મહિલાઓ પોતાનું ધ્યાન રાખતાં ક્યારે શીખશે?

મહિલાઓ ઘરના કામમાં જેટલી ચીવટ રાખે છે એટલી હેલ્થની કેમ નથી રાખતી? ડાયટ પ્રત્યેની બેદરકારીનાં ગંભીર પરિણામો આવી શકે છે

kajal

વર્ષા ચિતલિયા

આજે સાંજે તમારા માટે શું બનાવું? મારે તો જે હશે એ ચાલશે અથવા સવારનું પડ્યું છે એ ચાલશે. સાંજની રસોઈની વાત નીકળે ત્યારે મોટા ભાગની લેડીઝ આવું કહેતી હોય છે. જે હશે તે ખાઈ લેવાની ટેવ કેટલી યોગ્ય છે? પોતાના સ્વાસ્થ્યની અવગણના કેટલી ગંભીર છે એ મહિલાઓએ જાણી લેવાની જરૂર છે. ૨૦૧૭ના ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ અનુસાર ૫૧ ટકા ભારતીય મહિલાઓ એનીમિક અને બાવીસ ટકા મહિલાઓ ઓવરવેઇટ છે. ૧૪૦ દેશોમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે આપણા દેશમાં મહિલાઓ હેલ્ધી ફૂડ લેતી નથી એમ છતાં તેમનું વજન વધારે છે. આખો દિવસ રસોડામાં વિવિધ વાનગીઓ બનાવવામાં વ્યસ્ત રહેતી મહિલાઓ પોતાના માટે સ્વાસ્થ્યવર્ધક આહાર બનાવવામાં આળસ કરે છે અને આગળ જતાં રોગનો શિકાર બને છે. પોતાના પર કાપ મૂકવાના સ્વભાવ અને આળસનાં ગંભીર પરિણામો પણ ભોગવે છે. હવે મહિલાઓએ તેમના સ્વાસ્થ્ય માટે જાગ્રત થવું પડશે.

વધેલું ખાવાની આદત


ભારતીય મહિલાઓ કુપોષિત છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે એનો પ્રત્યુત્તર આપતાં મલાડમાં ક્લિનિક ધરાવતાં ડાયટ-એક્સપર્ટ ડૉ. રૂપલ સંઘવી કહે છે, ‘આ વાત સો ટકા સાચી છે. આપણા દેશમાં મહિલાઓ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બહુ જ બેદરકાર છે. એમાંય ખાસ કરીને ગુજરાતી મહિલાઓ તો સાવ જ કૅરલેસ છે એવું મારું માનવું છે. આપણે ત્યાં મહિલાઓને વધેલી રસોઈ ખાવામાં ઇન્ટરેસ્ટ હોય છે જેના કારણે ૪૫ની વય પછી તેમને સાંધાના દુખાવાનો સામનો કરવો પડે છે. મોટા ભાગની મહિલાઓ સવારની વધેલી રસોઈ ખાય છે જે સદંતર ખોટું છે. રસોઈ બનાવ્યા બાદ એને બે કલાકમાં ખાઈ લેવી જોઈએ, ત્યાર બાદ ખાવાથી કોઈ ફાયદો નથી થતો. એમાં રહેલાં ન્યુટ્રિશ્યસ તkવો નષ્ટ થઈ જાય છે. મહિલાઓ હસબન્ડ અને બાળકોની જેટલી કાળજી લે છે એના કરતાં અડધી કાળજી પણ પોતાના માટે નથી લેતી. વધેલી વાનગી ન ખાવી જોઈએ એ વાત તેઓ સમજતી જ નથી. સૌથી પહેલાં તો વધેલી રસોઈ ખાવાની બંધ કરી દેવી જોઈએ.’

સ્પેશ્યલ વર્કશૉપ

શરીરમાં પ્રોટીનની ઊણપ વિશે જણાવતાં ડૉ. રૂપલ સંઘવી કહે છે, ‘મહિલાઓ દૂધ નથી પીતી. વેજિટિરિયન લોકોએ તો દૂધને પ્રાથમિકતા આપવી જ જોઈએ, કારણ કે એમાંથી જ તેમને આવશ્યક પ્રોટીન મળે છે. મેં તો મહિલાઓને દૂધ પીતી જોઈ જ નથી. દૂધને તો તેઓ સાવ અવૉઇડ જ કરે છે. દૂધ ઉપરાંત સોયબીન પણ ખાઈ શકાય. પ્રોટીનની ઊણપના લીધે મેનોપૉઝ પિરિયડ દરમ્યાન શરીરમાં બીજા રોગો ઘર કરી જાય છે. બીજું, મહિલાઓ પોતાની પાછળ ખર્ચ કરવામાં નથી માનતી. શરૂઆતથી જ તે નટ્સ અને ફ્રૂટ્સ જેવો પૌષ્ટિક આહાર ઘરમાં અવેલેબલ હોવા છતાં બાળકોને ખવડાવે છે, પણ પોતે નથી ખાતી. અરે, સિંગદાણા જેવી વસ્તુ ખાવામાં પણ તે આળસ કરે છે, જેના કારણે પ્રૌઢાવસ્થા સુધી પહોંચતાં તે થાકી જાય છે અને તેને કંટાળો આવે છે વધુમાં આર્થ્રાઈટિસની સમસ્યાથી પીડાય છે. એક એનીમિક સ્પૉટ સુધી પહોંચ્યા બાદ તે જાગે છે. મહિલાઓમાં આહાર પ્રત્યે જાગ્રતતા લાવવા સ્પેશ્યલ વર્કશૉપ રાખવી જોઈએ. સરકારે પણ એ દિશામાં વધારે કામ કરવાની જરૂર છે. મહિલાઓ શું ખાવું એના કરતાં શું ન ખાવું એટલું પણ જો સમજી જાય તો ઘણાબધા પ્રશ્નો સૉલ્વ થઈ જાય.’

બ્રેકફાસ્ટની અવગણના

મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને ગંભીરતાથી નથી લેતી એ સંદર્ભે વાત કરતાં વસઈમાં રહેતાં ગૃહિણી તથા યોગ-ઇન્સ્ટ્રક્ટર હેતલ ભટ્ટ કહે છે, ‘સૌથી પહેલાં તો મહિલાએ આ વાત સમજી લેવી જોઈએ કે જો તે ફિટ નહીં રહે તો ઘરમાં બધું વેરવિખેર થઈ જશે. હસબન્ડ અને બાળકોની થાળીમાં વધેલી રસોઈ ખાવાની આદત ખરેખર બહુ જ ખરાબ છે. અન્નનો બગાડ ન થાય એટલે તે વધેલી વાનગી ખાઈ લે છે અને હાથે કરીને પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે. જોકે આ વાત મને પણ એટલી જ લાગુ પડે છે. આ બાબતમાં હું પણ થોડી બેફિકર છું. ડ્રાયફ્રૂટ્સ નથી ખાતી, પરંતુ શાકભાજી અને સૅલડ ખાવાની ટેવ અપનાવી છે. ઉપરાંત તળેલી અને મેંદાવાળી વસ્તુઓ ખાવાની અવૉઇડ કરું છું. શક્ય હોય ત્યાં સુધી વધેલી રસોઈ ન ખાવી પડે એ રીતે સમજીવિચારીને રસોઈ બનાવું છું. હું માનું છું કે મહિલાઓએ સવારના નાસ્તાની અવગણના પણ ન કરવી જોઈએ. આખો દિવસ કામ કરવાની શક્તિ સવારના નાસ્તામાંથી પ્રાપ્ત થાય છે. સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો જોઈએ. ડ્રાયફ્રૂટ ન ખાવાં હોય તો સિંગ-ચણા ખાવાં જોઈએ જેથી પ્રોટીન મળી રહે. લીલી શાકભાજી અને સૅલડને પ્રાધાન્ય આપવું જોઈએ. જ્યારે હસબન્ડ અથવા બાળક માંદા પડે અને ડૉક્ટરે ખાવામાં પરેજી પાળવાનું કહ્યું હોય ત્યારે તેમના માટે કેવું બધું બનાવો છો? તો તમે તમારા માટે ન બનાવી શકો? આ જ પ્રશ્ન મહિલાઓને પૂછવાની જરૂર છે. મહિલાઓ પરિવારનું જે રીતે ધ્યાન રાખે છે એ જ રીતે પોતાના આહાર પ્રત્યે ધ્યાન આપે તો બધી સમસ્યા ઉકેલાઈ જાય એમ છે.’

કૅલ્શિયમ અને પ્રોટીન

મહિલાઓ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર છે એ વાત સાથે સહમત થતાં કુર્લા ખાતે ક્લિનિક ધરાવતાં ન્યુટ્રિશનિસ્ટ ડૉ. કંચન પટવર્ધન કહે છે, ‘હાઉસવાઇફ હોય કે વર્કિંગવુમન મહિલાઓને આખો દિવસ ફૅમિલીની ચિંતા રહે છે. ચિંતા અને સ્ટ્રેસને કારણે તે આહાર તરફ ધ્યાન નથી આપી શકતી જેના કારણે શરીરમાં કૅલ્શિયમ અને પ્રોટીનની ખામી વર્તાય છે. કૅલ્શિયમની ઊણપને લીધે હાડકાં નબળાં પડી જાય છે જેના કારણે નાની ઉંમરમાં વાળ ખરવાની તકલીફથી લઈને ઘૂંટણના દુખાવાની સમસ્યાથી પીડાય છે. મહિલાઓ એક્સરસાઇઝની પણ અવગણના કરે છે. પૌષ્ટિક આહારની સાથે એક્સરસાઇઝ પ્રત્યે ધ્યાન આપવાની એટલી જ જરૂર છે. મહિલાઓએ સવારના નાસ્તાને અવૉઇડ ન કરવો જોઈએ. સામાન્ય રીતે મહિલાઓ ઊઠતાંવેંત ચા પીએ છે અને રોજિંદા કામમાં ઓતપ્રોત થઈ જાય છે. ઘરના કામમાંથી પરવાર્યા બાદ છેક દસ વાગ્યે નાસ્તો કરે છે. નાસ્તો સવારે ઊઠ્યા બાદ બે કલાકની અંદર કરી લેવો જોઈએ. નાસ્તામાં બદામ અને સ્પ્રાઉટેડ બીન્સ લેવાં જોઈએ. શરીરમાં કૅલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ જળવાઈ રહે એ ખાસ જોવું જોઈએ. સવારે ઊઠતાંવેંત કોગળા કર્યા વગર બે ગ્લાસ પાણી પીવાથી આખો દિવસ ફ્રેશ ફીલ થાય છે અને ઍસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે. માસિક દરમ્યાન તો ડાયટ પર વધારે ફોકસ કરવું જોઈએ. ન્યુટ્રિશ્યસ ફૂડ લેવાથી અનેક સમસ્યાઓ દૂર થશે અને વજન પણ નહીં વધે. મહિલાઓ જે હોય એ ખાઈ લે છે અને એ પણ સમયની પરવા કર્યા વગર જેના કારણે વજન વધી જાય છે અને પછી એને ઘટાડવા ખર્ચો કરે છે અથવા ડાયટ ફૉલો કરે છે, પરંતુ પહેલેથી ધ્યાન નથી આપતી. ભારતની મોટા ભાગની મહિલાઓનો આ પ્રૉબ્લેમ છે. પહેલેથી જ જો પ્રૉપર ફૂડ લેવામાં આવે તો વજન વધે જ નહીં એ વાત તે સમજતી નથી. હાલમાં શિયાળાની મોસમમાં લીલી શાકભાજી અને આમળાં સહેલાઈથી મળી રહે છે. મહિલાઓએ ડાયટમાં એનો સમાવેશ કરવો જોઈએ. આપણા દેશમાં મહિલાઓએ સ્વાસ્થ્યની કાળજી લેવાની ખરેખર બહુ જ જરૂર છે.’

સ્વભાવ બદલો

ન્યુટ્રિશ્યસ ફૂડ ખાવું જોઈએ એ વાત જાણવા છતાં મોટા ભાગની મહિલાઓ એને ગંભીરતાથી નથી લેતી એ વાતનો સ્વીકાર કરતાં અંધેરીમાં રહેતાં ગૃહિણી હેતલ શાહ કહે છે, ‘મહિલાઓનો એમાંય ખાસ કરીને હાઉસવાઇફનો સ્વભાવ એવો હોય છે કે પહેલાં આખા ઘરના લોકોનું ધ્યાન રાખવું અને પછી પોતાના સ્વાસ્થ્ય વિશે વિચારવું. હું પણ એવું જ કરું છું. ઘરમાં ડ્રાયફ્રૂટ્સ હાથવગાં હોવા છતાં ક્યારેય ખાતી નથી. એવું પણ નથી કે ખાઈ શકતી નથી, બધી છૂટ છે તો પણ ટેવ જ નથી પાડી. મને એમ થાય કે એમાં શું ખાવાનું? બાળકો ખાય છે એટલે આવી ગયું.  હું માંદી પડું તો પણ કામ કરવા ઊભી થઈ જાઉં, કારણ કે જો ન કરું તો બધા હેરાન થાય. માંદા હોઈએ તોય કામ કરીએ એટલે હજી વધારે હેલ્થ પર અસર થાય. હવે હેલ્ધી ખોરાક લીધો ન હોય એટલે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય અને ચક્કર આવે, થાક લાગે એવું બધું ચાલ્યા કરે. દવા લઈને પણ કામ તો કરવું જ પડે. ઘરમાં કોઈ માંદું પડે તો આપણે તેમની સેવા કરીએ, પરંતુ આપણી સેવા કોઈ નહીં કરી શકે એવી ખબર હોવાથી ધ્યાન નથી આપતાં. આ વાત મને એકલીને જ નહીં લગભગ બધી મહિલાઓને લાગુ પડે છે. જોકે હું સવારનો નાસ્તો વ્યવસ્થિત કરું છું. નાસ્તામાં ભાખરી અને ચા લઉં, પરંતુ ડ્રાયફ્રૂટ્સને એવું બધું તો નથી ખાતી. હું સ્વીકારું છું કે મહિલાઓએ પોતાની હેલ્થ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. સૌથી પહેલાં તો આપણે સચોટ આહાર લેવો જોઈએ અને એ ત્યારે જ શક્ય થશે જ્યારે આપણે એને ગંભીરતાથી લઈશું અને સ્વાભાવમાં ચેન્જ લાવીશું. જ્યાં સુધી જે-તે ચલાવી લેવાનો મહિલાઓનો સ્વભાવ નહીં બદલાય ત્યાં સુધી પરિસ્થિતિ નહીં બદલાય.’

વેજિટેરિયન લોકોએ દૂધ અને સોયબીન તો ખાસ ખાવાં જોઈએ એમાંથી જ પ્રોટીન પ્રાપ્ત થાય છે. આ વાત જાણવા છતાં મેં ક્યારેય મહિલાઓને દૂધ પીતી જોઈ નથી. આપણે ત્યાં મહિલાઓને વધેલી રસોઈ ખાવામાં ઇન્ટરેસ્ટ હોય છે. તેમને શું ખાવું જોઈએ એ શીખવાની જરૂર નથી, પરંતુ શું ન ખાવું જોઈએ એ સમજવાની ખાસ જરૂર છે. એટલું જો સમજી જાય તો બધા પ્રૉબ્લેમ આપમેળે સૉલ્વ થઈ જાય

- ડાયટિશ્યન ઍન્ડ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. રૂપલ સંઘવી


આપણે ત્યાં મહિલાઓ સવારના બ્રેકફાસ્ટને ગંભીરતાથી નથી લેતી. સવારના ઊઠ્યા પછી બે કલાકની અંદર હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. પ્રોટીન અને કૅલ્શિયમથી ભરપૂર નાસ્તો ન કરવાને કારણે નાની વયે વાળ ખરવાની અને ઘૂંટણના દુખાવાની સમસ્યા ઊભી થાય છે. સવારે ફણગાવેલાં કઠોળ અને બદામ લેવાની ટેવ પાડવી જોઈએ. એનાથી મોટા ભાગના પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય

- ડાયટિશ્યન ઍન્ડ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. કંચન પટવર્ધન

સવારના નાસ્તાને ગંભીરતાથી ન લેવો એ ખૂબ ખરાબ કહેવાય. ડ્રાયફ્રૂટ્સ ન ખાવાં હોય તો સિંગ-ચણા ખાવાં જોઈએ અને સૅલડને પ્રાધાન્ય આપવું જોઈએ. રસોઈ માપસર બનાવો તો વધેલી વાનગીઓ ખાવી ન પડે.

- હેતલ ભટ્ટ, વસઈ


ઘરમાં ડ્રાયફ્રૂટ્સ હાથવગાં હોવા છતાં નથી ખાતી. મને એમ થાય કે એમાં વળી શું ખાવું. આ વાત મને એકલીને જ નહીં તમામ મહિલાઓને લાગુ પડે છે. મહિલાઓનો સ્વભાવ બદલાતો નથી એટલે હેરાન થાય છે.

- હેતલ શાહ, અંધેરી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK