ગૅસ અને કબજિયાતની તકલીફ પાછળનું કારણ શું છે એ પહેલાં જાણી લો

જો તમારા સ્નાયુઓ ખાસ કરીને આંતરડાં નબળાં થઈ ગયાં હોય તો આ તકલીફ આવી શકે છે. આવા સંજોગોમાં રેચક પદાર્થો તકલીફને દૂર કરવાને બદલે વધારે છે. દાદરમાં રહેતા ૫૮ વર્ષના વાડીલાલ મારુ છેલ્લાં ૧૨-૧૫ વર્ષથી ગૅસ અનેકબજિયાતની તકલીફથી પીડાતા હતા. તેમને કઈ રીતે રાહત મળી એ જાણીએ

acidity

જિગીષા જૈન

દાદરમાં રહેતા ૫૮ વર્ષના વાડીલાલ મારુને છેલ્લાં ૧૦-૧૫ વર્ષથી વાતની તકલીફ રહેતી હતી. આખો દિવસ ઓડકાર આવ્યા કરે. એવું લાગે કે પચતું જ નથી. એ સિવાય લાગે કે શરીર ઝલાઈ જાય છે. થોડુંક પણ AC સહન ન કરી શકે. થોડી પણ હવા લાગે તો એ ભાગ જકડાઈ જાય એમ લાગે. સ્નાયુઓની આ તકલીફની સાથે-સાથે તેમને કબજિયાતની તકલીફ પણ હતી. પેટ વ્યવસ્થિત સાફ આવે એના માટે તે વર્ષોથી જાતજાતનાં ચૂર્ણ લેતા હતા, દવાઓ લેતા હતા. દવાઓ ન લે તો તેમનું પેટ સાફ જ ન રહે અને આ દવાઓ પણ ખૂબ હેવી હતી. ગૅસની અને કબજિયાતની આ તકલીફને કારણે તે એટલા બંધાઈ ગયા હતા કે અમુક જ પ્રકારનો ખોરાક લેતા, અમુક ખોરાક ખાતા જ નહીં. જેમ કે વાતની તકલીફ હતી તો ખાટાં ફળો, દહીં, આથેલો ખોરાક વગેરે ન ખાતા. અમુક વસ્તુઓ જ માફક આવે છે એમ કરીને તેમણે છેલ્લાં ૧૦ વર્ષથી એક જ ખોરાક ખાધો. તેમના ખોરાકમાં કોઈ પણ પ્રકારનો બદલાવ તે લાવ્યા નહીં. એક ડર તેમના મનમાં પેસી ગયો હતો કે બીજું કંઈ તેમને માફક નહીં આવે.

સ્નાયુઓ જકડાઈ જતા


આ તકલીફની સાથે-સાથે જે મુખ્ય તકલીફ હતી એ હતી ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલાઇટિïસની. આ રોગ એક પ્રકારનો આર્થ્રાઈટિસ છે, જે ખાસ કરીને કરોડરજ્જુને અસર કરે છે. આ રોગને એને કારણે બામ્બુ સ્પાઇન પણ કહે છે. આ એક જિનેટિક પ્રૉબ્લેમ છે જેને લીધે વ્યક્તિ ટટ્ટાર રહી શકતી નથી. વાડીલાલભાઈને આ સમસ્યા ૨૨-૨૫ વર્ષની વયથી હતી. એના માટેની તેમની ટ્રીટમેન્ટ ચાલુ હતી. આ રોગને કારણે જ તેમના સ્નાયુઓ જકડાઈ જવાની સમસ્યાઓ ઘણી વધુ રહે છે. વાડીલાલભાઈની સમસ્યા વિશે જણાવતાં તેમના ડાયટિશ્યન, ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘તેમના રોગની અસર શરીરના લગભગ દરેક સ્નાયુ પર થતી હોય છે. સ્નાયુ ફક્ત હાથ-પગના જ નથી હોતા, પરંતુ આપણા શરીરના દરેક અંગ પછી એ હાર્ટ હોય કે આંતરડું આ બધા સ્નાયુ જ ગણાય. આ રોગને કારણે શરીરના સ્નાયુઓ ડીજનરેટ થતા હોય છે. આમ સ્નાયુઓ નબળા પડતા જાય અને તેમના શરીરમાંથી મસલમાસ ઘણો ઓછો થતો જતો હતો. આ એક એવી સમસ્યા છે, જે તેમના પાચન પર અસર કરતી હતી. એને કારણે જ તેમને ગૅસ અને કબજિયાતની તકલીફ રહેતી હતી.’

રેચક પદાર્થો તકલીફને વધારે

ગૅસ અને કબજિયાતની તકલીફ ખૂબ જ સામાન્ય તકલીફ છે અને લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિને થતી જ હોય છે. પાછા આપણા ઘરગથ્થુ ઉપચારો, ઊંટવૈદું અને જાતજાતના રેચક પદાર્થો એમનેમ જ મળે છે; જે લોકો લેતા હોય છે. રેચક પદાર્થોને કારણે વાડીલાલભાઈની તકલીફ વધી હતી એ વિશે સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘રેચક પદાર્થો આંતરડાની દીવાલોને ઢીલી કરે અને આમ એ સ્નાયુઓને વધુ નબળા કરે. વળી રેચક પદાર્થો એક આદત છે. સ્નાયુની સ્થિતિસ્થાપકતા, જે સહજ હોય એ સહજ પ્રોસેસમાં એ ખલેલ પહોંચાડે છે. આમ તમને એની આદત પડી જાય. જો એ ન લો તો પેટ સાફ થાય જ નહીં. બીજું એ કે એક ગોળીથી પેટ સાફ થતું હોય તો ૧ મહિના પછી તમને બે ગોળીઓની જરૂરત પડવાની છે. આમ એની માત્રા વધતી જાય અને પેટ પર એની અસર વધુ ને વધુ ખરાબ થતી જાય. એટલે આવી આદતો ખૂબ જોખમી છે.

ફાઇબર સારા કે ખરાબ?

આ સિવાય વાડીલાલભાઈ ખૂબ જ ફાઇબરયુક્ત ખોરાક ખાતા હતા. મોટા ભાગે જેને કબજિયાત હોય એ વ્યક્તિએ ફાઇબરયુક્ત ખોરાક જ ખાવો જોઈએ એવી સલાહ ડૉક્ટર્સ આપતા હોય છે. પરંતુ અહીં એ સમજવાની જરૂર છે કે કબજિયાત થવાનું કારણ શું છે એ જાણ્યા વગર જ્યારે તમે ફાઇબર્સ એટલે કે રેષાવાળો ખોરાક વધુ ખાઓ તો નુકસાન વધુ થશે. એ વિશે સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘જ્યારે તમે બહારનું જન્ક ફૂડ કે મેંદાની વસ્તુઓ વધુ ખાતા હોય અને એને કારણે તમને કબજિયાત રહેતી હોય તો તમારે ફાઇબર્સ વધુ ખાવા જોઈએ. પરંતુ જ્યારે તમારું આંતરડું નબળું હોય ત્યારે તમે ફાઇબરયુક્ત ખોરાક ખાઓ તો એનાથી નુકસાન વધુ થાય છે, કારણ કે એને પચવામાં વાર લાગે છે. વળી જો કાચું સૅલડ ખાઓ તો આ ફાઇબર્સ ઝડાને સૂકો કરી નાખે છે, કારણ કે એમાં કોઈ ફૅટ પદાર્થ નથી અને એને કારણે કબજિયાતની તકલીફ વધે છે. આમ સમજ્યા-વિચાર્યા વગર ફાઇબર્સ પર તૂટી ન પડવું.’

ડાયટ - શું ઉપયોગી?

છેલ્લા ૬ મહિનાથી પ્રૉપર ડાયટને લીધે અને એક્સરસાઇઝ ઘટાડવાને કારણે તેમની પાચન સંબંધિત દરેક તકલીફ દૂર થઈ ગઈ છે. તેમની ડાયટમાં શું બદલાવ કરવામાં આવ્યો હતો એ વિશે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘તેમને એવો ખોરાક આપવો જરૂરી હતો જે સ્નાયુઓને મજબૂત બનાવે અને બીજી મહત્વની બાબત એ હતી કે એ જલદી પચી જાય. જલદી પાચન થઈ જાય એવા ખોરાકમાં તેમના માટે લો ફાઇબર ફૂડ ચાલુ કર્યા, જેમાં ફળોની જગ્યાએ તેમને જૂસ આપતા અને કાચો ખોરાક સાવ બંધ કર્યો. જે પણ ખાઓ એ પકવીને જ ખાવું. આ સિવાય આમન્ડ બટર, દહીં અને સ્મૂધીઝ, કિનવા જેવાં ધાન્ય પણ ચાલુ કર્યાં. આ સિવાય તેમને ખજૂર, અંજીર, બદામ, ચિયાનાં બીજ જેવા પોષણયુક્ત ખોરાક પણ આપ્યા જેથી તેમના સ્નાયુઓ સબળ બને. આજે તે બધાં ખાટાં ફળો ખાય છે જે તે પહેલાં નહોતાં ખાઈ શકતા. આથેલો ખોરાક અને દહીં પણ ખાય છે અને એનાથી તેમને કોઈ તકલીફ નથી. વર્ષોથી તે જે એક જ ખોરાક ખાતા હતા એના બદલે બદલી-બદલીને નવી-નવી વસ્તુઓ ખાવાને કારણે માનસિક રીતે પણ તે ઘણા ખુશ છે.’

વધુપડતી એક્સરસાઇઝથી થતો ગેરલાભ

વાડીલાલભાઈના કેસમાં સ્નાયુઓ નબળા પડવાનું અને મસલમાસ ઘટવાનું એક બીજું પણ કારણ હતું. તેમને જે રોગ હતો એ રોગને લીધે સ્નાયુઓ જકડાઈ જતા હતા એ જકડન દૂર કરવા માટે વાડીલાલભાઈ દિવસના ૩-૪ કલાક એક્સરસાઇઝ કરતા હતા. એ વિશે વાત કરતાં તેમનાં પત્ની રશ્મિબહેન કહે છે, ‘ફક્ત કમર અને પીઠની જ તેમની એક્સરસાઇઝ એક કલાકની છે. એ ઉપરાંત સવારે એક કલાક અને સાંજે એક કલાક એમ દિવસના બે કલાક તેઓ સ્વિમિંગ કરે છે. દિવસના લગભગ ૩-૪ કલાક તેમના આટલી એક્સરસાઇઝ કરવામાં જ જતા. અલગ-અલગ ડૉક્ટર્સની સલાહ મુજબ ચાલ્યા, એક્સરસાઇઝથી ફાયદો થયો તો એ વધારી દીધી. મનમાં જાણે કે ઠસી ગયું હતું કે એક્સરસાઇઝ આટલી તો કરવી જ પડશે.’

પરંતુ હકીકત શું હતી એ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘એક્સરસાઇઝનો અતિરેક શરીર માટે હાનિકારક નીવડે જ છે. તમને તકલીફ હોય તો પણ ૪ કલાકની એક્સરસાઇઝ ઘણી વધારે કહેવાય. જ્યારે તમે એક્સરસાઇઝ કરો ત્યારે જે સ્નાયુઓ પર તકલીફ આવે એ સ્નાયુઓને પૂરતો આરામ ન આપો અને વધુ કામ કરાવ્યા જ કરો તો એ નબળા પડવાના જ છે. એને રિકવર થવાનો સમય તો તમારે એને આપવો જ રહ્યો. ધીમે-ધીમે વાડીલાલભાઈની એક્સરસાઇઝ ઓછી કરાવડાવી. આમાં માણસની સાઇકોલૉજી પણ સમજવી પડે. જો તમને એમ લાગે કે આટલી એક્સરસાઇઝ કરવાથી જ હું ઠીક રહું છું તો તમે એ વ્યક્તિને એકદમ એક્સરસાઇઝ છોડાવી ન શકો. એટલે આ કામ અમે ધીમે-ધીમે કર્યું. આજે હવે તે દિવસનો એક કલાક જ એક્સરસાઇઝ કરે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK