અંગત ક્ષણોનો આનંદ શું તમારા માટે માથાના દુખાવામાં પરિણમે છે?

સેકસ-હેડેક તરીકે ઓળખાતી આ સમસ્યા ઘણાં કપલ્સમાં હવે સામાન્ય બની રહી છે. સંશોધકોએ માથાના આવા દુખાવા પાછળનાં કારણો શોધી કાઢ્યાં છે. ચાલો, આજે એ વિષય પર વાત કરીએ

dsex

ફાલ્ગુની જડિયા-ભટ્ટ

કલ્પના કરો કે તમે કોઈ કંપનીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરના હોદ્દા પર કામ કરો છો. અઠવાડિયાના સાતમાંથી ચાર દિવસ તમારે કોઈ મહત્વની મીટિંગ્સ અટેન્ડ કરવાની હોય છે. કંપનીના લાખો અને કરોડો રૂપિયાના નિર્ણયો લેવાની જવાબદારી તમારા માથે છે, પરંતુ તમારી એક અત્યંત જટિલ સમસ્યા છે. જેટલી વાર મીટીંગ્સની આગલી રાતે તમે પતïની સાથે અંગત ક્ષણોનું સુખ માણવાનો પ્રયતïન કરો છો એટલી વાર તમને માથું દુખવા લાગે છે. બલકે માથાનો આ દુખાવો એટલો અસહ્ય હોય છે કે બીજા દિવસે તો માથું જાણે ફાટી જવાનું હોય એવું લાગે છે. આવામાં તમે શું કરો? મીટિંગ્સ અટેન્ડ કરવાનું બંધ કરી દો?  નોકરી છોડી દો?  કે પછી પતïનીની નિકટ જવાનું ટાળો?

આમ તો આ માત્ર એક કાલ્પનિક ચિત્ર છે, પરંતુ શું તમે જાણો છો કેટલાક લોકોના જીવનની આ હકીકત પણ હોય છે? વિજ્ઞાનમાં આ પરિસ્થિતિ સેક્સ-હેડેકના નામે ઓળખાય છે, જેમાં વ્યક્તિને સંભોગનો આનંદ માણતાં જ માથું દુખવા લાગે છે. બલકે ક્યારેક તો માથામાં દુખાવાની સાથે ગરદનની પાછળના ભાગમાં પણ સ્ટિફનેસ આવી જાય છે તો ક્યારેક જડબું જકડાઈ જાય છે. વળી આ પરિસ્થિતિ ૧૫-૨૦ મિનિટથી માંડી ક્યારેક દિવસો સુધી પરેશાન કરે છે. આવું વારંવાર બનતાં વ્યક્તિના મનમાં સંભોગનો એવો ડર બેસી જાય છે કે પાર્ટનરની નજીક જવામાં પણ તેમને ભય લાગવા માંડે છે. આવો, આજે આ વિષય પર થોડી વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ.

જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટ આ વિષય પર પ્રકાશ પાડતાં કહે છે, ‘સેક્સ માટેની ઇચ્છા એક અત્યંત કુદરતી આવેગ છે. ચોક્કસ ઉંમર થાય એટલે દરેક વ્યક્તિના મનમાં એની ઇચ્છા જાગ્રત થાય જ, પરંતુ કેટલીક વાર એ આવેગને સંતોષવા જતાં અમુક લોકોમાં એના રીઍક્શનરૂપે સેક્સ-હેડેકનાં લક્ષણો જોવા મળે છે. આવા લોકોને સ્ખલન બાદ અથવા તો સ્ખલન થવાની તૈયારીમાં હોય એ ક્ષણની પૂર્વે એકાએક માથું દુખવા લાગે છે. વિજ્ઞાનમાં આ પરિસ્થિતિ POIS એટલે કે પોસ્ટઑર્ગેસ્મિક ઇલનેસ સિન્ડ્રૉમ તરીકે ઓળખાય છે. મહદંશે પુરુષોને સતાવતી આ પરિસ્થિતિમાં કેટલાકને માથું દુખવા ઉપરાંત આખા શરીરના સ્નાયુઓમાં પેઇન થવા લાગે છે તો કેટલાકને ખૂબ થાક લાગે છે તો વળી કેટલાકને નાકમાં અણખટ થવાથી ખૂબ છીંકો આવે છે અને આંખમાંથી પાણી નીકળે છે. કેટલાક એકાએક થયેલા આ હુમલાથી એટલા પરેશાન થઈ જાય છે કે ઇરિટેટ થઈ જાય છે તો કોઈ માનસિક તાણ તથા અકળામણનો અનુભવ કરે છે તો કોઈ અત્યંત ડિપ્રેસ થઈ જાય છે એટલું જ નહીં, આવું થતાં કેટલાકને એકાએક ટાઢ લાગવા માંડે છે તો અમુકને પસીનો પણ છૂટી જાય છે. નવાઈની વાત તો એ છે કે સ્ખલન બાદ તરત અથવા અડધા કલાકમાં શરૂ થઈ જતી આ તકલીફો કલાકોથી માંડી દિવસો સુધી ચાલુ રહે છે. વળી વ્યસ્કોની સરખામણીમાં આ સમસ્યા યુવાનોને વધુ સતાવતી હોવાથી તેમના મનમાં સેક્સ માટેનો છૂપો ડર બેસી જાય છે અને જીવનભર તેઓ શીઘ્ર સ્ખલન જેવી સેક્સને લગતી અન્ય સમસ્યાઓનો ભોગ બની જાય છે.’

વિજ્ઞાનમાં POIS પોસ્ટઇજેક્યુલેટરી સિન્ડ્રૉમ, બિનાઇન કોએટલ હેડેક, પોસ્ટઑર્ગેઝમ ઇલનેસ સિન્ડ્રૉમ, પોસ્ટઇજેક્યુલેશન સિકનેસ તથા પોસ્ટઑર્ગેસ્મિક સિક સિન્ડ્રૉમ જેવાં નામો પણ વપરાય છે. જ્યારે આ પરિસ્થિતિમાં દરદીને ફક્ત માથાના દુખાવાની સમસ્યા જ સતાવે ત્યારે એ સેક્સ-હેડેક અથવા સેક્સ્યુઅલ હેડેક તરીકે ઓળખાય છે. જોકે આવો માથાનો દુખાવો ફક્ત સંભોગ બાદ જ નહીં, પરંતુ હસ્તમૈથુન, ગુદામૈથુન કે મુખમૈથુન જેવા સેક્સના કોઈ પણ પ્રકાર બાદ શરૂ થવાની સંભાવના રહે છે.

જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડો. અશિત શેઠ કહે છે, ‘સેક્સ-હેડેક પાછળનાં ચોક્કસ કારણો હજી સુધી જાણી શકાયાં નથી. કેટલાક એને પુરુષને ખુદ પોતાના જ વીર્ય દ્વારા થતા ઍલર્જિક રીઍક્શનરૂપે જુએ છે તો કેટલાક એને સ્ખલન દરમ્યાન વીર્યની સાથે પુરુષના શરીરમાંથી બહાર આવતા સાઇટોકિન્સ નામના પદાર્થ પ્રત્યેના ઑટો ઇમ્યુન રીઍક્શન તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે. એક બીજી થિયરી અનુસાર આ સમસ્યા પુરુષના શરીરમાં ઊભી થયેલી હૉર્મોન્સની ગડમથલનું પરિણામ હોય છે જેની પાછળ પ્રોજેસ્ટેરોન્સ, કૉર્ટિઝોલ, ટેસ્ટોસ્ટેરોન જેવાં હૉર્મોન્સની ઊણપ અથવા પ્રોલેક્ટિન તથા હાઇપોથાઇરૉડિઝમ જેવાં હોર્મોન્સનું વધી ગયેલું પ્રમાણ જવાબદાર હોય છે. એવું પણ જોવા મળ્યું છે કે પહેલી વાર સંભોગનો અનુભવ કરનારાઓ પર વધુપડતી ઉત્તેજનાને પગલે અસ્થમાનો હુમલો થાય છે અથવા પહેલેથી જ અસ્થમાની સમસ્યા ધરાવનારની તકલીફ ઔર વધી જાય છે. આવો હુમલો POIS સાથે ઘણું સામ્ય ધરાવતો હોવાથી એ સેક્સના અનુભવને કારણે થયો છે કે પછી દરદીની બીમારીને પગલે એ કળી શકાતું નથી. તો કેટલીક વાર લગ્નબાહ્ય સંબંધ ધરાવતા પુરુષને પરસ્ત્રી સાથે સમાગમનો આનંદ માણ્યા બાદ અનુભવાતા અપરાધભાવથી પણ આવું થતું હોવાનું જોવા મળે છે. સાથે જ કેટલાકને ઘરમાં એકલતાના અભાવમાં પતïનીની નજીક જવામાં આ તકલીફનો સામનો કરવો પડે છે. આમ POISનાં લક્ષણોમાં એટએટલી વિવિધતા જોવા મળે છે કે કયા દરદીને કેવી સમસ્યા સતાવી શકે એ કહી શકાય નહીં.’

જાણીતા સાઇકિયાટ્રિસ્ટ તથા સેક્સોલૉજિસ્ટ ડૉ. પવન સોનાર POIS પાછળ જોવા મળતું એક સૌથી સામાન્ય કારણ જણાવતાં કહે છે, ‘આપણા દેશમાં હજી આજની તારીખમાં પણ લોકોમાં સેક્સ બાબતે જોઈએ એટલી જાગૃતિ આવી નથી, પરિણામે ગ્લોબલાઇઝેશનના આ સમયમાં પણ આપણે ત્યાં હજી આ વિષય પર જાતજાતની ગેરમાન્યતાઓ ફેલાયેલી જોવા મળે છે. આમાંની સૌથી મોટી અને ખોટી માન્યતા વીર્ય તરીકે ઓળખાતા પુરુષના શરીરમાંથી સ્ખલન દરમ્યાન નીકળતા પ્રવાહી વિશે છે. વાસ્તવમાં છોકરાની અમુક ચોક્કસ ઉંમર થાય એટલે તેનાં વૃષણો દ્વારા વીર્યનું ઉત્પાદન આપોઆપ શરૂ થઈ જાય છે. કિશોરાવસ્થામાં શરૂ થતી આ ક્રિયા ત્યાર બાદ જીવનભર અવિરત ધોરણે ચાલુ રહે છે અને જો સંભોગ બાદ સ્ખલનરૂપે આ પ્રવાહી શરીરની બહાર ન નીકળે તો સ્વપ્નસ્ખલનના માધ્યમથી જાતે જ પોતાનો માર્ગ કાઢી લે છે, પરંતુ આપણે ત્યાંનો એક બહુ મોટો વર્ગ વીર્યને શરીરના અન્ય પ્રવાહીઓમાંનું એક સમજવાને સ્થાને પોતાની મર્દાનગીની નિશાની તરીકે જુએ છે. આવા લોકોનું માનવું હોય છે કે પુરુષના શરીરમાં બોન મૅરોનું એક ટીપું ૪૦ લોહીનાં ટીપાં બરાબર છે અને વીર્યનું એક ટીપું ૪૦૦ બોન મૅરોનાં ટીપાં બરાબર છે. આવું વીર્ય વેડફી નાખવામાં આવે તો એ પુરુષ માટે શારીરિક નબળાઈથી માંડીને નપુંસકતાનું કારણ બની શકે છે. આવા લોકો સેક્સને પણ એક નૈસર્ગિક આવેગ તરીકે જોવાને સ્થાને એની સાથે પાપ-પુણ્ય જેવા વિચારો જોડી નાખે છે. આ વિચારો તેમના મનમાં એટલા ઊંડા ઘર કરી ગયા હોય છે કે સેક્સની આખી ક્રિયા તેમના મનને આનંદ કે સંતોષ આપવાને સ્થાને અપરાધભાવથી ભરી દે છે. આ અપરાધભાવ ઘણી વાર પોસ્ટઑર્ગેસ્મિક ઇલનેસ ડિસઑર્ડર તરીકે બહાર આવે છે. આવું થતાં વ્યક્તિમાં આ ડિસઑર્ડરનાં શારીરિક લક્ષણો ઉપરાંત ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનનાં માનસિક લક્ષણો પણ જોવા મળે છે. ભારતમાં પ્રચલિત આ માન્યતાને વિજ્ઞાન ધાત સિન્ડ્રૉમ તરીકે ઓળખાવે છે.’

પહેલાં કરતાં સેક્સ-હેડેકના કિસ્સાનું પ્રમાણ વધ્યું છે

આંકડાઓ અનુસાર જોવા જઈએ તો પહેલાંની સરખામણીમાં હવેના સમયમાં સેક્સ-હેડેકના કિસ્સાનું પ્રમાણ વધ્યું છે. સંખ્યાબંધ કપલ્સના બેડરૂમમાં આ સમસ્યા આગ લગાડી રહી છે. જોકે એની પાછળનું કારણ સમજાવતાં જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. રાજન ભોસલે કહે છે, ‘વાસ્તવમાં સેક્સ-હેડેક એ કોઈ આજના સમયની બીમારી નથી, સદીઓથી દુનિયાભરમાં આ વિષય પર ચર્ચા ચાલતી આવી છે. બલકે મનોવિજ્ઞાનનાં પુસ્તકોમાં એનો પદ્ધતિસર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ફરક માત્ર એટલો જ છે કે આજથી લગભગ એકાદ દાયકા પહેલાં લોકોમાં સેક્સને લગતી સમસ્યાઓના ઇલાજ માટે સેક્સોલૉજિસ્ટ પાસે જવું જોઈએ એવી જાગૃતિ જ નહોતી. મોટા ભાગના લોકો માથું દુખે છે એવું માનીને સામાન્ય ફૅમિલી ફિઝિશ્યન પાસે પહોંચી જતા. બલકે મોટા ભાગના ફૅમિલી ફિઝિશ્યન્સ પણ સેક્સોલૉજીના ક્ષેત્રથી અજાણ હોવાથી જ્યારે આવા કિસ્સા તેમનાથી હૅન્ડલ ન થાય ત્યારે તેઓ તેમને વધુમાં વધુ ન્યુરોલૉજિસ્ટ પાસે મોકલી આપતા. એ તો માસમીડિયાના પ્રભાવને પગલે લોકોમાં જાગૃતિ આવી હોવાથી હવે આવા લોકોએ પોતાની સમસ્યા માટે અમારા જેવા ડૉક્ટરોનો સીધો સંપર્ક સાધવાનું શરૂ કર્યું છે, જેને પગલે જાણે આજના સમયમાં એના કિસ્સા વધી ગયા હોય એવું લાગી રહ્યું છે. અન્યથા આ સમસ્યા હંમેશાંથી એક સામાન્ય સમસ્યા રહી છે.’

સેક્સ વિશે જાગૃતિ લાવવાની જરૂર

POISની કોઈ એક ચોક્કસ સારવાર નથી. સૌથી પહેલાં તો POISનું કારણ સમજવા માટે દરદીના શરીર અને મનની ઊંડાણપૂર્વક તપાસ કરવી પડે છે. બલકે કેટલીક વાર તો બધું જ કર્યા બાદ પણ આવું થવા પાછળનું કારણ કળી શકાતું નથી અને જ્યારે પકડમાં આવે ત્યારે પણ એ દરદીએ દરદીએ જુદું જ હોય છે. જોકે એક વાર કારણ પકડાઈ જાય પછી સારવારની દિશા નક્કી કરવી આસાન બની જાય છે. કેટલીક વાર ડૉક્ટરે એક જ સમયે એક કરતાં વધુ  સારવારની પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. તકલીફ થાય તો એને સહન કરવાનો સમય મળી રહે એ માટે ઘણી વાર દરદીને રજાના દિવસો સુધી સેક્સ માટેની ઇચ્છા દબાવી રાખવાની સલાહ આપવી પડે છે. કેટલાકને ડૉક્ટર સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર્સ (SSRI) નામનું તત્વ ધરાવતી દવાઓ લેવાનું સૂચન કરે છે. હૅપિનેસ ડ્રગ તરીકે ઓળખાતી આ દવા મુશ્કેલીમાં હકારાત્મક અભિગમ જાળવી રાખવામાં સહાયક બને છે. જેમની ઍલર્જીને પગલે આવું થાય તેમના પર ઍલર્જન ઇમ્યુનોથેરપી અજમાવવી પડે અને જેમને ઑટો ઇમ્યુન રીઍક્શનરૂપે આવું થતું હોય તેમને ઍન્ટિ-ઈન્ફ્લૅમેટરી ડ્રગ્સ આપવું પડે. જેઓ POISની સાથે ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટીથી પીડાતા હોય તેમને સાઇકોથેરપી અને દવાઓના માધ્યમથી એમાંથી બહાર કાઢવાના પ્રયતïનો કરવા પડે છે. તો કેટલાકને ડૉક્ટરો પેઇનકિલર્સની સાથે મસલ રિલૅક્સન્ટનું કૉમ્બિનેશન પણ આપતા હોય છે. આ સાથે કેટલાકને બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવા માટે વપરાતી બીટા બ્લૉકર્સ તરીકે ઓળખાતી દવાઓ આપવાથી પણ ફાયદો થતો હોવાનું જોવા મળ્યું છે. અહીં ડૉ. સોનાર કહે છે, ‘સૌથી વધુ આવશ્યકતા સમાજમાં સેક્સ વિશે જાગૃતિ લાવવાની છે. જેટલી લોકોની ગેરમાન્યતાઓ ભાંગશે અને વૈજ્ઞાનિક હકીકતોને તેઓ સમજતા થશે એટલી તેમનામાં દહેશત ઓછી ફેલાશે અને એટલા સેક્સ્યુઅલ ડિસઑર્ડર્સ વધુ સરળતાથી કાબૂમાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK