શું તમને લિપસ્ટિક લગાડવાની સાચી રીત આવડે છે ખરી?

લિપસ્ટિક મોટા ભાગની મહિલાઓનું ફેવરિટ સૌંદર્ય-પ્રસાધન હોય છે. ઘણી મહિલાઓ એવી પણ હોય છે જેમના ડ્રેસિંગ-ટેબલમાં અસંખ્ય લિપસ્ટિક સ્થાન શોભાવતી હોય છે. એમ છતાં તેઓ એના યોગ્ય ઉપયોગ તથા લગાડવાની સાચી રીતથી અભાનરહે છે. તેથી જો તમે લિપસ્ટિક દ્વારા તમારી ખૂબસૂરતીનેદીપાવી દેવા માગતાં હો તો આ કળા પણ જાણી લેવી આવશ્યક છે

alia

ફાલ્ગુની જડિયા-ભટ્ટ

યુવાન હોય કે વૃદ્ધ, ભાગ્યે જ કોઈ સ્ત્રી એવી હશે જેના ડ્રેસિંગ-ટેબલમાં એક પણ લિપસ્ટિક ન હોય. બલકે મોટા ભાગની સ્ત્રીઓને મેકઅપનું નામ પડે એટલે સૌથી પહેલાં લિપસ્ટિક યાદ આવે એટલું જ નહીં, આપણે એવી અઢળક સ્ત્રીઓને ઓળખતા પણ હોઈએ છીએ જેઓ લિપસ્ટિક વિના ઘરની બહાર પગ સુધ્ધાં મૂકતી નથી. સ્ત્રીઓના આ પ્રકારના વર્તન પાછળનું મુખ્ય કારણ એ કે આ એક બ્યુટી-પ્રોડક્ટ એવી છે જેને મેકઅપનાં અન્ય સાધનો સાથે વાપરવામાં આવે તો-તો ચહેરા પર ચાર ચાંદ લાગી જ જાય છે, પરંતુ બીજું કશું જ ન વાપરો અને માત્ર લિપસ્ટિક લગાડી લો તો પણ ચહેરો ખીલી ઊઠે છે. અલબત્ત, લિપસ્ટિકની આટઆટલી પૉપ્યુલૅરિટી છતાં મોટા ભાગની સ્ત્રીઓ લિપસ્ટિક લગાડવાની સાચી રીત વિશે અભાન હોય છે. તેમને મન માત્ર ટ્યુબમાંથી લિપસ્ટિક બહાર કાઢી હોઠ પર ઘસી લીધી એટલે કામ પતી ગયું, પરંતુ વાસ્તવમાં લિપસ્ટિક લગાડવી એ પણ એક કળા છે. તમારી ત્વચાનો રંગ, હોઠનો આકાર તથા પ્રસંગ અનુસાર યોગ્ય કલરની લિપસ્ટિક યોગ્ય રીતે લગાડવામાં આવે તો પરિણામ નિશ્ચિતપણે વધુ સારું મળી શકે છે. તો ચાલો, આજે આ કળા વિશે થોડી વિગતવાર વાતો કરીએ...

(૧) સૌથી પહેલાં તો લિપસ્ટિક લગાડેલી ત્યારે જ સારી લાગે જ્યારે હોઠ નરમ અને મુલાયમ હોય. ફાટી ગયેલા કે ખરબચડા હોઠ પર મોંઘામાં મોંઘી, સારામાં સારા કલરની લિપસ્ટિક પણ બદસૂરત લાગી શકે છે. આ માટે ત્વચાની જેમ હોઠને પણ નિયમિત ધોરણે એક્સફોલિએટ કરતા રહેવું જોઈએ. આ કામ માટે હોઠ પર મધમાં નાખેલી થોડી સાકર ઘસી શકાય, હળવા હાથે ટૂથબ્રશ ઘસી શકાય કે પછી હોઠ પર થોડો લિપ-બામ લગાડ્યા બાદ ધોઈને સાફ કરેલા જૂના મસ્કરા બ્રશનો પણ ઉપયોગ કરી શકાય. આ સાથે રાતના સૂતાં પહેલાં હોઠ પર થોડો લિપ-બામ કે ઘી લગાડવામાં આવે તો હોઠ કાયમી ધોરણે નરમ અને મુલાયમ રહી શકે છે.

(૨) લિપસ્ટિક લગાડતાં પહેલાં હોઠને યોગ્ય આકાર આપવો પણ એટલો જ જરૂરી છે. આ માટે હોઠ પર તમારી ત્વચાના રંગને અનુરૂપ કન્સીલર લગાડો. ત્યાર બાદ જો તમારા હોઠ બહુ પાતળા હોય તો તમારી નૅચરલ લિપ-લાઇનની બહારની બાજુએ લિપ-પેન્સિલથી હોઠના આકારની લાઇન બનાવો અને જો તમારા હોઠ બહુ જાડા હોય તો તમારી નૅચરલ લિપ-લાઇનની અંદરની બાજુએ લિપ-પેન્સિલથી હોઠના આકારની લાઇન બનાવો. છેલ્લે લિપસ્ટિક-બ્રશથી અંદર કલર ભરો. કેટલાકના ઉપર-નીચેના હોઠના આકારમાં પણ ફરક હોય છે. આ ટેãક્નકથી તમે બન્ને હોઠને સમાન આકાર પણ આપી શકો છો.

(૩) અલબત્ત, લિપસ્ટિક-બ્રશથી લગાડેલી લિપસ્ટિક દેખાવમાં ખૂબ ધારદાર અને ઊડીને આંખે વળગે એવી હોય છે. જો તમારી ઇચ્છા હોઠ પરના રંગને એટલો શાર્પ બનાવવાની ન હોય તો લિપસ્ટિક-બ્રશના સ્થાને આઇશૅડો-બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. આઇશૅડો- બ્રશ લિપસ્ટિક-બ્રશની સરખામણીમાં વધુ જાડું હોવાથી એ વધુ ઝડપથી લિપસ્ટિક ફેલાવી દે છે, જે લિપસ્ટિકના પ્રમાણ અને રંગને આછો બનાવી દે છે. આ માટે પહેલાં હોઠના મધ્ય ભાગમાં થોડો કલર લગાડી આઇશૅડો-બ્રશથી એને આખા હોઠ પર ફેલાવી દેવાથી એ લિપસ્ટિક નહીં પણ લિપ-ટિન્ટ લગાડ્યું હોવાનો આભાસ ઊભો કરે છે.

(૪) આટલું કર્યા બાદ પાતળું ટિશ્યુ પેપર લઈ એને હળવા હાથે હોઠ પર દબાવી દેવાથી લિપસ્ટિકમાં રહેલું વધારાનું તેલ ટિશ્યુ પેપર પર નીકળી જાય છે અને આપણને નૅચરલ લુક મળી શકે છે. જો તમને એવું લાગતું હોય કે આમ કરવાથી લિપસ્ટિકની ગ્લૉસી ઇફેક્ટ જતી રહે છે તો તમે બ્રશમાં બાકી બચી ગયેલી લિપસ્ટિકને ફરી પાછી હોઠ પર લગાડી ખોવાયેલી શાઇન પરત મેળવી શકો છો.

(૫) તમારી ઇચ્છા લિપસ્ટિકને વધુ લૉન્ગ-લાસ્ટિંગ બનાવવાની હોય તો લિપસ્ટિક લગાડ્યા બાદ પાતળું ટિશ્યુ પેપર તમારા હોઠ પર રાખો અને બહારની બાજુએથી એના પર થોડો ટ્રૅન્ઝ્લુસન્ટ પાઉડર-બ્રશ વડે લગાડો. એમ કરવાથી આછો ટ્રૅન્ઝ્લુસન્ટ પાઉડર હોઠ પર લાગી જશે, જે રંગને લૉક કરી દેવાનું કામ કરશે.

(૬) લિપસ્ટિકને વધુ લૉન્ગ-લાસ્ટિંગ બનાવવાની વધુ એક ટેãક્નક એ પણ છે કે લિપસ્ટિક લગાડતાં પહેલાં વાપરવામાં આવતું લિપ-લાઇનર ફક્ત હોઠને આઉટલાઇન કરવા જ ન વાપરવું, આઉટલાઇન કર્યા બાદ અંદર પણ લગાડવી અને પછી એના પર લિપસ્ટિક લગાડવી. આવું કરવાથી લિપસ્ટિકનો રંગ આછો થઈ જાય ત્યાર બાદ પણ લિપ-લાઇનરનો રંગ અકબંધ રહેતો હોવાથી લિપસ્ટિકનું સૌંદર્ય બરકરાર રહે છે.

(૭) કેટલીક મહિલાઓને હોઠ પર લાગેલી લિપસ્ટિક દાંત પર પણ લાગી જતી હોવાની સમસ્યા સતાવતી હોય છે. આ પરિસ્થિતિ ઘણી વાર તેમને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દેતી હોય છે. તમારી સાથે આવું ન થાય એ માટે લિપસ્ટિક લગાડ્યા બાદ હાથ ધોઈ નાખવા અને આવા સાફ હાથની પહેલી આંગળી મોમાં મૂકવી. એમ કરવાથી જે લિપસ્ટિક તમારા દાંત પર લાગવાની સંભાવના હશે એ આંગળી પર લાગી જશે અને તમે શરમજનક પરિસ્થિતિથી બચી જશો.

(૮) આજકાલ પાઉટ લિપ્સના ટ્રેન્ડે પણ બહુ જોર પકડ્યું છે. પાઉટ લિપ્સ એટલે ભરાવદાર હોઠ. મોટા ભાગની મહિલાઓ હોઠને આવા ભરાવદાર દેખાડવા માટે લિપ-ગ્લૉસનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમારી ઇચ્છા આવું કોઈ લિપ-ગ્લૉસ વાપરવાની ન હોય તો વધુ એક વિકલ્પ તરીકે તમે તમારી મનપસંદ ડાર્ક કલરની લિપસ્ટિક લગાડ્યા બાદ બન્ને હોઠના મધ્યના ભાગમાં રંગની બાબતમાં એની સાથે મેળ ખાતી, પરંતુ શેડમાં એનાથી ઘણી આછા રંગની કોઈ લિપસ્ટિક લગાડી દો. તમે ઇચ્છો તો આ માટે તમારી મૂળ લિપસ્ટિકના રંગ સાથે મેળ ખાતા આઇશૅડોનો કે પછી ગોલ્ડ કે સિલ્વર કલરના આઇશૅડોનો ઉપયોગ પણ કરી શકો છો. આમ કરવાથી હોઠનો મધ્યનો ભાગ ઊપસેલો લાગતાં હોઠ ભરાવદાર હોવાનો આભાસ ઊભો થાય છે.

(૯) ઘણી મહિલાઓ પોતાની લિપસ્ટિકના શેડની સરખામણીમાં ઘણા ડાર્ક શેડનું લિપ-લાઇનર વાપરતી હોય છે. આવું કરવાથી લિપસ્ટિક અને લિપ-લાઇનર વચ્ચેનો તફાવત ઊડીને આંખે વળગે છે. આવું ન થાય એ માટે લિપ-લાઇનર હંમેશાં લિપસ્ટિકના શેડનું જ વાપરવું તથા એ લગાડ્યા બાદ આંગળીઓની મદદથી એનો રંગ થોડો આછો કરી દેવો. આમ કર્યા બાદ જ્યારે લિપસ્ટિક લગાડવામાં આવે છે ત્યારે એનો લુક એકસરખો આવે છે.

(૧૦) કેટલીક લિપસ્ટિક્સ, એમાં પણ ખાસ કરીને લિક્વિડ લિપસ્ટિક્સ લગાડ્યાના થોડા સમય બાદ હોઠની કિનારીઓથી બહાર ફેલાઈ જાય છે. આવું ન થાય એ માટે લિપસ્ટિક લગાડતાં પહેલાં હોઠની કિનારીઓ પર થોડું મેકઅપ પ્રાઇમર લગાડી દેવું વધુ હિતાવહ છે.

ન્યુડ કે રેડ કલરની લિપસ્ટિકની પસંદગી કેવી રીતે કરવી?

મોટા ભાગની મહિલાઓને પોતાના માટે ન્યુડ કલરની લિપસ્ટિક પસંદ કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. જોકે આ માટે રસ્તો સાવ સરળ છે. ગોરી મહિલાઓએ પિન્ક અન્ડરટોન ધરાવતી ન્યુડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ. ઘઉંવર્ણી મહિલાઓએ ઑરેન્જ અન્ડરટોનવાળી, જ્યારે શ્યામવર્ણી મહિલાઓએ બ્રાઉન અન્ડરટોન ધરાવતી ન્યુડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ.

ન્યુડની જેમ ઘણી મહિલાઓને પોતાના માટે રેડ કલરની લિપસ્ટિક પસંદ કરવામાં પણ ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાનો સીધો સરળ ઇલાજ એ છે કે ગોરી મહિલાઓએ બ્લુ અન્ડરટોન ધરાવતી રેડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ. ઘઉંવર્ણી મહિલાઓએ ઑરેન્જ અન્ડરટોનવાળી, જ્યારે શ્યામવર્ણી મહિલાઓએ બર્ગન્ડી અન્ડરટોન ધરાવતી રેડ લિપસ્ટિક પસંદ કરવી જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK