તમારી આંખો કેટલા મેગાપિક્સલની છે?

માનવીની આંખો કોઈ જાદુઈ ડિજિટલ કૅમેરાથી કમ નથી. કુદરતે માનવ શરીરમાં ગોઠવેલા આ કૅમેરા કઈ રીતે આબેહૂબ તસવીર બનાવે છે તેમ જ એની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ ચાલો જાણીએ

eyes

વર્ષા ચિતલિયા

શું તમે ક્યારેય તમારી આંખોના મેગાપિક્સલ વિશે સાંભળ્યું છે? મોબાઇલ ખરીદતી વખતે આપણે એનાં ફીચર્સની સાથે કૅમેરા કેટલા મેગાપિક્સલનો છે એ બાબત પર ખાસ ધ્યાન આપીએ છીએ. ઇન ફૅક્ટ આપણે એવું માનીએ છીએ કે જેટલા વધુ મેગાપિક્સલનો કૅમેરા હશે એટલા ફોટો સરસ અને ક્લિયર આવશે. આવું ધ્યાન ક્યારેય આંખની બાબતમાં આપ્યું છે? માનવીની આંખ પણ એક પ્રકારનો કૅમેરા જ છે. વાસ્તવમાં તો આપણા શરીરમાં ઈશ્વરે ફિટ કરેલા આ કૅમેરાના આધારે જ ડિજિટલ કૅમેરાની શોધ થઈ છે. આપણા શરીરમાં મૂકવામાં આવેલા આ કુદરતી કૅમેરા કેવી રીતે કામ કરે છે, એ કેટલા મેગાપિક્સલના હોય છે તેમ જ એની સંભાળમાં બેદરકારી કેવાં ગંભીર પરિણામો નોતરી શકે છે એ વિશે આજે માંડીને વાત કરીએ.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણી આંખ ૫૭૬ મેગાપિક્સલની હોય છે. એનો અર્થ એક વખતમાં આપણી આંખ ૫૭૬ મેગાપિક્સલનું ક્ષેત્રફળ જોવાની ક્ષમતા ધરાવે છે. એનું કામ કોઈ જાદુઈ ડિજિટલ કૅમેરાથી કમ નથી. જેમ કૅમેરામાં ગોઠવવામાં આવેલા મુખ્ય ત્રણ ભાગ લેન્સ, સેન્સર અને પ્રોસેસરની સહાયથી તસવીર પડે છે એવી જ રીતે આંખ તસવીર તૈયાર કરે છે. માનવીની આંખમાં પણ લેન્સ હોય છે. બહારના દૃશ્યને બખૂબી કૅચ કરવા કૅમેરામાં ચિપ બેસાડવામાં આવે છે એવી જ રીતે આપણી આંખની અંદરના રેટિના દૃશ્યને ઝીલી મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. રેટિના બીજું કંઈ નહીં પણ આંખમાં બેસાડવામાં આવેલી એક પ્રકારની ચિપ છે. ૮-૧૦ મેગાપિક્સલના DSLR કૅમેરામાં સેન્સરનો આકાર ઘણો મોટો હોય છે. આથી એ ૪૦ મેગાપિક્સલના સ્માર્ટફોન કૅમેરા કરતાં વધારે સારી તસવીર પાડી શકે છે. માનવીની આંખ પ્રકાશને ગ્રહણ કરી ચિત્ર તૈયાર કરે છે અને સેન્સરની સહાયથી આબેહૂબ તસવીર બનાવે છે. જોકે માનવ શરીરમાં આ સેન્સર આંખમાં નહીં, પણ મસ્તિષ્કમાં હોય છે. આપણી આંખ આસપાસના વાતાવરણ અને દૃશ્યમાંથી સંકેતો એકઠા કરી મગજ સુધી પહોંચાડે છે અને એમાંથી એક સંપૂર્ણ ચિત્ર તૈયાર થાય છે.

માનવીની આંખો તસવીર બનાવવાનું કામ કઈ રીતે કરે છે એ સંદર્ભે સરળ રીતે સમજણ આપતાં ઘાટકોપર (ઈસ્ટ)ના ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. હિરેન મહેતા કહે છે, ‘આપણી આંખમાં જે કૉર્નિયા છે એ ફ્રન્ટ લેન્સ છે. સામેનું દૃશ્ય આ ફ્રન્ટ લેન્સ પર ઝિલાય અને ફિલ્ટર થાય. બીજો લેન્સ જેમ કૅમેરામાં ઝૂમિંગ કરવામાં આવે એ રીતે કામ કરે છે. આપણી આંખના લેન્સ ફ્લેક્સિબલ અને ઍડ્જસ્ટેબલ હોય છે, જે નજીક અને દૂરના દૃશ્યને ઝીલવાની ક્ષમતા ધરાવે છે. રેટિના એક પ્રકારનો પડદો છે, જેના પર આ દૃશ્ય પડે પછી મગજમાં ટ્રાન્સમિટ થાય અને અહીં જ પ્રોસેસ થઈ તસવીર તૈયાર થાય છે. આપણા પડદામાં લાખો-કરોડોની સંખ્યામાં સેલ્સ છે, જે જોવા માટે જ બનાવવામાં આવ્યા છે. આ સેલ્સ ખૂબ અગ્રેસિવ હોય છે; જેના પર પ્રકાશ પડે એટલે ઍક્ટિવેટ થાય અને કલર, સાઇઝ, ડેપ્થ, ડિસ્ટન્સ એમ બધું જ આવરી લે. નાનકડી એવી આંખ એ કુદરતે બનાવેલો ૩D કૅમેરા છે, જેનું આપણા શરીરના સેન્ટરમાં આવેલા મગજ સાથે સીધું કનેક્શન છે. આ કુદરતી કૅમેરાની ક્ષમતા કોઈ પણ ડિજિટલ કૅમેરા કરતાં અનેકગણી વધારે છે. હવે સમજો કે તમે કોઈ પહાડ પર ઊભા છો અને ફોટો પાડવો છે તો કૅમેરાથી તમે કેટલાં દૃશ્ય કવર કરી શકો? આપણી આંખો એટલી પાવરફુલ છે કે દૂર-દૂર સુધી જોઈ શકે છે.’

માનવ શરીરમાં કૅમેરાની ગરજ સારતી આંખની કાળજીમાં ગાફેલ રહેવાનાં ગંભીર પરિણામો ભોગવવાં પડી શકે છે એમ કહેતાં ડૉ. હિરેન મહેતા જણાવે છે, ‘સૌથી પહેલાં તો આંખ ખરાબ થવી એનો અર્થ આપણું વિઝન ખરાબ થયું કહેવાય. ફ્રન્ટ કૅમેરાનું કામ કરતા કૉર્નિયાના લેન્સ ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક હોય છે. આ પારદર્શક લેન્સ જેમ-જેમ વય વધે છે એમ સફેદ થઈ જાય છે, જેને સાદી ભાષામાં મોતિયો કહેવાય. કૉર્નિયાની સારવાર દવાથી શક્ય છે, પરંતુ જો વિઝન વધારે ખરાબ થઈ જાય તો ઑપરેશનનો જ વિકલ્પ બચે છે. ચક્ષુદાનમાં કૉર્નિયાનો જ ઉપયોગ થાય છે. જેમનું વિઝન સાવ જ ખરાબ થઈ ગયું હોય અને દૃષ્ટિ ચાલી જ ગઈ હોય તેમને ચક્ષુદાનમાં પ્રાપ્ત કરવામાં આવેલા કૉર્નિયા રિપ્લેસ કરવામાં આવે છે. કૉર્નિયાની સંભાળ અત્યંત જરૂરી છે. ફટાકડા ફોડતી વખતે અથવા ધુળેટીના તહેવારોમાં એની ખાસ સંભાળ લેવી જોઈએ. નાનાં બાળકોને આંખમાં વાગી ન જાય એ ખાસ જોવું જોઈએ. આંખમાં કોઈ પણ પ્રકારની ઇન્જરી ન થાય એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કૉર્નિયાની ઇન્જરી અંધાપો નોતરી શકે છે. આંખની કાળજીમાં સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ કે આંખમાં કોઈ પણ પ્રકારનો પ્રયોગ ન કરવો. આંખ આવી હોય અને મેડિકલ સ્ટોરમાંથી ટીપાં લાવીને નાખી દો એ રીત સદંતર ખોટી છે. ડૉક્ટરની સલાહ વગર જાતે પ્રયોગો કરવાથી મુશ્કેલીમાં મુકાઈ જવાની શક્યતા નકારી ન શકાય.’

આજના સમયમાં આપણો આ આંખરૂપી કૅમેરા નબળો પડતો જાય છે અને તકલીફો વધતી જાય છે એનાં અનેક કારણો છે, જેમાં મુખ્ય કારણ તરીકે ટેક્નૉલૉજીને ગણી શકાય. કૉર્નિયા શુષ્ક થઈ જાય ત્યારે નજીકનું દેખાય, જ્યારે લાંબા અંતરનું જોવામાં મુશ્કેલી પડે. પહેલાં આપણે માત્ર વાંચવા માટે જ આંખનો ઉપયોગ કરતા હતા; હવે ટીવી, કમ્પ્યુટર અને અન્ય ડિવાઇસનો વપરાશ વધી ગયો છે એટલે વિઝન નબળું પડતું જાય છે. નાની ઉંમરે ચશ્માંના નંબર આવવાનું કારણ આ જ છે. હવે તો નાની ઉંમરે મોતિયો પણ આવી જાય છે. મોતિયો અંધાપાની પહેલી નિશાની છે. આંખનો લેન્સ પીળો કે સફેદ પડી જાય એટલે સામેનું ચિત્ર ધૂંધળું દેખાય. ડાયાબિટીઝના દરદીઓમાં મોતિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કોઈ પણ પ્રકારની દવા મોતિયાને ઠીક કરી શકતી નથી. ઘણી વાર એવું બને છે કે વ્યક્તિની આંખ જન્મજાત નબળી હોય છે. મગજ અને આંખ વચ્ચે બરાબર તાલમેલ ન હોય તો દૃશ્ય ધૂંધળું દેખાય અને સમય જતાં આંખો વધુ ને વધુ નબળી પડતી જાય. કેટલીક વ્યક્તિમાં એક જ આંખમાં આવી તકલીફ હોય એવું બની શકે છે.

સામાન્ય રીતે શરીરનું કોઈ અંગ નબળું પડે ત્યારે એક્સરસાઇઝ અને દવાથી એ ખામી પૂર્ણ કરવામાં આવે છે. આપણે શરીરનાં તમામ અંગોની એક્સરસાઇઝ વિશે વિચારીએ છીએ, પણ આંખની કસરત બાબતે સભાન નથી. આંખની કસરત બાબતે માહિતી આપતાં ડૉ. હિરેન મહેતા કહે છે, ‘આંખના સ્નાયુને મજૂબત કરવાની કસરતો હોય છે, પરંતુ સામાન્ય વિઝન ધરાવતી વ્યક્તિએ કોઈ પણ પ્રકારની કસરત કરવાની આવશ્યકતા નથી. જો આંખો થાકી ગઈ હોય એવું લાગે તો ભીનું પોતું મૂકી શકાય. ભીનું પોતું આંખ માટે મૉઇરાઇઝરનું કામ કરશે. કમ્પ્યુટર સામે બેસીને સતત કામ કરતી વ્યક્તિએ થોડી-થોડી વારે આંખોને બ્રેક આપવો જોઈએ. કેટલીક સામાન્ય અને અસરકારક કસરત કરવી હોય તો ડૉક્ટર પાસેથી શીખી લેવી જોઈએ. દાખલા તરીકે આંખની સામે આંગળી ગોઠવો. એકસરખું આંગળી સામે જોતા રહો. આંખમાં પાણી આવવા લાગે અથવા આંગળી ડબલ દેખાવા લાગે એટલે આંખ બંધ કરી દો. ફરીથી આ જ રીતે કસરત કરો. વિઝન ઇમ્પ્રૂવ કરવા આ એક્સરસાઇઝ શ્રેષ્ઠ છે, પંરતુ નબળી આંખો કસરતથી ઠીક થતી નથી.’

તમારી તબિયતનો રાઝ તમારી આંખમાં છુપાયેલો છે

પીળી આંખો : લિવર-ઇન્ફેક્શન તેમ જ પિત્તાશયમાં ખામી સૂચવે છે.

બ્લાઇન્ડ સ્પૉટ : રેટિનામાં ખામી અથવા કોઈ ઇન્ફેક્શનનો સંકેત આપે છે.

ડબલ વિઝન : જો નજર સામે મૂકેલી વસ્તુ ડબલ દેખાતી હોય તો એને સ્ટ્રોક આવવાની પહેલી નિશાની ગણવી.

ઝાંખું દેખાવું : ડાયાબિટીઝની નિશાની, કિડનીને લગતી સમસ્યા અથવા હૃદય સંબંધિત રોગનો સંકેત.

આંખ પર સોજો : થાઇરૉઇડ વધવાની નિશાની.

આંખ લાલ થવી : ડ્રાયનેસ તેમ જ લાંબા સમય સુધી ડિવાઇસ વાપરવાના કારણે.

આંખ શુષ્ક થવી : ડિવાઇસનો અતિરેક સૂચવે છે.

આંખમાં લોહી આવવું : ટ્યુમર ધીમે-ધીમે વધી રહ્યું હોવાનો સંકેત આપે છે.

આપણી આંખ કુદરતે શરીરમાં ગોઠવેલો ૩D કૅમેરા છે. કૅમેરાની જેમ આપણી આંખમાં પણ લેન્સ છે. કૉર્નિયા છે એ ફ્રન્ટ લેન્સ છે. બીજો લેન્સ તસવીરને ઝૂમ કરે છે. આંખની અંદર ગોઠવવામાં આવેલા આ લેન્સ ફ્લેક્સિબલ અને ઍડ્જસ્ટેબલ હોય છે, જે નજીક અને દૂરના દૃશ્યને ઝીલવાની ક્ષમતા ધરાવે છે. રેટિના એક પ્રકારનો પડદો છે, જેના પર દૃશ્ય પડે પછી એ દૃશ્ય મગજમાં ટ્રાન્સમિટ થાય અને પ્રોસેસ થઈ તસવીર તૈયાર થાય છે. કોઈ પણ DSLR કૅમેરા કરતાં આપણી આંખ અનેકગણી વધારે પાવરફુલ છે

- ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. હિરેન મહેતા, ઘાટકોપર (ઈસ્ટ)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK