આઇલાઇનરના નવા ટ્રેન્ડ

હવે અહીં બ્લૅકની સાથે વાઇટ ઉપરાંત મલ્ટિપલ રંગો અને ડિઝાઇનવાળું આઇલાઇનર પણ પૉપ્યુલર બની રહ્યું છે. તો આવો આજે આ ટ્રેન્ડ્સને અનુસરવાનાં સીધાંસાદાં સ્ટેપ્સ સમજી લઈએ...


ફાલ્ગુની જડિયા-ભટ્ટ

બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં સમયાંતરે નિતનવું આવતું જ રહે છે. સતત કંઈક નવું અને અનોખું કરવાની કામના સતત આ ક્ષેત્રના વિશેષજ્ઞોને ઘડીભર પણ ઝંપવા દેતી નથી. પરિણામે આ એક ક્ષેત્ર એવું છે જેમાં નવા-નવા ટ્રેન્ડ્સ આવ્યા જ કરે છે. એક સમયે ગ્લૉસી મેકઅપનો ટ્રેન્ડ હતો. ત્યાર બાદ ન્યુડ મેકઅપનો ટ્રેન્ડ આવ્યો, જ્યારે હવે ઇલ્યુમિનેટિંગ મેકઅપના ટ્રેન્ડે માઝા મૂકી છે. એવી જ રીતે એક સમયે માત્ર જાડું કે પાતળું આઇલાઇનર લગાડવા પર ભાર જ મૂકવામાં આવતો હતો. ત્યાર બાદ છેલ્લા થોડા સમયથી સ્મોકી આઇઝની બોલબાલા વધી ગઈ હતી, પરંતુ હવે વિન્ગ્ડ આઇલાઇનર અને એમાં પણ પાછા અલગ-અલગ કલર્સ વાપરી નવો જ લુક ધારણ કરવાની ફૅશન આવી છે. તો આવો આજે આઇલાઇનર લગાડવાના આ નવા ટ્રેન્ડ તથા એને અનુસરવાની પદ્ધતિ વિશે થોડું જાણી લઈએ.

unicon

યુનિકૉર્ન આઇલાઇનર

આઇલાઇનર સંબંધી ટ્રેન્ડ્સમાં સૌથી લેટેસ્ટ જેનો ઉમેરો થયો છે એ છે યુનિકૉર્ન આઇલાઇનર. બલકે તમે એમ કહી શકો કે આના જેવો મૅજિકલ ટ્રેન્ડ હજી સુધી આઇ મેકઅપની દુનિયામાં બીજો કોઈ આવ્યો જ નથી. જોકે આવું આઇલાઇનર બનાવવા તમને અલગ-અલગ રંગોના આઇલાઇનર ઉપરાંત જરૂર પડશે ઘણી બધી ધીરજ અને પ્રૅક્ટિસની. તેથી જો તમે સ્વભાવે અધીરા હો તો આ ટ્રેન્ડ તમારા માટે નથી, પરંતુ જો થોડી મહેનત કરવાની તૈયારી હોય તો તમે પણ ભલી-ભલી પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બની શકો છો એ વાત નક્કી છે. કેવી રીતે? આવો જાણીએ...

યુનિકૉર્ન આઇલાઇનર લુક માટે તમે તમારી પસંદના કોઈ પણ રંગનું લિક્વિડ આઇલાઇનર વાપરી શકો છો. સૌથી પહેલાં તમારી પસંદના આ રંગની મદદથી ઉપર જણાવ્યું છે તેમ કૅટ આઇઝ બનાવો, પરંતુ એના અંતને છેક તમારી આઇબ્રો સુધી ખેંચી જાઓ. હવે આ રંગ સાથે મેળ ખાય એવા તમારી પસંદના કોઈ બીજા રંગથી પહેલા આઇલાઇનર પર દોરડા જેવી ડિઝાઇન બનાવો. છેલ્લે આંખની પાંપણનું વૉલ્યુમ વધારવા મસ્કારા લગાડો. તમે ઇચ્છો તો આંખની ઉપરની બાજુએ એક રંગનું અને નીચેની બાજુએ બીજા રંગનું આઇલાઇનર લગાડી માત્ર આંખના અંતથી લઈને આઇબ્રો સુધીના ભાગમાં જ આવી ડિઝાઇન પણ બનાવી શકો છો એટલું જ નહીં, થોડી સર્જનશક્તિ વાપરી તમે બે કરતાં વધુ રંગોનો ઉપયોગ પણ આ ટ્રેન્ડમાં કરી શકો છો. પરંતુ યાદ રાખો, એકસાથે પાંચથી વધુ રંગ વાપરવા જશો તો દેખાવ વધુપડતો ભડકાઉ થઈ જશે અને લુકની આખી મજા મરી જશે. તેથી ઍટ લીસ્ટ શરૂઆતમાં તો ઓછામાં ઓછા રંગોનો ઉપયોગ કરી પહેલાં આ ટ્રેન્ડમાં મહારત હાંસલ કરવાનો પ્રયત્ન કરવો જ વધુ હિતાવહ છે.

winged

વિન્ગ્ડ આઇલાઇનર

આપણા જૂના જમાનાની આશા પારેખ, સાયરા બાનુ અને સાધના જેવી હિરોઇન દ્વારા લગાડવામાં આવતું કમાન જેવું આઇલાઇનર તમને યાદ છે? બસ, સમજી લો કે એ જ કમાન જેવું આઇલાઇનર હવે વિન્ગ્ડ આઇલાઇનર તરીકે પાછું આવ્યું છે. કેટલાક મેકઅપ-આર્ટિસ્ટ એના માટે કૅટ આઇઝ જેવું નામ વાપરવાનું પણ પસંદ કરે છે. મજાની વાત તો એ છે કે આવું આઇલાઇનર લગાડવાનું બહુ કૉમ્પ્લિકેટેડ કે મુશ્કેલ પણ નથી. જરૂર છે માત્ર થોડી જાણકારીની અને પ્રૅક્ટિસની. આવું આઇલાઇનર લગાડવા માટે તમે લિક્વિડ, જેલ કે આજકાલ બહુ પૉપ્યુલર બનેલા પેન આઇલાઇનરમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકો છો. ખરેખર તો કૅટ આઇઝ તમારી આંખના આકાર પર આધાર રાખે છે, પરંતુ કેટલાક સામાન્ય નિયમો અનુસરવાથી આ કામ બહુ સરળ બની શકે છે. આમાંનો પહેલો નિયમ એ છે કે કૅટ આઇઝમાં આઇલાઇનરની જાડાઈ એકસરખી હોતી નથી. આંખની અંદરની બાજુએ એ પાતળી હોય છે અને બહાર જતાં-જતાં એ જાડી બનતી જાય છે, જે આખરે તમારી આઇબ્રોના અંત તરફ અણિયાળી બની વળી જાય છે. તમારી ઇચ્છા લોકોનું ધ્યાન તમારી આંખ તરફ ખેંચવાનું હોય તો આઇલાઇનરની જાડાઈ તમારી આંખના મધ્ય ભાગથી વધારતા જાઓ, પરંતુ જો તમારી ઇચ્છા ફક્ત આંખને લાંબી દેખાડવાની જ હોય તો આઇલાઇનરની જાડાઈ છેલ્લે સુધી પાતળી જ રાખો. હવે આ રેખાને કઈ દિશામાં ઉપર લઈ જવી એ જાણવા માટે એક પાતળું મેકઅપ બ્રશ તમારી નાકની બાજુએથી લઈને આઇબ્રોના અંતની વચ્ચે ગોઠવો. આમ કરતાં આંખના અંતમાં બ્રશ જે દિશામાં ઉપર જાય છે એ દિશામાં તમારે આઇલાઇનરને ઉપરની તરફ લઈ જવાનું છે. શરૂઆતમાં ભૂલ ન થાય એ માટે શાર્પ પેન્સિલ-લાઇનરનો ઉપયોગ કરી એક માર્ગદર્શક રેખા તૈયાર કરી દો. ત્યાર બાદ એ જ રેખા પર લિક્વિડ આઇલાઇનર લગાડી એને પર્ફેક્ટ કૅટ આઇઝમાં કન્વર્ટ કરી દો.

આવું વિન્ગ્ડ આઇલાઇનર ઑફિસથી માંડીને પાર્ટી સુધી કોઈ પણ સ્થળે સારું લાગે છે. એની સાથે બેબી પિન્ક લિપસ્ટિક લગાડી દેવામાં આવે તો એ સુંદર મજાનો ઑફિસ-લુક બની જાય છે, જ્યારે ગ્લૉસી રેડ લિપસ્ટિક લગાડવામાં આવે તો એ આકર્ષક નાઇટ-લુક બની જાય છે. એવી જ રીતે જો એની સાથે સાદું લિપગ્લૉસ લગાડવામાં આવે તો એ ૬૦ના દાયકાની હિરોઇન જેવો ક્લાસિક લુક બની જાય છે.

white

વાઇટ આઇલાઇનર

શું તમે દર વખતે માત્ર બ્લૅક આઇલાઇનર વાપરી-વાપરીને થાકી ગયા છો? જો આ સવાલનો જવાબ હા હોય અને જો તમે થોડા પ્રયોગાત્મક બનવા તૈયાર હો તો સમજી લો કે આજકાલ બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં પ્રચલિત બની રહેલો વાઇટ આઇલાઇનરનો ટ્રેન્ડ તમારા માટે જ આવ્યો છે. વળી એ પણ પાછું ‘ચાંદની’માં શ્રીદેવી કે પછી ‘સિલસિલા’માં રેખાએ લગાડ્યું હતું એવી રીતે માત્ર વૉટર લાઇન પર જ નથી લગાડવાનું, વાઇટ આઇલાઇનરને તમે કૅટ આઇ કે ડબલ લાઇનર લુક પણ આપી શકો છો. કેવી રીતે? બહુ સિમ્પલ છે...

કૅટ આઇના ટ્રેન્ડથી પરિચિત મોટા ભાગની મહિલાઓ આ કામ માટે બ્લૅક આઇલાઇનરનો ઉપયોગ કરે છે, પરંતુ તમે ઇચ્છો તો બ્લૅકના સ્થાને વાઇટ આઇલાઇનર પણ વાપરી શકો છો. લાઇનરનો આ સફેદ રંગ તરત જ તમારા ચહેરા પર ચાર ચાંદ લગાડી દેશે અને શિયાળાની ઠંડીમાં કે ઉનાળાની ગરમીમાં એને તાજગી આપશે.

તમને ગમે તો એની સાથે આંખની પાંપણને વધુ ભરાવદાર દેખાડવા મસ્કરાનો ઉપયોગ પણ કરી શકો છો. એની સાથે માત્ર ઇલ્યુમિનેટિંગ ફાઉન્ડેશન અને બોલ્ડ ઑરેન્જ કલરની મૅટ લિપસ્ટિક લગાડી દેવામાં આવે તો આખો લુક અત્યંત ક્લાસી અને ગ્લૅમરસ બની જાય છે, જ્યારે રાતના સમયની પાર્ટી માટે તમે સાદા વાઇટ લાઇનરના સ્થાને મેટાલિક વાઇટ અથવા સિલ્વર આઇલાઇનરનો ઉપયોગ પણ કરી શકો છો.

જો તમારામાં હજી થોડા વધુ પ્રયોગાત્મક બનવાની તૈયારી હોય તો આ જ લુકને વધુ ડ્રામેટિક બનાવવા ડબલ લાઇનરનો ઉપયોગ પણ કરી શકાય છે. વળી એ માટે વધુ ખાસ કંઈ કરવાની જરૂર પણ નથી. માત્ર સામાન્ય બ્લૅક આઇલાઇનરથી કૅટ આઇ બનાવ્યા બાદ એની ઉપર એક પાતળી વાઇટ આઇલાઇનરની રેખા જ બનાવવાની છે. કિટી પાર્ટીમાં કે પછી સ્કૂલ-ફ્રેન્ડ્સના ગેટ-ટુગેધરમાં આ લુક તરત જ બધાનું ધ્યાન તમારી તરફ ખેંચશે.

અલબત્ત, જો તમે વાઇટ આઇલાઇનર વાપરવા તૈયાર ન હો તો લાઇનરને સ્થાને તમે વાઇટ આઇશૅડો સાથે પણ ચહેરાનું મેકઓવર કરી શકો છો. બસ, કોઈ પણ એક શાઇની વાઇટ આઇશૅડો લો અને એને તમારી આંખ પર સરસ રીતે બ્લેન્ડ કરી દો. સફેદ રંગ માત્રથી ચહેરાની શોભા બદલાઈ જશે. આ સાથે આંખની પાંપણનું વૉલ્યુમ વધારવા મસ્કરા અથવા ફૉલ્સ આઇલૅશિસનો ઉપયોગ પણ કરી શકાય.

જેઓ બહુ પ્રયોગાત્મક બનવા તૈયાર ન હોય તેઓ માત્ર આંખની અંદરના કૉર્નર પર (ટિઅર ડ્રૉપ પર) થોડો વાઇટ આઇશૅડો લગાડી સામાન્ય બ્લૅક આઇલાઇનરનો ઉપયોગ કરે તો પણ ચહેરો દીપી ઊઠશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK