શું તમને હાડકાં, સ્નાયુઓ કે સાંધાનો દુખાવો રહે છે?

તો ફક્ત દવાઓ કે સપ્લિમેન્ટ લેવાને બદલે લાઇફ-સ્ટાઇલમાં થોડો બદલાવ કરવાથી દુખાવો દૂર કરી શકાય છે એટલું જ નહીં, ઉંમરને કારણે કે બીજાં કોઈ પણ કારણોસર થઈ રહેલો ઘસારો ઝડપથી આગળ વધતો હોય તો એની ગતિને ધીમી કરી શકાય છે.

pain

જિગીષા જૈન

૩૩ વર્ષની ઉંમરે કાર્તિકને પીઠનો પ્રૉબ્લેમ થઈ ગયો. ખૂબ જ દુખાવો રહેતો. ખાસ કરીને ડોક, ખભા અને ગરદનની નીચે પીઠનો ભાગ. સતત ૩-૪ કલાક બેસી ન શકે. ઑફિસમાં એવી કોઈ જગ્યા નહોતી જ્યાં તે લાંબો થઈ શકે. ઘરે આવે ત્યારે તેની હાલત એવી હોય કે સીધો પથારીમાં આડો પડતો. જમવા માટે પણ બેસવાનું તેને આકરું લાગતું. રવિવારે તે આરામ કરતો એટલે સોમવારે સારું લાગતું, પરંતુ ગુરુવારથી શનિવાર તેના ખૂબ ખરાબ જતા. સતત બેસીને અને કામ કરીને તેની હાલત ખરાબ થઈ જતી. બેસી કેમ નથી શકાતું એમ સતત તેને લાગ્યા કરતું. તેની ઑફિસમાં બીજા લોકોને આવી કોઈ તકલીફ નહોતી. ડૉક્ટરને તેણે બતાવ્યું તો તેમણે કહ્યું, હાડકાંનો ઘસારો ચાલુ થઈ ગયો છે. એના માટે કોઈ ખાસ ઉપાય ડૉક્ટરે બતાવ્યો નહીં. કૅલ્શિયમ અને વિટામિનની દવાઓ આપી, દુખાવો ન થાય એટલે પેઇનકિલર આપી અને થોડો સોજો હતો એટલે સોજો ઊતરે એની દવા આપી. ૧૫ દિવસના કોર્સ પછી તેને સારું લાગ્યું, પરંતુ બે મહિના પછી આ પેઇન ફરીથી આવ્યું.

ઉંમર અને બીજાં કારણો

ઉંમર થાય એટલે હાડકાં ઘસાવાનું શરૂ થાય છે. સ્નાયુઓ નબળા પડે છે. આ મોટા ભાગે ૫૦ વર્ષની ઉંમરે સામે આવતો પ્રૉબ્લેમ છે જેની શરૂઆત ૩૦ વર્ષની ઉંમરથી જ આમ તો થઈ જાય છે. ખૂબ ઓછી સ્પીડમાં ધીમે-ધીમે હાડકાં અને સ્નાયુઓ ઘસાવા લાગે છે. આ સ્પીડ ૫૦ વર્ષે થોડી વધે છે. જોકે આજકાલ યુવાનોમાં પણ આ ડીજનરેશન જોવા મળે છે. આ ડીજનરેશનની શરૂઆત કઈ રીતે થાય છે એ વાત કરતાં ફિમ્સ ક્લિનિકનાં હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘હાડકાં અને સ્નાયુઓ નબળાં પડવાનું કારણ ઉંમર તો હોય જ છે, પરંતુ એજિંગની પ્રોસેસ શું છે એ સમજીએ તો એક છે કે ઉંમર થવાને કારણે હાડકાં ઘસાય અને બીજાં કારણોમાં એવું છે કે ઉંમરને જ કારણે કે લાપરવાહીને કારણે શરીરમાં પોષણની કમી સરજાઈ હોય, ખોટી ડાયટને કારણે સ્નાયુઓનો લૉસ થયો હોય, ક્યારેય એક્સરસાઇઝ ન કરી હોય, બેઠાડુ જીવન હોય, વજન વધુ હોય, સ્નાયુઓ સશક્ત ન હોય તો ડીજનરેશન થાય છે. ઉંમરને કારણે જે ડીજનરેશન થાય એને રોકી ન શકાય, પરંતુ બાકીની બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ડીજનરેશન ખૂબ ધીમે-ધીમે થાય.’

ખબર કેમ પડે? 

આપણા શરીરનું જે માળખું છે એ હાડકાં, સ્નાયુઓ અને નર્વ પર બનેલું છે. આ ત્રણેય સ્ટ્રૉન્ગ હોય ત્યારે જ આપણે દુખાવાના ભોગ બન્યા વગર જીવન જીવી શકીએ છીએ. ઉંમર નાની હોય કે મોટી, સ્નાયુ અને હાડકાંનો પ્રૉબ્લેમ જે શરૂ થાય છે એ મોટા ભાગે ઘૂંટણ અને પીઠ કે કમરથી જ થાય છે. એ સૂચવતાં ધ્વનિ શાહ કહે છે, ‘આપના શરીરમાં સૌથી પહેલા ઘસારાની અસર ઘૂંટણ અને પીઠ કે કમર પર જ દેખાતી હોય છે. એટલે જ ઘૂંટણનો દુખાવો કે પીઠ-કમરનો દુખાવો અત્યંત સામાન્ય છે. ઘણા લોકોમાં જોવા મળે છે. એમાં પણ જ્યારે એને ટોનિંગ અને સ્ટ્રેન્ગ્થનિંગ ન મળે તો તકલીફ વધારે થાય છે. મહત્વનું એ છે કે અ તકલીફને અવગણો નહીં. એવા પ્રયત્નો હોવા જોઈએ કે ડીજનરેશન નાની ઉંમરે શરૂ ન થાય અને જો થાય તો એની ગતિને ધીમી કરી શકાય.’

શેની જરૂર?


પોષણની કમી ડીજનરેશન પાછળનું ઘણું મોટું કારણ છે. હાડકાં અને સ્નાયુઓને મજબૂત રાખવા માટે કયાં તkવોની જરૂર રહે છે એ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘લોકોને લાગે છે કે હાડકાં અને સ્નાયુઓ માટે કૅલ્શિયમ અને પ્રોટીન જ મહત્વનાં છે; પરંતુ એની સાથે-સાથે મૅગ્નેશિયમ, ઝિન્ક અને ઑર્ગેનિક સોડિયમ પણ એટલાં જ મહત્વનાં છે. આ સિવાય વિટામિન D પણ એટલું જ મહત્વનું છે. આ સિવાય જે સ્નાયુઓ નબળા પડી ગયા છે એ સ્નાયુઓને મજબૂત કરવા માટે એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે; જેમાં સ્ટ્રેચિંગ, વેઇટ-ટ્રેઇનિંગ, સ્ટ્રેન્ગ્થનિંગ બધું જ આવે છે. જો વ્યક્તિનું વજન વધુ હોય તો એને ઓછું કરવું પણ એટલું જ જરૂરી છે. તો જ એ હાડકાં પર લોડ ઓછો રહે અને એ ઘસાય નહીં. આ બધા જ ઉપાયો લાંબા ગાળાના છે. ફક્ત દવાઓ કે સપ્લિમેન્ટ લેવાથી ફાયદાઓ થવાના નથી. કોઈ પણ ઉંમરે સપ્લિમેન્ટ ફક્ત એકાદ મહિનો જ લેવાં જોઈએ. એનાથી વધુ સમય માટે સપ્લિમેન્ટ નુકસાન કરી શકે છે. એટલે આ બાબતે ગંભીર થવું જરૂરી છે.’

હોમ રેમેડી

જે પણ વ્યક્તિને સાંધા, સ્નાયુ કે હાડકાંની તકલીફ છે, એ નબળાં પડ્યાં છે કે એમાં સોજો આવી જાય છે કે પછી સતત દુખ્યા કરે છે તો તેમને ફક્ત દવા કે સપ્લિમેન્ટ લેવાથી ફાયદો નહીં થાય. એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે અને સાથે-સાથે તમારી ડાયટમાં જરૂરી ફેરફાર પણ જરૂરી છે. જો કંઈ તકલીફ ન પણ હોય તો પણ ૩૦ વર્ષની ઉપરની દરેક વ્યક્તિ આ ફેરફારોને ધ્યાનમાં રાખશે તો ભવિષ્યમાં આવનારા સાંધાના પ્રૉબ્લેમ માટે ઘણા ફાયદામાં રહેશે. ધ્વનિ શાહ પાસેથી જાણીએ ખોરાકમાં કયા પ્રકારની તકેદારી કે હોમ રેમેડી આ બાબતે કામ લાગી શકે છે.

૦૧. દરેક પ્રકારનાં બીજ જેમ કે અળસીનાં બીજ, તલનાં બીજ, કોળાનાં બીજ, તકમરિયાં, ચિયાનાં બીજ, તરબૂચનાં બીજ, પોપી બીજ, સૂર્યમુખીનાં બીજ વગેરે જાતજાતનાં બીજ બજારમાં મળે છે. એને શેકીને એક ડબ્બામાં ભરી લો. જ્યારે ફ્રૂટ્સ ખાઓ ત્યારે સમારેલાં ફ્રૂટ્સ પર એક ચમચી બીજ છાંટીને ખાઈ શકાય છે. આ બીજને સવારમાં ઊઠતાંની સાથે પણ એક ચમચી લઈ શકાય છે. આ સિવાય કંઈ જ ન ખાવાનું હોય ત્યારે જેમ કે જમવાના બે સમયની વચ્ચેના સમયમાં ખાઈ શકાય છે. આખા દિવસમાં બે ચમચી આ બીજ ખાઈ લેવાં.

૦૨. જમાવેલા દહીંમાંથી થોડું દહીં ચમચીથી કાઢો ત્યારે એ દહીંનું પાણી છૂટું પડે છે. આ પાણીમાં ભરપૂર પોષણ રહે છે. આ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ સિવાય વિટામિન B, વિટામિન C, સોડિયમ સારી માત્રામાં હોય છે. આ પાણી દિવસમાં ૫૦ મિલિલીટર જેટલું પીવું. ફક્ત આ જ પાણી પીવું. એની છાશ બનાવીને પીશો તો એમાં પાણી પડશે અને એની અસર ઓછી થઈ જશે.

૦૩. ભીંડો જૉઇન્ટ પેઇનમાં ઘણો અસરકારક સાબિત થાય છે. જમ્યા પહેલાં બપોરે એક કાચો ભીંડો ખાઈ જવો. કાચો ભીંડો ઘણો ફાયદો કરે છે અને એક જ નંગ પણ બસ થઈ જશે. દરરોજ જમ્યા પહેલાં ખાવાથી ઘસારામાં ઘણો લાભ થાય છે.

૦૪. સ્ત્રીઓએ ૫૦ વર્ષની ઉંમર પછી કૅલ્શિયમની વધુપડતી કમીને પહોંચી વળવા માટે દરરોજની ડાયટમાં દૂધ અને દૂધની બનાવટો લઈ શકાય. આ સિવાય એક ચમચી તલ આખી રાત પલાળીને સવારે ખાઈ શકાય. સોયાબીનનો ઉપયોગ પણ મદદરૂપ થાય છે. પાલકમાં પણ સારી માત્રામાં કૅલ્શિયમ મળે છે. આ સિવાય છોલેમાં કૅલ્શિયમની માત્રા ઘણી સારી છે.

૦૫. જ્યારે સ્નાયુ અને હાડકાં નબળાં હોય ત્યારે ડાયટમાં પ્રોટીનની માત્રા પણ વધારવી જોઈએ. ખાસ કરીને શાકાહારી લોકો ફક્ત બપોરે એક ટંક દાળ પીવે છે, બાકીના સમયમાં પ્રોટીન જતું જ નથી. પ્રોટીનના નામે એક જ વાટકી દાળ ઘણી ઓછી પડે છે અને આ જ કારણ છે હાડકાં અને સ્નાયુઓ નબળાં પડવાનું. સવારે ઊઠીને નટ્સ, નાસ્તામાં સ્પ્રાઉટ્સ, બપોરે દાળ કે કઠોળ, રાત્રે પનીર કે દૂધ એવી રીતે દરેક ખોરાકમાં પ્રોટીનનો સમાવેશ કરો. એ તાકાત માટે જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK