નરેન્દ્ર મોદીની જેમ તમે પણ નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ કરતા હો તો શું ધ્યાન રાખશો?

આ દિવસોમાં જ્યારે ઉપવાસ કરો ત્યારે એ તમારા શરીરને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપે છે કે નહીં અથવા તમારા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે એ ધ્યાનમાં લેવું જરૂરી છે. ક્યારે ખાવું, શું ખાવું અને બીજું શું ધ્યાન રાખવું એ જાણીએ

modi

જિગીષા જૈન

મન, શરીર અને આત્માનું શુદ્ધિકરણ થાય અને શક્તિનું આહ્વાન કરી આપણા જીવનમાં અસુરરૂપી કક્ટોનો નાશ થાય એવી કામના સાથે આપણે નવરાત્રિ ઊજવીએ છીએ, જેમાં નવ દિવસ ઉપવાસ કરી અને નવ રાત ગરબા રમીને આપણે માતાજીની આરાધના કરીએ છીએ. ખરા અર્થમાં જોઈએ તો આપણા બધા જ તહેવાર આપણાં મન, શરીર અને આત્મા માટે હેલ્ધી જ હોય છે અને એ ત્યારે જ આવે છે જ્યારે એની ખાસ જરૂર હોય છે. દરેક પારંપરિક તહેવારોની ઉજવણી પણ વૈજ્ઞાનિક જ છે, પરંતુ જેમ સમય બદલાતો જાય છે એમ આપણે એનું મૂળ તત્વ ગુમાવતા જઈએ છીએ. એટલે જ નવરાત્રિ દરમ્યાન કઈ રીતે હેલ્થનું ધ્યાન રાખવું એ સમજવું જરૂરી છે. જો તમે આ ૯ દિવસ ઉપવાસ કરવાના હો તો ઉપવાસ કઈ રીતે કરવો અને એ બાબતે શું ધ્યાન રાખવું એ સમજવું જરૂરી છે. એ ઉપવાસથી તમારું શરીર વધુ સ્વસ્થ બનવું જોઈએ, નહીં કે ઊલટું ઉપવાસના બહાને જે પણ ફરાળ તમે પેટમાં પધરાવો એ તમને વધુ અનહેલ્ધી બનાવે.

નકોરડો ઉપવાસ કરો તો

ઘણા લોકો આખો દિવસ કંઈ પણ ખાધા વગર નકોરડો ઉપવાસ કરે છે. એમાં અમુક વસ્તુઓ ધ્યાન રાખવી જરૂરી છે, જેમ કે તમને ડાયાબિટીઝ હોય તો નકોરડો ઉપવાસ ન જ કરવો. થોડા-થોડા અંતરે દૂધ-ફ્રૂટ ખાઈને કે પછી એની સાથે એક ટંક જમીને પણ ઉપવાસ થઈ શકે છે અને એ તમારા શરીર માટે વધુ અનુકૂળ છે. આ બાબતે વાત કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ઘણા લોકો નકોરડા ઉપવાસમાં પાણી પણ લેતા નથી. એવું ન કરવું. ઉપવાસ કરો ત્યારે પાણીની જરૂર શરીરને વધુ રહે છે એટલે પાણી છોડો નહીં. ફક્ત પાણી જ નહીં; પાણીની સાથે છાશ, લીંબુપાણી, નારિયેળપાણી, ગ્રીન ટી પણ અત્યંત હેલ્ધી ઑપ્શન છે એટલે એ દિવસ દરમ્યાન પીતા રહેવું. જો તમે ગરબા રમવાના હો તો નકોરડા ઉપવાસ તમને માફક નહીં આવે. તબિયત લથડે એના કરતાં પહેલાંથી સમજવું જરૂરી છે.’

મીઠું

ઘણા લોકો નવરાત્રિમાં મીઠું એટલે કે નમક ખાતા નથી, એની જગ્યાએ સિંધવ મીઠું ખાય છે. આ એક હેલ્ધી જ ઑપ્શન છે. એમાં ઘણાં મિનરલ્સ હોય છે અને એ ખાવાથી ખોરાક લીધાનો સંતોષ પણ મળે છે, કારણ કે એનો સ્વાદ ઘણો જ સારો હોય છે. આ સિવાય એક મહત્વની વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ઘણા લોકો ફક્ત દૂધ અને ફળ ખાઈને જ ઉપવાસ રાખતા હોય છે, પરંતુ જો તમે ગરબા રમવા દરરોજ જતા હો તો દૂધ અને ફળવાળા ઉપવાસ રાખવા તમારા માટે યોગ્ય નહીં ગણાય. ઓછામાં ઓછું એક વખત તો તમારે મીઠું ખાવું જ પડશે નહીંતર શરીરમાં મીઠાની કમી સરજાઈ શકે છે.’

તળેલું ફરાળ નહીં જ

નવરાત્રિના ઉપવાસમાં ફરાળ માટે જેટલી વાનગીઓ હોય છે એમાં તળેલી વાનગીઓ વધુ હોય છે. ચિપ્સ કે બટાકાની પતરી, પૅટીસ, રાજગરાની પૂરી, ફરાળી પાતરાં, ચેવડો, તળેલી શિંગ, સાબુદાણા વડાં વગેરે. આ બધી જ વાનગીઓ અત્યંત અનહેલ્ધી છે અને ઉપવાસમાં ભૂખ્યા પેટ આટલી હેવી કૅલરીની વસ્તુ ખાઈને તમે તમારા ઉપવાસને જ નહીં, શરીરને પણ નુકસાન પહોંચાડી રહ્યા છો એમ સમજવું. ઉપવાસ એટલે ચેન્જ ઑફ ફૂડ જેના માટે હોય છે તેઓ આ તળેલો ખોરાક ખાતા હોય છે. ઉપવાસમાં શું ખાવું? એ પ્રશ્નનો જવાબ આપતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ઉપવાસમાં અમરન્થ કે કુટ્ટુ જેવાં ધાન અત્યંત પૌષ્ટિક ગણાશે. અમરન્થમાં ઘણું સારી માત્રામાં પ્રોટીન હોય છે. એની દૂધ સાથે ખીર બની શકે છે. શાકભાજી સાથે ભેળવીને બનાવીએ તો પુલાવ જેવું પણ સારું લાગે છે. કુટ્ટુ પણ એક પારંપરિક ધાન છે, જેમાં કાર્બોહાઇડ્રેટની સાથે-સાથે પ્રોટીન પણ સારી માત્રામાં મળી રહે છે. આ ધાનની રોટલી બની શકે છે.’

થોડા-થોડા કલાકે ખાતા રહેવું

જો તમે આખો દિવસ ઉપવાસ કે એકટાણું જ કરવાના હો તો એ વાતનું ધ્યાન રાખો કે એક જ સમય પર વધુ ખાઈ લેવું એના કરતાં થોડું-થોડું ખાવું વધુ યોગ્ય ગણાશે. વળી તમે લાંબા સમયથી ભૂખ્યા હો તો એકદમ જ ખોરાક પર તૂટી પડો અને વધુપડતું ખાઈ લો એ પણ યોગ્ય નથી. એટલે સવારથી રાત સુધીમાં ભલે દર બે કલાકે એકાદ ફળ ખાઓ, દૂધ પીઓ, છાશ, જૂસ, નારિયેળપાણી, લીંબુપાણી સતત લેતા રહો એ યોગ્ય ગણાશે. બાકી એક ટંક કે બે ટંક ફરાળ જેમાં રાજગરો, સામો, અમરન્થ, કુટ્ટુ વગેરે લઈ શકો છો. 

મીઠાઈ ન ખાઓ


ઘણા લોકો આખો દિવસ કંઈ નથી ખાવાનું એટલે અને નબળાઈ ન આવી જાય એ કારણથી ઉપવાસમાં મીઠાઈઓ ખાય છે. શ્રીખંડ, બરફી, પેંડા વગેરે દૂધની મીઠાઈઓ લોકો ઘણા વધુ પ્રમાણમાં ખાતા જોવા મળે છે. જો તમને કંઈ ગળ્યું ખાવાનું મન થયું હોય તો તાજાં ફળો, ડ્રાય અંજીર, ખજૂર વગેરે ખાઈ શકાય છે. એ સિવાય એનર્જી‍ જળવાઈ રહે એ માટે ગોળનું પાણી પીવું હોય તો એ પણ પી શકાય છે, પરંતુ ખાંડ ખાવી યોગ્ય ગણાશે નહીં. આ સિવાય એવું લાગે કે ભૂખ લાગે છે તો ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ જેમ કે મખાના, બદામ, કાજુ, પિસ્તાં, ક્રૅનબેરીઝ, ઍપ્રિકોટ વગેરે ખાઈ શકાય છે. એનાથી પેટ ભરેલું પણ લાગશે અને પોષણ પણ મળી રહેશે.

ઉપવાસના ફાયદાઓ


નવરાત્રિમાં ઉપવાસ કરવાના બે મહત્વના ફાયદાઓ છે. આ વિશે વાત કરતાં ફિમ્સ ક્લિનિક, માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘પહેલો ફાયદો છે શારીરિક. આ ૯ દિવસના ઉપવાસોથી શરીરની શુદ્ધિ થાય છે. શરદ ઋતુમાં આવતી આ નવરાત્રિ ચોમાસાથી શિયાળા તરફ આપણને લઈ જાય છે. સીઝનમાં આવતા આ ફેરફારો સમયે રોગપ્રતિકારક શક્તિ ઘણી જ ઘટી જાય છે. આવા દિવસોમાં ઉપવાસ તમારી મંદ સિસ્ટમને ફરી સક્રિય કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. બીજો ફાયદો છે આત્મિક. આ સમય છે જ્યારે તમે તમારી કમજોરીઓ પર વિજય મેળવો અને એક મજબૂત વ્યક્તિ તરીકે બહાર આવો. જો તમે સારી રીતે આ નવ દિવસના ઉપવાસ કરી જાણો તો એનાથી જઠર સાફ થાય છે, મન શાંત થાય છે, શરીરને પોષણ મળે છે અને આત્મિક રીતે પણ એનું ઉત્થાન થાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK