વરસાદમાં વહેતાં ઝરણાં, નદી કે તળાવમાં નહાવાનું પડી શકે છે ભારે

ટેસ્ટમાં સાબિત થયું હતું કે તેને લેપ્ટોસ્પાઇરોસિસ હતો. ચોમાસામાં વરસાદને કારણે ઘણાં ઝરણાં ફૂટી નીકળે છે. લોકો ખાસ એમાં નહાવા જાય છે, પરંતુ આ રોગનું રિસ્ક પાણી સાથે જોડાયેલું છે એટલે તમારી મૉન્સૂનની મજા સજામાં ન ફેરવાઈ જાય એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે

rain

જિગીષા જૈન

ગયા શનિવારે કાંદિવલીમાં રહેતા એક ૧૬ વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું, જેની ટેસ્ટમાં સાબિત થયું હતું કે તેને લેપ્ટોસ્પાઇરોસિસ હતો. જોકે તેનું મૃત્યુ આ રોગને કારણે જ થયું હતું એવું આ લખાય છે ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા પુખ્ત રીતે જાહેર થયું નથી. આ છોકરો ૧૫ જુલાઈએ તેના ઘરની નજીક આવેલા તળાવમાં નહાવા માટે ગયો હતો. એના બે કે ત્રણ દિવસની અંદર તેને તાવ શરૂ થયો. લોકલ ફિઝિશ્યન પાસેથી તેણે દવા લીધી, પરંતુ તેની તબિયત ખરાબ થતી જ ચાલી. ૨૪ જુલાઈએ લોકલ નર્સિંગ હોમમાં તેને દાખલ કરવામાં આવ્યો અને ત્યાં તેણે દમ તોડ્યો. તેના પરિવારજનોના કહેવા મુજબ તેના રર્પિોટ્સ એવું કહે છે કે તેને લેપ્ટોસ્પાઇરોસિસ હતો. ઑફિશ્યલી આ છોકરા પહેલાં બીજા ૪ યુવાન છોકરાઓનું મૃત્યુ આ રોગને કારણે થઈ ચૂક્યું છે, જેમાંથી બે ટીનેજર હતા અને બે વીસ વર્ષ આસપાસની ઉંમર ધરાવતા હતા. આ રોગનું રિસ્ક એક રીતે જોઈએ તો એવા લોકો પર વધુ છે જેમની ઇમ્યુનિટી સારી નથી; જેમ કે કોઈ બીમાર વ્યક્તિ, નાનાં બાળકો કે વૃદ્ધ લોકો. પરંતુ અહીં જોવા જેવી વાત એ છે કે આ ચાર જે મૃત્યુ પામ્યા અને પાંચમું મૃત્યુ જે પણ લેપ્ટોસ્પાઇરોસિસને કારણે જ લાગે છે એ બધામાં યુવાન કે ટીનેજ વ્યક્તિઓ જ હતી જેમની ઇમ્યુનિટી સાવ ખરાબ તો ન જ હોઈ શકે. છતાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

ચોમાસામાં આ રોગથી મુંબઈમાં ઘણાં મૃત્યુ થાય છે. ૨૦૧૫માં ૧૭૬ લોકોને આ રોગ થયો હતો અને એમાંથી ૧૯ જણ મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૬માં ૨૬૭ લોકોને આ રોગ થયો હતો અને ૯ જણ મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૭માં ૨૩૯ જણને આ રોગ થયો હતો અને એમાંથી ૭ જણ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૨૦૧૮માં ચોમાસાના એક મહિના દરમ્યાન ૨૪ જણને આ રોગ થયો હતો; જેમાંથી ચાર કે પાંચ જણ આ રોગને કારણે મૃત્યુ પામ્યા છે. આ રોગ મુંબઈ માટે અને સમગ્ર મહારાષ્ટ્ર માટે આમ તો ગંભીર છે. આપણે ત્યાં અસંખ્ય ઉંદરોની સંખ્યા આ રોગને વધુ ફેલાવે છે, કારણ કે આ રોગ આમ તો બૅક્ટેરિયલ ઇન્ફેક્શન છે; પરંતુ ઉંદર દ્વારા એ ફેલાય છે. જે પ્રાણીને; જેમાં ઉંદર મુખ્ય છે એ સિવાયનાં બિલાડી, કૂતરો, ઘોડા જેવાં પ્રાણીઓને પણ આ લેપ્ટોસ્પાયરા બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગી ગયું હોય એને ખુદ પર કોઈ અસર થતી નથી; પરંતુ એના યુરિનમાં આ બૅક્ટેરિયા પાસ થતા હોય છે. હવે આ યુરિન કોઈ પણ રીતે જો વ્યક્તિના ખુલ્લા ઘાવ પર લાગી જાય અને લોહીના સંપર્કમાં સીધું આવે ત્યારે વ્યક્તિને લેપ્ટોસ્પાઇરોસિસ થવાની પૂરી શક્યતા છે. આ પ્રાણીઓનું મૂત્ર પાણીમાં ભળે અને એ મલિન પાણી વ્યક્તિના ઘાવ પર લાગે એટલે આ ઇન્ફેક્શન થાય છે. જરૂરી નથી કે મોટો ઘાવ જ હોય, કોઈ ચીરો, પગના વાઢિયા કે સામાન્ય ડંખને કારણે છોલાઈ ગયું હોય તો આ જગ્યાએ મલિન પાણી દ્વારા બૅક્ટેરિયા માનવ શરીરમાં પ્રવેશે છે અને રોગનું કારણ બને છે.

નદી, તળાવ અને ઝરણાં


મુંબઈગરાઓ ઘણા પ્રકૃતિપ્રેમી પણ છે અને વરસાદ આવે એટલે મુંબઈની આજુબાજુના વિસ્તારમાં જ્યાં પ્રકૃતિનો જાદુ પથરાયો છે ત્યાં ઊપડી જવું, નવાં ઝરણાંઓ શોધવાં અને એમાં નહાવું એવો શોખ ઘણાને હોય છે. વહેતી નદી, તળાવ કે ઝરણાંમાં નહાવાથી આ ઇન્ફેક્શન કઈ રીતે થઈ શકે એ સમજાવતાં સાંતાક્રુઝ અને દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આ એક એવું ઇન્ફેક્શન છે જે પાણી દ્વારા ફેલાય છે એટલે જ ચોમાસામાં આ રોગ થવાની શક્યતા વધુ છે. જે નદી, તળાવ કે ઝરણામાં તમે નહાવા પડ્યા હો એ મલિન હોય, એમાં ઇન્ફેક્શનવાળા પ્રાણીનું મૂત્ર ભળેલું હોય તો એ તમારા સંપર્કમાં આવે અને તમને ઇન્ફેક્શન થઈ શકે છે. મોટા ભાગે વહેતા પાણીમાં ઇન્ફેક્શનનું રિસ્ક ઓછું હોય છે, પરંતુ એમાં પણ જો પાણી મલિન થયું હોય તો ઇન્ફેક્શન લાગી જ શકે છે. મોટા ભાગે લોકો એવું માને છે કે વરસાદનું પાણી જ્યાં ભરાયું છે એ ખાડાઓમાં જ દૂષિત પાણી રહેવાને લીધે ત્યાંથી જ ઇન્ફેક્શન લાગે છે. એ એક જગ્યા છે જ એની સાથે આ પણ મહત્વનો ર્સોસ છે.’

કઈ-કઈ રીતે લાગે ઇન્ફેક્શન?

મોટા ભાગે લોકોને એ ખબર રહે છે કે વ્યક્તિના શરીરમાં કોઈ જગ્યાએ ઘા હોય તો એ ખુલ્લો ઘા મલિન પાણીના સંપર્કમાં વધુ સમય રહે તો આ તકલીફ થઈ શકે છે. પરંતુ શું એનો અર્થ એ થયો કે ઘાવ ન હોય તો ઇન્ફેક્શન ન લાગે? આ વાતને નકારતાં ઝેન હૉસ્પિટલના ફિઝિશ્યન ડૉ. વિક્રાન્ત શાહ કહે છે, ‘દૂષિત પાણીમાં જો ઘાવ હોય તો ચોક્કસ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. ખાસ કરીને વધુ સમય એ પાણી ઘાવના સંપર્કમાં રહે તો. હવે જ્યારે ઘાવ નથી, પરંતુ વ્યક્તિ નદી કે તળાવમાં નહાવા ગઈ કે રિવર રાફ્ટિંગ કરવા ગઈ તો એ શક્ય હોય છે કે આ દૂષિત પાણી તેના મોઢામાં જતું રહે. બીજું એ કે આંખમાં એ પાણી જાય તો પણ આ ઇન્ફેક્શન લાગી શકે છે. આમ ઘાવ ન હોય તો પણ સ્વિમિંગ કરતા હોય કે નહાતા હોય ત્યારે આ રીતે ઇન્ફેક્શન લાગી શકે છે.’

રિસ્ક

એવું નથી હોતું કે લેપ્ટોસ્પાઇરોસિસ થયો એટલે તમારી હાલત કફોડી થવાની જ. એ વિશે સ્પક્ટતા કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘અમુક કેસમાં તો એવું પણ થાય કે ઇન્ફેક્શન લાગે અને સામાન્ય જેવી અસર જણાય અને બેત્રણ દિવસમાં ઠીક થઈ જાય. અમુક કેસમાં ડૉક્ટર પાસે જઈએ ત્યારે તે દવા આપે અને એ દવાથી એકદમ ઠીક થઈ જાય. આમ ૯૫ ટકા કેસમાં એવું હોય છે કે આ રોગ પર કાબૂ પામવો સરળ છે, કારણ કે આપણી પાસે એની દવા છે. એનો ઇલાજ પણ છે. પરંતુ અમુક કેસમાં રોગ કાબૂ બહાર થઈ જાય છે અને પછી એને કાબૂમાં ન કરી શકવાને કારણે મૃત્યુ સુધીની ગંભીરતા સરજાય છે. એટલે એ રોગથી ડરવા કરતાં સાવચેત રહેવું જરૂરી છે.’

કઈ રીતે રહેવું સાવધ?


ડૉ. વિક્રાન્ત શાહ અને ડૉ. સુશીલ શાહ પાસેથી જાણીએ આ બાબતે કઈ રીતે રહેવું સાવધ.

વરસાદમાં નદી, તળાવ કે ઝરણાંમાં નહાવાની મજા જ જુદી છે. કુદરતનું એ સૌંદર્ય આપણે રોગના રિસ્કને કારણે ગુમાવી દઈએ? તો એનો જવાબ હા છે. વરસાદમાં આ રોગ ઘણી બહોળી માત્રામાં ફેલાય છે અને આ પ્રકારનું રિસ્ક લેવું યોગ્ય નથી જ. આવી જગ્યાએ નહાવાથી સ્કિન-ડિસીઝ, ન્યુમોનિયા, ફંગલ-ઇન્ફેક્શન પણ થઈ શકે છે. એ સામાન્ય ગણાય, પરંતુ લેપ્ટોસ્પાઇરોસિસ સામાન્ય નથી જ. ખાસ કરીને બાળકો, વૃદ્ધો માટે આવું રિસ્ક ન જ લેવું. એનું મુખ્ય કારણ એ છે કે નદી, તળાવ અને ઝરણાંની સફાઈ આપણે ત્યાં કેટલી અને કેવી હોય છે એ આપણે જાણીએ જ છીએ. એ પાણી મલિન અને દૂષિત હોવાની શક્યતા ઘણી વધારે રહે છે.

છતાં પણ એવું બન્યું કે તમે નહાઈ લીધું કે સ્વિમિંગ કરી લીધું તો આ સત્યથી તમે જાણકાર રહો કે તમારા પર લેપ્ટોસ્પાઇરોસિસનું રિસ્ક વધુ છે જ. એટલે કોઈ ચિહ્ન દેખાય એ પહેલાં જ તમારા ડૉક્ટરને વાત કરો કે તમે બે કે ત્રણ કલાક પાણીમાં રહીને આવ્યા છો. આ પરિસ્થિતિમાં ડૉક્ટર તમને બચાવ માટેની દવા આપશે.

જો તમે એ પણ ચૂકી જાઓ અને ડૉક્ટરને ન મળો અને બે-ત્રણ દિવસની અંદર જો તમને તાવ આવે તો તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ અને પહેલાં તેમને જણાવો કે તમે બે-ત્રણ કલાક કયા પ્રકારના પાણીમાં રહ્યા છો. તો ડૉક્ટર એ જાણીને તમને દવા આપશે જેનાથી આ રોગ પર તરત કાબૂ મેળવી શકાય. જો તમે ડૉક્ટરને જાણકારી ન આપી અને ગફલતમાં રહીને દવા તમને ન મળી કે તમે ન લીધી તો રોગ વધી જશે અને મુશ્કેલી વધશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK