ઑલ્ઝાઇમર્સના દરદીની ઘરે સંભાળ રાખવી સહજ નથી, પ્રેમ અને સમર્પણની સાથે જ સમજદારી પણ અગત્યની છે

ઑલ્ઝાઇમર્સના એક દરદીને ઘરમાં સાચવવો ઘણું અઘરું છે, છતાં આપણે ત્યાં સ્ટ્રૉન્ગ ફૅમિલી-સિસ્ટમને કારણે મોટા ભાગના દરદીઓનું ધ્યાન ઘરના લોકો જ રાખતા હોય છે જે સરળ તો નથી જ. હાલમાં વર્લ્ડ ઑલ્ઝાઇમર્સ અવેરનેસ મન્થ ચાલી રહ્યો છે ત્યારે આજે જાણીએ વિલે પાર્લેમાં રહેતા દેસાઈપરિવારની વાત જે પરિવારનાં ધીરજબહેનને ઑલ્ઝાઇમર્સ છે. તેમના પતિ, બન્ને દીકરા અને વહુઓ તેમની કાળજી રાખી રહ્યાં છે


alzimer


જિગીષા જૈન

વૃદ્ધાવસ્થાને પસાર કરવી એમનેમ પણ થોડી અઘરી જ છે. એમાં એને વધુ કપરો બનાવતો રોગ એટલે ઑલ્ઝાઇમર્સ. ૬૫ વર્ષની ઉંમરના આઠ લોકોમાંથી એકને થતો અને ૮૫ વર્ષની ઉંમરની દર બીજી વ્યક્તિને થતો આ રોગ ધારીએ એના કરતાં ઘણો વધારે સામાન્ય છે. સંજય લીલા ભણસાલીની ‘બ્લૅક’ ફિલ્મને વર્ષો થઈ ગયાં, પરંતુ એ ફિલ્મના અમિતાભ બચ્ચનને કોઈ ભૂલી નહીં શકે. આ ફિલ્મમાં છેલ્લે તેમને જે રોગ થયો હતો જેમાં તે પોતાનું નામ સુધ્ધાં ભૂલી જાય છે એ રોગ એટલે જ ઑલ્ઝાઇમર્સ. ઉંમર થાય એટલે આમ પણ યાદશક્તિ પાંખી થઈ જ જાય એવું લોકો માને છે, પરંતુ એટલી હદે યાદશક્તિ નબળી પડે કે માણસ પોતાના આપ્તજનોને કે ખુદને પણ વીસરી જાય એવા આ રોગને ઑલ્ઝાઇમર્સ કહે છે. ફક્ત યાદશક્તિ જ નહીં, બીજાં કેટલાંક માનસિક લક્ષણો પણ એમાં જોવા મળે છે. મહત્વનું એ છે કે આ રોગ સમય જતાં વધતો જ જાય છે અને એનો કોઈ ખાસ ઇલાજ આપણી પાસે નથી. હાલમાં સમગ્ર વિશ્વમાં ઑલ્ઝાઇમર્સ મન્થ ઊજવાઈ રહ્યો છે ત્યારે આ રોગ સાથે સંબંધિત એક એવા પ્રશ્નની વાત આજે કરવાની છે જે પ્રશ્ન ઘણો જટિલ છે. ઘરડાં માતા-પિતાને એમનેમ સાચવવાં પણ અઘરાં છે, પરંતુ જો તેમને ઑલ્ઝાઇમર્સ થઈ જાય તો? સમાજને લાગે છે કે બાળકો એટલું પણ નથી કરી શકતાં, પરંતુ હકીકત એ જ જાણે છે જેના ઘરમાં આવી કોઈ વ્યક્તિ હોય. ઘણી વાર સવાલ બાળકોના પ્રેમ અને સમર્પણનો નથી હોતો. એ હોય તો પણ આ કામ ધારીએ એટલું સહેલું નથી જ.

નિદાન

વિલે પાર્લેમાં રહેતા દેસાઈપરિવારમાં આજથી ચાર વર્ષ પહેલાં એક બનાવ બન્યો. ૮૦ વર્ષનાં મમ્મી ધીરજ દેસાઈ ઘરનાં પહેરેલાં કપડે, ચંપલ પર્હેયા વગર બિલ્ડિંગના નવમા માળેથી નીચે ઊતરી ગયાં. નીચે જઈને તે રસ્તો ભૂલી ગયાં અને તેમને સમજાયું નહીં કે ક્યાં જવું. ભલું થાય વૉચમૅનનું કે તેણે તેમને જોયાં અને ઉપર દીકરાઓને જાણ કરી. થોડી જ મિનિટોમાં ધીરજબહેન એકદમ ઠીક થઈ ગયાં. છતાં અજુગતું લાગતાં દીકરાઓ તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. છેલ્લા કેટલાક વખતથી ઘરમાં બધાને એવું લાગતું હતું કે ધીરજબહેન બરાબર નથી. ફોન પર વ્યવસ્થિત જવાબ આપતાં નહોતાં. એક દિવસ રસોડામાં જમવાનું બનાવવા ગયાં અને ગૅસ ચાલુ રાખીને પોતે લિવિંગ-રૂમમાં બેસી ગયાં. ભૂલી જ ગયાં કે તે રસોઈ બનાવતાં હતાં. આ બધા જ બનાવો, MRIનો રિપોર્ટ અને બીજા જરૂરી રિપોર્ટ કઢાવ્યા ત્યારે નિદાન આવ્યું કે ધીરજબહેનને ઑલ્ઝાઇમર્સ છે.

શરૂઆત અઘરી

દેસાઈપરિવારના બન્ને ભાઈઓ ચેતન અને નીતિન માટે આ નિદાન પડકારરૂપ હતું. ધીરજબહેને પહેલાં ટીચર અને પછી પ્રિન્સિપાલ તરીકે આખું જીવન કામ કર્યું અને ૫૮ વર્ષે રિટાયર થયાં. ખૂબ જ સ્વાવલંબી જીવન હતું તેમનું અને અચાનક જ આ બીમારી પરિવાર માટે ઘણી જ આઘાતજનક હતી. ધીરજબહેન તેમના પતિ સાથે રિટાયરમેન્ટ પછી ઉદવાડામાં રહેતાં હતાં. અહીં બાળકો પાસે આવતાં-જતાં રહેતાં. બીમારી આવી એટલે દીકરાઓ તેમને અહીં જ લઈ આવ્યા. શરૂઆતનો સમય યાદ કરતાં ચેતન દેસાઈ કહે છે, ‘અમારા માટે સહજ તો નહોતું જ, પરંતુ અમે ભણેલા-ગણેલા છીએ એટલે સૌપ્રથમ અમે આ રોગ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી. બીજું એ કે પરિવારમાં એક વ્યક્તિને અમે જોઈ છે જેમને આ તકલીફ હતી એટલે અંદાજ પણ હતો, પરંતુ અમારી માને આ રોગ આવી જશે એવી અમને કલ્પના પણ નહોતી. લગભગ નૉર્મલ થતાં અમને વરસ લાગી ગયું હતું.’

ચિહ્નો

ધીરજબહેનમાં એ પછી કયા પ્રકારનાં ચિહ્નો જોવા મળ્યાં? એ પ્રશ્નનો જવાબ આપતાં નીતિન દેસાઈ કહે છે, ‘મમ્મીને પહેલાં ટીવી જોવું ગમતું, પરંતુ ધીમે-ધીમે તેમણે એ છોડી દીધું. ખૂણામાં બેસી રહે, પરંતુ ટીવી ચાલુ નહીં કરે. ભગવાનની ચોપડીઓ પણ પહેલાં વાંચતાં, પરંતુ એક દિવસ અમે જોયું તો તે ચોપડી ઊંધી પકડીને બેઠાં હતાં. પહેલાં ઘણું હરતાં-ફરતાં, પરંતુ પછી તો જાણે તેમનો બધામાંથી રસ જ ઊડી ગયો. વચ્ચે એવું થઈ ગયું હતું જાણે એક ૭-૮ વર્ષનું બાળક હોય એમ તેમની જોડે વાત કરો, હાથ મિલાવો તો તેમને ખૂબ ગમતું. શાકભાજી સમારવાનું ખૂબ ગમતું તો અમે તેમને વ્યસ્ત રાખવા એ કામ આપતા. ધીમે-ધીમે યાદશક્તિ ખૂબ જ ઓછી થવા લાગી. કોઈના પપ્પા ગુજરી ગયા હોય તો તેને પૂછે કે તારા પપ્પા કેમ છે. પહેલાં તો ઘરના લોકોને ઓળખતાં, હવે તો ક્યારેક મને પણ ઓળખતાં નથી. પહેલાં જાતે ખાઈ લેતાં, પછી ટુકડા કરીને ભેળવીને રાખો તો ખાતાં અને હવે તો જમાડવાં જ પડે છે. પહેલાં ટૉઇલેટ જવું હોય તો ઇશારો કરતાં એટલે સમજાતું, હવે તો મોટા ભાગે સૂઈ જ રહે છે એટલે ડાઇપર્સ પહેરાવી રાખવાં પડે. પહેલાં તેમને વાતો કરવી ગમતી, હવે તો તે કંઈ જ બોલતાં નથી. જવાબ પણ દેતાં નથી.’

પતિનો સપોર્ટ

શરૂઆતનો સમય ધીરજબહેનના પતિ કાન્તિલાલ દેસાઈ જે હાલમાં ૮૫ વર્ષના છે તેમણે તેમનું ખૂબ ધ્યાન રાખ્યું. શરૂઆતનાં બે વર્ષ તેમનું જીવન જ જાણે પત્નીમય બની ગયું હતું. એક સમય એવો આવ્યો કે ડૉક્ટરે તેમને ચેતવવા પડ્યા. આ બનાવ વિશે વાત કરતાં ચેતન દેસાઈ કહે છે, ‘જે ઑલ્ઝાઇમર્સના દરદીનું ધ્યાન રાખે છે એ વ્યક્તિનું ભાગ્યે જ પોતાનું જીવન બચે છે, કારણ કે એક બાળક જેવું જ ધ્યાન આ દરદીઓનું રાખવાનું હોય છે. ડૉક્ટરે અમને કહ્યું કે પપ્પાના માથેથી આ ભારણ થોડું ઓછું કરવું પડશે નહીંતર એવું ન બને કે મમ્મીની સંભાળ રાખવામાં પપ્પા જ બીમાર પડી જાય. અમે એ કોશિશ કરી કે તેમને ક્યાંક રહેવા મોકલીએ, પરંતુ તે માન્યા નહીં. અમે જ્યારે કૅરટેકર તરીકે ૧૨-૧૨ કલાકની બાઈઓ રાખવાની વાત કરી ત્યારે પણ તેમને ગમ્યું નહોતું, પરંતુ અમે માંડ મનાવ્યા. જોકે પછી તેમને સંતોષ હતો, કારણ કે તેમણે જોયું કે મમ્મીની સંભાળ વધુ સારી રીતે લેવાવા લાગી હતી.’

સૌથી અઘરું શું?

ઑલ્ઝાઇમર્સનો દરદી જ્યારે ઘરમાં હોય ત્યારે તેનું ધ્યાન રાખવા એકથી વધુ લોકો જોઈએ એટલું જ નહીં, ઘરમાંથી બહાર જવું અઘરું થઈ પડે એટલે કે બધા ફરવા ન જઈ શકે; કોઈએ તો રોકાવું જ પડે. ઘરનું જ જમવાનું આપવાનું. તે બાળક જેવા બની જાય છે તો તેમને એ જ રીતે સાચવવાના. જ્યારથી ધીરજબહેનની આવી હાલત છે ત્યારથી બન્ને ભાઈઓએ જવાબદારી વહેંચી લીધી છે. ૬-૬ મહિનાના વારામાં તેઓ મમ્મીને પોતાની પાસે રાખે છે. તેમની પત્નીઓ કાલિન્દીબહેન અને સ્વાતિબહેન પણ તેમનાં સાસુનું સઘળું ધ્યાન રાખે છે. આ બાબતે નીતિન દેસાઈ કહે છે, ‘તેમની જેટલી કાળજી વધુ લેવાય એટલું તેમનું જીવન સરળ વધુ રહે છે. તે ક્યાંય ન જતાં રહે એટલે ઘણા લોકો દરદીને બાંધી રાખે, પરંતુ અમે એવું ક્યારેય નથી કર્યું. સૌથી અઘરું તો એ છે કે તમે દરરોજ ઘરે આવો અને તમારી માને આ રીતે જોયા કરો લાચાર બનીને. પૈસાની કોઈ તકલીફ નથી અમને. ઇચ્છીએ એટલું ખર્ચી શકીએ મમ્મી પર, પણ એ પૈસાનું કોઈ મૂલ્ય જ નથી; કારણ કે આ રોગનો કોઈ ઇલાજ નથી.’

સહેલું નથી

ઑલ્ઝાઇમર્સમાં દરદીને જેટલા સાચવવા પડે છે એ એક મોટો ટાસ્ક છે. આ ગંભીર બાબતને સમજાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલનાં કૉગ્નિટિવ અને બિહેવ્યરલ ન્યુરોલૉજીનાં સ્પેશ્યલિસ્ટ કન્સલ્ટન્ટ ન્યુરોલૉજિસ્ટ ડૉ. અનુ અગરવાલ કહે છે, ‘કેટલીયે વખત એવું થાય છે કે દરદીની સંભાળ જે વ્યક્તિ રાખે છે એ ખુદ જ દરદી બની જાય. તેમને ચીડ આવે, ઇરિટેશન થાય, ગુસ્સો કરે અને એનાથીયે વધારે એ આપ્તજનની આવી હાલતને તેણે ૨૪ કલાક જોયા રાખવાની; જે દિવસે-દિવસે વધુ ને વધુ ખરાબ જ થવાની છે, સુધરવાની નથી. આ બધું સહજ નથી. એક-બે વર્ષના બાળકની સંભાળ રાખવાની હોય એટલી જ આ દરદીઓની રાખવી પડે છે. બાળક તો હજી હૅન્ડલ થઈ શકે, પરંતુ એ બધું જ એક ૬૦-૮૦ વર્ષની વ્યક્તિનું કરવું કેટલું અઘરું પડી જાય એ બાબત કલ્પના પણ ન કરી શકાય. એટલે એ જરૂરી છે કે કૅર-ગિવર્સ પોતાનું ધ્યાન પણ રાખે.’

શું કરવું?


તમારા ઘરમાં પણ ઑલ્ઝાઇમર્સનો દરદી હોય અને જો તમે તેમની સંભાળ રાખતા હો તો તમારે ડૉ. અનુ અગરવાલ પાસેથી આ મહત્વની બાબતો સમજવી જરૂરી છે.

૧. સૌપ્રથમ તો તેમનું જેટલું વહેલું નિદાન થઈ શકે એ જરૂરી છે, જેથી જરૂરી દવાઓ ચાલુ કરી શકાય.

૨. તમારું આ આપ્તજન બીમાર છે અને આ બીમારી તે જીવશે ત્યાં સુધી તેનામાં રહેશે અને તમારે તેનું તે જીવે ત્યાં સુધી ધ્યાન રાખવું પડશે એ સ્વીકારી લો. સ્વીકારી લેવાથી અમુક બાબતો સરળ બની જતી હોય છે.

૩. શરૂઆતમાં તો લોકો અપરાધભાવમાં આવીને ખૂબ સેવા કરે છે, પરંતુ ધીમે-ધીમે તેમને એ બોજ લાગવા લાગે છે અને પછી દરદીની જોઈએ એવી સંભાળ લઈ શકાતી નથી. આવા કેસમાં દરદીને ઑલ્ઝાઇમર્સ કૅર સેન્ટરમાં મૂકી શકાય છે. એમાં ખર્ચો થશે, પરંતુ એ દરદી અને કૅર-ગિવર બન્ને માટે સારો જ ઑપ્શન છે.

૪. ક્યારેક એવું બને કે સમાજના ડરે બાળકો એવો નિર્ણય ન લઈ શકતાં હોય. આપણે ત્યાં સામાજિક ડર ઘણો વ્યાપક છે. માતા-પિતાનું આટલું ધ્યાન ન રાખી શકે? આવાં કેવાં બાળકો? આ પ્રશ્નો આવશે એ ડરે તેમને ઘરમાં જ રાખવા આવા નિર્ણયો દરદી માટે જ ખરાબ છે. આ દરદીઓને ખરેખર ખૂબ કાળજીની જરૂર રહે છે. પરાણે એ નહીં જ થઈ શકે.

૫. એ સિવાય લોકોમાં દરદી પ્રત્યે અપરાધભાવ એટલે કે ગિલ્ટ હોય છે કે તે તેમનું ધ્યાન બરાબર નથી રાખી શકતા. ક્યારેય કોઈ અપરાધભાવ ન રાખો. તમે તમારાથી જે બેસ્ટ થઈ શકે એમ હોય એ જ કરો છો એવી શ્રદ્ધા મનમાં રાખો.

૬. આપણે ત્યાં હજી ઘણી સારી કક્ષાનાં કૅર સેન્ટર્સ નથી. વિદેશોમાં ઑલ્ઝાઇમર્સના દરદીઓ માટે આવાં સેન્ટર્સ છે. આપણે ત્યાં પણ એ આવે તો ઘણી મદદ મળી રહે.

૭. વ્યક્તિ ઠીક રહેવી જરૂરી છે. જો તમે એનું ધ્યાન રાખી શકો તો ખૂબ સરસ, પરંતુ આ કામ એકલપંડે કામ કરવું મુશ્કેલ છે. એટલે લોકોની મદદ લો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK