ઠંડીની આ મોસમમાં કેવું ફેશ્યલ કરાવશો?

શિયાળામાં ત્વચાનું કુદરતી મૉઇસ્ચરાઇઝર સુકાઈ જતાં ત્વચા ફાટીને રૂક્ષ બની જાય છે. આવી સંવેદનશીલ ત્વચા પર કોઈ પણ ફેશ્યલ કરાવી લેવાથી ઊલમાંથી ચૂલમાં પડવા જેવી મુસીબત ઊભી થઈ શકે છે. એથી જરૂરી છે કે આ સીઝનમાં પાર્લરમાં જાઓ એ પહેલાં ખાસ આ મોસમમાં કામ લાગે એવાં ફેશ્યલની જાણકારી મેળવીને જાઓ

chocolateફાલ્ગુની જડિયા-ભટ્ટ

સામાન્ય રીતે બ્યુટી-ટ્રીટમેન્ટ્સની વાત આવે એટલે સ્ત્રીઓના મનમાં ફેશ્યલ ટોચના સ્થાને આવે. બ્યુટિ-પાર્લરના હૂંફાળા વાતાવરણમાં હળવા સંગીત સાથે કરવામાં આવતા મસાજ, સ્ટીમ અને ત્યાર બાદ લગાડવામાં આવતા પૅકનો સમાવેશ કરતી આ ટ્રીટમેન્ટ તેમને કોઈએ લાડ લડાવ્યાનો અનુભવ કરાવે છે. એ વાત અલગ છે કે આ પ્રકારનાં લાડ માટે તેમણે તગડા પૈસા પણ ચૂકવવા પડે છે, પરંતુ એનાથી પણ મોટી મુશ્કેલી એ છે કે મોટા ભાગની સ્ત્રીઓને ખબર જ નથી હોતી કે કેવા પ્રકારનું ફેશ્યલ તેમની ત્વચા માટે લાભદાયક છે અને કેવા પ્રકારનું હાનિકારક. પરિણામે અત્યંત મહત્વના આ નિર્ણય માટે તેઓ પોતાના ગજવામાં રહેલાં નાણાં તથા જે-તે પાર્લરના બ્યુટિશ્યનની સલાહ લઈને આગળ વધી જાય છે, પરંતુ હકીકત તો એ છે કે જેમ દરેક ત્વચાની જરૂરિયાત અલગ હોય છે તેમ જ દરેક મોસમ પણ ત્વચા માટે વિશેષ પ્રકારની કાળજીની માગ કરતી હોય છે. શિયાળાની મોસમ હવે પુરબહારમાં ખીલી ગઈ છે અને ચારે બાજુ મનમોહક ઠંડીએ પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે. તો ચાલો, આજે વાત કરીએ ત્વચાને સાચા અર્થમાં નવજીવન આપતાં કેટલાંક શિયાળુ ફેશ્યલ્સની.

શિયાળાની ઋતુ વિશે વાત કરતાં જાણીતા કૉસ્મેટિક સજ્ર્યન ડૉ. મોહન થૉમસ કહે છે, ‘ઠંડું વાતાવરણ ત્વચાનું કુદરતી મૉઇસ્ચરાઇઝર ચૂસી લે છે, જેને કારણે ત્વચા ડિહાઇડ્રેટ થઈ સૂકી અને સંવેદનશીલ બની જાય છે. ફેશ્યલ ત્વચામાં લોહીનું પરિભ્રમણ વધારી એને નવેસરથી હાઇડ્રેટ કરી મૉઇસ્ચરાઇઝ કરે છે. આ હાઇડ્રેશન ત્વચાની ચમક વધારવાની સાથે એને સુંવાળી પણ બનાવે છે. સામાન્ય રીતે ફેશ્યલમાં જાતજાતનાં એક્સફોલિઅન્ટ્સ, માસ્ક તથા પીલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે મૃત કોષોને દૂર કરી ત્વચાની નીચેની નવી અને તાજી લેયરને બહાર લાવવાનું કામ કરે છે; પરંતુ શિયાળાની મોસમમાં આ એક્સફોલિઅન્ટ્સ એવાં ન હોવાં જોઈએ જે સુકાઈને કરમાઈ ગયેલી ત્વચાને વધુ છંછેડવાનું કામ કરે. આ માટે જરૂરી છે કે ફેશ્યલ એવા પ્રકારનું હોય જેમાં ફૅટી ઍસિડ્સ, કોલાજન તથા પેપ્ટાઇડ્સનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો હોય.’

આમ તો બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં આ કામ કરતાં હોવાનો દાવો કરનારા અઢળક ફેશ્યલ્સ આવી ગયાં છે, પરંતુ જેઓ સમજી-વિચારીને આગળ વધવા માગે છે તેમણે વૅમ્પાયર ફેશ્યલ, ચૉકલેટ ફેશ્યલ તથા ઑક્સિજન ફેશ્યલમાંથી કોઈ એકાદ વિકલ્પ પસંદ કરવો જોઈએ.

વૅમ્પાયર ફેશ્યલ


પોતાના શિકારના શરીરમાંથી લોહી ચૂસતા રાક્ષસની કથા તો ઘણાએ સાંભળી હશે. એના જ અંગ્રેજી નામ પરથી શરૂ કરવામાં આવેલી વૅમ્પાયર ફેશ્યલ તરીકે ઓળખાતી આ ટ્રીટમેન્ટમાં વ્યક્તિના પોતાના જ શરીરમાંથી લોહી કાઢી ફરી પાછું ચહેરાની ત્વચામાં એન્ટર કરવામાં આવે છે. આ ફેશ્યલની પ્રોસીજર સમજાવતાં ડૉ. થૉમસ કહે છે, ‘વૅમ્પાયર ફેશ્યલમાં અમે વ્યક્તિના હાથના ભાગમાંથી એકાદ-બે ચમચી જેટલું લોહી કાઢી સેન્ટ્રિફ્યુજ તરીકે ઓળખાતા વિશેષ મશીનમાં એને વલોવીએ છીએ. એક ચોક્કસ સ્પીડ પર વલોવવાથી લોહીમાં રહેલા લાલ તથા શ્વેત રક્તકણોમાંથી PRP તરીકે ઓળખાતું પ્લાઝમા છૂટું પડી જાય છે. આ પ્લાઝમામાં એવા સેલ્સ રહેલા હોય છે જે ત્વચાના કોલાજન તથા સૉફ્ટ ટિશ્યુના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. તેથી અમે આ છૂટું પડેલું પ્લાઝમા ફરી પાછું વ્યક્તિના ચહેરાની ત્વચામાં ઇન્જેક્ટ કરીએ છીએ. આમ તો આ આખી પ્રોસીજર અડધો કલાકમાં પૂરી થઈ જાય છે, પરંતુ એની અસર તરત જ ચહેરા પર જોઈ શકાય છે. બીજી મહત્વની વાત એ છે કે આ પ્રોસીજર ત્વચાના કુદરતી સેલના ઉત્પાદનને સર્પોટ કરતી હોવાથી એની અસર લાંબા ગાળાની પણ હોય છે.’

ચૉકલેટ ફેશ્યલ


છેલ્લા થોડા સમયથી બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં જાણીતું બનેલું ચૉકલેટ ફેશ્યલ તમારી ત્વચાને લાંબો સમય સ્વસ્થ અને ચમકીલી રાખે છે. એનું કારણ સમજાવતાં ડૉ. થૉમસ કહે છે, ‘ચૉકલેટમાં એપિસેટેસિન નામનું ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ રહેલું છે જે હાઈ બ્લડ-પ્રેશરને કાબૂમાં લઈ હૃદયની તંદુરસ્તી વધારે છે, પરંતુ આ જ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સને ત્વચા પર લગાડવામાં આવે તો એ કરચલીઓ દૂર કરવાની સાથે સૂર્યનાં આકરાં કિરણોને કારણે કાળી પડી ગયેલી ત્વચાને નવો નિખાર પણ આપે છે. આ સાથે ચૉકલેટમાં આયર્ન, પોટૅશિયમ તથા મૅગ્નેશિયમ જેવાં વિટામિન્સ અને મિનરલ્સ પણ રહેલાં છે જે શરીરની સાથે ત્વચા માટે પણ લાભદાયક છે. વધુમાં ચૉકલેટમાં રહેલું કોકો બટર સ્કિન માટે એક ઉત્તમ મૉઇસ્ચરાઇઝરની ગરજ પણ સારે છે. સાથે જ એની માદક સુગંધ મગજમાં સેરોટોનિન નામના રસાયણનો સ્રાવ વધારે છે જેને કારણે વ્યક્તિને આનંદનો અનુભવ થાય છે. સ્વાભાવિક રીતે આ આનંદ ત્વચા પર તેજ તરીકે ઝળકી ઊઠે છે. આ જ કારણ છે કે આ ફેશ્યલમાં સ્ક્રબથી માંડીને મસાજ ક્રીમ તથા પૅક સુધી બધું જ ચૉકલેટમાંથી બનાવવામાં આવે છે.’

ઑક્સિજન ફેશ્યલ


આ ફેશ્યલમાં એક વિશેષ મશીનમાંથી છૂટતા નાના સ્પ્રેની મદદથી ત્વચામાં હાઈલી પ્રેશરાઇઝ્ડ મેડિકલ ગ્રેડ ઑક્સિજન દાખલ કરવામાં આવે છે. આ સ્પ્રેમાં ઑક્સિજનની સાથે મૉઇસ્ચરાઇઝર અને હાઇઍલ્યુરોનિક ઍસિડ પણ રહેલાં હોય છે. આ ઍસિડ મૉઇસ્ચરાઇઝરને ત્વચામાં ઝડપથી ઍબ્સૉર્બ કરવામાં મદદરૂપ થાય છે. પરિણામે આ ઑક્સિજન, મૉઇસ્ચરાઇઝર તથા હાઇઍલ્યુરોનિક ઍસિડના સંયોજનની અસર ત્વચાના લુક અને ફીલમાં તરત જોઈ શકાય છે. વધુમાં આ ફેશ્યલમાં પ્રેશરાઇઝ્ડ હાઇપરબેરિક ઑક્સિજન પણ લગાડવામાં આવે છે જે ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથે મૉઇસ્ચરાઇઝ પણ કરે છે. આવી હાઇડ્રેટ થયેલી ત્વચાનાં સ્વાસ્થ્ય અને સુંદરતા ઊડીને આંખે વળગે છે.

શિયાળાની ઋતુમાં બે-ત્રણ અઠવાડિયે એકાદ વાર આવું ફેશ્યલ કરાવવાથી સ્ત્રી હોય કે પુરુષ, બન્નેને લાભ થાય છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK