બ્લાઇન્ડફોલ્ડ યોગ

હઠ યોગ, પાવર યોગ, આયંગર યોગ પછી હવે આવ્યો નવો ટ્રેન્ડ

yogaસેજલ પટેલ

યોગ એ મૂળે ભારતની શોધ છે. ઋષિકાળની પરંપરાથી ચાલતી વિવિધ પ્રકારની યોગસાધના ભારતમાં થતી આવી છે. જોકે તમે બે-પાંચ વરસથી યોગાસનની પ્રૅક્ટિસ કરતા હો તો ક્યારેક એકની એક પ્રૅક્ટિસથી બોર થવા લાગો. યોગાસનની થોડીક હટકે ટ્વિસ્ટ સાથે પ્રૅક્ટિસ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે બ્લાઇન્ડફોલ્ડ યોગનો. વિદેશોમાં તો લગભગ ત્રણ-ચાર વર્ષથી ક્યાંક-ક્યાંક છૂટાંછવાયાં યોગસાધનો દ્વારા બંધ આંખે યોગાસનના ક્લાસિસ ચાલતા આવ્યા છે, પણ હવે એ મુંબઈમાં પણ શરૂ થઈ ચૂક્યા છે. ૨૯ વર્ષની અષ્ટાંગ યોગની ઇન્સ્ટ્રક્ટર પ્રિયંકા નાયર થાપરે બે મહિના પહેલાં ખારમાં બ્લાઇન્ડફોલ્ડ યોગ-ક્લાસનો પહેલો બૅચ શરૂ કરેલો. એને અદ્ભુત પ્રતિસાદ મળતાં હવે નવા વર્ષે મુંબઈમાં ચર્ની રોડ, જુહુ અને ખાર એમ ત્રણ જગ્યાએ બંધ આંખે થતા યોગ-ક્લાસની શરૂઆત થઈ ચૂકી છે.

આમ તો વર્ણન કરવાનું હોય તો સાવ સિમ્પલ લાગે કે જે યોગાસન તમે ખુલ્લી આંખે કરો છો એ જ તમારે બંધ આંખે કરવાનાં છે. એમાં વળી નવું શું? તમે પણ જો એવું વિચારતા હો તો આ લેખ વાંચતાં પહેલાં પાંચ મિનિટ આંખ બંધ કરીને માત્ર શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયોગ કરો. કેટલાકને આ પ્રયોગ થોડોક ડિફિકલ્ટ લાગશે, પરંતુ પાંચ મિનિટ પછી આંખ ખોલશો ત્યારે સમજાવી ન શકાય એવી સુંદર અનુભૂતિ થશે એ વાત નિશ્ચિત છે.

તો હવે જાણીએ બ્લાઇન્ડફોલ્ડ

યોગ છે શું? નૉર્મલ યોગાસન દરમ્યાન આંખ બંધ રાખવાથી શું ફાયદા થાય અને કેવી રીતે?

મુંબઈમાં પહેલી વાર બ્લાઇન્ડફોલ્ડ યોગનો પ્રયોગ જાતે કરીને બીજાને કરાવનાર અષ્ટાંગ યોગની ઇન્સ્ટ્રક્ટર પ્રિયંકા કહે છે, ‘યોગાસન શીખતી વખતે એક તબક્કે મને મૉનૉટોની લાગવા લાગેલી. હું આજુબાજુ વધુ ડાફોળિયાં મારતી. બીજા શું કરે છે અને કેવું કરે છે એ જોવામાં હું મારી અંદર જોવાનું ચૂકી જતી. એક વાર મેં નક્કી કર્યું કે બીજે ક્યાંય ધ્યાન ફંટાઈ ન જાય એ માટે માત્ર આંખ બંધ કરીને જ યોગાસન કરવાં. એ દિવસે મને ખૂબ સારું લાગ્યું. એ અનુભવ નૉર્મલ યોગાસન કરતાં ઘણો જ ડિફરન્ટ હતો. આંખે માસ્ક બાંધીને એ જ યોગાસન કરવાથી મને ખરેખર અંદરથી ખૂબ જ સારું ફીલ થવા લાગ્યું અને એમ મેં બ્લાઇન્ડફોલ્ડ યોગની અંગત રીતે શરૂઆત કરી.’

ફોકસ ફંટાય નહીં

યોગ એ એક પ્રકારની સાધના છે. સામાન્ય રીતે તો આંખ ખુલ્લી હોય કે બંધ, યોગ દરમ્યાન વ્યક્તિએ આજુબાજુમાં નજર દોડાવ્યા વિના મગજમાં ચાલતા તમામ વિચારો બંધ કરીને જે આસન કરી રહ્યા હો એમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જોકે મોટા ભાગના લોકો એમ કરી શકતા નથી. બ્લાઇન્ડફોલ્ડ યોગ એમાં ખૂબ જ મદદરૂપ છે. બ્લાઇન્ડફોલ્ડ યોગમાં દેખીતી રીતે બીજો કોઈ જ ફરક નથી હોતો. એમ છતાં એનાથી સૌથી મોટો એ ફાયદો થાય છે કે વ્યક્તિ બીજા શું કરે છે એની ચિંતા કરવાને બદલે પોતે શું કરે છે એના પર ફોકસ કરી શકે છે.

બ્રીધિંગ પર ધ્યાન

યોગાસન એ કંઈ માત્ર અંગમરોડના દાવ નથી. અમુક-તમુક રીતે શરીરને વાળવા માત્રથી એનો ફાયદો નથી થતો. પ્રત્યેક સ્ટેપ સાથે શ્વાસોચ્છ્વાસની ક્રિયા સંકળાયેલી હોય છે. પ્રિયંકા કહે છે, ‘શીખવતી વખતે સ્ટુડન્ટ્સને અનેક વાર શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવા છતાં ઘણા લોકોને એમ કરવાનું ફાવતું નથી, કેમ કે મગજ ક્યાંક બીજે ભટકતું હોય છે. આંખે માસ્ક લગાવી દેવાથી કાળું ડિબાંગ અંધારું થઈ જાય છે. તમારી આસપાસ કોણ શું કરે છે એની તમને ખબર નથી પડતી એને કારણે ધ્યાન બીજે ફંટાતું નથી અને વ્યક્તિ નૅચરલી શ્વાસ લેવા, હોલ્ડ કરવા અને કાઢવાની પ્રક્રિયાને ફૉલો કરતી થઈ જાય છે. આપમેળે મગજ બ્રીધિંગ પર ફોકસ કરવા લાગે છે.’

સામાન્ય રીતે લાંબો સમય યોગાસન કરીને થોડુંક બોરડમ જેવું ફીલ થતું હોય તો હવે એમાં નાવીન્યનો ઉમેરો કરીને બંધ આંખે યોગ કરવાનું શરૂ થયું છે. વિદેશોમાં ખૂબ પ્રચલિત આ પદ્ધતિ હવે મુંબઈગરાઓને પણ લુભાવી રહી છે. નવાઈની વાત એ છે કે લોકોને એ સાદા યોગ કરતાં વધુ સ્પિરિચ્યુઅલ અને સ્ટ્રેસ-ફ્રી ફીલ આપે છે

ટેન્શન અને સ્ટ્રેસ-રિલીફ

આજકાલ યંગ પ્રોફેશનલ્સમાં ટેન્શન અને સ્ટ્રેસ એ સૌથી મોટો દુશ્મન છે. શ્વાસોચ્છ્વાસ સાથે લયબદ્ધ રીતે યોગાસન કરવામાં આવે તો એ અકસીર સ્ટ્રેસ-બસ્ટર પુરવાર થાય છે. એમાંય જો બંધ આંખે યોગ કરવામાં આવે તો એનાથી મગજ ખૂબ શાંત થાય છે. એ વિશે પ્રિયંકા કહે છે, ‘જે આસનો તમે ખુલ્લી આંખે કરો એ જ આસનો બંધ આંખે કરવાથી શરીર અને મન બન્ને પર જાણે જુદી જ અસર થાય છે. શરૂઆતમાં કેટલાક લોકો આંખે પાટા બાંધવામાં આવે ત્યારે વિહ્વળ થઈ ઊઠે છે. અંધારું અને આસપાસમાં શું થઈ રહ્યું છે એની ખબર ન પડવાથી કેટલાકને બેચેની થવા લાગે છે, પણ થોડીક પ્રૅક્ટિસથી એ બેચેની દૂર થવા લાગે છે અને મગજ શાંત થાય છે. બહારની દુનિયાથી કટ-ઑફ થઈને માત્ર ને માત્ર તમે, તમારું શરીર, શ્વાસોચ્છ્વાસ અને તમારી અંદર શું ચાલી રહ્યું છે એને જોઈ શકો છો. આ અનુભૂતિ ધ્યાનની અવસ્થાથી કોઈ રીતે કમ નથી. મારો અનુભવ કહે છે કે બ્લાઇન્ડફોલ્ડ યોગથી સ્ટ્રેસ અને ટેન્શનમાં સૌથી વધુ ફાયદો થાય છે.’

શરીર-સંતુલનમાં મુશ્કેલી

તમે ખુલ્લી આંખે એક પગે ઊભા હો ત્યારે શરીરનું સંતુલન જાળવવું સહેલું હોય છે, પણ બંધ આંખે સંતુલન જાળવવાનું અઘરું છે. આ વાત એમ જ માની ન લો. જાતપ્રયોગ કરી જુઓ. એક પગ ઉઠાવીને એની પાનીને બીજા પગના ઘૂંટણ પાસે રાખો, હાથને નમસ્કારની મુદ્રામાં રાખો અને આંખો બંધ કરી દો. તરત જ સંતુલન ડગમગવા લાગશે.

કહેવાનો મતલબ એ કે તમે બેઠા હો કે ઊભા, બૅલૅન્સ જાળવવામાં આપણી દૃષ્ટિ પણ ઘણો મહત્વનો ફાળો ભજવે છે. એટલે જ્યારે બંધ આંખે શરીરની મૂવમેન્ટ કરવાની હોય અને અમુક ચોક્કસ યોગના પોઝમાં સ્થિર થવાનું હોય ત્યારે શરીર-સંતુલન જાળવવાનું સહેજ અઘરું જરૂર હોય છે પણ અશક્ય નથી. પ્રિયંકા કહે છે, ‘બંધ આંખે યોગાસન કરવાનાં હોય ત્યારે શરૂઆતમાં ડિફિકલ્ટી-લેવલ હળવું રાખવું. સૌથી પહેલાં બેસીને કરવાનાં આસનો બંધ આંખે કરવાં. ત્યાર બાદ ઊભા થઈને કરવાનાં આસનો કરવાં. શરીર પરનો તમારો કન્ટ્રોલ કેટલો છે એ બરાબર નાણીને પછી જ અઘરાં આસનો તરફ વળવું. પહેલાં ખુલ્લી આંખે આસનો કરવાં અને પછી એ જ સીક્વન્સમાં બંધ આંખે આસનો કરવાથી મસલ-મેમરીમાં એ મૂવમેન્ટ્સ સંઘરાયેલી હોવાથી સરળતા રહેશે.’

બને ત્યાં સુધી જાતે-જાતે જ બ્લાઇન્ડફોલ્ડ યોગ કરવાનો અખતરો ન કરવો.

સ્પિરિચ્યુઅલ અનુભવ

સામાન્ય રીતે જે લોકો શારીરિક ખામીને કારણે જોઈ નથી શકતા તેમની અન્ય ઇન્દ્રિયો વધુ સતેજ હોય છે. આંખે પાટા બાંધીને યોગાભ્યાસ કરવાથી અન્ય ઇન્દ્રિયો સતેજ થાય છે, એકાગ્રતા વધે છે, શરીર-સંતુલન અને બૉડી-માઇન્ડ વચ્ચેનું કનેક્શન સુધરે છે. પ્રિયંકા કહે છે, ‘નિયમિત અને લાંબા ગાળાના બ્લાઇન્ડફોલ્ડ યોગની પ્રૅક્ટિસથી સ્પિરિચ્યુઅલ સૅટિસ્ફૅક્શન ખૂબ મળે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy