ભલે નખમાં પણ રોગ ન હોય, પણ એની કાળજી બરાબર લો

નેઇલ-ઇન્ફેક્શનને ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે એ તમારી હેલ્થ માટે ભારે જોખમી સાબિત થઈ શકે છે

nail

વર્ષા ચિતલિયા

આપણે તંદુરસ્ત લોકોને બોલતા સાંભળીએ છીએ કે મને તો નખમાં પણ રોગ નથી. સાવ સાચી વાત, નખમાં પણ રોગ ન હોય એવી વ્યક્તિ સાચા અર્થમાં નીરોગી કહેવાય. આપણે ચહેરાના દેખાવ પાછળ જેટલું ધ્યાન આપીએ છીએ એનાથી દસમા ભાગનું ધ્યાન પણ શરીરના અન્ય ભાગના દેખાવ પાછળ નથી આપતા અને એમાંય ખાસ કરીને નખની તો અવગણના જ કરીએ છીએ. નખની ઉપેક્ષાથી રોગનું જોખમ વધી જાય છે. એ ઉપરાંત યુવતીઓમાં નેઇલ- આર્ટની જે હવા ચાલી છે એ પણ લાલ બત્તી સમાન છે. ફૅશન અને આરોગ્ય બન્ને દૃષ્ટિએ નખની સંભાળ અત્યંત જરૂરી છે. નરમ મુલાયમ હાથની શોભા વધારવા અને નેઇલ-આર્ટની ફૅશનને અપનાવતાં પહેલાં નખની યોગ્ય માવજત કરવી જોઈએ. નખની સંભાળ પણ શરીરનાં અન્ય અંગો જેટલી જ મહત્વની છે. તમારા નખ માંદા ન પડે તેમ જ તંદુરસ્તી અને ફૅશનનો તાલમેલ જળવાઈ રહે એ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખો.

nail1

શું છે નેઇલ-ઇન્ફેક્શન?

આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર સૌથી પહેલાં આપણા નખ તપાસે છે એની જાણ હોવા છતાં નખની ઉપેક્ષા કરીએ છીએ. પરિણામે રોગનો શિકાર બનીએ છીએ અને હાથની સુંદરતા પણ ખોઈ બેસીએ છીએ. આ નેઇલ-ઇન્ફેક્શન છે શું? એનાં લક્ષણો કયાં? પવઈમાં આવેલા નિયો સ્કિન ઍન્ડ કૉસ્મેટિક ક્લિનિકનાં ડૉ. નર્મદા માતંગ કહે છે, ‘નેઇલ- ઇન્ફેક્શન ત્રણ પ્રકારનાં હોય છે - બૅક્ટેરિયલ, ફંગલ અને વાઇરલ. બૅક્ટેરિયલ મોસ્ટ કૉમન છે.

બ્યુટી-પાર્લરમાં મૅનિક્યૉર અને પેડિક્યૉર કરાવતી વખતે ઘણી વાર નખને જોરથી ઘસવામાં આવે છે અને એની આસપાસની ચામડીને રીતસરની ખોદી નાખવામાં આવે છે, જેના કારણે બૅક્ટેરિયાને નખની અંદર પેસવાની જગ્યા મળી રહે છે. હલકી ગુણવત્તાવાળી ક્રીમ વાપરવામાં આવે તો પણ નખને નુકસાન થાય છે. ભેજવાળા વાતાવરણને કારણે નખની અંદરના ભાગમાં બૅક્ટેરિયાનો વિકાસ થાય છે. ઉપરાંત ટાઇટ શૂઝ પહેરવાથી અને પરસેવાના કારણે પણ બૅક્ટેરિયા નખની અંદર પ્રવેશે છે. આ ઇન્ફેક્શન પગમાં વધારે થાય છે.’

નખમાં ઇન્ફેક્શન થયું છે એની ખબર કઈ રીતે પડે એ વિશે અને એના સરળ ઉપાયો  વિશે માહિતી આપતાં ડૉ. નર્મદા માતંગ કહે છે, ‘નખને અડવાથી દર્દ થાય તો સમજી જવું કે ઇનફેક્શન છે. ઘણી વાર નખમાં ધીમો-ધીમો દુખાવો થતો હોય છે અને આંગળીનાં ટેરવાંને અડકો તો રાડ નીકળી જાય. આ બધાં રોગનાં લક્ષણો છે. ફંગલ ઇન્ફેક્શનમાં નખનો રંગ બદલાઈ જાય છે. ડિસકલરનેસ એનું મુખ્ય લક્ષણ છે. નખનો રંગ પીળો કે કાળો થઈ જાય તો ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. નખ જાડા અને બરછટ થઈ ગયા હોય તો એને આવનારી બીમારીની ચેતવણી સમજવી અને શક્ય હોય એટલી જલદી એની તબીબી તપાસ કરાવી યોગ્ય સારવાર લેવી. તકેદારીના પગલારૂપે મોજાં પહેરવાં. પગમાં બહુ પરસેવો થતો હોય તો આંગળીની વચ્ચે પાઉડર લગાડવો અને હાથ તેમ જ પગના નખ અને એની આસપાસની ચામડી ખોતરવાની આદત બદલવી.’

નેઇલ-ઇન્ફેક્શનનાં બીજાં પણ ઘણાં કારણો હોઈ શકે છે. લાંબી માંદગી, પાણીમાં અને માટીમાં કામ કરવું, ઈજા, લોહીની ઊણપ વગેરે. ડાયાબિટીઝ, કૅન્સર અને સૉરાયસિસ જેવા રોગથી પીડાતા દરદીને નખમાં ફંગલ ઇન્ફેક્શનની શક્યતા વધારે હોય છે. એ સિવાય જેને પાણી સાથે સીધો સંબંધ હોય એવી વ્યક્તિને પણ નખમાં ઇન્ફેક્શન થઈ શકે છે. દાખલા તરીકે સ્વિમર. સ્વિમિંગ કરતી વ્યક્તિએ નખની ખાસ સંભાળ લેવી જોઈએ. પાણીમાં વધારે સમય સુધી રહેવાથી નખ નબળા પડી જાય છે અને નખની આસપાસની ચામડીમાં પાણી ભરાઈ જવાથી ફંગલ ઇન્ફેક્શન થાય છે. જોકે આ રોગ મોટી વયના લોકોમાં વધુ જોવા મળે છે. નખ પીળા પડી જવા એ તથા એની આસપાસની ચામડીમાં વારંવાર ભરાઈ જતું પાણી અને પસ રોગનું મૂળ છે. ડૉક્ટરોનું કહેવું છે કે હાથના નખ કરતાં પગના નખમાં ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધારે હોય છે અને એ તરફ દુર્લક્ષ રાખવામાં આવતાં ગંભીર સમસ્યા ઊભી થાય છે. ઘણી વાર ઠેસ વાગે અને પગનો નખ તૂટી જાય તો ખૂબ પીડા થાય. અડધો તૂટેલો નખ તો હેરાન કરી નાખે. આવી સમસ્યા ન થાય એના માટે તકેદારી રાખવી જોઈએ. વરસાદના પાણીમાં ચાલવાથી અથવા દરિયાના પાણીમાં વધારે સમય પગ બોળી રાખવાથી પણ ચેપ લાગે છે. તેથી બદલાતી મોસમ અનુસાર સારસંભાળ લેવી જોઈએ.

nail2

માવજત સાવ સરળ

ફંગલ ઇન્ફેક્શનનો સમયસર ઇલાજ કરાવવો જોઈએ. જો એમ કરવામાં ન આવે તો સમસ્યા વધુ વકરે. નખમાં ફંગસ હોય તો ડાયટ પર પણ ધ્યાન આપવું જોઈએ. નખનો રોગ માથું ઊંચકે એ પહેલાં જ કેટલીક સાવધાની રાખવી જોઈએ. નખના રોગ અને માવજત માટેના સરળ ઉપાયો વિશે વાત કરતાં બાંદરા ખાતે આવેલા ધ સ્કિન ઇન ક્લિનિકનાં ડૉ. સોમા સરકાર કહે છે, ‘નેઇલ-ઇન્ફેક્શન મોટા ભાગે બ્યુટી-પાર્લરમાં વાપરવામાં આવતી હલકી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સથી થાય છે તેથી જ્યારે પણ મૅનિક્યૉર થવા પેડિક્યૉર કરાવવા જાઓ ત્યારે સારી ગુણવત્તાવાળી ક્રીમનો જ આગ્રહ રાખો. એ ઉપરાંત બ્યુટિશ્યને હાથમાં ગ્લવ્ઝ પર્હેયાં હોવાં જોઈએ અને બ્યુટી-ટ્રીટમેન્ટમાં વાપરવામાં આવતાં ઇન્સ્ટ%મેન્ટ સ્વચ્છ હોવાં જોઈએ. નેઇલ-ઇન્ફેક્શનની ફરિયાદ લઈને આવતા દરદીને પહેલાં ઍન્ટિફંગલ ક્રીમ અને ઍન્ટિફંગલ દવાઓ આપવામાં આવે છે. જો ઇન્ફેક્શન વધુ હોય અને નખ ડૅમેજ હોય તો એને કાઢી નાખવામાં આવે છે અને નવો નખ ન આવે ત્યાં સુધી દવાઓ ચાલુ રાખવાની સલાહ આપવામાં આવે છે. નખની દેખભાળ કરવી બહુ જ સરળ છે. નાની-નાની વાતોનું ધ્યાન રાખો તો ચેપ ન લાગે. જેમ કે પાણીમાં વારંવાર હાથ નાખવાની જરૂર પડતી હોય તો હાથમાં ગ્લવ્ઝ પહેરવાં અથવા પાણીમાંથી હાથ બહાર કાઢ્યા બાદ તરત જ કોરા કરવા. રાતે સૂતાં પહેલાં નખ અને એની આસપાસની ચામડીને મુલાયમ બનાવવા ક્યુટિકલ ક્રીમ લગાવવી. નેઇલ-પેઇન્ટ સારી ક્વૉલિટીની વાપરવી. સમયાંતરે નખની તબીબી તપાસ કરાવવી. મોજાં પહેરવાની આદત પાડવી. આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખો તો નખની તંદુરસ્તી જળવાઈ રહે.’

nail3

નેઇલ-આર્ટમાં તકેદારી જરૂરી            

એક બાજુ નેઇલ-આર્ટની લોકપ્રિયતા વધતી જાય છે તો બીજી બાજુ એના કારણે જ નખમાં ચેપ લાગે છે એવો મત ડૉક્ટરોએ વ્યક્ત કર્યો છે. તેમનું માનવું છે કે આર્ટિફિશ્યલ નખનો વધુપડતો વપરાશ ઓરિજિનલ નખની લાઇફ ઘટાડે છે. આર્ટિફિશ્યલ નખ ચોંટાડવા માટે વપરાતા ગ્લુથી નુકસાન થાય છે. બીજી તરફ નખની ખૂબસૂરતી ટકાવી રાખવા યુવાનોમાં જાગરૂકતા વધી છે એની પાછળનું મુખ્ય કારણ છે નેઇલ-આર્ટની ફૅશન. હાથની સુંદરતામાં લાંબા, ચમકીલા ગુલાબી નખ પર જાતજાતની ડિઝાઇન આકર્ષક લાગે છે. આવી ડિઝાઇન કરાવવી હોય તો એની સંભાળ તો રાખવી જ પડેને.

બ્યુટી-પાર્લરની જેમ હવે નેઇલ-આર્ટ સ્ટુડિયોનો રાફડો ફાટ્યો છે એવામાં તકેદારી લેવી વધુ જરૂરી છે. પહેલાં આપણે સાદી અને અમુક સિલેક્ટેડ કલરની જ નેઇલ -પેઇન્ટ લગાડતા. ધીમે-ધીમે કપડાં સાથે મૅચ કરતી નેઇલ-પેઇન્ટનો જમાનો આવ્યો. હવે નેઇલ-આર્ટની બોલબાલા છે. બજારમાં જાતજાતની એવી રેડીમેડ નેઇલ-પેઇન્ટ મળે છે જેને લગાવવાથી આપોઆપ ડિઝાઇન બની જાય, પરંતુ ફૅશનેબલ યુવતીઓ તો નેઇલ-આર્ટ માટે નિષ્ણાતો પાસે જ જવાનું પસંદ કરે છે. આ ક્ષેત્ર સાથે લાંબા સમયથી સંકળાયેલાં અને કાંદિવલીમાં ઝોયા સૅલોં ઍન્ડ નેઇલ્સ સ્પાનાં ફાલ્ગુની નર્મિલ સોની કહે છે, ‘નેઇલ-આર્ટમાં સલામતીનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. નખ પર કલર અને ગ્લુ વાપરતાં પહેલાં અમે નેઇલ-ઇન્ફેક્શન નથીને એ ચેક કરીએ છીએ. નેઇલ-આર્ટ માટે વાપરવામાં આવતી ફાઇલ બાબતે સંપૂર્ણ સાવધાની રાખવામાં આવે છે. ડિઝાઇન માટે વાપરવામાં આવેલી ફાઇલને વાપર્યા બાદ ફેંકી દેવામાં આવે છે. ઘણી વાર ખરાબ અને બરછટ નખ હોય તો અમે ક્લાયન્ટને ના પણ પાડી દઈએ અથવા પહેલાં એનો ઇલાજ કરીએ. નેઇલ-આર્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઍક્રિલિક અને જેલ કલર જ વાપરીએ છીએ જેથી ચેપ ન લાગે. આર્ટિફિશ્યલ નખનો વપરાશ કરતાં પહેલાં સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવામાં આવે છે અને પ્રસંગ પતે પછી તરત જ દૂર કરવાની સલાહ આપીએ છીએ. ઉપરાંત નેઇલ-આર્ટ કરાવવા આવતા ક્લાયન્ટને દર પંદર દિવસે નેઇલ-રીફિલિંગ કરવાની સલાહ આપીએ છીએ. નખ વધી જાય ત્યારે ગૅપ ભરવો અનિવાર્ય છે. હાઇજીનનું પૂરતું ધ્યાન રાખવામાં આવે તો નેઇલ-આર્ટ સંપૂર્ણપણે સેફ છે.’

લેઝર ટ્રીટમેન્ટ

નખના ફંગલ ઇન્ફેક્શનમાં લેઝર-ટ્રીટમેન્ટ સલામત અને અસરકારક ગણાય છે. આ ટ્રીટમેન્ટમાં નખને ગરમ કરી ફંગસનો નાશ કરવામાં આવે છે. નેઇલ-પ્લેટમાં રહેલાં છિદ્રોને બર્ન કરવા  ણૂં૨  લેઝરનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં વપરાતી ઍન્ટિફંગલ દવાઓ ફંગસને મૂળમાંથી નષ્ટ કરી નાખે છે. ૮૦ ટકા કેસમાં લેઝર-ટ્રીટમેન્ટ અસરકારક પુરવાર થતી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. લેઝર-સારવાર ખર્ચાળ છે અને ભારતમાં એ હજી લોકપ્રિય નથી. લેઝર દ્વારા મોટા ભાગે બે સિટિંગમાં જ ઇલાજ થઈ જાય છે અને માત્ર ૩૦ મિનિટની જ એક સિટિંગ હોય છે. આ સારવારની કોઈ સાઇડ-ઇફેક્ટ નથી. લેઝર-ટ્રીટમેન્ટ ચાલતી હોય એ દરમ્યાન નેઇલ-પેઇન્ટ લગાવવી, મોજાં પહેરવાં અને શૂઝ પહેરવાં જેવાં રોજિંદાં કાર્યો સહેલાઈથી કરી શકાય છે. જો ઇન્ફેક્શન વધુ હોય અને નખને કાઢી નાખવાની ફરજ પડે તો નવો નખ આવતાં ત્રણ મહિના જેટલો સમય લાગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK