વટાણા, તુવેર, વાલ, ચોળી કે લીલા ચણા જેવાં લીલાં બીજ ખાવાના ફાયદા છે અઢળક

ખાસ કરીને શાકાહારી લોકોએ શિયાળામાં આ બીજનો ફાયદો પૂરી રીતે ઉઠાવવો જોઈએ. આજે જાણીએ આ જાતજાતનાં બીજ આપણને કઈ રીતે ઉપયોગી છે અને એની કેટલીક નવી રેસિપીઝજિગીષા જૈન

શિયાળામાં ખૂબ જ સારી ગુણવત્તાની શાકભાજી મળે છે એટલું જ નહીં, ઘણી અલગ-અલગ વરાઇટી પણ આ જ સીઝનમાં મળે છે. જો શાકાહારી ડાયટની વાત કરીએ તો એમાં પ્રોટીન દાળ અને કઠોળમાંથી મળે છે આ દાળ અને કઠોળ લીલા એટલે કે ફ્રેશ ફૉર્મમાં આ સીઝનમાં જ મળે છે, જેને ટેન્ડર પ્રોટીન પણ કહે છે. આ ટેન્ડર પ્રોટીન ધરાવતાં શાક એટલે લીલા વટાણા, વાલના દાણા, તુવેરના દાણા, પાપડી કે વાલોળ જે ખુદ ૩-૪ પ્રકારની આવે છે એના દાણા, લીલા ચણા કે જીંજરા, ચોળીનાં બી વગેરે. આ બીને સૂકવીને દાળ કે કઠોળ બનતાં હોય છે. દાળ અને કઠોળ હંમેશાં પચવામાં ભારે અને સુપાચ્ય નથી રહેતાં, પરંતુ એને લીલાં ખાવામાં આવે તો એ ઘણાં સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.

ઉપયોગ

આ દાણાઓ પ્રોટીનનો અદ્ભુત સોર્સ છે એ તો સમજી શકાય, પરંતુ એમાં બીજાં કયાં પોષક તત્વો મળી આવે છે એ જણાવતાં કેજલ શેઠ કહે છે, ‘આ દાણાઓમાં વિટામિન A, વિટામિન C, વિટામિન K, અને વિટામિન B૬ ભરપુર માત્રામાં મળે છે. આ સિવાય એમાંથી અમીનો ઍસિડ, ફોલિક ઍસિડ, કૅલ્શિયમ, લોહતત્વ, મૅન્ગેનીઝ, કૉપર અને પોટૅશિયમ જેવાં ખનીજ તત્વો પણ ભરપૂર માત્રામાં મળે છે. આમ આ કુમળા દાણાઓ હાડકાંને મજબૂત કરવા માટે, સ્નાયુઓના ઘડતર માટે અને દરેક કોષના યોગ્ય બંધારણમાં ઘણા મદદરૂપ થાય છે. આ સિવાય એમાં ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરતાં ઘણાં તત્વો પણ છે. ઍન્ટિઑક્સિડન્ટ પણ એમાં ભરપૂર માત્રામાં છે, જેને કારણે આપણા શરીરમાં ફરતાં ફ્રી રૅડિકલ્સથી પણ મુક્તિ મળે છે. હાર્ટ-હેલ્થ માટે પણ એ ઘણું જ ઉપયોગી છે. આ ઉપરાંત એમાં ફાઇબર્સ ઘણી વધુ માત્રામાં હોય છે, જેને કારણે પાચન ઘણું સારું થાય છે. પાચન સારું થવાની સાથે પેટ પણ વ્યવસ્થિત સાફ રાખવામાં એ મદદરૂપ છે.’

કઈ રીતે ખાવું?

સૂકાં કઠોળ અને દાળ કરતાં આ લીલાં બીજ કઈ રીતે અલગ પડે છે એ જણાવતાં ઘાટકોપરનાં ડાયટિશ્યન મીનલ ભાનુશાલી કહે છે, ‘કઠોળ અને દાળમાં વધુ કૅલરી હોય છે, જ્યારે આ લીલાં બીજમાં ઓછી કૅલરી હોય છે. એને લીધે વેઇટ પ્રત્યે સભાન લોકો માટે એ ઘણાં ઉપયોગી છે. આ સિવાય એ પચવામાં પણ કઠોળ અને દાળ કરતાં સરળ કહી શકાય, કારણ કે એ ફ્રેશ ફૂડ છે. છતાં જેમને ગૅસનો ઘણો પ્રૉબ્લેમ હોય એ લોકો એને વ્યવસ્થિત બાફીને અને વઘારીને જ ખાય એ જરૂરી છે. કાચાં વધુ ન ખાવાં. જેઓ યુવાન છે કે જેમનું પાચન સ્ટ્રૉન્ગ છે તેઓ આ દાણા કાચા પણ પચાવી શકતા હોય છે. આ સિવાય જો લીલાં બીજને ખોટી રીતે પકવવામાં આવે જેમ કે વધુ બાફી નાખવામાં આવે કે પાણી વધુ નાખવામાં આવે તો એનાં વિટામિન બધાં ઊડી જઈ શકે છે. એટલે આ ખોટી રીત ન વાપરવી. આ દાણાને કાં તો પ્રેશરકુકરમાં કાં તો કડાઈને ઢાંકીને પકવવા જેથી એનાં તત્વો ઊડી ન જાય. આ સિવાય આ દાણાઓ દિવસના સમયમાં જ ખાવા. રાત્રે કોઈ લોકોને એ પચવામાં નડી શકે છે.’

ગુજરાતી લોકો ઊંધિયામાં ઉપયોગ કરે


વટાણા, વાલ, તુવેર, લીલા ચણા, ચોળી વગેરે બીજનો ઉપયોગ આપણે ગુજરાતી લોકો ઊંધિયામાં કરીએ છીએ. આ સિવાય ઘણાં ઘરોમાં અલગથી શાક બનતાં હોય છે. નાનાં બાળકો ક્યારેક આ બીજ ખાવામાં આનાકાની કરતાં જોવા મળે છે. ન્યુટ્રિવિટી ડૉટ ઇનના ફાઉન્ડર અને ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી જાણીએ કેટલીક એવી રેસિપીઝ જે બાળકોને પણ ભાવશે અને નવીન પણ લાગશે.

pizza

તુવેરના દાણાના રોટલા પીત્ઝા

સામગ્રી

+    ૧ કપ બાજરાનો લોટ

+    ૧ કપ જુવારનો લોટ

+    ૧ ચમચો ઘી મોણ માટે - જેમને ઘી નથી ખાવું તે ૧ વાટકી દહીંનો ઉપયોગ પણ કરી શકે છે.

+    ૧ કપ ઘરે બનાવેલો પીત્ઝા સૉસ

+    ૧ નાનો કપ મિક્સ વેજિટેબલ - મકાઈના દાણા, શિમલા મરચાં અને ડુંગળી

+    અડધો વાટકો તુવેરના દાણા - બાફેલા અને છૂંદેલા

+    ૨૫૦ ગ્રામ મોઝરેલા ચીઝ

+    બે ચમચા મિક્સ હર્બ્સ

+    ૧ ચમચી ઑઇલ

+    મીઠું સ્વાદ અનુસાર

રીત


બન્ને લોટ ભેગા કરીને એમાં મીઠું નાખીને ઘીનું મોણ ઉમેરો. જેમને ઘી ન નાખવું હોય તે તેલ પણ નાખી શકે. અને જેમને ઘી-તેલ બન્ને ન નાખવાં હોય તે દહીંથી લોટ બાંધે. દહીંથી એ ઘણું ટેસ્ટી પણ લાગે છે. લોટ બાંધતી વખતે એમાં થોડા ઇટાલિયન મિક્સ હર્બ્સ નાખો. લોટ કડક બાંધો. થોડું તેલ ચોપડો જેથી ચોંટે નહીં. તેને અડધો કલાક રહેવા દો. રોટલા બનાવતાં પહેલાં અવનને બસો ડિગ્રી પર પ્રી-હીટ કરો. એક લૂઓ લઈને રોટલીથી થોડા જાડા એવા રોટલા વણો. થાપીને પણ બનાવી શકાય. તવા પર એનો રોટલો બરાબર શેકી લો. ફૂલે એ રીતે કપડાથી દબાવીને શેકો. બીજા પૅનમાં ૧ ચમચી ઑલિવ ઑઇલ લો. એમાં પીત્ઝા સૉસ ઉમેરો અને એમાં ક્રશ કરેલા તુવેરના દાણા અને વેજિટેબલ ઉમેરો. પાંચ મિનિટ એમાં જ સાંતળો. રોટલા તૈયાર થઈ જાય પછી એના પર પીત્ઝા સૉસ પાથરો અને પેલું મિશ્રણ પણ સેટ કરો. એના પર ચીઝ ભભરાવો અને એને અવનમાં ચીઝ પીગળે ત્યાં સુધી પકવો. જો અવન ન હોય તો એને તવા પર જ ઢાંકી દો. ચીઝ એમાં પણ પીગળશે. એટલું થાય એટલે તવા પરથી નીચે ઉતારી પીસ કરો અને પીરસો.

curry

ફ્રેશ બીન્સની કરી

સામગ્રી

+    ૧ કપ મિક્સ ફ્રેશ બીન્સ (વટાણા, વાલ, તુવેર દાણા, ચોળીના દાણા, લીલા ચણા, બીજા જેટલા પણ પ્રકારના દાણા તમને મળે એ બધાનું મિક્સ્ચર લઈ લેવું.)

+    બે ચમચા તેલ

+    ૩ કળી લસણની

+    ૩-૪ ચમચા ટમેટાની પ્યુરી

+    બે ચમચી પાંઉભાજી મસાલો

+    ૩૦ ગ્રામ ખમણેલું પનીર

+    ૧ ચમચી લીંબુનો રસ

+    ૩ મોટા ચમચા પાણી અથવા વેજિટેબલ સ્ટૉક હોય તો એ

+    ૧ ચમચી ખાંડ

+    અડધી ચમચી લાલ મરચું પાઉડર

+    ચપટી હિંગ

+    મીઠું સ્વાદ અનુસાર

રીત


બધાં બીજને મીઠું નાખીને બાફી લો. બાફવામાં જે પાણી વપરાયું હોય એને ફેંકતા નહીં. એને કરી બનાવવામાં જ અંદર વાપરી નાખીશું જેથી એનું સત્વ ન જતું રહે. એક કડાઈમાં તેલ ગરમ મૂકો અને એમાં લસણ અને હિંગનો વઘાર કરો. લસણ સાંતળી લીધા પછી એમાં ટમેટાની પ્યુરી ઉમેરો. જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ટમેટાને પકવો. એમાં પાંઉભાજી મસાલાઓ, મરચું, લીંબુનો રસ, ખાંડ, મીઠું અને પાણી કે વેજિટેબલ સ્ટૉક ઉમેરો. એને પાકવા દો. ગ્રેવી સરસ તૈયાર થાય એટલે એમાં બાફેલા બીન્સ ઉમેરો. એને ૧ મિનિટ ઊકળવા દો. છેલ્લે ગૅસ બંધ કરો અને જ્યારે પીરસો ત્યારે ઉપરથી પનીરને ખમણીને પીરસો. ભાત કે રોટલી સાથે ખાઈ શકાય. આ જ રીતે ફ્રેશ મિક્સ બીન્સનું મિસળ પણ બનાવી શકાય છે, જેમાં ડ્રાય વટાણાને બદલે ફ્રેશ મિક્સ બીજને વાપરી શકાય. એને પાંઉ સાથે ખાઈ શકાય.

tacoz

વાલના ટાકોઝ

સામગ્રી

+    બે કપ કે ૪૦૦ ગ્રામ વાલના દાણા બાફેલા કે પકવેલા

+    ૧ કપ ટમેટાનો સૉસ અથવા ટમેટાની પ્યુરી અથવા ૨૫૦ ગ્રામ ઝીણાં સમારેલાં ટમેટાં

+    બે મોટા ચમચા ટબેસ્કો કે હૉટ સૉસ

+    અડધો કપ ફેટા અથવા કોઈ પણ પ્રકારનું ચીઝ

+    ૮ નંગ સમારેલાં ચેરી ટમેટાં

+    પા કપ - લગભગ ૩૫ ગ્રામ મકાઈના દાણા

+    ૮ ટાકો શેલ્સ (તૈયાર ટાકો શેલ્સ મળે છે. એ ન વાપરવા હોય તો મકાઈનો લોટ અને ઘઉંનો લોટ ભેળવીને લોટ બાંધી ટાકોઝના શેલ્સ બેક કરી લો. એ ખૂબ સરળ છે.)

રીત


એક પૅનમાં બાફેલાં વાલનાં બીજ, ટમૅટો સૉસ, ટબેસ્કો સૉસ ભેળવીને એને પાંચ મિનિટ પાકવા દો. આ ફિલિંગ તૈયાર થઈ જાય એટલે એને સેટ કરવા માટે ટાકો શેલ લો. એમાં નીચે વાલનું ફિલિંગ પાથરો. એના પર ચીઝ ભભરાવો. એના પર ચેરી ટમેટાં અને મકાઈનાં બીજથી સજાવો. તરત જ પીરસો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK