ઊંઘ સંબંધિત તકલીફોમાં યોગ થઈ શકે છે ઉપયોગી

જો શરૂઆતમાં જ આ બાબતે સતર્કતા જાળવો અને યોગની મદદ લો તો ઊંઘની તકલીફ ક્રૉનિક બનતી નથી. આમ ઊંઘની ગોળીઓ લેવી પડે એવી હાલત શરીરની થઈ જાય એ પહેલાં જ યોગના શરણે જઈને શરીરની ઊંઘલક્ષી તકલીફોને દૂર કરી શકાય છે

sleep1

જિગીષા જૈન

શું તમને સરસ ઊંઘ આવે છે?

આ પ્રશ્નનો જવાબ તમારા સ્વાસ્થ્ય બાબતે બધું જ કહી જાય છે. જ્યારે પણ સ્વાસ્થ્યની વાત આવે ત્યારે લોકો ખોરાકની વાત વધુ કરે છે. એના પછી એક્સરસાઇઝની વાત કરે છે. પરંતુ આ બન્ને કરતાં પણ જે બાબતે ઘણા જ સતર્ક રહેવાની જરૂર છે એ છે ઊંઘ. ઊંઘ માટે આજકાલ આપણે ઘણા બેદરકાર બની ગયા છીએ. સમયસર ઊંઘતા નથી, સમય પર જાગતા નથી, ઉજાગરા કરવા તો જાણે આપણી આદત જ બની ગઈ છે; જેને કારણે ઊંઘ સંબંધિત ઘણી તકલીફો ચાલુ થઈ ગઈ છે. આ તકલીફોને આપણે અવગણીએ છીએ અને પછી જે પ્રૉબ્લેમ્સ ચાલુ થાય છે એ વધુ તકલીફદાયક હોય છે. ઊંઘ સંબંધિત તકલીફોમાં યોગ અતિ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. જરૂરત છે સાચા સમયે આ તકલીફોને ઓળખવાની. જો શરૂઆતમાં જ આ બાબતે સતર્કતા જાળવો અને યોગની મદદ લો તો ઊંઘની તકલીફ ક્રૉનિક બનતી નથી. આમ ઊંઘની ગોળીઓ લેવી પડે એવી હાલત શરીરની થઈ જાય એ પહેલાં જ યોગના શરણે જઈને શરીરની ઊંઘલક્ષી તકલીફોને દૂર કરી શકાય છે.

જુદા-જુદા પ્રકારની ઊંઘની તકલીફોના શિકાર આજકાલના લોકો થઈ રહ્યા છે. જેમ કે ઊંઘ ન આવવી, મોડા ઊંઘવું, મોડા ઊઠવું કે સમયસર ઊંઘ ન ઊડવી. સવારે ઊઠે પછી પણ ફ્રેશ ન લાગે, એમ થાય કે ફરી સૂઈ જવું છે. કોઈ વાર રાત્રે એકદમ જ ઊઠી જાય તો ફરી સૂઈ જ ન શકે. કોઈને આખો દિવસ ઊંઘ આવ્યા કરે અને પછી રાત્રે ઊંઘ જ ન આવે. કોઈ એક રાતમાં પાંચ વખત ઊઠે તો કોઈ ઊંઘમાં વાતો કરે. કોઈ વિચિત્ર સપનાંઓથી ડરી જાય તો કોઈ નસકોરાં લઈ-લઈને બીજાને ડરાવે. આ બધી જ સમસ્યાઓ પાછળ આમ તો એક નહીં, અનેક કારણો હોય છે. પરંતુ મોટા ભાગનાં લાઇફ-સ્ટાઇલને સંબંધિત જ હોય છે.

મન છે જવાબદાર


ઊંઘની તકલીફો પાછળનાં મૂળભૂત કારણો જણાવતાં ન્યુ એજ યોગ, વિલે પાર્લેનાં ફાઉન્ડર યોગગુરુ સંધ્યા પત્કી કહે છે, ‘અપૂરતી ઊંઘ, પાંખી ઊંઘ, વિચિત્ર સપનાંઓ આ બધા પાછળ એક વિચલિત મન છે. તમારી મન:સ્થિતિ ઉપર-નીચે થઈ રહી હોય તો તમને સારી ઊંઘ કેવી રીતે આવે? ઘણા લોકો એવા હોય છે જેમનું મન સતત વિચારો કર્યા કરતું હોય છે અને એ વિચારોને કારણે તેમને ઊંઘ નથી આવતી. ઘણા લોકો એવા હોય છે જેમનું મન એક જગ્યાએ ચોંટી જાય છે અને એ વાતમાં એટલું ખૂંપી જાય છે કે તેમની ઊંઘ જ ઊડી જાય છે. ઘણા લોકોને અડધી રાત્રે ઊંઘ ઊડી જાય ત્યારે તે એટલે નથી સૂઈ શકતા, કારણ કે તેમનું મન વિચારે ચડી જાય છે. એટલે કે શરીર થાકી ગયું છે અને સૂવા માગે છે, પરંતુ મન એને સૂવા દેતું નથી. આ બધાનો જે તોડ છે એ યોગમાંથી મળી શકે છે, કારણ કે યોગ એ વિચારહીન અવસ્થા લાવીને વ્યક્તિને રિલૅક્સ કરી સુવડાવી શકે છે. યોગ વ્યક્તિના મનનું બૅલૅન્સ જાળવી શકે છે. યોગ ફક્ત ૧ કલાક માટે કરવામાં આવતાં આસનો નથી, પરંતુ તમારી જીવનશૈલી છે. યોગ શરીર, મન અને આત્માનું બૅલૅન્સ છે. અને આ ત્રણેય જ્યારે બૅલૅન્સમાં હોય ત્યારે ઊંઘની તકલીફ તો ઠીક, બીજી કોઈ તકલીફ તમારા સુધી પહોંચી શકતી નથી.’

મૂળભૂત નિયમો

જો તમને ઊંઘની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો અમુક મૂળભૂત નિયમો પાળો. રાત્રે ૧૦ વાગ્યે સૂઈને સવારે ૫-૬ વાગ્યે ઊઠવાનો સમય સવર્શ્રે ષ્ઠ ગણાય છે. બને ત્યાં સુધી આ સમયને વળગી રહો. ઊંઘવાના ૨-૩ કલાક પહેલાં જ જમી લો. મોડું જમશો તો ઊંઘમાં તકલીફ પડશે. આ સિવાય રાત્રે એક ગ્લાસ દૂધમાં થોડી શુગર અને ઇલાયચી નાખીને પીવો. રાત્રે આ દૂધ ઊંઘ માટે ઘણું ફાયદાકારક છે. રાત્રે ચા-કૉફી ન પીવો. ટીવી, લૅપટૉપ કે મોબાઇલથી દૂર રહો. સૂતાં પહેલાંના ૧ કલાક સુધી હળવું સંગીત સાંભળી શકો છો. સ્લીપ હાઇજીન જાળવો. સૂતાં પહેલાંના સમયે નાહી લેવાથી પણ ઘણું રિલૅક્સ થવાય છે અને સરસ ઊંઘ આવે છે. આ સિવાય યોગમાં એવી કઈ ટેક્નિક્સ છે જે અનુસરીને ઊંઘ લક્ષી પ્રૉબ્લેમ્સને દુર કરી શકાય એ જાણીએ સંધ્યા પત્કી પાસેથી. 

પ્રાણાયામ


જેમનું મન વિચલિત છે તેમને ઊંઘમાં તકલીફ થવાની જ છે. અને મન વિચલિત ત્યારે હોય છે જ્યારે શરીરમાં મન અને આત્માનું જે બૅલૅન્સ છે એ બૅલૅન્સ જળવાતું નથી. કોઈ પણ પ્રકારનું ઇમ્બૅલૅન્સ પ્રાણની ગતિને કન્ટ્રોલમાં લાવવાથી ઠીક થઈ શકે છે. આ સિદ્ધાંત પર જ પ્રાણાયામની શોધ થઈ છે. આ વાત સમજાવતાં સંધ્યા પત્કી કહે છે, ‘જેમને ઊંઘની તકલીફ હોય તેને ત્રણ પ્રકારના પ્રાણાયામ ઘણી મદદ આપી શકે છે; જેમાં અનુલોમ-વિલોમ, શીતલી અને ભ્રામરી પ્રાણાયામનો સમાવેશ થાય છે. આ પ્રાણાયામને કોઈ નિષ્ણાત પાસેથી શીખવા મહત્વના છે, કારણ કે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. એટલે જરૂરી છે કે આ ત્રણેય પ્રાણાયામની પ્રૅક્ટ્રિસ શરૂ કરતાં પહેલાં એને વ્યવસ્થિત શીખી લો. વળી ઊંઘ માટે આ પ્રાણાયામ ઉપયોગી છે એનો અર્થ એ નથી કે રાત્રે કરવા. દિવસના સમયમાં જ આ પ્રાણાયામ પ્રૅક્ટ્રિસ કરવા.’

sleep

ઓમકારનું રટણ

જે વ્યક્તિઓનું મન ખૂબ જ ચંચળ હોય અને આમથી તેમ ભાગતું હોય એવી વ્યક્તિઓને ઊંઘની તકલીફ રહેવાની છે. મનને કેળવવા માટે ઓમકારથી શ્રેષ્ઠ કંઈ નથી. જે લોકોનું મન ખૂબ ભટકતું હોય એવી વ્યક્તિ જ્યારે ઓમકારની પ્રૅક્ટ્રિસ શરૂ કરે તો ધીમે-ધીમે એની અસર એના પર દેખાવા લાગે છે. એકદમ જ મન પર કાબૂ આવી જશે એવી અપેક્ષા ન રાખો, પરંતુ મન જે ફુલ સ્પીડમાં ભાગતું હશે એની ગતિ ધીમી પડશે અને ધીમે-ધીમે એ કાબૂમાં આવશે. ઓમકારનું રટણ કઈ રીતે કરવું એ સમજાવતાં સંધ્યા પત્કી કહે છે, ‘જેમને પણ ઊંઘની કોઈ પણ નાની-મોટી તકલીફ છે તેમણે દરરોજ ૩ વાર ઓમકારનું રટણ કરવું. સવારે ઊઠીને, રાત્રે સૂતાં પહેલાં કે નાહીને પૂજા કરતી વખતે ઓમકારનું રટણ કરી શકાય છે. મોટા યોગીઓ તો ઓમકારની સાધના કરતા હોય છે. ત્યાં સુધી ન પહોંચો તો પણ કંઈ નહીં, પરંતુ રાત્રે એનું રટણ કરીને સૂશો તો ચોક્કસ સારી ઊંઘ આવશે; કારણ કે એ નાદ જે ગુંજશે એ શાંતિ આપનારો નાદ છે.’

(આવતી કાલે જોઈએ કે યોગમાં આજે જોઈ એ સિવાય બીજી કઈ પદ્ધતિઓ છે જે ઊંઘના પ્રૉબ્લેમ્સ દૂર કરવા માટે ઘણી ઉપયોગી છે.)

માટી સાથેનો પ્રયોગ

જે વ્યક્તિમાં ઘણો ઉત્પાત છે, ડર છે, મન વિચલિત છે તેને શાંતિ મળતી નથી અને એને કારણે તેને સારી ઊંઘ આવતી નથી. માણસને સૌથી વધુ સુકૂન અને શાંતિ કે ધરપત જેને કહેવાય એ તેની માના ખોળામાં મળે છે. જ્યારે આપણે માના ખોળે હોય ત્યારે આપણે સેન્ટર્ડ બની શકીએ છીએ, જેનાથી શરીરની અંદર એક સુમેળભર્યું વાતાવરણ સર્જા‍ય છે અને ત્યારે માણસને સરસ ઊંઘ આવે છે. જે વ્યક્તિને સારી ઊંઘ ન આવતી હોય તે પોતાની અંદરનું અને કુદરત સાથેનું એ કનેક્શન ગુમાવી બેઠા હોય છે. એ કનેક્શનને ફરીથી જગાવવા માટે વ્યક્તિએ દિવસે ખુલ્લા પગે માટીમાં ચાલવું જોઈએ. માટીનો સ્પર્શ તમારી અંદર એ માના ખોળા જેવાં સુખ અને શાંતિ આપશે, કારણ કે ધરતી આપણી મા છે અને એ ફક્ત કોઈ ફિલોસૉફી નથી. એમાં આપણને હીલ કરવાની પૂરી શક્તિ છે. જો રેગ્યુલર માટી પર ખુલ્લા પગે ચાલવા ન જઈ શકો કે પછી ડાયાબિટીઝ હોય અને ખુલ્લા પગે ચાલવાની મનાઈ હોય તો ઘરમાં એક ટ્રેમાં માટી ભરીને રાખો. રાત્રે થોડી વાર એમાં પગ મૂકીને બેસો. ચોક્કસ તમને સારી ઊંઘ આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK