તમે બ્લડ-પ્રેશરની દવા લો છો કે બ્લડ-પ્રેશર સારું થવાની?

અફકોર્સ બીમારીને સારી કરવાની દવા જ આપણે લેતા હોઈએ, પણ બોલીએ છીએ શું? બોલચાલમાં તાવની દવા લીધી, ડાયાબિટીઝની દવા લીધી જેવા શબ્દો પણ તમારી તંદુરસ્તીને પાછળ ઠેલવાનું કામ કરી શકે છે એવું ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ (NLP)ના નિષ્ણાતો કહે છે. આ પ્રકારની ભાષા તમારા સબકૉન્શિયસ માઇન્ડને ખોટો મેસેજ આપે છે. આજે જાણીએ કે ન્યુ યરને ખરેખર હૅપી કરવા માટે હૅપી સ્ટેટમેન્ટ કેટલાં કારગત નીવડી શકે છે

pressure

રુચિતા શાહ

ભારતીય સંસ્કૃતિનાં વિધિવિધાનો, યજ્ઞો, પૂજનો અને નાની-નાની વિધિઓમાં પણ મંગલાચરણનું મહત્વ છે. દેવીદેવતાનું આહ્વાન કરવાની સાથે શુભ ભાવ સાથે દરેક આરંભને શુભારંભનું રૂપ આપવામાં આવે છે. આપણે ત્યાં ગુરુજનો, વડીલો અને શુભેચ્છકો માથા પર હાથ મૂકીને આપણને આર્શીવાદ આપતા હોય ત્યારે કયા શબ્દો કહેતા હોય છે? સુખી ભવ, ર્દીઘાયુ ભવ, વિજયી ભવ, યશસ્વી ભવ વગેરે. આપણે ત્યાં આર્શીવાદમાં સદીઓથી આવાં જ સ્ટેટમેન્ટ બોલાતાં રહ્યાં છે. શું કામ? મિસ્ટિસિઝમ એટલે કે રહસ્યવાદના જાણકાર ડૉ. કેતન દુબલ એનો જવાબ આપતાં કહે છે, ‘કારણ કે આપણે ત્યાં સદીઓ પહેલાં આપણા સંત અને મહાપુરુષો એ વાત સ્વીકારી ચૂક્યા છે કે શબ્દોની ઘેરી અસર હોય છે. જ્યારે આયુર્વેદ અને મૉડર્ન મેડિસિન સાયન્સ પણ નહોતું શોધાયું એ સમયથી આપણે ત્યાં ઉપચારની ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. હજારો વષોર્થી આપણે ત્યાં મંત્ર, તંત્ર અને યંત્ર દ્વારા સમસ્યાનાં નિરાકરણો લાવવાની પરંપરા રહી છે. મંત્ર એટલે શબ્દ. દરેક શબ્દનું વજૂદ છે. આ દરેક શબ્દ તમારી અંદર રહેલા અને તમારી બહાર રહેલા બ્રહ્માંડ પર એક સ્પેસિફિક અસર કરતો હોય છે. તમારા દ્વારા બોલાઈ રહેલા પ્રત્યેક પૉઝિટિવ અને નેગેટિવ શબ્દની અસર તમારા જીવન પર તો પડે જ છે, પણ આખી પ્રકૃતિમાં રહેલા તમામ જીવોના જીવન પર પણ ઓછાવત્તા પ્રમાણમાં પડતી હોય છે. આ જ કારણ છે કે આશીવર્ચન વખતે બોલાતા શબ્દોમાં શુભ અને સફળતાના ભાવને વધુ દૃઢતા સાથે કહેવામાં આવતા. સદીઓ પહેલાં શરૂ થયેલી એ પરંપરા આજે ન્યુરો- લિંગ્વિસ્ટિક ટેક્નિક તરીકે પ્રચલિત થઈ છે.’

શું છે આ?

૧૯૭૦ના દશકમાં અમેરિકામાં ત્રણ મનોચિકિત્સકો લોકોની વર્તણૂક પર કેટલોક અભ્યાસ કરી રહ્યા હતા. ખાસ કરીને સફળ લોકોના જીવનની એક ખાસ બિહેવ્યરલ પૅટર્નનો તેમણે અભ્યાસ કર્યો તો તેમને અમુક વિશેષ સિમિલૅરિટી તેમનામાં દેખાઈ. આ ઇફેક્ટિવ બિહેવ્યરલ પૅટર્નનો અભ્યાસ કરીને ફ્રૅન્ક પુસેલિક, જૉન ગ્રિન્ડર અને રિચર્ડ બૅન્ડલર નામના નિષ્ણાતોએ એક થેરપી વિકસાવી; જેનું નામ છે NLP. N એટલે ન્યુરો, L એટલે લિંગ્વિસ્ટિક અને P એટલે પ્રોગ્રામિંગ. સાદી ભાષામાં કહેવું હોય તો NLP એટલે મગજની ભાષા. આપણા આંતરમગજની ભાષા. સબકૉન્શિયસ માઇન્ડની ભાષા. આપણા મોટા ભાગના સંકલ્પો અને નિર્ણયોને સફળ બનાવવામાં આપણા સબકૉન્શિયસ માઇન્ડનો બહુ મોટો ફાળો હોય છે. મોટે ભાગે થતું એવું હોય છે કે સબકૉન્શિયસ માઇન્ડની ભાષા સમજ્યા વિના આપણે સંકલ્પ, નિયમ અને ધારણાઓ કરીને બ્રેઇનને ઑર્ડર આપતા રહીએ છીએ એટલે પરિણામ નથી આવતું. 

આ વિશે વધુ વિસ્તારપૂર્વક સમજાવતાં NLP પ્રૅક્ટિશનર અને ટ્રેઇનર ડૉ. કેતન દુબલ ઉમેરે છે, ‘ન્યુરો-લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એક એવી પદ્ધતિ છે, જેમાં તમારા કૉન્શિયસ જ નહીં પણ સબકૉન્શિયસ માઇન્ડને યોગ્ય રીતે પ્રોગ્રામિંગ આપો છો. આપણા કૉન્શિયસ માઇન્ડ કરતાં આપણું સબકૉન્શિયસ માઇન્ડ દસ લાખગણું પાવરફુલ હોય છે. જેમ કબાટમાં રહેલી સંપત્તિને લેવા માટે કબાટનું તાળું ખોલવું પડે એમ તાળામાં બંધ સબકૉન્શિયસની શક્તિને પામવા માટે NLP ચાવીનું કામ કરે છે. કૉગ્નિટિવ ન્યુરોસાયન્ટિસ્ટના મતે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ તમારું કૉન્શિયસ માઇન્ડ માત્ર પાંચ ટકા જ કામ કરે છે. આપણા શરીરની ૯૫ ટકા પ્રવૃત્તિઓ, રીઍક્શનો, મેમરી, આદતો, માન્યતાઓ પર સબકૉન્શિયસ માઇન્ડનો ઊંડો પ્રભાવ હોય છે. સબકૉન્શિયસ માઇન્ડનું કામ હોય છે તમારી વધારાની મેમરીને સ્ટોર કરવી અને જરૂર પડે એને બહાર લાવવી. જોકે જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે જે રીતે મેમરીને પ્રોગ્રામ કરી હશે એ જ રીતે ડેટા બહાર આવશે. એટલે કે જો તમે નકારાત્મકતાને સબકૉન્શિયસમાં ઉમેરતા જશો તો જે-તે સંજોગોમાં નકારાત્મકતા જ બહાર આવશે. એનાથી ઊંધું જો સકારાત્મક શબ્દોને સબકૉન્શિયસ મેમરીમાં સ્થાન આપશો તો એ સકારાત્મક પ્રભાવ રીઍક્શનમાં બહાર આવશે. ટૂંકમાં તમે બહારથી જે કમાન્ડ આપશો એ અંદરખાને તમારા સેવકની જેમ પાલન કરશે. તમે બહારથી કહેશો કે તમે નકામા છો અને તમારી જિંદગીમાં કંઈ બચ્યું જ નથી તો તમારું સબકૉન્શિયસ માઇન્ડ એને પણ સ્વીકારીને તમને એવા થવામાં મદદ કરશે. એનાથી ઊંધું તમે કૉન્શિયસલી એવું કહો કે તમારું ભવિષ્ય ઉજ્જવળ છે અને તમે તમારા ગોલ્સને અચીવ કરી જ લેશો તો સબકૉન્શિયસ માઇન્ડ એને સ્વીકારશે અને તમારી મદદ કરશે.’

કઈ રીતે કામ કરે?

ન્યુરો-લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગમાં તમે તમારી જબાન પર સૌથી પહેલો પૉઝિટિવ કાબૂ મૂકતા હો છો. તમારા મોઢામાંથી હંમેશાં સારા જ શબ્દો નીકળે અને તમે સારી જ વાતોને પ્રાધાન્ય આપો કૉન્શિયસલી, સજાગતા સાથે એ મૂળ ફન્ડા છે આ ટેક્નિકનો. ડૉ. કેતન કહે છે, ‘આ સંશોધકોએ મગજને સારી અને સાચી દિશામાં જ વિચારવાની અને બોલવાની આદત પડે એ માટે કેટલીક ટેક્નિકો આપી અને એ ટેક્નિકની ટ્રેઇનિંગ શરૂ કરી. વિચારોને શરીરની ક્રિયાઓ સાથે જોડીને તેમણે વિચારો અને બોલાઈ રહેલા શબ્દોની બાબતમાં અવેરનેસ વધારી દીધી. એક જ વાતને કહેવાના બીજા રસ્તાઓ આ ટેક્નિકમાં અપાયા છે. આ ટેક્નિકને જો સમજી જાઓ તો કોઈની પણ મદદ વિના ધીમે-ધીમે અભ્યાસ સાથે તમે જ તમારા સબકૉન્શિયસ માઇન્ડને બેસ્ટ પ્રોગ્રામિંગ આપી શકો છો. અત્યારે આપણી પાસે અઢળક કામો છે, અઢળક ઘટનાઓ અને દુર્ઘટનાઓ આપણી આસપાસ બની રહી છે. એથી વિચારો વિચલિત થવાના ચાન્સ વધારે હોય છે. આ ટેક્નિકમાં તમને અમુક ïએવી એક્સરસાઇઝ થકી ટ્રેઇનિંગ આપવામાં આવે છે જેથી તમે ઘટનાઓથી ઉત્તેજિત થવા જાઓ ત્યાં જ પેલી ટ્રેઇનિંગને કારણે મળેલી ઘંટી વાગે અને તમે ખોટી દિશામાં વિચારતાં કે બોલતાં અટકી જાઓ.’

છેલ્લા થોડાક સમયમાં પૉપ્યુલર થયેલી આ થેરપી અનેક માનસિક રોગોના ઇલાજમાં કારગત નીવડી રહી છે. ડિપ્રેશન, ફોબિયા, બિહેવિયર ડિસઑર્ડરમાં પણ એનાં રિઝલ્ટ ખૂબ સારાં મળ્યાં છે. વગર ડૉક્ટરે જો તમે માત્ર તમારા મગજને પ્રોગ્રામિંગ કરવાની દિશામાં થોડાક સજાગ થઈ જાઓ અને માત્ર હકારાત્મક બોલવાનો જ આગ્રહ રાખશો તો પરિણામ મળી શકે છે. આટલું તો આપણે કરી જ શકીએ છીએ, બરાબરને?

તમે જે બોલો છો એનો પ્રભાવ તમારી સાથે બ્રહ્માંડના તમામ લોકો પર પડે છે. તમે સારી ભાષા અને સારા શબ્દો વાપરીને તમારા સંકલ્પની શક્તિ વધારી શકો છો. વધુ ને વધુ લોકો સાથે એ શૅર કરીને તમે એની પ્રભાવકતા પણ વધારો છો. કરો એવું ભરો તો ખરું જ, પણ અહીં તો તમે બોલો એવું પણ થવાની પૂરતી સંભાવના હોય છે. સર્વનું મંગલ થાઓ અને સર્વ સુખી થાઓ કે ભગવાન બધાનું ભલું કરે જેવાં સૂત્રો મંત્રની જેમ આપણાં શાસ્ત્રોમાં વપરાતાં રહ્યાં છે એની પાછળ પણ મૂળભૂત રીતે આ જ વિજ્ઞાન હતું. તમે બોલો સર્વનું ભલું થાઓ અને તમારું ભલું થવાની શરૂઆત પ્રકૃતિ કરે. સામૂહિક ધોરણે થતાં અનુષ્ઠાનોમાં જ્યારે આવા શબ્દોનું ઉચ્ચારણ થાય તો એ ઊર્જા અનેકગણી વધતી હોય છે. આ મેથડમાં તમારે તમારી જાત પર ભરોસો રાખીને હું કરીશ જ, હું મેળવીશ જ જેવી આત્મવિશ્વાસભરી વાતો જાત સાથે કરવાની છે

- ડૉ. કેતન દુબલ, ન્યુરો-લિંગ્વિસ્ટિક ટ્રેઇનર અને પ્રૅક્ટિશનર

થોડાક અનુકરણ કરવા જેવા દાખલાઓ


ટાઇટલમાં આપણે વાત કરી એ મુજબ તમે બીમારીની નહીં, પણ બીમારી સારી કરવાની દવા લઈ રહ્યા છો એ વાત તમારા શબ્દોમાં આવવી જોઈએ.

કોઈ ધંધાદારી માણસ એમ કહે કે ધંધા મંદા છે કે ખાવાના પણ વાંધા થવાના છે જેવા સ્ટેટમેન્ટ તેમને એ જ દિશામાં લઈ જશે. પહેલાં લોકો ‘ઉપરવાળાની મહેરબાની’ છે કે ‘ભગવાનની કૃપા છે’ જેવા શબ્દો વાપરતા. આ શબ્દો ‘તમારા સબકૉન્શિયસ માઇન્ડ’ને ખોટા પ્રોગ્રામિંગથી બચાવતા હતા.

કોઈ ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિ પણ જો પોતાની પીડા વિચાર્યા કરશે કે એના જ વિશે વાતો કરશે તો એ પીડા અને બીમારીને વધારવામાં જ તમારું આંતરમન લાગી જશે. એના બદલે પોતે જ્યારે જે-તે બીમારી રહિત હતો ત્યારે કેટલું કામ કરી શકતો હતો અથવા ત્યારે કેટલી મોજ હતી એવા વિચારો કરીને પોતે હવે ઝડપથી આમાંથી બહાર આવીને પહેલાં જેવો સ્વસ્થ અને આનંદી બની જશે એવી ભાષા વાપરશે તો આંતરમન તેને એ દિશામાં લઈ જશે. સીધો હિસાબ છે કે નક્કી તમારે કરવાનું છે કે તમારે શું જોઈએ છે. મારું શરીર વગર દવાએ પણ સારું રહેશે જ. માત્ર જાતને પાનો ચડાવવાનો છે હકારાત્મક ભાષા વાપરીને.

ધારો કે તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, પણ મનમાં એમ રાખશો કે હું તો ગમેતેટલા પ્રયત્ન કરું તો પણ કન્ટ્રોલ જ નથી રહેતો ખાવામાં તો ક્યારેય કન્ટ્રોલ નહીં રહે. એના બદલે તમારે વિચારવાનું છે અને બોલવાનું છે કે હું પોષણયુક્ત ખોરાક ખાઈને આવનારા ત્રણ મહિનામાં પાંચ કિલો વજન ઘટાડીશ પણ અને વધુ તંદુરસ્ત બની જઈશ.

આ ટેક્નિકમાં તમારે તમારા ભૂતકાળના સારા અને આહ્લાદક અનુભવોને માઇન્ડમાં રીકૅપ કરીને વર્તમાનમાં એને જીવવાની દિશામાં વિચારવાનું છે અને વાણીમાં પણ નકારાત્મક શબ્દોનો ઉપયોગ કર્યા વિના હકારાત્મક મેસેજ સબકૉન્શિયસ માઇન્ડને આપવાનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK