તમારા ઘૂંટણને ડૅમેજ કરતાં પાંચ સામાન્ય પરિબળો કયાં છે?

આજકાલ ઘૂંટણની તકલીફ સામાન્ય બનતી જાય છે. ની-રિપ્લેસમેન્ટ સર્જરી પણ સામાન્ય બનતી જાય છે. ઘૂંટણ ડૅમેજ થવા પાછળનાં આમ તો ઘણાં કારણો હોઈ શકે, પરંતુ આજે જાણીએ પાંચ સામાન્ય કારણો જેને લીધે ઘૂંટણ ડૅમેજ થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. આ બાબતે જાગૃત બનીને આપણે આપણા ઘૂંટણને બચાવી શકીએ છીએ

high heel


જિગીષા જૈન

આજથી વીસ-ત્રીસ વર્ષ પહેલાંના ૭૦ વર્ષના લોકો અને આજના ૬૦-૭૦ વર્ષના લોકોને જોઈએ છીએ ત્યારે જનરેશન-ગૅપ ખબર પડે છે. ઘરમાં જેને પરદાદી અને દાદી બન્ને હોય તેમને ખબર હશે કે તેમની પરદાદીના ઘૂંટણ તેમની દાદી કરતાં વધુ સારા હશે. જેમ ઉંમર થાય અને મોતિયો આવે એમ આજના ૬૦ વર્ષથી ઉપરના લોકોને ની-રિપ્લેસમેન્ટ સર્જરી આવી જાય છે. ધીમે-ધીમે એવું લાગે છે કે જનરેશન દર જનરેશન આપણે એ તરફ જતા જઈએ છીએ કે આપણા ઘૂંટણ જીવનભર ટકશે જ નહીં અને નકલી ઘૂંટણ પર જ જીવન જીવવું પડશે. આમ તો આપણે નબળા પડી રહ્યા છીએ એનાં ઘણાં કારણો છે, પરંતુ રોજિંદા જીવનમાં એવી ઘણી આદતો છે જે ઘૂંટણને ડૅમેજ કરે છે. એ આદતોને જો આપણે સુધારીએ તો પણ ઘૂંટણને ટકાવી રાખવામાં ઘણી મદદ મળે.

દોડવું

મુંબઈ મૅરથૉન નજીક જ છે. આજકાલ બીજી પણ નાની-નાની મૅરથૉન થયા કરે છે અને લોકોને લાગે છે કે દોડવું ખૂબ જ હેલ્ધી છે એટલે સમજ્યા-વિચાર્યા વગર દોડવાનું ચાલુ જ કરી દે છે અને તેમના ઘૂંટણને ડૅમેજ કરી બેસે છે. જ્યારે વ્યક્તિ દોડે છે ત્યારે ઘૂંટણના સ્નાયુઓને શૉક લાગતો હોય છે. એ જે ઝટકા લાગતા હોય છે એને કારણે ડૅમેજ થતું હોય છે. એ વિશે વાત કરતાં ડૉ. રાકેશ નાયર કહે છે, ‘જે લોકો કાર્ડિયો એક્સરસાઇઝના ભાગરૂપે રનિંગ પસંદ કરે છે તેમને પણ હું એ જ કહીશ કે ટ્રેડમિલ પર દોડવાનું તો રહેવા જ દેજો. જો દોડવું હોય તો જિમમાં જતાંની સાથે જ ટ્રેડમિલ ન કરો. ૧૫ મિનિટ સાઇક્લિંગ, ૧૫ મિનિટ ક્રિસ-ક્રૉસ કર્યા પછી ૧૫ મિનિટ ટ્રેડમિલ કરી શકો છો. ૪૦ વર્ષ પછી જો તમે દોડતા હો તો પહેલી જરૂરિયાત એ છે કે તમે તમારા ઘૂંટણના સ્નાયુઓને સશક્ત બનાવો. એ સશક્ત ત્યારે જ બનશે જ્યારે તમે અલગથી એને સશક્ત બનાવવાની એક્સરસાઇઝ કરો. આ બાબતે સાવધાની અત્યંત જરૂરી છે.’

કૅલ્શિયમ અને વિટામિન Dની કમી

ઘૂંટણ ઘસાવાનું મુખ્ય કારણ કૅલ્શિયમ અને વિટામિન Dની ઊણપ પણ હોઈ શકે છે. આજકાલ લોકોનો ખોરાક ઘણો નબળો થઈ ગયો છે ને કૅલ્શિયમ જેવા જરૂરી તત્વની કમી જણાય છે. ખાસ કરીને સ્ત્રીઓને મેનોપૉઝ પછી કૅલ્શિયમની કમી થવાનું રિસ્ક ઘણું મોટું હોય છે અને આ બાબતે સ્ત્રીઓમાં કોઈ જાગૃતિ જોવા મળતી નથી. ૪૦ વર્ષ પછી સ્ત્રીઓએ સજાગ થવું જરૂરી છે અને કૅલ્શિયમ સપ્લિમેન્ટ લેવાનું ડૉક્ટરની સલાહ મુજબ ચાલુ કરવું પણ જરૂરી છે. એની સાથે-સાથે આજકાલ સૂર્યના તાપમાં કોઈ રહેતું જ નથી. એને કારણે વિટામિન Dની કમી સરજાય છે. આજકાલ લોકો સપ્લિમેન્ટ્સ હોવાને કારણે નિશ્ચિંત થઈ જાય છે કે જરૂર નથી સૂર્યના તાપમાં જવાની, સપ્લિમેન્ટ ખાઈ લો એટલું બસ છે. જોકે એ યોગ્ય અપ્રોચ નથી. સૂર્યના પ્રકાશમાંથી જે સત્વ શરીરને મળે છે એ કોઈ સપ્લિમેન્ટ પૂરું ન કરી શકે. એટલે જરૂરી છે કે એનું મહત્વ સમજવામાં આવે.

હાઈ-હીલ્સ

સ્ત્રીઓને ખાસ કરીને હાઈ-હીલ્સ પહેરવાનો ખૂબ શોખ હોય છે. ઊંચી એડીનાં સૅન્ડલ પહેરવાથી સ્ત્રીઓમાં જાણે કે આત્મવિશ્વાસ ઊભરે છે, પરંતુ આ ઊંચી એડીનાં સૅન્ડલ પહેરવાથી તેમને તેમની પીઠ અને તેમના ઘૂંટણની જીવનભરની તકલીફ શરૂ થઈ જાય છે. છોકરી નાની હોય એટલે કે ૨૦-૩૦ વર્ષની ઉંમરમાં ખાસ ખબર પડતી નથી, કારણ કે આ ઉંમરમાં જે ડૅમેજ થાય એ જલદી રિપેર પણ થતું હોય છે. પરંતુ જેમ ઉંમર વધે એમ તકલીફો દેખાવા લાગે છે. આવું શા કારણે થાય છે એ જણાવતાં ઝેન મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલના ટોટલ ની-રિપ્લેસમેન્ટ સજ્ર્યન ડૉ. રાકેશ નાયર કહે છે, ‘જે સ્ત્રીઓ હાઈ-હીલ્સ પહેરે છે તેમના ઘૂંટણ પર સામાન્ય કરતાં પાંચગણું વધુ વજન આવે છે. હીલ્સ પહેરવાને લીધે શરીરનું જે વજન એકસરખું સ્પ્રેડ થતું હતું એના બદલે ઘૂંટણના એક પૉઇન્ટ પર બધું ભેગું થઈ જાય છે, જેને લીધે ઘૂંટણના સાંધાઓ પર અસર પડે છે અને આ અસર લાંબા ગાળે ઘૂંટણ માટે તકલીફ ઊભી કરે છે. ક્યારેક હીલ્સ પહેરતી હોય એ છોકરીઓને પણ સાંધામાં તકલીફ ઊભી થઈ શકે છે જ્યારે તેમના સાંધા અને સ્નાયુઓ નબળા જ હોય. એટલે એ જરૂરી છે કે તમે પહેલાં તમારા શરીરને ઓળખો અને પછી જ હીલ્સ પહેરવાનું રિસ્ક લો. જે છોકરીઓ હીલ્સ પહેરે છે એવી ૧૦ છોકરીઓમાંથી ફક્ત બે જ છોકરીઓ એવી હોય છે જેના સ્નાયુઓ એટલા સશક્ત છે કે તે હીલ્સ પહેરે તો પણ વાંધો આવતો નથી. તમે એ બેમાં આવો છો કે આઠમાં એ સમજવું અગત્યનું છે.

વધુ વજન

ઓબેસિટી આજનો એક મોટો પ્રશ્ન છે. બેઠાડુ જીવન જીવતાં-જીવતાં આપણે લોકો આપણા સ્નાયુ, હાડકાં અને સાંધાઓને નબળાં બનાવતા જઈએ છીએ. આ વાત સમજાવતાં ડૉ. રાકેશ નાયર કહે છે, ‘જેટલું હોવું જોઈએ એનાથી તમારું વજન જ્યારે વધુ હોય છે ત્યારે ઘૂંટણ પર સૌથી વધુ અસર થાય છે, કારણ કે આપણે ચાર પગવાળા નહીં પણ બે પગવાળાં પશુઓ છીએ. બે પગવાળા હોવાને કારણે આપણા શરીરનું પૂરેપૂરું વજન હંમેશાં ઘૂંટણ પર આવે છે. જો આપણું વજન જરૂર કરતાં વધુ હોય તો ઘૂંટણ પર લોડ વધુ આવે છે અને એને લીધે એના સ્નાયુઓ નબળા પડતા જાય છે અને એક ઉંમર પછી એ હાડકાંની તકલીફ સામાન્ય કરતાં બમણી થઈ જાય છે.’

ખોટી એક્સરસાઇઝ

જો તમે સ્ક્વૉટ્સ, જમ્પિંગ, લન્જિસ, સૂર્યનમસ્કાર, ઍરોબિક્સ કે ઝુમ્બા જેવી એક્સરસાઇઝ કરવાના શોખીન હો તો ઘણી જ સાવધાની જરૂરી હોય છે. અમુક ખોટી રીતે થનારી એક્સરસાઇઝને કારણે ઘૂંટણ હંમેશાં માટે ડૅમેજ થઈ શકે છે. એ વિશે સાવધ કરતાં ડૉ. રાકેશ નાયર કહે છે, ‘આ બધી જ એક્સરસાઇઝમાં ઘૂંટણ પર સામાન્ય કરતાં દસગણું વધુ પ્રેશર આવે છે. આ પ્રેશરને સહન કરવું અઘરું છે. એનો અર્થ એ નથી કે એ એક્સરસાઇઝ ખરાબ છે, પરંતુ એના માટેની તૈયારી જો તમારી ન હોય તો આ એક્સરસાઇઝ તમારા ઘૂંટણને કાયમી ડૅમેજ કરી શકે છે. એટલે જરૂરી છે કે આ એક્સરસાઇઝ કરતાં પહેલાં તમે તમારા ઘૂંટણને સશક્ત કરો, જેના માટે વેઇટ-ટ્રેઇનિંગ મહત્વની છે. જરૂરી નથી કે વધુ વજન, તમે ૧-૨ કિલો પણ જો તમારા પગ પર બાંધીને ઘૂંટણની એક્સરસાઇઝ કરી શકતા હો તો એનો અર્થ એમ કે તમારા ઘૂંટણ સશક્ત છે. આ પ્રકારની એક્સરસાઇઝ નિયમિત કરો તો ઘૂંટણ સશક્ત રહેશે અને પછી તમે સ્ક્વૉટ્સ, લન્જિસ કે ડાન્સ જેવી એક્સરસાઇઝ કરી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK