ડાયટમાં ચીટિંગ કરો ત્યારે

ખોરાક પર કન્ટ્રોલ સારી વસ્તુ છે, પરંતુ એક ટંક એ કન્ટ્રોલ છોડીને મનમરજી પ્રમાણે ખાઈ લેવું એ પણ હેલ્થનો જ એક ભાગ છે; કારણ કે એ ફ્રીડમને કારણે મનમાં જે આનંદ થાય છે એ સંપૂર્ણ હેલ્થ તરફ દોરી જાય છે. જોકે આ પ્રકારનું ચીટિંગ કઈ રીતે હેલ્ધી છે, એ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આજે સમજીએ

diet

જિગીષા જૈન

વ્યક્તિ પ્રામાણિક રહે અને કોઈ જાતની છેતરપિંડી ન આચરે એ એક આદર્શ જીવનની જરૂરત છે. પરંતુ માનવ સ્વભાવમાં જ ચીટિંગ છે. અને જો એ ચીટિંગ નિર્દોષ હોય તો એ મજા લાવે છે. પત્તાં રમતી વખતે બાજુવાળાનાં પત્તાં દેખાઈ જાય કે તમે એ જોઈ લો તો એ ચીટિંગમાં મજા પડી જાય છે. પતિના ખિસ્સામાંથી ૫૦૦ની નોટ સેરવી લેવાનું ચીટિંગ પણ મજેદાર જ હોય છે. ડૉક્ટરે ગળ્યું ખાવાની ના પડી હોય, પરંતુ ઘરવાળીની નજરથી છુપાઈને એક લાડુ ખાઈ લેવાના ચીટિંગમાં અનેરી મજા પડે છે. એવી જ મજા જ્યારે સખત ડાયટ પર હો ત્યારે ચીટ-ડે ઊજવવાની પડતી હોય છે. આજકાલ લગભગ બધા જ લોકો પોતાના ખાન-પાનનું ધ્યાન રાખતા હોય છે, પરંતુ અઠવાડિયામાં એક વખત જ્યારે ચીટિંગ ડે ઊજવે એની મજા કંઈક અલગ જ હોય છે. આજે તો વિચારવું જ નથી, બસ ખાઈ લેવું છે. એ અપરાધભાવ રાખ્યા વગર બેબાક બનીને જે ભાવે એ ખાઈ લેવાનો વિચાર જ માણસને કેટલી મજા આપી જાય છે કે જાણે ખાવાની તો મજાની વાત જ શું પૂછવાની. મોટી સેલિબ્રિટીઝથી માંડીને ઍથ્લીટ્સ પણ ચીટ-ડે પાળતા હોય છે. ચીટ-ડેનું ભાષાંતર કરીએ તો એમ થાય કે આખું અઠવાડિયું એકદમ સખત રહીને ડાયટ પાળી હોય, ગમતી વસ્તુઓને હાથ પણ ન લગાડ્યો હોય ત્યારે અઠવાડિયામાં કે કોઈ વાર દસ દિવસે એક વાર અપરાધભાવ એટલે કે ગિલ્ટ રાખ્યા વગર એ વસ્તુ ખાવી જે ભાવતી હોય, પરંતુ ખાવાની મંજૂરી ન હોય. આવું ચીટિંગ હેલ્ધી ગણાય કે નહીં? શું એ જરૂરી હોય છે? આ પ્રકારનું ચીટિંગ કરતી વખતે શું ધ્યાન રાખવું?

મનનો સંતોષ મહત્વનો


વયસ્ક લોકોના મોઢે સાંભળવા મળતી એક સામાન્ય વાત - નાનપણમાં ઘણું સારું હતું યાર, બિન્ધાસ્ત ખાતા હતા, જે મરજી પડે એ અને જેટલી મરજી પડે એ. બધું પચી પણ જતું. સાલું, હવે તો બધું વિચારી-વિચારીને જ ખાવાનું. આ ખાઓ અને આ નહીં. એમાં મજા જ મરી ગઈ છે. એ હકીકત છે કે જ્યારે ખાવા વિશે વિચારી-વિચારીને ખાવાનું હોય ત્યારે ખાવાની મજા મરી જાય છે અને એટલે જ કોઈ ચતુર વ્યક્તિએ ચીટ-ડેની ઇજાદ કરી હશે, કારણ કે શરીર અને મન બે અલગ વસ્તુઓ નથી. મનગમતી વસ્તુઓ ખાઈને જે ખુશી મળે છે એ પણ હેલ્થનો જ એક ભાગ છે. એટલે મનને મારીને જે ડાયટિંગ થાય છે એ આદર્શ ગણાતું નથી, કારણ કે કદાચ એનાથી શારીરિક હેલ્થ મળે; પરંતુ મન ખુશ રહેતું નથી એટલે સંપૂર્ણ હેલ્થ મળતી નથી. આ બાબતે વાત કરતાં ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘ખોરાકને સંપૂર્ણ રીતે માણવો જરૂરી છે. જોકે એનો અર્થ એ બિલકુલ નથી કે ગમે એ ખાઓ. પરંતુ એનો અર્થ એ છે કે હેલ્ધી જ ગમાડો. જો પેહેલેથી યોગ્ય જ ટેસ્ટ ડેવલપ થયો હશે તો ખોટા ફૂડ માટેનું ક્રેવિંગ નહીં થાય. પરંતુ જો એવું નથી થયું તો ધીમે-ધીમે એ પ્રોસેસ ડેવલપ કરવી પડે. પણ મહત્વની વાત એ છે કે ખાઈને મન ખુશ થવું જોઈએ. ખોરાક ખાધાનો સંતોષ પણ થવો જોઈએ.’

ફાયદા


ઘણા લોકો જોડે એવું થાય છે કે તેઓ તેમના મનગમતા અનહેલ્ધી ખોરાક પ્રત્યે ખૂબ આકર્ષાઈ જાય છે. તેમના માટે ચીટ-ડે એક ધરપત છે. જેમ કે કંઈ ગળ્યું ખાવાનું મન થયા કરે તો જાતને એમ કહીને રોકી રાખે કે આજે નહીં, રવિવારે ખાઈશું. અને રવિવારે એક દિવસ જ ખાઈને સંતોષ મેળવી લે કે ખાઈ લીધું. આ રીતે જાત પર કન્ટ્રોલ પણ આવે છે. એકદમ જ બંધ કરી દેવું અઘરું છે. ધીમે-ધીમે આદત પાડી શકાય છે. આ સિવાય ચીટ-ડેના ફાયદા જણાવતાં ઘાટકોપરનાં ડાયટિશ્યન મીનલ ભાનુશાલી કહે છે, ‘ઘણી વખત એવું થાય છે કે દરેક બાબતની ના પાડીએ તો એ વસ્તુઓ પ્રત્યે આકર્ષણ વધી જાય છે. એટલે જો ચીટ-ડેના દિવસે એ ખાઈ લઈએ તો એના પ્રત્યે આકર્ષણ વધતું નથી, પરંતુ એ સરભર થઈ જાય છે અને આગલા વીક માટે ડાયટ કરવાની હિંમત પણ બંધાઈ રહે છે.’

મેટાબોલિઝમને બૂસ્ટ કરે

ક્યારેક એવું થાય છે કે ચીટ-ડેના નામે લોકો ઓવરઈટિંગ કરી લે છે. આજે માંડ ખાવા મળ્યું છે તો બસ, ખાઈ લો. પરંતુ એ આદત પણ અમુક રીતે ફાયદો કરતી હોય છે. એ વિશે વાત કરતાં મીનલ ભાનુશાળી કહે છે, ‘વધુપડતો ખોરાક ખાવાથી શરીરમાં લેપ્ટીન નામના તત્વનું પ્રોડક્શન વધે છે, જે મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. ક્યારેક કે કોઈ વાર જ્યારે આપણે વધુપડતું ખાઈ લઈએ અને કૅલરીનો અતિરેક થઈ જાય તો એ માનસિક અને શારીરિક બન્ને રીતે સારું ગણાય છે. પરંતુ આ વધુપડતું પણ કેટલું વધુ એ સમજવું જરૂરી છે. મોટા ભાગે લોકો લિમિટ સમજતા નથી અને એનું પરિણામ ખરાબ ભોગવતા હોય છે. આઝાદી ખૂબ હેલ્ધી છે, પરંતુ એ જ્યારે જવાબદારી સાથે આવે ત્યારે.’

ગિલ્ટ-ફ્રી રહો


ઘણા લોકો એવા છે જે સતત ગિલ્ટમાં રહે છે. ચીટિંગ પણ કરે છે અને પછી એ કર્યા પછી તેમને ખૂબ જ અપરાધભાવ મેહસૂસ થાય છે કે મારે આવું નહોતું કરવું જોઈતું. આ ફીલિંગ વિશે સમજાવતાં કેજલ શેઠ કહે છે, ‘મન પર કાબૂ એ પણ એક ડાયટ અને લાઇફ-સ્ટાઇલ સુધારવા માટેનો મહત્વનો મુદ્દો છે. પરંતુ જ્યારે વ્યક્તિ કાબૂ ગુમાવી બેસે તો તે અપરાધી જેવું ફીલ કરે છે. એવું ન થવું જોઈએ. તમે ડાયટ કરો છો તો પણ ખુશ રહીને અને ચીટિંગ કરો તો પણ પ્રસન્ન થઈને જ. કોઈ પણ સંજોગોમાં મનમાં અપરાધભાવ લાવવો હેલ્ધી નથી. એ તમારી સંપૂર્ણ હેલ્થ પર અસર કરે છે.’

શું ધ્યાન રાખવું?


ડાયટ સાથે ચીટિંગ કરો ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે એ જાણીએ ન્યુટ્રિવિટી ડૉટ ઇનના ફાઉન્ડર અને વેઇટ-મૅનેજમેન્ટ સ્પેશ્યલિસ્ટ કેજલ શેઠ પાસેથી.

ચીટ-ડે ન ઊજવો. ચીટ-મીલ પૂરતું એને સીમિત રાખો. આખા અઠવાડિયામાં એક ટંક ચીટિંગ કરો એ ઠીક છે, આખો દિવસ તમે ગમે તે ખાશો તો આખા અઠવાડિયાની મહેનત પર પાણી ફેરવી દેશો. એટલે આખો દિવસ કરતાં એક ટંક ચીટિંગ વધુ યોગ્ય છે.

ચીટિંગ કર્યા પછી જેટલી કૅલરી વધુ ખાધી છે એટલી જ બાળવાનો પ્રબંધ કરો. એ દિવસે વર્ક-આઉટ કરવું અત્યંત જરૂરી છે.

માંડ મળ્યું છે, તૂટી પડો એમ વિચારતાં પહેલાં એ વિચારો કે કેટલી મહેનતથી તમે વજન ઉતારી રહ્યા છો. ચીટિંગના ચક્કરમાં એ મહેનત પર પાણી ફેરવવું કેટલે અંશે વાજબી છે? આમ ખાઓ, પરંતુ લિમિટ ક્રૉસ ન કરો.

તમને જે ભાવે છે એ ચાખો. થાળી ભરીને ખાવા જેવું નથી એ સમજો. ચીટિંગની જરૂર સ્વાદને છે, પેટને નથી. ચાખવાથી સ્વાદ તો આવી જ ગયો. પેટ ભરવાની જરૂર નથી.

જે ભાવે એ બધું જ એ ટંકમાં ખાઈ ન લો. અમુક વસ્તુઓ આગલા ચીટ-મીલ માટે બાકી રાખો.

આ ચીટિંગ છે અને એ તમે તમારા મન માટે કરો છો તો પછી મનને પૂરેપૂરું ભરો. એ માટે ટીવી સામે બેસીને ખાઓ નહીં. ધ્યાન સંપૂર્ણપણે ખોરાક તરફ રાખો અને એનો પૂરો આનંદ લો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK