બ્લૅકહેડ્સમાંથી મુક્તિ મેળવવાનાં સચોટ સૂચનો

બ્લૅકહેડ્સ. આ એક એવી સમસ્યા છે જે સ્ત્રી હોય કે પુરુષ બન્નેને સમાન પ્રમાણમાં સતાવતી હોય છે. વળી આ એક એવી સમસ્યા છે જે યોગ્ય ધ્યાન આપવામાં ન આવે તો જીવનભર સતાવતી રહે છે. તો આવો આજે આ સમસ્યાનો ઇલાજ પણ સમજી લઈએ

blackheads

ફાલ્ગુની જડિયા-ભટ્ટ

કહેવાય છે કે ચહેરો એ માણસના મનનો આઇનો છે, તેથી દરેક વ્યક્તિ પોતાના શરીરમાં સૌથી વધુ ધ્યાન ચહેરાની સુંદરતા પર જ આપે એ સ્વાભાવિક છે. આવામાં બ્લૅકહેડ્સ એક એવી સમસ્યા છે જે કાયમ ચહેરાની સુંદરતા પર દાગ લગાડવાનું કામ કરતા હોય છે. ઝીણા દાણા જેવા આ કાળા દાગ સામાન્ય રીતે નાક પર વધુ જોવા મળે છે; પરંતુ કેટલાક લોકોને એ નાક ઉપરાંત ગાલ, કપાળ, દાઢી જેવા ચહેરાના અન્ય ભાગો ઉપરાંત છાતી, પીઠ, ગળું, હાથ તથા ખભામાં પણ થઈ આવતા હોય છે. વળી યોગ્ય સમયે યોગ્ય ધ્યાન આપવામાં ન આવે તો એ ખીલ અને ઇન્ફેક્શન જેવી અન્ય સમસ્યાઓ પણ નોતરી શકે છે. તેથી સાફસૂથરી સુંદર ત્વચા માટે આ સમસ્યાનો ઇલાજ પણ જાણી લેવો આવશ્યક છે. તો આવો આજે બાંદરા ખાતે ક્યુટિસ સ્કિન સ્ટુડિયો ધરાવતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ. અપ્રતિમ ગોયલ પાસેથી આ તકલીફનું નિરાકરણ જાણીએ.

બ્લૅકહેડ્સ શું છે?

બ્લૅકહેડ્સમાંથી છુટકારો મેળવવા શું કરવું એ જાણવા સૌથી પહેલાં તો બ્લૅકહેડ્સ એટલે શું એ જાણી લેવું જરૂરી છે. વાસ્તવમાં બ્લૅકહેડ્સ એ બીજું કંઈ નહીં, આપણા ચહેરાની ત્વચામાંથી સતત ઝરતા તેલનું જામી ગયેલું સ્વરૂપ જ છે. ફરક માત્ર એટલો જ છે કે જ્યાં સામાન્ય રોમછિદ્રોમાંથી આ તેલ ઝરીને બહાર નીકળી જાય છે ત્યાં જ કેટલીક વાર ધૂળ, માટી, ગંદકી, બૅક્ટેરિયા કે ત્વચાના મૃત કોષોને પગલે કેટલાંક રોમછિદ્રો બંધ થઈ જતાં એમાંથી આ તેલ ઝરીને બહાર નીકળી શકતું નથી. આવું તેલ હવાના સંપર્કમાં આવતાં ઑક્સિડાઇઝ થઈને કાળું બની જાય છે અને બ્લૅકહેડ્સનું સ્વરૂપ ધારણ કરી લે છે. આમ તો આ સમસ્યા કુમારાવસ્થામાં સૌથી વધુ સતાવે છે, પરંતુ એ સિવાય શરીરનાં હૉર્મોન્સમાં આવેલાં પરિવર્તનો, કૉસ્મેટિક પ્રોડક્ટ્સનો વધુપડતો ઉપયોગ, ત્વચાનું યોગ્ય ધ્યાન ન રાખવું, સ્ટ્રેસ તથા જિનેટિક કારણો પણ એના ઉદ્ભવ પાછળ ભાગ ભજવતાં હોય છે.

આ તકલીફમાંથી છુટકારો મેળવવાની વાત આવતાં ડૉ. ગોયલ કહે છે, ‘બ્લેકહેડ્સમાંથી કાયમી છુટકારો મેળવવો અશક્ય છે. કારણ ઉપર જણાવ્યું એમ બ્લેકહેડ્સ એ બીજું કંઈ નહીં, આપણી ત્વચામાંથી ઝરતું તેલ જ છે. આવો તેલનો સ્રાવ આપણી ત્વચાનો સ્વભાવ છે, જેને શરીરનાં હૉર્મોન્સ સાથે સીધો સંબંધ છે. પરિણામે હૉર્મોન્સની દવાઓ લેવા માત્રથી બ્લૅકહેડ્સમાંથી મુક્તિ મેળવી શકાય, પરંતુ આવી દવાઓ લેવાનો અર્થ શરીરના કુદરતી અંત:સ્રાવો સાથે છેડછાડ કરવી થાય. આવી છેડછાડ મોટી ઉપાધિ નોતરી શકે એમ હોવાથી બ્લૅકહેડ્સમાંથી કાયમી છુટકારો મેળવવા કરતાં એને કન્ટ્રોલ કરવું વધુ આસાન છે.’

ક્લેન્ઝિંગ

આવો કાબૂ મેળવવાનો સીધો અને સરળ ઊપાય છે ત્વચાની સાફસફાઈ અને માવજત પર યોગ્ય ધ્યાન આપવું. આ માટે સૌથી પહેલાં તો દરેક વ્યક્તિએ રાતના સૂતાં પહેલાં આખા દિવસ દરમ્યાન ચહેરા પર લાગેલા ધૂળમાટીના રજકણોથી લઈને મેકઅપ સુધીનાં તમામ તkવોને સાફ કરવાં આવશ્યક છે, કારણ કે આ જ એ તkવો છે જે ત્વચાનાં રોમછિદ્રોને બંધ કરવામાં ભાગ ભજવતાં હોય છે. એક વાર આ તkવો સાફ થઈ જાય પછી તેલ પોતાના કુદરતી ક્રમ પ્રમાણે બહાર નીકળતું રહેશે, પરંતુ કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. આ કામ માટે તમે ઇચ્છો તો તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ ફેસવૉશથી લઈને મેકઅપ કાઢવા સાદું દૂધ, તેલ કે મેકઅપ-રિમૂવર જેવી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરી શકો છો.

એક્સફોલિએશન


ત્વચાના ક્લેન્ઝિંગની સાથે ત્વચાનું એક્સફોલિએશન પણ એટલું જ જરૂરી છે. એક્સફોલિએશન એટલે ત્વચાના મૃતકોષોને ઘસીને દૂર કરવાની પ્રક્રિયા. આમ તો આ કામ માટે આજકાલ બજારમાં જાતજાતનાં સ્ક્રબ્સ અને એક્સફોલિએટર્સ આસાનીથી ઉપલબ્ધ છે; પરંતુ જો તમારી ઇચ્છા એમાંનું કશું ન વાપરવાની હોય તો તમે ઘરે જ મૂળા અને કાકડી જેવા શાકનો ગર, ઓટ્સની પેસ્ટ અથવા સાદા ચણાના લોટમાં થોડું દૂધ અને લીંબુનો રસ ભેગાં કરી એનાથી પણ તમારી ત્વચાને એક્સફોલિએટ કરી શકો છો. 

અલબત્ત, આ સાથે એ યાદ રાખવું પણ જરૂરી છે કે એક્સફોલિએશન એક એવી પ્રક્રિયા છે જે વધુ પણ ન કરાય અને ઓછી પણ ન કરાય. અર્થાત્ એમાં પ્રમાણભાન જાળવી રાખવું આવશ્યક છે. દા. ત. મુંબઈ કે દિલ્હી જેવાં પ્રદૂષિત શહેરોમાં અઠવાડિયામાં બેથી ત્રણ વાર એક્સફોલિએશન કરવું જરૂરી છે, પરંતુ ઓછા પ્રદૂષણવાળા પ્રદેશમાં અઠવાડિયે એક વાર કરો તો પણ ચાલે. એવી જ રીતે શિયાળામાં અઠવાડિયે એક વાર અને ઉનાળામાં અઠવાડિયે બે વાર કરવું જોઈએ. સાથે જ બની શકે કે ટીનેજના સમયગાળા દરમ્યાન શરીરનાં હૉર્મોન્સમાં પરિવર્તનને કારણે તમને વધુ એક્સફોલિએશનની જરૂર પડે, પરંતુ મોટા થયા બાદ હૉર્મોન્સ પ્રમાણમાં સ્થાયી થઈ ગયાં હોવાથી આ આવશ્યકતા ઓછી પણ થઈ જાય. આમ એક્સફોલિએશનનું પ્રમાણ દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું રહે છે અને એ નક્કી કરવાની સીધી સરળ રીત છે તમારી ત્વચા પર હાથ ફેરવી જોવાની. જો તમારું એક્સફોલિએશનનું પ્રમાણ બરાબર હશે તો હાથ લગાડતાં ત્વચા સ્મૂધ લાગશે, ઓછું હશે તો ખરબચડી અને વધુ હશે તો આંખ અને હોઠની આસપાસ રહેલી પાતળી ત્વચા પર આછી બળતરા થશે. અહીં ડૉ. ગોયલ કહે છે, ‘આપણી ત્વચા આપણી સાથે વાત કરતી હોય છે, પરંતુ આપણે એની વાત સાંભળવી-સમજવી પડે છે અને એ પ્રમાણે એની જરૂરિયાતોને પૂરી કરવી પડે છે.’

ક્લેન્ઝિંગ અને એક્સફોલિએશન બાદ ત્વચાને મૉઇસ્ચરાઇઝ કરવી પણ એટલી જ આવશ્યક છે. આ વાતનું સમર્થન કરતાં ડૉ. ગોયલ કહે છે, ‘આપણી ત્વચા બધે એકસરખી નથી. ક્યાંક જાડી છે તો ક્યાંક પાતળી. વળી એ સતત રિન્યુ થતી રહે છે. જૂના કોષો મૃત્યુ પામીને ખરતા રહે છે અને નવા બહાર આવતા રહે છે. તેથી જ ત્વચાને એક્સફોલિએટ કર્યા બાદ તરત એના પર મૉઇસ્ચરાઇઝર લગાડવું આવશ્યક છે. એક બહુ પ્રચલિત ગેરમાન્યતા એ પણ છે કે જેમની ત્વચા કુદરતી રીતે ઑઇલી છે તેમને મૉઇસ્ચરાઇઝરની જરૂર નથી, મૉઇસ્ચરાઇઝર તેમની તૈલી ત્વચાને વધુ ઑઇલી બનાવવાનું કામ કરે છે; પરંતુ આ એક સદંતર ખોટી માન્યતા છે. મૉઇસ્ચરાઇઝરની જરૂર તો બધાને જ હોય છે, કારણ કે મૉઇસ્ચરાઇઝર ત્વચાને હાઇડ્રેટ કરી એને પોષણ આપવાનું કામ કરે છે. તેથી તમારી ત્વચાનો પ્રકાર કોઈ પણ હોય, સવાર-સાંજ મોઢું ધોયા બાદ તથા સ્ક્રબર વાપર્યા બાદ બધાએ જ મૉઇસ્ચરાઇઝર તો લગાડવું જોઈએ. અલબત્ત, આ મૉઇસ્ચરાઇઝરની પસંદગી તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ હોવી જોઈએ. ડ્રાય સ્કિન ધરાવતી વ્યક્તિએ ઑઇલ-બેઝ્ડ મૉઇસ્ચરાઇઝર વાપરવું જોઈએ, જ્યારે ઑઇલી સ્કિન ધરાવતી વ્યક્તિએ જેલ કે વૉટર-બેઝ્ડ મૉઇસ્ચરાઇઝર વાપરવું જોઈએ.’

મેડિકલ ક્લીનઅપ

આટલું કહીં ડૉ. ગોયલ ઉમેરે છે, ‘અંગત રીતે હું ઘરે બ્લૅકહેડ્સ કાઢવાના વિચારના વિરોધમાં છું; કારણ કે યોગ્ય જાણકારી અને સફાઈના અભાવમાં આ કામ કરવામાં આવે તો એ ત્વચા પર ઇન્ફેક્શન, ખીલ, પિગ્મેન્ટેશન જેવી મોટી સમસ્યાઓ નોતરી શકે છે. તેથી બહેતર તો એ જ છે કે ક્લેન્ઝિંગ, એક્સફોલિએશન તથા મૉઇસ્ચરાઇઝિંગ ઉપરાંત દરેક વ્યક્તિ નિયમિત ધોરણે મેડિકલ ક્લીનઅપ પણ કરાવતી રહે. પાંચ-છ અઠવાડિયે એક વાર સારા ડર્મેટોલૉજિસ્ટ પાસે આવું ફેશ્યલ કરાવી લેવાથી બ્લૅકહેડ્સ, વાઇટહેડ્સ, ખીલ વગેરે જેવી અનેક સમસ્યાઓનું સમાધાન આસાનીથી મેળવી શકાય છે. ડૉક્ટરો સ્ટરિલાઇઝ્ડ સાધનોની સાથે તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ પ્રોડક્ટ્સ પણ વાપરતા હોવાથી કોઈ આડઅસર થવાની સંભાવના રહેતી નથી. વધુમાં જરૂર પડે તો ત્વચામાંથી ઝરતા તેલનું પ્રમાણ ઘટાડવા તેઓ રેટિનોલ, સેલ્સિક ઍસિડ, ગ્લાઇકોલિક ઍસિડ તથા બેન્ઝોઇલ પેરૉક્સાઇડ ધરાવતા ક્રીમ કે લોશન લગાડવાનું સૂચન પણ કરી શકે છે એટલું જ નહીં, વધુ આવશ્યકતા જણાય તો તેઓ તમને માઇક્રોડર્મા બ્રેશન, કેમિકલ પિલ્સ તથા ફોર્મિડોન એક્સટ્રૅક્શન જેવી બ્લૅકહેડ્સ માટેની અન્ય મેડિકલ પ્રોસીજર કરવાની યોગ્ય સલાહ આપવાની કુશળતા પણ ધરાવતા હોય છે. તેથી જ સાદા પાર્લર, સ્પા કે સલૂનમાં જવાને બદલે આવું ક્લીનઅપ સારા ડર્મેટોલૉજિસ્ટ પાસે કરાવવું જ વધુ હિતાવહ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK