૧૩ વર્ષ જેટલી નાની ઉંમરે ડિપ્રેશન આવી શકે?

હાલમાં ઝાયરા ૧૭ વર્ષની છે જેનો અર્થ એ થયો કે તે બારથી ૧૩ વર્ષની હતી ત્યારથી તેને આ તકલીફ છે. આટલી નાની ઉંમરે ડિપ્રેશન જેવી ગંભીર બીમારી આવી શકે ખરી? નિષ્ણાત કહે છે કે ૧૩ નહીં, નવથી દસ વર્ષે પણ આ બીમારી આવી શકે છે અને એવા કેસ છે જ. ભાગ્યે જ કોઈ બાળકને આ બીમારી થાય એવું જો તમે સમજતા હો તો એવું નથી

depressed

પાર્ટ -૦૧

જિગીષા જૈન


હાલમાં ઇન્સ્ટાગ્રામ પર નૅશનલ અવૉર્ડ વિનર ‘દંગલ’ની નાની ગીતા તરીકે વખણાયેલી ૧૭ વર્ષની કાશ્મીરી ઍક્ટ્રેસ ઝાયરા વસીમે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તે છેલ્લાં ચાર વર્ષથી ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનનો શિકાર છે. તેણે એ કબૂલ્યું હતું કે તેને આ ચાર વર્ષ દરમ્યાન ઘણી વાર આપઘાતના પણ વિચાર આવેલા છે. જોકે તેણે આ બાબતે કોઈની જોડે વાત એટલે નહોતી કરી કે માનસિક રોગને લઈને હજી પણ આપણા સમાજમાં છોછ જોવા મળે છે. એટલું જ નહીં, ઝાયરાએ કહ્યું કે તેને હંમેશાં કહેવાયું છે કે ડિપ્રેશન માટે તું હજી ઘણી નાની છે, આ એક સમય છે જે જતો રહેશે વગેરે. એને કારણે તે કોઈની પણ જોડે આ વિશે વાત કરતાં ખચકાતી હતી. ઝાયરાની પોસ્ટના એ શબ્દો ખરેખર કોઈને પણ હલાવી નાખે એવા છે જેમાં તેણે લખ્યું છે કે જો આ એક સમય જ છે જે જતો રહેશે તો એ એવો સમય છે જેની મેં ક્યારેય ઇચ્છા નહોતી કરી. દિવસની પાંચ ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ, ઍન્ગ્ઝાયટી અટૅક્સ, અડધી રાત્રે તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું પડે એવી અવસ્થાઓ, અંદરથી ખાલીપણું, બેચેની, ડર, કાલ્પનિક વસ્તુઓ, અતિશય ઊંઘવું કે અઠવાડિયાંઓ સુધી ઊંઘવું જ નહીં, શરીરનો દુખાવો, જાત પ્રત્યે ઘૃણા, નર્વસ બ્રેકડાઉન, આપઘાતના વિચારો આ બધું જ આ સમયનો ભાગ હતો. ઝાયરાને પહેલો પૅનિક અટૅક બાર વર્ષની ઉંમરે આવ્યો હતો. એ પછી તેને આ પ્રકારના ઘણા અટૅક આવી ચૂક્યા છે.

ઝાયરાએ એ સ્પષ્ટતા પણ કરી કે મને તકલીફ હતી અને હજી છે છતાં મને અગણિત વાર લોકો કહી ચૂક્યા છે કે હું ડિપ્રેશન માટે ઘણી નાની છું. ડિપ્રેશન પચીસ વર્ષથી ઉપરના લોકોને જ થાય છે એવું પણ લોકોએ તેને કહ્યું. લોકોએ આ કહ્યું ત્યારે ઝાયરાએ આ વાત માની અને ખુદની સાથે પણ આ જ ખોટું બોલી કે તે ઘણી નાની છે ડિપ્રેશન માટે અને ડૉક્ટરોને ગાંડા ગણ્યા. ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી કોઈ ભાવના નથી, બીમારી છે. એ કોઈની ચૉઇસ કે કોઈનો વાંક નથી. એ કોઈને પણ ક્યારેય થઈ શકે છે. આજે ચાર વર્ષ પછી ઝાયરા પોતાની માંદગી સમજવા તૈયાર થઈ છે. એ માટે તેણે વગર કોઈ શરમે સ્વીકાર્યું કે તેને આ રોગ છે. આ માંદગી માટે તેને પૂરેપૂરા બ્રેકની જરૂર છે એમ પણ તેણે સ્વીકાર્યું જેના માટે તે પોતાની સોશ્યલ જિંદગી, પોતાનું કામ, સ્કૂલ અને સોશ્યલ મીડિયાથી પણ બ્રેક લેવા માગે છે. ઝાયરાની આ પોસ્ટ ઘણુંબધું સૂચવે છે. લોકોની આંખો ખોલનારી છે કે ૧૩ વર્ષની ઉંમરે પણ ડિપ્રેશન જેવી ગંભીર બીમારી આવી શકે છે. એ પણ માઇલ્ડ કે મૉડરેટ નહીં પરંતુ સિવિયર ડિપ્રેશન પણ આ ઉંમરે આવી શકે છે.

કઈ રીતે શક્ય?


ઝાયરા એક સેલિબ્રિટી છે, એક ઍક્ટ્રેસ છે એટલે તેને આવતું ડિપ્રેશન ઘણું જુદું હોઈ શકે છે. કોઈ માની ન શકે કે પડદા પર આવી આત્મવિશ્વાસથી છલકાતી છોકરી ડિપ્રેશનનો શિકાર હોઈ શકે છે. આટલી પ્રતિભાવાન હોવા છતાં કયાં કારણોસર તે આવા રોગનો ભોગ બની હશે એ સવાલ કોઈ પણના મનમાં આવે. આ પ્રકારના દરદીઓની વાત કરતાં અનલિમિટેડ પોટેન્શ્યલિટીઝના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘મોટા ભાગે જે વ્યક્તિ એકદમ ક્રીએટિવ હોય અને એને કારણે તે એકદમ સક્સેસફુલ બની હોય તો તે બાયપોલર હોઈ શકે છે. આવી વ્યક્તિ એક સમયે પૂરા જોશમાં કામ કરે છે અને ખૂબ સક્સેસ પ્રાપ્ત કરે છે અને બીજા સમયે એકદમ ડિપ્રેશનમાં પણ આવી જાય છે. બાયપોલર ડિપ્રેશન વળી એકદમ જુદું હોય છે. એનો ઇલાજ પણ એકદમ જુદો હોય છે. ઝાયરાને આ જ તકલીફ હોય એવું જરૂરી નથી. એ તો તપાસ કરીને જ ખબર પડે. જોકે કોઈ વ્યક્તિ એકદમ સફળ હોય અને ખૂબ પ્રતિભાવાન હોય તો એને ડિપ્રેશન ન આવે એવું હોતું નથી. એને પણ તકલીફ આવી શકે છે.’

નાની ઉંમરે ડિપ્રેશન


ઝાયરાના કેસમાં સૌથી મોટો એ પ્રfન આવે છે જે તેને ખુદને પણ સતાવતો હતો કે આટલી નાની ઉંમરે કોઈને ડિપ્રેશન આવી શકે ખરું? લોકો આ બાબતે જાણકાર નથી કે આટલી નાની ઉંમરમાં પણ ડિપ્રેશન આવે અને એ પણ માઇલ્ડ કે મૉડરેટ નહીં પરંતુ સિવિયર પણ હોઈ શકે. આ વાત સાથે સહમત થતાં બૉમ્બે સાઇકિયાટ્રી સોસાયટીના પાસ્ટ-પ્રેસિડન્ટ અને પી. ડી. હિન્દુજા હૉસ્પિટલના કન્સલ્ટિંગ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘એ હકીકત છે કે નાની ઉંમરે ડિપ્રેશન આવે છે. એ પણ એ હદનં  કે વ્યક્તિને આપઘાતના વિચાર આવે. ભારતમાં ઘણી મોટી સંખ્યામાં બાળકો આપઘાત કરે છે અને એ જતાવે છે કે આ પ્રૉબ્લેમ આ ઉંમરમાં આવી શકે છે. આ તો ૧૭ વર્ષની યુવાન છોકરી છે. અમારી પાસે નવથી દસ વર્ષનાં બાળકો પણ આવે છે જેમને આ તકલીફ હોય. આ જરૂરી છે સમજવું કે લોકો એ સ્વીકારે કે નાની ઉંમરે પણ માનસિક તકલીફો આવી શકે છે જેને ઇલાજની જરૂર રહે છે.’

ઉંમરની અસર

આ જે ઉંમરગાળો છે એ ખૂબ નાજુક હોય છે. આ ઉંમરમાં શરીરમાં હૉર્મોન્સ બદલાય છે, પ્યુબર્ટી શરૂ થાય છે. એ દરમ્યાન જ બાળકમાં કેટલાક શારીરિક ફેરફારો આવે છે અને કેટલાક એવા માનસિક બદલાવ પણ આવે છે જેને ખૂબ સંભાળીને હૅન્ડલ કરવા પડે છે. આ બાબતે વાત કરતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘પ્યુબર્ટીની શરૂઆત દસથી બાર વર્ષે થાય છે અને ત્યાંથી શરૂ કરીને આમ જોઈએ તો ૨૪ વર્ષ સુધી વ્યક્તિને સાચવવી જરૂરી છે. આ ઉંમરમાં હૉર્મોનલ બદલાવને લીધે મગજ પણ હજી અમુક રીતે ડેવલપ થઈ રહ્યું હોય છે અને આ સમયે આ પ્રકારનું મગજ સ્ટ્રેસનો ભોગ બને એની શક્યતા ઘણી વધુ છે. અમુક પ્રકારનાં સ્ટ્રેસ મગજની નસોમાં ઇન્ફ્લમેશનના કારણે હોય છે. આ સિવાય ઘણાં બાહ્ય પરિબળો પણ કામ કરતાં હોય છે જેને કારણે આ ઉંમરમાં ડિપ્રેશન આવવાનું રિસ્ક વધુ રહે છે.’

(આવતી કાલે જોઈએ એવાં બીજાં કયાં કારણો છે જેને લીધે નાની ઉંમરમાં ડિપ્રેશન આવી શકે છે અને આ ઉંમરનાં બાળકોને એનાથી બચાવવા આપણે શું કરી શકીએ.)

નાની ઉંમરમાં આવતાં ડિપ્રેશનનાં લક્ષણો


વયસ્ક વ્યક્તિના ડિપ્રેશનનાં લક્ષણો અને નાની ઉંમરે થતા ડિપ્રેશનનાં લક્ષણો ઘણાં જુદાં હોઈ શકે છે. જરૂરી નથી કે બન્નેનાં લક્ષણો સરખાં જ હોય.

નવથી દસ વર્ષના બાળકથી લઈને પંદરથી ૧૭ વર્ષના ટીનેજર સુધી કોઈને પણ ડિપ્રેશન થાય તો કોઈ વાર વયસ્ક જેવાં તો કોઈ વાર સાવ જુદાં લક્ષણો જોવા મળે છે. એનાં ખાસ લક્ષણો વિશે વાત કરતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘બાળકના વર્તનમાં મોટો ફેરફાર આવે, ધ્યાન ઓછું લાગે, ભણવામાં ધ્યાન ન આપી શકે, એકદમ શરમાળ વર્તન કરે, એકલું વધુ રહે, સામાજિક રીતે બહાર જવામાં ડર લાગતો હોય, ઝઘડાઓ કરે, વધુપડતું પૉર્ન જુએ તો શક્ય છે કે આ બાળકને ડિપ્રેશન આવ્યું હોય. આ લક્ષણો એટલાં બધાં સામાન્ય છે કે ઘણી વાર ઉંમરને લીધે પણ આવા બદલાવ આવતા હોય છે એટલે જરૂરી નથી કે ડિપ્રેશન જ હોય. જોકે જ્યારે એક હદથી વધારે એ અસર કરવા લાગે ત્યારે લોકો જાગે છે.’

આ વિશે વાત કરતાં ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘ઘણી વખત એવું બને છે કે બાળકમાં કોઈ ચિહ્ન જ ખાસ જણાતાં ન હોય. જેમ કે ફક્ત પેટમાં દુખતું હોય કે માથું દુખતું હોય કે આખા શરીરમાં દુખાવો થતો હોય. મમ્મી-પપ્પા તેને ડૉક્ટર પાસે લઈ જાય અને ફિઝિશ્યન બાળકને ચેક કરે, દવા આપે પરંતુ એનાથી ફરક ન પડે અને કોઈ તેના દુખાવા પાછળ ખાસ કારણ જણાતું ન હોય ત્યારે ફિઝિશ્યન સજેસ્ટ કરે છે કે બાળકને સાઇકિયાટ્રિસ્ટ પાસે એક વખત લઈ જાઓ. અમારી પાસે બાળક આવે ત્યારે તપાસ પછી ખબર પડે કે તેને ડિપ્રેશન છે. આમ જરૂરી નથી કે ખાસ ચિહ્નો દેખાય જ અને એને આપણે ઓળખી શકીએ. જોકે ઓળખવામાં જેટલું મોડું થાય એને કારણે બાળકને વધુ સહન કરવું પડે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK