ગળાની સાથે તમારી પણ શોભા વધારશે ચોકર

છેલ્લા થોડાક સમયમાં ફરી એક વાર પૉપ્યુલરિટીની ચરમસીમા પર પહોંચેલી આ ફૅશન-જ્વેલરીની ખૂબી-ખાસિયતો જાણી લો

chokar

રુચિતા શાહ

દુનિયા ગોળ છે અને સતત ચાલી રહેલા ચક્રમાં ઘણી વાર ગઈ કાલ આજ બનીને આવી હોય એવો એહસાસ થતો હોય છે. ફૅશન-વર્લ્ડમાં તો આવું સહજ રીતે થાય છે. જૂના સમયનો પૉપ્યુલર ટ્રેન્ડ ફરી પાછો નવો બનીને ધૂમ મચાવે એ નૉર્મલ છે. એવો જ એક ટ્રેન્ડ છેલ્લા થોડાક સમયથી પૉપ્યુલરિટીની ચરમસીમા પર પહોંચ્યો છે. ચોકર એટલે ગળાનો એવો નેકલેસ જે ગળા પર બરાબર બંધબેસતો ચપોચપ ચોંટી જતો હોય. ૭૦ના દશકની ‘યાદોં કી બારાત’ ફિલ્મનું ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ ગીત યાદ કરો. ઝીનત અમાનની મસ્ત અદાઓ સાથે તેણે ગળામાં પહેરેલો કાળા રંગનો નેકલેસ યાદ આવ્યો? એનું જ નામ ચોકર. પરવીન બાબી અને ઝીનત અમાન માટે એ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ હતું. એ સમયે કાળા રંગના લેધરનાં, વિવિધ કપડાંનાં ચોકરો ખૂબ ચાલ્યાં હતાં. ફરી પાછું એ ચોકર નેવુંના દશકમાં ટીના મુનીમે પણ પહેરીને એને તરોતાજા કર્યું હતું. એ ચોકરની ડિમાન્ડ છેલ્લા થોડાક અરસામાં ફરી ઊપડી છે. બૉલીવુડની અભિનેત્રીઓથી લઈને નેક્સ્ટ ડોર ગર્લ સુધીની તમામ લેડીઝના હૉટ લિસ્ટમાં રહેલાં આ ચોકરોની ખૂબીઓ વિશે વધુ વાત કરીએ.

શું છે એક્ઝૅક્ટ્લી?

ગળાનો નેકલેસ જ એક પ્રકારનો. લેધર, વેલ્વેટ, રિબન અથવા મેટલથી બનાવેલા નેકલેસને કોઈ પણ પ્રકારના ડ્રેસિંગ પર પહેરી શકાય છે. સાધારણ અને સિમ્પલ લુકથી લઈને પાર્ટીવેઅરમાં હેવી લુકનાં ચોકર નેકલેસ પણ અવેલેબલ છે. ફૅશન-વીકથી લઈને ઍરપોર્ટ પર અને સ્પોર્ટ્સવેઅરમાં પણ પોતાના લુકને કૉમ્પ્લીમેન્ટ કરવા માટે ચોકરનો ઉપયોગ ઍક્ટ્રેસિસ પેટ ભરીને કરી રહી છે. એનો ઉત્કૃષ્ટ નમૂનો તસવીરોમાં જોવા મળી રહ્યો છે.

કેમ પહેરાય?

ચોકર ઑલરાઉન્ડર જ્વેલરી છે. એની ખૂબી વિશે સેલિબ્રિટી ફૅશન-સ્ટાઇલિસ્ટ અમી પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘ચોકરની પૉપ્યુલરિટી એની વર્સેટિલિટીને કારણે જ છે. એ કોઈ પણ અને શેના પર પણ પહેરી શકાય એ જ તો એની સૌથી મોટી ખૂબી છે. તમારા મૂડ અને ડ્રેસિંગ પ્રમાણે એની ડિઝાઇન બદલાઈ જાય. એ તમારા લુકને એન્હૅન્સ કરવાનું જ કામ કરશે. ચોકરના મામલામાં ફૅશન-બ્લન્ડર થવાના ચાન્સ નહીંવત છે. ઘણા લોકો કહે છે કે ફલાણી નેકલાઇન હોય તો જ ચોકર સારાં લાગે. જોકે મારું તો માનવું છે કે દરેકેદરેક નેકલાઇન અને ડ્રેસિંગ સ્ટાઇલ પર ચોકર સારાં લાગતાં હોય છે. ચોકરને બીજા નેકપીસ સાથે મિક્સ કરીને પણ પહેરી શકાય, જેમ કે આજકાલ કૉલેજગોઇંગ યુવતીઓ જીન્સ અને ટૉપ સાથે મેટલની ચેઇન સાથે ચોકર નેકલેસ પહેરવાનું પ્રિફર કરે છે; જે તમને ટફ લુક આપશે. થોડોક બોલ્ડ અને સ્ટાઇલિશ લુક ચોકર પહેરવાથી મળે છે. તમારી પર્સનાલિટીને શાર્પ કરવાનું કામ ચોકર કરે છે.’

સાવધાની શું?

આગળ કહ્યું એમ લગ્નમાં જતાં હો કે કૉકટેલ પાર્ટીમાં, ઑફિસમાં સ્ટાઇલિશ દેખાવું હોય કે કિટી પાર્ટીમાં વટ પાડવો હોય, સ્કૂલમાં બાળકોના ઓપન હાઉસમાં પણ સિમ્પલ લુક જોઈતો હોય તો ચોકર કામ લાગશે. ડિઝાઇનર વેઅરથી લઈને સિમ્પલ સલવાર-કમીઝમાં પણ ચોકર પોતાની છાપ છોડીને તમારી સુંદરતાને વધારવાનું કામ બેધડક કરી લે છે. આજકાલ ઘણા ફૅશન-ડિઝાઇનરો આ જ કારણથી ચોકરને પોતાના આઉટફિટમાં જડી રહ્યા છે. ચોકરની બીજી વિશેષતા એ છે કે માત્ર ફૅશનક્રેઝી મહિલાઓ અને એ વર્લ્ડ સાથે સંકળાયેલી ઍક્ટ્રેસિસ અને મૉડલ પૂરતો આ ટ્રેન્ડ મર્યાદિત નથી રહ્યો, એને કૉલેજગોઇંગ ગર્લથી લઈને હાઉસવાઇફ અને વર્કિંગ વુમન પણ ફૉલો કરી રહી છે. જોકે એની પસંદગીમાં સાવધાની રાખવાની બાબતમાં અમી પટેલ કહે છે, ‘દરેક ઓકેઝન અને ડ્રેસિંગ પ્રમાણે ચોકરની પસંદગી થાય તો જ એ તમારા લુકને કૉમ્પ્લીમેન્ટ કરે. જેમ કે લગ્નમાં કે પાર્ટીવેઅરમાં સિલ્વર અને ગોલ્ડન મેટલનાં જડાઉ ચોકર વધુ સારાં લાગે છે. ફંકી લુક માટે બીડ અને મેટલનાં ચોકર સારાં લાગે છે. ટ્રાઇબલ લુક માટે મેટલિક ડિઝાઇનનાં ચોકર સુંદર દેખાવ આપે છે. તમે જે પણ પહેરો એમાં તમારા પહેરવેશને અનુરૂપ ડિઝાઇન અને વર્ક હશે તો સો ટકા આ જ્વેલરી તમારા પર દીપી ઊઠશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK