કૉટન પ્રિન્ટેડ બ્લાઉઝ આજકાલ ટ્રેન્ડમાં છે

સાડી સાથે મૅચિંગ બ્લાઉઝ પહેરવાને બદલે કૉન્ટ્રાસ્ટ કલરનું અને અલગ-અલગ પ્રિન્ટનું બ્લાઉઝ પહેરવાની ફૅશન ચાલે છે

saree

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ -  ખુશ્બૂ મુલાણી ઠક્કર

આંખના પલકારાની જેમ ફૅશન તો બદલાય જ છે તેમ જ કપડાંમાં પણ અલગ-અલગ ડિઝાઇન જોવા મળે છે - ખાસ કરીને બ્લાઉઝમાં. સ્ત્રીઓ સાડી કરતાં બ્લાઉઝ પાછળ વધારે પૈસા ખર્ચે છે, કારણ કે સાડીનો ઉઠાવ ડિઝાઇનર બ્લાઉઝથી જ તો આવે છે. જો લો-રેન્જની સાડી પહેરી હોય પણ એમાં ડિઝાઇનર બ્લાઉઝ પહેર્યું હોય તો સાડીની કિંમત આપોઅપ વધી જાય છે. સ્ત્રી હંમેશાં બ્લાઉઝમાં કંઈક હટકે ડિઝાઇન કરાવવાનું વિચારતી હોય છે. કૈંક અલગ જે તેમને બીજી સ્ત્રી કરતાં અલગ પાડે છે. આજકાલ ટ્રેન્ડમાં છે કૉટન પ્રિન્ટેડ બ્લાઉઝ. સાડી સાથે જે મૅચિંગ બ્લાઉઝ પીસ આવે એને ન સીવડાવતાં કૉન્ટ્રાસ્ટ કલરનું અલગ પ્રિન્ટનું બ્લાઉઝ પહેરવું એ આજકાલ ફૅશનમાં છે. અલગ પ્રિન્ટની પસંદગી કઈ રીતે કરવી? માર્કેટમાં જ્યોમેટ્રિકલ, ફ્લોરલ, ડિજિટલ, વારલી, ઍનિમલ ફિગર અને વેહિકલ પ્રિન્ટ જેવી જુદી-જુદી પ્રિન્ટ અવેલેબલ છે. સાડી અને પ્રિન્ટની પસંદગી બૉડી-ટાઇપ અને સ્કિન-ટોન અનુસાર કરવી.

મિક્સ ઍન્ડ મૅચ : જો તમારે કૉટન પ્રિન્ટેડ બ્લાઉઝ પહેરવાં જ હોય તો પ્લેન સાડી વધારે સારી લાગશે. પ્લેન પિન્ક કલરની ચંદેરી સાડીમાં ગોલ્ડન બૉર્ડર અને એની સાથે બ્લુ કે રાણી કલરનું પોલકા ડૉટ્સનું બ્લાઉઝ સારું લાગી શકે. જો તમને પોલકા ડૉટ્સ ન ગમતા હોય તો બ્લુ કલમકારી પ્રિન્ટ પણ સારી લાગી શકે. પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે ખાસ તમારી બૉડી-ટાઇપ પર ધ્યાન આપવું. જો તમારું શરીર સ્થૂળ હોય તો તમને ઝીણી પ્રિન્ટ સારી લાગશે. સ્ટ્રાઇપ કે જ્યોમેટ્રિકલ પ્રિન્ટ પસંદ કરતી વખતે પણ ઝીણી સ્ટ્રાઇપ અથવા ઝીણી જ્યોમેટ્રિકલ પ્રિન્ટ પસંદ કરવી. કૉટન પ્રિન્ટેડ ફૅબ્રિકમાં કલર-ઑપ્શન પણ ખૂબ જ જોવા મળે છે. જેમ કે બ્રાઇટ કલરનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. એમ પણ કહી શકાય કે બ્રાઇટ શેડમાં વધારે મળે છે. જો તમને ફિગર-પ્રિન્ટનો ઉપયોગ કરવો હોય તો ડાર્ક શેડની સાડી પસંદ કરવી, કારણ કે ફિગર-પ્રિન્ટ મોટા ભાગે વાઇટ કે ઑફ-વાઇટ ફૅબ્રિક પર આવે છે. એના લીધે ફિગર ઊઠી આવે છે. એની સાથે તમે કોઈ પણ અર્થ શેડની સાડી પહેરી શકો. જેમ કે બેજ, બ્રાઉન કે ગ્રે. અર્થ શેડની સાડી સાથે વાઇટ કે ઑફ્-વાઇટ કલરનું બ્લાઉઝ સારું લાગશે અને કૈંક અલગ લુક પણ આવશે.

પ્રિન્ટેડ બ્લાઉઝ માત્ર પ્લેન સાડી સાથે જ સારાં લાગે એવું નથી, જો સેલ્ફ-ચેક્સ કે સેલ્ફ-પ્રિન્ટવાળી સાડી હોય એટલે કે સાડીમાં કોઈ ટેક્ષ્ચર હોય તો એની સાથે પણ સારાં લાગી શકે. જો તમારી સાડી બેજ હોય અને એમાં થોડી બ્લૅક કલરની પ્રિન્ટ હોય તો મરૂન કલરનું પ્રિન્ટેડ બ્લાઉઝ સારું લાગી શકે અને મરૂન કલરના બ્લાઉઝમાં બેજ કલરની પાઇપિંગ એક કમ્પ્લીટ લુક આપશે. જો તમારી સાડી રાણી કલરની હોય તો એની સાથે બ્રાઇટ, ઑરેન્જ કે પૅરટ ગ્રીન કલરનું બ્લાઉઝ સારું લાગી શકે. બ્લુ કલરની સાડી સાથે વાઇટ કે પિન્ક કલરનું બ્લાઉઝ તો ગ્રે કલરની સાડી સાથે રાણી કે ગ્રીન કલરનું બ્લાઉઝ સારું લાગી શકે. જેટલું કૉન્ટ્રાસ્ટ પહેરશો એટલું સારું લાગશે.

પૅટર્ન :
કૉટન પ્રિન્ટેડ બ્લાઉઝ પહેરવાની મજા એટલે આવે કે એમાં માત્ર સારા ફિટિંગની જ જરૂર હોય છે. કૉટન પ્રિન્ટ એટલી બ્યુટિફુલ હોય છે કે એમાં કંઈ વર્ક કરાવવાની જરૂર નથી પડતી, માત્ર સાડીના મૅચિંગ કલરની પાઇપિંગ કે પટ્ટી નાખવાથી સારું લાગી શકે.

જો તમારે બ્લાઉઝમાં પણ મિક્સ ઍન્ડ મૅચ કરવું હોય તો થઈ શકે. જેમ કે માત્ર સ્લીવ પ્રિન્ટવાળું અને બાકીનું બ્લાઉઝ પ્લેન અથવા આખું બ્લાઉઝ પ્લેન અને એમાં સ્લીવમાં ૪ ઇંચની પ્રિન્ટેડ પટ્ટી અને નેકમાં આગળપાછળ બે ઇંચની પ્રિન્ટેડ પટ્ટી. તમે બ્લાઉઝમાં બે કે ત્રણ પ્રિન્ટ પણ મિક્સ કરી શકો. જેમ કે બેજ કલરની સાડીમાં બ્લૅક બુટ્ટા છે તો આખું બ્લાઉઝ બ્લૅકમાં ગોલ્ડ પ્રિન્ટવાળું અને માત્ર સ્લીવ મરૂન કલરની આપો. એનાથી આખો અલગ લુક આવશે અને ઓવરઑલ બ્લાઉઝમાં બેજ કલરની પાઇપિંગ.

કૅઝ્યુઅલ અને ફૉર્મલ લુક : કૉટન પ્રિન્ટેડ બ્લાઉઝ પ્રસંગને અનુરૂપ કૅઝ્યુઅલ અને ફૉર્મલ બન્ને લુક આપી શકે. આમ તો કૉટન પ્રિન્ટેડ બ્લાઉઝમાં કંઈ વર્ક કરાવવાની જરૂર નથી પડતી. પ્રિન્ટેડ બ્લાઉઝ મોટા ભાગે તો કૅઝ્યુઅલ લુક જ આપે છે, પરંતુ થોડોઘણો જો ફૉર્મલ લુક આપવો હોય તો ખડી પ્રિન્ટ સિલેક્ટ કરી શકો. ખડી પ્રિન્ટવાળા બ્લાઉઝ સાથે પ્યૉર શિફોનની ગોલ્ડ બૉર્ડરવાળી સાડી સારી લાગી શકે. બ્લાઉઝને વધારે ફૉર્મલ લુક આપવા માટે પ્રિન્ટને તમે ગોલ્ડ અથવા સિલ્વરનું આરી વર્ક પણ કરાવી શકો. જો પ્રિન્ટ થોડી મોટી હોય તો એમાં ડલ ગોલ્ડનું પિટા વર્ક પણ કરાવી શકો. જો મિરર વર્ક કરાવવું હોય તો રિયલ મિરર એટલે કે કાચનો ઉપયોગ ન કરવો, પરંતુ જે પ્લાસ્ટિકના કાચ આવે છે એનો ઉપયોગ કરવો અને એની આજુબાજુ મોતી અને થ્રેડવર્કનો ઉપયોગ કરવો જેથી દૂરથી એ રિયલ મિરર વર્ક જેવો જ લુક આપશે. જો વર્ક કરાવવાનો ટાઇમ ન હોય તો માત્ર ગોલ્ડની અડધા ઇંચની પટ્ટી પણ સારી લાગી શકે. માત્ર ધ્યાન એ રાખવું કે બ્લાઉઝ સાડી સાથે અને પ્રસંગ સાથે બરાબર બંધબેસતું હોય.

કોણ અને કેવી રીતે પહેરી શકે : બ્લાઉઝની પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે અને બ્લાઉઝની ડિઝાઇન મિક્સ ઍન્ડ મૅચ કરતી વખતે બૉડી-ટાઇપ અને સ્કિન-ટોન ધ્યાનમાં રાખવાં પ્રિન્ટેડ બ્લાઉઝમાં મોટા ભાગે એલ્બો સુધીની સ્લીવ રાખવામાં આવે છે, જેથી પ્રિન્ટ વધારે દેખાય. સ્ટૅન્ડ કૉલરવાળું બ્લાઉઝ પણ સારો અને અલગ લુક આપી શકે. જો તમે પાતળા અને લાંબા હો તો જ સ્ટૅન્ડ કૉલરવાળું બ્લાઉઝ પહેરવું અને તો જ એની બ્યુટી જળવાઈ રહેશે. સ્થૂળ શરીરવાળાઓએ સ્ટૅન્ડ કૉલર પહેરવાથી શોલ્ડર વધારે હેવી લાગશે. સ્થૂળ શરીરવાળા આગળપાછળ નેક ઓપન રાખી એલ્બો સ્લીવ કે થ્રી-ફોર્થ સ્લીવ રાખી શકે. જો સ્ટૅન્ડ કૉલરવાળા બ્લાઉઝમાં વધારે કૈંક કરવું હોય તો બ્લાઉઝમાં પાછળ કોઈ પણ શેપનો કીહોલ આપી શકાય. સ્થૂળ શરીરવાળા પિનસ્ટ્રાઇપની સ્લીવવાળી પૅટર્ન સિલેક્ટ કરી શકે જેનાથી હાથ લાંબા અને થોડા પાતળા લાગશે. સ્થૂળ શરીરવાળાઓએ ખાસ કરીને ઝીણી પ્રિન્ટનો ઉપયોગ કરવો જેનાથી થોડો ડેલિકેટ લુક આવે. જો તમારું શરીર સુડોળ હોય તો તમે બોલ્ડ પ્રિન્ટ સિલેક્ટ કરી શકો તેમ જ બ્રાઇટ કલર પણ એટલા જ સારા લાગશે. સુડોળ શરીરવાળા અને બંધ ગલા એટલે કે ચાઇનીઝ કે સ્ટૅન્ડ કૉલર પણ સારા લાગશે. ચાઇનીઝ કે સ્ટૅન્ડ કૉલર પહેરવાથી થોડો ભરેલો લુક આવશે.

પ્રિન્ટેડ બ્લાઉઝ સીવડાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બ્લાઉઝ કટોરીવાળું ન સિવડાવવું, પરંતુ પ્રિન્સેસ કટવાળું કરાવવું જેથી ટ્રાન્સપરન્ટ સાડીમાં ખરાબ ન લાગે. જો તમારી બ્રેસ્ટ-સાઇઝ હેવી હોય તો પ્રિન્સેસ કટવાળું બ્લાઉઝ પહેરવાનો આગ્રહ ન રાખવો, માત્ર કટોરીવાળું બ્લાઉઝ જ પહેરવું. જોકે શરત માત્ર એટલી કે સાડી જાડા ફૅબ્રિકની હોવી જોઈએ જેથી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં ન મુકાવું પડે.

કૉટન પ્રિન્ટેડ મટીરિયલ પહેરવામાં પુરુષો પણ પાછળ નથી


કૉટન પ્રિન્ટેડ મટીરિયલ માત્ર સ્ત્રીઓ પૂરતાં જ નથી, પુરુષો પણ એનો ઉપયોગ કરવામાં પાછળ નથી. પુરુષો કૉટન પ્રિન્ટેડ મટીરિયલનાં શર્ટ પહેરી શકે. આવાં શર્ટ કૅઝ્યુઅલ અને યંગ લુક આપે છે. કૉટન પ્રિન્ટેડ મટીરિયલમાંથી જ્યારે શર્ટ બનાવવાં હોય ત્યારે બ્રાઇટ કલરનો ઉપોયોગ કરવો, કારણ કે આવાં શર્ટ કૉલેજ-ગોઇંગ વર્ગ વધારે પહેરશે અને તેમને તેમની ઉંમરના હિસાબે સારાં પણ લાગશે. જો પ્રિન્ટ મિક્સ ઍન્ડ મૅચ કરશો તો ખૂબ જ સ્માર્ટ લુક આવશે. જેમ કે આખું શર્ટ રેડ કલરમાં હોય અને માત્ર કૉલરની અંદરની પટ્ટી અને બટનની પટ્ટીમાં બ્લુ કલર હોય તો સારું લાગશે. મેન્સ વેઅરમાં માત્ર સ્ટાઇલિંગ પર વધારે ભાર મૂકવામાં આવે છે. આખા શર્ટમાં મિક્સ ઍન્ડ મૅચ કરવા કરતાં જો માત્ર થોડી જગ્યાએ જ એટલે કે બટનપટ્ટી, પૉકેટ કે શોલ્ડર-કટમાં જ અલગ ફૅબ્રિક મૂકવામાં આવે તો એ વધારે સારું લાગશે.

જો તમે વર્કિંગ હો તો તમારે આવાં શર્ટ પહેરવાનું ટાળવું. આવાં શર્ટ પહેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમારી ઉંમર ૩૫થી નીચે હોય અને શરીરનો બાંધો વ્યવસ્થિત હોય, નહીંતર ખૂબ જ ખરાબ લાગશે. કૉટન પ્રિન્ટેડ શર્ટ માર્કેટમાં આસાનીથી નથી મળતાં, એને બનાવવાં પડે છે એટલે પ્રિન્ટ અને કલરની પસંદગી ધ્યાનપૂર્વક કરવી. સિનિયર સિટિઝન આવાં શર્ટ પહેરી શકે, શરત માત્ર એટલી કે તમારી પર્સનાલિટીમાં કૉટન પ્રિન્ટેડ શર્ટ કૅરી કરવાની શક્તિ હોય તો જ.

કૉટન પ્રિન્ટેડ શર્ટ બધાને જ નથી સારાં લાગતાં. આવાં શર્ટ પહેરવા માટે શરીરનો બાંધો, કલર અને સ્ટાઇલની જરૂર હોય છે. ફૅશનનું આંધળું અનુકરણ કરવું નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK