ખોરાક ખાતાં શીખે એ માટે અમુક બેઝિક નિયમ પાળો. બાળકને હેલ્ધી ખાતાં શીખવવું ધારીએ એટલું અઘરું પણ નથી.

ફિમ્સ ક્લિનિક-માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ પાસેથી જાણીએ કેટલાક મૂળભૂત નિયમો

૧. નાનપણથી કરો શરૂઆત

જરૂરી છે કે બાળક ખાવાનું શરૂ કરે ત્યારથી જ એટલે કે તેનો સ્વાદ ડેવલપ થાય ત્યારથી તેને હેલ્ધી જ ખવડાવો. બધાં જ ફ્રૂટ્સ, બધી જ શકભાજી, બધાં જ ધાન્ય ખવડાવો. પહેલેથી જો સ્વાદ ડેવલપ થયેલા હશે તો બાળક નખરાં નહીં કરે.

૨. તમે તેના રોલ-મૉડલ બનો

બાળકો હંમેશાં શીખવેલું નથી કરતાં, જે જુએ છે એ જ શીખે છે અને એ જ કરે છે. માટે જરૂરી છે કે તમે જો તેને સમજાવો કે જન્ક ન ખવાય અને તમે તેની સામે જન્ક ખાઓ તો કેમ ચાલે? આ માટે જરૂરી છે કે તમે બાળકના રોલ-મૉડલ બનો. મમ્મીને ફ્રૂટ્સ ખૂબ ભાવે એટલે મને પણ ભાવે કે પપ્પા ક્યારેક ફ્રિજનું પાણી પીએ જ નહીં એટલે હું પણ નથી પીતો એવું બાળકને થશે. આવું થાય ત્યારે તમારે બાળકને હેલ્ધી આદત પડાવવી નહીં પડે, પરંતુ તે ખુદ પાડશે.

૩. નિયમો બનાવો અને પાળો પણ

બાળકને આમ પૅકેટ-ફૂડ ખાવા ન આપતાં હોઈએ, પરંતુ જે દિવસ ઘરેથી કંઈ બનાવવાનો સમય ન મળ્યો અને બહાર ગયા તો બાળકને એ દિવસે પૅકેટ પકડાવી દઈએ. તો શું એ યોગ્ય છે? તમારી સહુલિયત પ્રમાણે જો તમે નિયમો તોડશો તો બાળક કઈ રીતે એ નિયમને અનુસરશે? આ નાની બાબતો છે, પરંતુ અત્યંત મહત્વની છે.

૪. આદેશ નહીં, તર્ક સમજાવો


બાળકને જ્યારે તમે કહો છો કે હું કહું છું કે આ નથી ખાવાનું એટલે નહીં ખા તો તે માનશે નહીં, પરંતુ નાનપણથી તેને સમજાવો કે આ ખોરાક કેમ ખરાબ છે? એ ખાવાથી શું થઈ શકે? શું કામ એ ન જ ખાવો જોઈએ. આ તર્ક નાની ઉંમરે નહીં સમજાય એમ ન માનો, ચોક્કસ સમજાશે. તર્કને કારણે બાળક મનથી નિયમોનું પાલન કરે છે.

૫. તેને જ નહીં, ફૅમિલી-મેમ્બર્સને પણ સમજાવો


ઘણી વખત એવું હોય છે કે માતા-પિતા તો અનહેલ્ધી ફૂડ ન આપતાં હોય, પરંતુ ઘરના બાકીના લોકો ખાસ કરીને દાદા-દાદી લાડને બહાને બાળકોને વધુ ખવડાવતાં હોય છે. આવા સમયે ઉંમરને કારણે તમે વચ્ચે ન આવો એ યોગ્ય નથી. બાળકને દાદી જાતે બનાવીને હલવો ખવડાવે તો એમાં કશું જ ખોટું નથી, પરંતુ બાળક રડતું હોય અને તેને ચૂપ કરવા માટે દાદી ચૉકલેટ આપે, દાદા દરરોજ બહાર જાય ત્યારે બાળક માટે ચૉકલેટ લઈ આવે. આ આદતો ખોટી છે. એની સામે થાઓ એ પહેલાં પ્રેમથી દાદા-દાદીને સમજાવી શકાય.

૬. ઇનામ તરીકે ક્યારેય રૉન્ગ ફૂડ ન આપો


તું વ્યવસ્થિત જમી લેશે તો હું તને ચૉકલેટ આપીશ. જો તું હોમવર્ક સમય પર કરી લેશે તો હું તને આઇસક્રીમ ખાવા લઈ જઈશ. આવી શરતો ન મૂકો. ઇનામ તરીકે ખોરાક ન આપો. ખોરાક ઇનામ નથી, દરરોજની જરૂરિયાત છે. પોષણ માટેનું સાધન છે. વળી જ્યારે તમે ન ખાવાની વસ્તુ ઇનામરૂપે આપો છો તો એ સારા ફૂડમાં ગણાઈ જાય છે. ખુશી કે ઇનામને તમે ખોટાં ફૂડ સાથે જોડી બાળકને એ અનુભવ કરાવો છો કે આ ફૂડ સારું છે, જે અયોગ્ય છે.

૭. રૉન્ગ ફૂડને ઉત્સવ સાથે ન જોડો

ખાસ કરીને બાળકોના બર્થ-ડેમાં માતા-પિતા આળસુ બની જાય છે અને તૈયાર જન્ક ફૂડ બાળકો માટે લઈ આવે છે. સસ્તું પણ પડે એટલે બર્ગર-ફ્રાઇસ અને કોલ્ડ ડ્રિન્કનું કૉમ્બો રાખે છે, પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે તમારા બાળકના બર્થ-ડે પર તમે તેને આટલો ખરાબ પોષણરહિત ખોરાક આપશો? એટલું જ નહીં, બોલાવેલા મહેમાન-બાળકોને પણ જન્ક ફૂડ ખવડાવશો? એટલે બાળકોના મનમાં તમે એ ઇમ્પ્રેશન નાખો છો કે આ પ્રકારનો ખોરાક જ્યારે તમે ખૂબ ખુશ હો ત્યારે ખવાય. શું આ યોગ્ય ગણાય? આવી પાર્ટીઝમાં તમે તમારા બાળકને લઈ જાઓ કે નહીં એ પણ તમારે જ નક્કી કરવાનું છે.

૮. બાળકની જીદ પૂરી ન કરો

મોટા ભાગના પેરન્ટ્સ કહે છે કે બાળક નાનું હતું, ઘરમાં રહેતું હતું ત્યારે તે ખોટા ખોરાક માટે જીદ નહોતું કરતું, પરંતુ જ્યારથી સ્કૂલમાં જવાનું શરૂ કર્યું છે તે ખૂબ જીદ કરે છે. કહે છે કે મારા બધા ફ્રેન્ડ્સ ચિપ્સ ખાય છે, મને પણ જોઈએ. મારા ફ્રેન્ડ્સ કોલ્ડ ડ્રિન્ક પીએ છે, મને પણ જોઈએ. કે પછી ટીવીમાં ફૂ-ફૂ જોઈને કહેશે કે મારું કાટૂર્ન-કૅરૅક્ટર ફલાણી બિસ્કિટ ખાય છે, હું પણ ખાઈશ. આટલા એક્સપોઝરમાં બાળકને રોકવું અઘરું છે, પરંતુ અશક્ય નથી. બાળકને સમજાવો તો તે સમજશે. થોડી ધીરજ રાખો. તેની જીદને વશ ન થાઓ. તેને મન છે એટલે તેને ખોટો ખોરાક ન આપો. તે અણસમજુ છે, તમે નહીં એ યાદ રાખો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK