ની-સર્જરી કર્યા પછી રિકવરી સારી આવે એ માટે શું કરવું?

બેઠાડુ જીવનશૈલીને કારણે આ સમસ્યા ગહેરી બનતી જાય છે. જોકે સમાજમાં જાણીએ તો ઘણા લોકોને ની-સર્જરી પછી ઘણું સારું રિઝલ્ટ મળ્યું હોય છે તો ઘણા લોકોને ખાસ રિકવરી આવી નથી હોતી. ની-સર્જરી એક જ એવી સર્જરી છે જે પત્યા પછી ડૉક્ટર આરામનું નહીં, એક્સરસાઇઝ કરવાનું સૂચન કરે છે. જાણીએ ની-સર્જરી પછી રિકવરી લાવવા માટે શું કરવું જોઈએ

knee

જિગીષા જૈન

ઘૂંટણ શરીરનો એક કૉમ્પ્લેક્સ જૉઇન્ટ એટલે કે સાંધો છે. આખા શરીરને બહાર એ જ ખેંચે છે, જેને લીધે એમાં ઇન્જરી થવાની શક્યતા પણ ઘણી છે. જીવનકાળ દરમ્યાન નાની-મોટી ઇન્જરી ખમી લેતાં આપણાં ઘૂંટણ ઉંમરની સાથે ઘસાતાં ચાલે છે. એના પર જેટલું બર્ડન વધારે હોય છે એટલી ની-સર્જરી કરાવવાની ઉંમર નાની રહે છે. મોટા ભાગે પચાસ વર્ષની ઉંમર કે એની આસપાસના સમયમાં લોકો આજકાલ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવતા જોવા મળે છે. ઘૂંટણની ટોટલ કે પાર્શલ સર્જરી એટલે કે પૂરા ઘૂંટણની કે થોડા ઘૂંટણની સર્જરી કરાવ્યા પછી રિકવરી આવવાનું કામ પણ એટલું જ મહત્વનું છે. આદર્શ રીતે સર્જરીના વીસ દિવસ પછી કે દોઢ મહિના સુધીમાં દરદી રિકવર થઈ જવા જોઈએ. પરંતુ ઘણા કેસમાં એવું હોય છે કે આ રિકવરીનો સમય ૩ મહિના સુધી લંબાય છે. આ રિકવરી આવવી અત્યંત જરૂરી છે. ઘણા લોકોને એટલી સારી રિકવરી આવે છે કે ભાગવા લાગે છે તો કેટલાક લોકોની હાલત સર્જરી પછી પણ ખાસ બદલાતી નથી. સર્જરી તો લગભગ એકસરખી જ હોય છે પછી રિકવરી કેમ અલગ-અલગ રહે છે? કયાં પરિબળો છે જે ની-રિપ્લેસમેન્ટ સર્જરીમાં રિકવરી માટે જરૂરી છે એ આજે સમજીએ.

ફિઝિયોથેરપી અને ઍક્ટિવિટી


બીજી સર્જરીમાં દરદીને આરામ કરવાનું કહેવામાં આવે છે; જ્યારે ની-સર્જરીમાં ઊલટું છે, દરદી જેટલો આરામ ન કરે અને હલનચલન કરે એટલી તેની રિકવરી વધુ સારી આવે છે. આ વાત પર ભાર આપતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના ઑર્થોપેડિક સર્જ્યન મુદિત ખન્ના કહે છે, ‘એક ની-રિપ્લેસમેન્ટ સર્જરીની સફળતાનો આધાર પચાસ ટકા એ સર્જરી પર રહેલો છે અને પચાસ ટકા સર્જરી પછી દરદી કેટલી એક્સરસાઇઝ કરે છે એના પર રહેલો છે. એક ફિઝિયોથેરપિસ્ટનું ની-સર્જરીમાં ઘણું મહત્વ છે, કારણ કે રિકવરી માટે તે જે પ્રકારની એક્સરસાઇઝ બતાવે છે એ કરવી જરૂરી છે. ફિઝિયોથેરપિસ્ટ તો અઠવાડિયામાં બે વાર જ તમને મળશે; પરંતુ તેના ગયા પછી તમે એ એક્સરસાઇઝને કેટલી ફૉલો કરો છો, આખા દિવસ દરમ્યાન કેટલા ઍક્ટિવ રહો છો એના પર ઘણું નર્ભિર કરે છે. જે દરદી ખરેખર ઇચ્છે છે કે તેને ની-સર્જરી પછી સારી રિકવરી જ જોઈએ છે તેણે પોતાની જાતને ઍક્ટિવ કરવી જરૂરી છે. ફિઝિયોથેરપિસ્ટે બતાવેલી એક્સરસાઇઝ તે જેટલી સારી રીતે કરી શકે એટલી રિકવરી સારી આવવાની શક્યતા રહે છે.’

દુખાવો

ફિઝિયોથેરપિસ્ટે બતાવેલી એક્સરસાઇઝ એટલે મહત્વની છે કે એનાથી બ્લડ-ક્લૉટ આવતા નથી, સ્ટ્રેન્ગ્થ મળે છે અને વ્યક્તિ નૉર્મલ લાઇફ મેળવી શકે છે. સ્ક્વૉટ, જમ્પ કે ટ્વિસ્ટ જેવી કોઈ ક્રિયાઓ ન કરવી; એનાથી ડૅમેજ થઈ શકે છે. આ એક્સરસાઇઝ મહત્વની હોવા છતાં બધા લોકો એને કેમ કરી નથી શકતા એ બાબતે સમજાવતાં ડૉ. મુદિત ખન્ના કહે છે, ‘ની-સર્જરી પછી પેઇન તો રહે જ છે. એ ન થાય એ માટે પેઇનકિલર્સ આપવામાં આવે છે. પેઇનને સમજવા જઈએ તો દરેક વ્યક્તિની સહનશક્તિ અલગ-અલગ હોય છે. કોઈને પેઇન ઓછું હોય તો પણ ખૂબ વધારે લાગે અને કોઈને પેઇન ખૂબ વધુ હોય તો પણ સહન કરી શકે. અમે જોયું છે કે જે દરદી પેઇન સહન કરી શકે છે અને પોતાની રોજની એક્સરસાઇઝ કરે અને ઍક્ટિવ રહે તો તેની રિકવરી ઘણી સારી આવે છે. આમ રિકવરી દરદીના પોતાના મન પર ઘણો આધાર રાખે છે.’

ઓબેસિટી અને ની-સર્જરી


જે વ્યક્તિ ઓબીસ છે તેનાં હાડકાં પર ખાસ કરીને ઘૂંટણ પર ઘણો લોડ પડે છે. એ લોડને કારણે અને ઉંમરને કારણે વ્યક્તિને આર્થ્રાઈટિસ આવી શકે છે. ઘૂંટણની ગાદી ઘસાઈ જવા પાછળ ઓબેસિટી એક મહત્વનું કારણ હોઈ શકે છે. આવા ઓબીસ લોકો ની-સર્જરી કરાવે તો ઘૂંટણ તો બદલાઈ જાય છે, પરંતુ ખુદ તો ઓબીસ જ રહે છે. આવા લોકોને રિકવરી આવી શકે ખરી? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. મુદિત ખન્ના કહે છે, ‘ની-સર્જરી કરાવતાં પહેલાં આદર્શ રીતે વજન ઘટાડવું જરૂરી છે. પરંતુ જેમને આર્થ્રાઈટિસ છે અને ગાદી સાવ ઘસાઈ ગઈ છે એવા ઓબીસ લોકોને ઘૂંટણમાં એટલું પેઇન થતું હોય છે કે એ લોકો એક્સરસાઇઝ કરવી તો દૂર, ઘણી વાર ચાલી પણ નથી શકતા. વળી આ લોકો ખાસ જમતા પણ નથી હોતા એટલે ડાયટ વડે પણ ખાસ વજન ઊતરી શકતું નથી. આવા સંજોગોમાં વજન ઊતરવાની રાહ જોવાય નહીં, સર્જરી કરાવી લેવાય અને સર્જરી પછી મન મક્કમ કરીને ઍક્ટિવિટી જાળવવી અને બધી જ એક્સરસાઇઝ કરવી. જો સાચી દિશામાં મહેનત કરે તો ચોક્કસ સર્જરી પછી દરદીનું વજન ઘટી શકે છે અને સારું રિઝલ્ટ મળી શકે છે.’

શું કરવું?


ઉપાસની સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલ, મુલુંડના ઑર્થોપેડિક અને જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જ્યન ડૉ. તેજસ ઉપાસની પાસેથી જાણીએ કે ઘૂંટણની સર્જરી કરાવ્યા પછી કયા પ્રકારની કાળજી અનિવાર્ય છે...

ફિઝિયોથેરપિસ્ટ કહે એ મુજબની એક્સરસાઇઝ કરવી જ.

થોડા-થોડા સમયે ચાલવું.

થોડું-થોડું અંતર ચાલવાની શરૂઆત કરવી અને ધીમે-ધીમે અંતર વધારવું.

સર્જરી પછીના ૩ મહિના સુધી સોફા કે ખૂબ નીચી ખુરસી હોય તો એના પર ન બેસવું. જમીન પર બેસવાનું તો વિચારવું પણ નહીં. ઊંચી ખુરસી કે બેડ પર બેસી શકાય. પરંતુ એમાં પણ ધ્યાન રાખવું કે પગ વધુ સમય લટકતા ન રહે. સામે બીજી ખુરસી કે બેડ પર લાંબા કરી દો.

જો તમને લાકડી કે વૉકર વાપરવાનું કહ્યું હોય તો એનો ઉપયોગ કરો. એ ક્યાં સુધી વાપરવાના છે એ ડૉક્ટરને પૂછી લો. જેમ એનો ટેકો લેવો જરૂરી છે એમ સાચા સમયે એ ટેકો છોડી દેવો પણ એટલો જ જરૂરી છે.

ટૉઇલેટમાં ૬-૮ અઠવાડિયાં માટે કમોડ એક્સટેન્શન વાપરો અને એની બાજુમાં પકડીને ઊભા થવા માટે સુવિધા હોવી જરૂરી છે.

બેસવા માટે આરામખુરસી નહીં પરંતુ એકદમ સ્ટેબલ રહે એવી ખુરસી પસંદ કરો. એના પર એકદમ સખત તકિયો વાપરો, નહીં કે એકદમ સૉફ્ટ.

કોઈ સ્ટૂલ પર કે ઊંચે ન ચડો. દાદરા ચડવાનું પણ એકદમ શરૂઆતમાં ટાળો.

ટાંકા તૂટે નહીં ત્યાં સુધી નહાવાનું નથી.

ઘૂંટણને વાળવાની ઉતાવળ ન કરો. એના માટે કોઈ પ્રેશર પણ ન આપો. જે પણ કરો એ ધીમે-ધીમે અને સમજીને કરો.

સર્જરી પછી ફક્ત પેઇનકિલર્સ આપવામાં આવે છે, જેથી દરદી એ પેઇનને સહન કરી શકે. જો આ પેઇનકિલર માફક ન આવે તો ડૉક્ટરની સલાહ લો.

સતત ઍક્ટિવ રહો.

ની-સર્જરીમાં સોજો થોડા મહિના સુધી રહે એ સામાન્ય છે. સૂતા હો ત્યારે પગની નીચે તકિયાઓ ગોઠવીને થોડા ઉપર રાખવાથી આ સોજામાં ફરક પડે છે. આ સિવાય તમારાં ઘૂંટણની આજુબાજુ દિવસમાં ૨-૩ વાર બરફનો શેક વીસ મિનિટ માટે કરવો.

જો એ જગ્યાએ સોજો આવી ગયો હોય, અતિશય દુખાવો થતો હોય કે લાલાશ આવી ગઈ હોય તો તાત્કાલિક ડૉક્ટરને મળવું જરૂરી છે. 

ડૉક્ટર જોડેના રેગ્યુલર ફૉલો-અપ ચાલુ રાખવા અને તમારા પ્રોગ્રેસ વિશે અને તકલીફો વિશે ડૉક્ટરને જાણ કરવી. જો સખત દુખાવો થતો હોય, સોજામાં વધારો થયો હોય કે ૧૦૦ ડિગ્રીથી વધુ તાવ આવે તો તાત્કાલિક ડૉક્ટરને મળવું કે જાણ કરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK