બાળકના શારીરિક, માનસિક, ઇમોશનલ ગ્રોથ પર અસર પડે છે અસ્થમાને કારણે

પાંચ વર્ષ પછી પણ જો શ્વાસની તકલીફ હોય તો બાળકને ડૉક્ટર પાસે લઈ જઈ એનું યોગ્ય નિદાન કરાવવું જરૂરી છે. અસ્થમા થતો અટકાવવો અઘરો છે, પરંતુ આ બાબતે સાવધાન રહીએ અને ઇલાજ ચાલુ રાખીએ તો અસ્થમા સાથે બાળક એક સંપૂર્ણ નૉર્મલ લાઇફ જીવી શકે છે. આજે વર્લ્ડ અસ્થમા ડેના દિવસે જાણીએ બાળકોમાં થતા અસ્થમા અને એની અસર વિશે

asthama

World Asthma Day - જિગીષા જૈન

ભારતમાં ૧૫-૨૦ મિલ્યન લોકોને અસ્થમા છે. એમાં પણ જો બાળકોની વાત કરીએ તો ભારતમાં ૫-૧૧ વર્ષનાં બાળકોમાં ૧૦-૧૫ ટકા બાળકોને અસ્થમાની તકલીફ છે. આ આંકડાઓ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા છે. જ્યારે આપણે સ્કૂલ જતાં બાળકોના હાથમાં બૅટ-બૉલની જગ્યાએ ઇન્હેલર્સ જોઈએ છીએ ત્યારે તકલીફ થાય છે. એ બાળકને શ્વાસની તકલીફમાં પીડાતા જોઈએ છીએ ત્યારે લાગે કે આટલી નાની ઉંમરે આવી તકલીફ! સૌથી વધુ તકલીફની વાત તો એ છે કે અસ્થમાનો વ્યાપ પહેલાં કરતાં ઘણો વધતો જાય છે. એનાં આમ તો ઘણાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ હવાનું પ્રદૂષણ છે. આ પ્રદૂષણ તો આપણે ઇચ્છીએ તો પણ રોકી નથી શકવાના, પરંતુ આપણાં બાળકોને આ તકલીફથી બચાવી શકીએ ખરા. કદાચ સઘન પ્રયત્નોથી આપણે તેમને અસ્થમા તરફ જતાં અટકાવી શકીએ અથવા તો અસ્થમા હોય, પરંતુ એને સંપૂર્ણ કન્ટ્રોલમાં રાખીને બાળકને એના અટૅકથી બચાવી શકીએ તો એક મોટું કામ કર્યું ગણાશે. આજે વર્લ્ડ અસ્થમા ડે પર આપણે આ વિશે જાણીએ.

પાંચ વર્ષની ઉંમર પછી


પાંચ વર્ષની ઉંમર સુધી બાળકોમાં શ્વાસની જે સમસ્યા રહે છે જેમાં ખાસ કરીને શ્વાસમાં સિસોટી જેવો અવાજ આવે, શ્વાસ લેવામાં પ્રૉબ્લેમ થાય, બાળક થોડું નબળું હોય, વારંવાર થાકી જતું હોય તો આ બધાં લક્ષણોને લઈને એમ ન કહી શકાય કે તેને અસ્થમા છે. આ વાત સ્પષ્ટ કરતાં ચિયર્સ ચાઇલ્ડ કૅર, કેમ્પ્સ કૉર્નરના પીડિયાટ્રીશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘પાંચ વર્ષથી નાના બાળકને શ્વાસની જે તકલીફ થતી હોય છે એને બ્રૉન્કાઇટિસ કહે છે. આજકાલ બાળકોમાં આ તકલીફ ઘણી સામાન્ય બનતી જાય છે. મોટા ભાગે એવું બનતું હોય છે કે ઉંમરની સાથે આ તકલીફ જતી રહે છે. લગભગ ૬૦-૬૫ ટકા બાળકોમાં આ તકલીફ પાંચ વર્ષની ઉંમર પછી જતી રહે છે અથવા ઘણી ઓછી થઈ જાય છે અને ધીમે-ધીમે જતી રહે છે. આમ પાંચ વર્ષની ઉંમર પહેલાં કોઈ બાળકને અસ્થમા હોતો નથી. જો શ્વાસની આ તકલીફ આગળનાં વર્ષોમાં પણ લંબાય તો એ અસ્થમાનું સ્વરૂપ લે છે.’

ઓળખ

અસ્થમાનાં ચિહ્નોમાં જે મહત્વનું છે એ ચિહ્ન છે ખાંસી. ખાસ કરીને જ્યારે રાત્રે સૂતી વખતે, રમતી વખતે, હસતી કે રડતી વખતે ખાંસીની તકલીફ વધે તો સમજવું કે શ્વાસની તકલીફ છે. લાંબા ગાળાથી કફની સમસ્યા હોય તો, રમતી વખતે બાળક એકદમ શક્તિ વગરનું લાગે ત્યારે, ખૂબ જલદી કે ટૂંકા શ્વાસ લેતું હોય કે શ્વાસ ખૂટી જતો લાગે ત્યારે, છાતી એકદમ ટાઇટ થઈ જાય કે છાતીમાં કંઈક વાગતું હોય ત્યારે, શ્વાસ લે ત્યારે સિસોટી જેવો અવાજ આવે ત્યારે આ બધાં લક્ષણોને અવગણવાં નહીં. ડૉક્ટર પાસે તરત જ જવું અને નિદાન કરાવી દવા લેવી.

બાળક પર અસર

જે બાળકને અસ્થમા થાય એ બાળકને આ અસ્થમાની અસર કેવી થાય એ બાબતે વાત કરતાં ડૉ. ઉપેન્દ્ર કીંજવાડેકર કહે છે, ‘દરેક રોગ એની અસર લઈને આવે છે. અસ્થમા પણ બાળકના જીવન પર ઘણી અસર કરે છે. ઍવરેજ મહિનામાં જો એક વાર પણ અસ્થમાનો અટૅક આવતો હોય તો બાળકના ૩-૪ દિવસ એમાં જાય છે. એ દિવસોમાં બાળક વ્યવસ્થિત ખાઈ નથી શકતું, ભણી નથી શકતું અને એને કારણે બાળકના શારીરિક અને માનસિક વિકાસને અસર પહોંચે છે. આ સિવાય અસ્થમા સાથે અમુક પ્રકારની શરમ પણ જોડાયેલી છે. જો બાળકના હાથમાં પમ્પ જોઈ લીધો તો તેની આજુબાજુનો સમાજ બાળકને બિચારું બનાવી દે છે. તેની દયા ખાય છે અને એની અસર બાળક પર સાઇકોલૉજિકલી થાય છે. આ સિવાય બાળક તેના મિત્રોની સાથે વધુ ભાગી-દોડી નથી શકતું કે વધુ સમય રમી નથી શકતું તો એને કારણે તે એકલું પડી જાય છે. અસ્થમાની બાળકના શારીરિક, માનસિક અને ઇમોશનલ ત્રણેય ગ્રોથ પર અસર પડે છે. જરૂરી છે એને સમયસર સમજવું અને એનો ઇલાજ કરવો, જેથી બાળકની આ અસરને આપણે ઘટાડી શકીએ.’

ઇલાજ


આજે વિશ્વમાં અસ્થમા માટે એટલો અકસીર ઇલાજ છે કે જેને લીધે અસ્થમા ધરાવતી વ્યક્તિ તદ્દન સમાન્ય જીવન જીવી શકે છે. આ બાબતે વાત કરતાં ડૉ. રૉય હેલ્થ સોલ્યુશન્સ ક્લિનિક, દાદરના અમેરિકન બોર્ડ સર્ટિફાઇડ અસ્થમા-ઍલર્જી‍ સ્પેશ્યલિસ્ટ ઇમ્યુનોલૉજિસ્ટ ડૉ. સીતેશ રૉય કહે છે, ‘આ બાબતે કોઈ શંકા નથી કે આજની તારીખે અસ્થમા એક એવો રોગ છે જેની સાથે એક નૉર્મલ લાઇફ જીવવી સહજ છે. હું તો ત્યાં સુધી કહીશ કે એની સાથે જો વ્યક્તિ ઇચ્છે તો સ્પોટ્ર્સને કરીઅર તરીકે પણ લઈ શકે છે. જો તે પોતાનું ધ્યાન રાખે તો તેને ક્યારેય હૉસ્પિટલમાં દાખલ થવા જેવી ઇમર્જન્સીનો પણ સામનો ન કરવો પડે પછી મૃત્યુ તો ઘણી દૂરની વાત છે. અસ્થમા માટે એ સમજવાની જરૂર છે કે આ એક લાંબા ગાળાનો રોગ છે. અમુક કેસમાં એવું બને છે કે દવા સાવ બંધ જ થઈ જાય અને અસ્થમા સાવ જતો રહે. પરંતુ એ પાછો પણ આવી શકે છે. આવા લોકોએ જીવનભર સચેત રહેવું જરૂરી છે. ગફલતમાં રહેવાથી તમે તમારું જ નુકસાન કરી બેસશો. મોટા ભાગે અસ્થમાનો ઇલાજ જીવનપર્યંત ચાલે છે.’

બાળકોમાં અસ્થમા થવાનાં કારણો

બાળકોમાં અસ્થમા થવાનાં કારણો ઘણાં જુદાં-જુદાં હોઈ શકે છે. વળી એક જ કારણ હોય એ પણ જરૂરી નથી. એકસાથે જુદાં-જુદાં ઘણાં કારણો હોઈ શકે છે. વળી આમાંથી બધાં કારણો એવાં નથી જેના વિશે આપણે જાણતા હોઈએ અને પહેલેથી એને રોકી શકીએ, જેને કારણે આપણે બાળકને અસ્થમા થાય જ નહીં એ બાબતે કંઈ કરી શકીએ. પરંતુ અમુક કારણો છે, જે બાબતે આપણે સાવધાન થઈ શકીએ. કમલેશ મધર ઍન્ડ ચાઇલ્ડ હૉસ્પિટલ, નેરુલના ડૉ. ઉપેન્દ્ર કિંજવાડેકર પાસેથી જાણીએ બાળકોને અસ્થમા થવાનાં જાણીતાં કારણો.

અસ્થમા થવા પાછળ એક નહીં, મલ્ટિપલ ફૅક્ટર્સ કામ કરતાં હોય છે. એમાંનો એક ફૅક્ટર જિનેટિક છે. એટલે કે મમ્મી અને પપ્પા કે ફૅમિલીમાંથી કોઈને પણ અસ્થમા હોય તો બાળકને આ રોગ આવવાની શક્યતા ઘણી વધારે છે.

જન્મ સમયે જો બાળક ઓછા વજનનું જન્મે તો તે મોટું થાય ત્યારે તેને અસ્થમા થવાની શક્યતા ઘણી વધુ છે.

આ સિવાય બાળકોને જન્મથી અમુક પ્રકારની ઍલર્જી હોય છે અથવા તો થોડાં મોટાં થાય ત્યારે તે આ પ્રકારની ઍલર્જી ડેવલપ કરે છે. ખાસ કરીને પરાગરજની, ધૂળની, ઘરમાં પાળતુ પ્રાણી હોય તો એના વાળની, ફૂગની, અમુક પ્રકારના ખોરાકની જેમ કે દૂધ અને દૂધની બનાવટોની, ચણાના લોટની, ઘઉંની વગેરે. આ ઍલર્જિક ટેન્ડન્સી જેનામાં હોય એ બાળકોને અસ્થમા થવાનું રિસ્ક ઘણું વધુ રહે છે.

જે બાળકો ઓબીસ છે એ બાળકોને પણ અસ્થમા થવાનું રિસ્ક ઘણું વધુ હોય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન જો મા સ્મોકિંગની આદત ધરાવતી હોય કે પૅસિવ સ્મોકિંગનો પણ શિકાર બની હોય તો બાળકને અસ્થમા થવાની શક્યતા ઘણી વધારે છે.

હવામાં વધતું પ્રદૂષણ પણ એક કારણ છે, જેને લીધે અસ્થમા આટલી હદે ફેલાઈ રહ્યો છે.

જે બાળકો ૧ વર્ષથી પણ નાનાં છે તેમને ઍન્ટિબાયોટિક દવાઓ ન આપીએ એટલું સારું, પરંતુ બાળક જો માંદું જ રહેતું હોય તો આ દવાઓ આપવી પડે છે. નાની ઉંમરમાં લેવામાં આવતી ઍન્ટિબાયોટિક દવાઓને કારણે બાળકને થોડું મોટું થયા પછી અસ્થમા આવી શકે છે.

આજકાલ ખોરાક ઘણો જ બગડ્યો છે. ખાસ કરીને ખોરાકમાં ઍલર્જિક તkવો જેવાં કે ફૂડકલર, ઍડિટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે; જે નાની ઉંમરે બાળકોની રોગપ્રતિકારક શક્તિ પર સીધી અસર કરે છે. આવા ખોરાકથી બાળકોને દૂર જ રાખવાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK