ઍસિડિટીનો ઇલાજ ગોળીઓથી ન કરો

દવાઓ ખાધા કરવાથી એ ઠીક થતો નથી. સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે ઍસિડિટી કયાં કારણોસર થઈ છે અને એ કારણોને પહેલાં દૂર કરવાની જરૂર રહે છે. આ જ એનું કાયમી સૉલ્યુશન છે

pills

જિગીષા જૈન

આજકાલ લાઇફ-સ્ટાઇલ ડિસીઝનો ખૂબ મારો ચાલે છે. આપણી બદલાયેલી લાઇફ-સ્ટાઇલે આપણને ખૂબ પાંગળા બનાવી દીધા છે અને આપણા શરીરને ખૂબ કમજોર, જેને કારણે શરીરનું આખું ચક્ર જ અવ્યવસ્થિત બની જાય છે. દરેક સિસ્ટમ બગડી જાય છે. લાઇફ-સ્ટાઇલ ડિસીઝ બોલો તો લોકોને ડાયાબિટીઝ અને હાર્ટ-ડિસીઝ દેખાવા લાગે છે, પરંતુ સૌથી સામાન્ય લાઇફ-સ્ટાઇલ ડિસીઝ કોઈ હોય તો એ છે ઍસિડિટી. આજના ૧૨ વર્ષના નાના છોકરાથી લઈને ૮૦ વર્ષના ડોસાઓ સુધી દરેકને ઍસિડિટીની તકલીફ રહેતી હોય છે. ૧૮-૩૦ વર્ષની ઉંમરમાં, જેમાં કહેવાય કે પાણા પણ પચાવી શકાય એવું પાચનતંત્ર હોવું જોઈએ એ ઉંમરમાં લોકો ઍન્ટૅસિડની ગોળીઓ ગળતા જોવા મળે છે. ઍસિડિટીને લીધે રાત-રાતભર સૂઈ નથી શકતા. ઍસિડિટી જેવી તકલીફને આપણે ત્યાં ઘણી જ સામાન્ય રીતે જોવામાં આવે છે, એનું કોઈ ખાસ મહત્વ જ નથી જાણે કે. ઍસિડિટી થઈ ગઈ છે? એ તો થાય હવે. એને કારણે ઘચરકા આવે છે? એ તો ચાલે હવે. થાય અને ચાલેની નીતિ અપનાવશો તો આ ઍસિડિટી તમને ખૂબ ભારે પડશે. આજે જાણીએ આ ઍસિડિટી થવાનાં કારણો અને એનો ઇલાજ કઈ રીતે કરાવવો.

કારણો


બદલાયેલી લાઇફ-સ્ટાઇલને કારણે આજકાલ ઍસિડિટીના કેસ ઘણા જોવા મળે છે. આ લાઇફ-સ્ટાઇલમાં શું બદલાયું છે જેને લીધે ઍસિડિટીનું પ્રમાણ વધ્યું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં દહિસરના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જીવનમાં હરી, વરી અને કરી આ ત્રણ વસ્તુઓ ઍસિડિટીની કારક છે. બહારનું, તીખું, તળેલું અને મસાલેદાર ભોજન ખાવું; ભોજન સમય પર ન ખાવું; વધુપડતું ખાવું કે વધુપડતા ભૂખ્યા રહેવું; સમય પર ન સૂવું; રાત્રિઉજાગરા વધુ કરવા; અપૂરતી ઊંઘ; વધુપડતી ઊંઘ; બેઠાડુ જીવન જીવવું જેવાં કારણો શારીરિક છે. આ સિવાય અમુક કારણો માનસિક પણ હોય છે; જેમ કે ચિંતા કરવી, નાની-નાની વાતો પર સ્ટ્રેસ લઈ લેવું, ડિપ્રેસ્ડ ફીલ કરવું, ખૂબ જલદી ગુસ્સે થઈ જવું, દરેક વસ્તુને વ્યવસ્થિત કરવાનો દુરાગ્રહ સેવવો વગેરે સ્વભાવગ્રસ્ત બાબતો જેને કારણે વ્યક્તિને ઍસિડિટી રહે છે. ઘણા લોકો માને છે કે આ શારીરિક બાબતો જ વધુ અસર કરે છે, પરંતુ આ બાબતમાં માનસિક બાબતો પણ એટલી જ મહત્વની છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે.’

દવાઓનો અર્થ નથી


ઍસિડિટી માટેની દવાઓ મેડિકલ સ્ટોરમાં ખુલ્લી વેચાતી મળે છે. જોઈએ એટલી ખરીદી શકાય છે અને ખાસ મોંઘી પણ મળતી નથી. આમ લોકોને ઍસિડિટી જેવું લાગે કે તરત જ આ દવાઓ લેવાનું ચાલુ કરી દે છે. હાલતાં-ચાલતાં આ દવાઓ લીધા કરો એનો ખરી રીતે જોઈએ તો કોઈ અર્થ નથી. એ વિશે સમજાવતાં ઝેન હૉસ્પિટલના ડિરેક્ટર અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રૉય પાટણકર કહે છે, ‘ઍસિડિટી ૬-૮ મહિને એકાદ વાર થાય અને તમે ઍન્ટૅસિડ લો તો વાંધો નહીં, પરંતુ આવી પરિસ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે; કારણ કે જેમને ઍસિડિટી થાય છે તેમને આ સતત રહેતો પ્રૉબ્લેમ જ હોય છે. હવે આવામાં જો તમે એ પ્રૉબ્લેમનું કારણ સમજતા નથી અને ગોળીઓ ખાધા કરો છો તો તકલીફ તો થવાની જ છે. રોગ જવાનો નથી અને ગોળીઓની સાઇડ-ઇફેક્ટ થાય એ જુદી.’

સાઇડ-ઇફેક્ટ

ઍન્ટૅસિડની ગોળીઓ, સિરપ, પાઉડર ઘણા જુદા-જુદા ફૉર્મમાં માર્કેટમાં મળે છે. આ સિવાય લોકો જે દવાઓ લે છે એમાં પ્રોટોન પમ્પ બ્લૉકર્સ નામની દવાઓ છે જે બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. આ ગોળીઓ લાંબા સમય સુધી લેતા રહો તો શું સાઇડ- ઇફેક્ટ થઈ શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. રૉય પાટણકર કહે છે, ‘આ પ્રકારની દવાઓને કારણે કિડની પર ખરાબ અસર થઈ શકે છે. ખાસ કરીને જેમને બૉર્ડર-લાઇન કિડની ડિસીઝ હોય છે એ લોકોને આ વધુ ખરાબ રીતે અસર કરે છે. વિટામિન B૧૨ની ઊણપ આવી શકે છે. અમુક પ્રકારનાં કૅન્સર થવાનું રિસ્ક વધી જાય છે. જે ખૂબ લાંબા સમયથી લઈ રહ્યા છે તેમને હાર્ટની રિધમમાં તકલીફ આવી શકે છે. આ બધી આડ-અસરોને જોતાં US-FDAએ ઘણા સમયથી પોતાની ગાઇડલાઇન્સમાં એ દર્શાવ્યું છે કે આ દવાઓનો ઉપયોગ લાંબા સમય સુધી ન કરવો.’

acidity

માનસિક કારણો માટે શું કરશો?

ઍસિડિટી થવા પાછળ આપણે જોયું કે માનસિક કારણો પણ ઘણાં જ મહત્વનાં છે. તો જો ઍસિડિટીની તકલીફને જડથી દૂર કરવી હોય તો આ બાબતે પણ કંઈ કરવું જરૂરી છે. આ બાબતે શું કરી શકાય એ સમજાવતાં ડૉ. રૉય પાટણકર કહે છે, ‘આ બાબતે ડૉક્ટરે ખૂબ સભાન રહેવું જરૂરી છે. સાચો ડૉક્ટર એ જ જે આ કારણોને પણ મહત્વ આપે. માનસિક કારણોમાં સ્ટ્રેસ, ગુસ્સો, ચિંતા, ડિપ્રેશન આ બધું જ આવી જાય છે. આ બાબતો વ્યક્તિ માટે સ્વભાવગત હોય છે, જે બદલવી મુશ્કેલ છે; પરંતુ આ બાબતે પ્રયત્નો અનિવાર્ય છે. અમુક લોકો જ એવા હોય છે કે મગજ પર ઘણું ટેન્શન લઈને ફરતા હોય છે. લાઇફ-સ્ટાઇલની સાથે-સાથે સ્વભાવ-પરિવર્તન પણ એટલું જ જરૂરી છે. સ્ટ્રેસ તો રહેવાનું, પરંતુ એને કઈ રીતે ટૅકલ કરવું એ શીખવું જ રહ્યું. સ્વભાવમાં પરિવર્તન લાવવું અશક્ય નથી. લાંબા ગાળાની હેલ્થ માટે એ અનિવાર્ય બની જતું હોય છે.’

કરવું શું?


ઍસિડિટી તમને રહેતી હોય તો તમારે શું કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ જાણીએ ડૉ. રૉય પાટણકર અને ડૉ. સુશીલ શાહ પાસેથી

૧. મહત્વનું એ છે કે જો ઍસિડિટી હોય તો તમે એને વધવા ન દો. હંમેશાં એવું બનતું હોય છે કે ધીમે-ધીમે આ પ્રૉબ્લેમ ઍક્યુટ બનતો જાય છે. પ્રૉબ્લેમ નાનો હોય ત્યારે જ એને સુધારો.

૨. જ્યારે તમને ઍસિડિટીની તકલીફ હોય ત્યારે એ જાણવું અત્યંત જરૂરી છે કે તમને આ પ્રૉબ્લેમ કેમ છે? ઍસિડિટીની ૯૯ ટકા તકલીફ લાઇફ-સ્ટાઇલ સંબંધિત જ હોય છે. ૧ ટકો બીજાં કારણો હોઈ શકે છે. આ બીજાં કારણોમાં એચ. પાયલોરી બૅક્ટેરિયા છે જે મહત્વનું કારણ સાબિત થઈ શકે છે. આમ પહેલાં તપાસો કે તમને ઍસિડિટીની તકલીફ શા માટે છે.

૩. જો એનું કારણ લાઇફ-સ્ટાઇલ સંબંધિત હોય તો ગમેતેટલી દવા ખાશો તોય ફરક પડવાનો નથી, કારણ કે જ્યાં સુધી લાઇફ-સ્ટાઇલ સુધારશો નહીં ત્યાં સુધી તકલીફ જવાની નથી. આ બાબત સમજવી અત્યંત જરૂરી છે.

૪. જો તમે બહારનો ખોરાક ખૂબ ખાતા હો તો એ બંધ કરવો જરૂરી છે. એકદમ બંધ ન કરી શકો તો એને ધીમે-ધીમે ઘટાડો. ઘરનો સાદો ખોરાક શરૂ કરો.

૫. જો તમારા બે ખોરાક વચ્ચેનો સમય ખૂબ વધારે હોય એટલે કે સવારે બ્રેકફાસ્ટ કર્યો હોય અને સીધું ૪-૫ વાગ્યે બપોરનું જમો તો તકલીફ થવાની જ છે. આ બાબતે જાગૃત બનો. ખોરાક સમય પર લો.

૬. મુંબઈ જેવા શહેરમાં જ્યાં સવારે ઊઠતાંવેંત માણસ ભાગવા માંડે છે ત્યાં ઍસિડિટીની તકલીફ હોવાનું મુખ્ય કારણ એ પણ હોય છે કે લોકો સવારે નાસ્તો નથી કરતા. સવારે ઊઠીને એક કલાકની અંદર જ ખૂબ જરૂરી છે કે તમે નાસ્તો કરો. એ સ્કિપ ન કરો.

૭. લોકો તેમની ઊંઘને પણ મહત્વ આપતા નથી હોતા. જે લોકો બરાબર ઊંઘી નથી શકતા એની તેમના પાચન પર ઘણી ગાઢ અસર પડે છે. એટલે એ જરૂરી છે કે દરેક વયસ્ક વ્યક્તિ ૬-૮ કલાકની સળંગ ઊંઘ લે.

૮. ઊંઘનો સમય પણ લોકો સમજતા નથી. ઘણા લોકો રાત્રે ૧-૨ વાગ્યે સૂવે છે અને પછી સવારે ૧૦ વાગ્યા સુધી સૂઈ રહે છે. તેઓ માને છે કે તે તેમની ઊંઘ તો પૂરી કરી જ લે છે, પરંતુ એને કારણે પાચનની આખી સાઇકલ ડિસ્ટર્બ થઈ જાય છે. આદર્શ રીતે રાત્રે ૧૦થી સવારની ૬ વાગ્યા સુધીની ઊંઘ મહત્વની છે. આ સમયે સૂઓ તો જ તમારા શરીરને યોગ્ય આરામ મળે છે.

૯. આજનું આપણું બેઠાડુ જીવન પણ આપણા પાચન પર અસર કરે છે. આપણા વડીલો એટલું કામ કરતા કે તેમને હેવી ખોરાક પણ સરળતાથી પચી જતો. આજે આપણી હાલત એવી છે કે એક દિવસ જો થાળી ભરીને ખાધું હોય તો બીજા દિવસે હાલત ખરાબ થઈ જાય છે. પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે. દિવસભર સતત પ્રવૃત્તિમય જીવન રહે એ જરૂરી છે.

૧૦. જો તમે ઑફિસ-વર્ક કરતા હો અને સતત પ્રવૃત્તિ શક્ય ન હોય તો ઍટ લીસ્ટ દિવસમાં ૧ કલાક એક્સરસાઇઝ કરો. તમને ફાવે એ એક્સરસાઇઝ કરો, પરંતુ એ કરવી જરૂરી છે.

૧૧. ઍસિડિટી એક સામાન્ય વસ્તુ છે એમ અવગણીને ડૉક્ટરની સલાહ ન લો એવી ભૂલ ન કરો. ડૉક્ટર તમારી સંપૂર્ણ હિસ્ટરી તપાસે છે કે નહીં એ બાબતે ધ્યાન આપો અને ઍસિડિટીની તકલીફ જડથી કાઢવાની કોશિશ કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK