થર્ટીફર્સ્ટ નાઇટની પાર્ટી માટે કેવો મેકઅપ કરશો?

૩૧ ડિસેમ્બરની રાત સામે આવીને ઊભી રહી ગઈ છે. આ રાતે તમે પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં જવાનો પ્લાન બનાવી જ રાખ્યો હશે. આવી પાર્ટીમાં તમે તમારી હાજરીથી સૌકોઈને મોહિત કરી લેવા માગતાં હો તો એમાં પાર્ટી મેકઅપ લગાડી જવાનું ભૂલતા નહીં અને એ માટે અહીં આપેલા પાર્ટી મેકઅપના લેટેસ્ટ ટ્રેન્ડને અનુસરવાનું પણ ચૂકતા નહીં

urvashi rautela



ફાલ્ગુની જડિયા-ભટ્ટ

યર-એન્ડ આવે એટલે સૌકોઈનાં દિલ ધડકવા લાગે. યર-એન્ડ એટલે એક આખા વર્ષનો અંત અને એક આખા નવા વર્ષની શરૂઆત. ટૂંકમાં સેલિબ્રેશન માટેનો પર્ફેક્ટ ટાઇમ. આવા સેલિબ્રેશન માટે પાર્ટી તો બનતી હૈ! વળી ન્યુ યરની પાર્ટી એટલે મ્યુઝિક, ડાન્સ, મસ્તી અને મેકઅપ. તમે પણ જો આવા સેલિબ્રેશનના મૂડમાં હો અને આ ૩૧ ડિસેમ્બરની રાતે વીતેલા વર્ષને ગુડબાય કહેવા અને નવા વર્ષનું સ્વાગત કરવા ક્યાંક પાર્ટીમાં જવાનો વિચાર કરતા હો તો પાર્ટી મેકઅપ લગાડવાનું ભૂલશો નહીં. યાદ રાખો, પાર્ટી મેકઅપ આપણા રોજબરોજના સામાન્ય મેકઅપ કરતાં અલગ હોય છે. એમાં હોય છે બહુ બધા કલર્સનું મિશ્રણ અને લૉટ્સ ઑફ ગ્લૅમર. તેથી તમે પણ આવો ગ્લૅમરસ મેકઅપ કરવા ઇચ્છતા હો તો પાર્ટી મેકઅપના લેટેસ્ટ ટ્રેન્ડ્સ વિશે મૅજિકલ મેકઓવર ઍકૅડેમીના પ્રણેતા અને જાણીતા સેલિબ્રિટી મેકઅપ-આર્ટિસ્ટ ચિરાગ બામ્બોટ પાસેથી અમે મેળવેલી સ્ટેપ- બાય-સ્ટેપ ટિપ્સ જાણી લો અને એનો ઉપયોગ કરી તમારી ન્યુ યર પાર્ટીમાં ચાર ચાંદ લગાડી દો.

સ્ટેપ ૧

એક સમય હતો જ્યારે કોઈ પણ પ્રકારની ચમક વિનાનો મૅટ ફિનિશ ધરાવતો મેકઅપ બહુ લોકપ્રિય બન્યો હતો. હવેનો લેટેસ્ટ ટ્રેન્ડ એનાથી સાવ સામા છેડાનો, આછી ચમક ધરાવતો અને પ્રકાશને પોતાની તરફ આકર્ષતો ઇલ્યુમિનેટિંગ મેકઅપનો છે. આવા મેકઅપ માટે પર્ફેક્ટ બેઝ તૈયાર કરવા ચિરાગ મૉઇસ્ચર બામ લગાડવાની સલાહ આપે છે. એનું કારણ સમજાવતાં તે કહે છે, ‘ત્વચાની પ્રાથમિક જરૂરિયાત એને સાફ કરી મૉઇસ્ચરાઇઝ કરવાની હોય છે. તેથી મેકઅપ લગાડો કે ન લગાડો, મોઢું ધૂઓ એટલે મૉઇસ્ચરાઝર તો લગાડી જ દેવું. હવે આ કામ માટે સાદા મૉઇસ્ચરાઇઝરના સ્થાને મૉઇસ્ચર બામનો ઉપયોગ કરવામાં આવે તો એ ત્વચાને વધુ ફ્રેશ, સ્મૂધ તથા સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. આવા બામમાં વાપરવામાં આવેલાં ઇલ્યુમિનેટિંગ તત્વો ત્વચાના સંપર્કમાં આવતાં જ એના પર આછી ચમક પાથરી દે છે, જેને કારણે ત્વચાનો રંગ એકસમાન અને ગ્લોઇંગ બની જાય છે.’

સ્ટેપ ૨

ઘણા લોકો મેકઅપની શરૂઆત ફાઉન્ડેશનથી કરે છે, પરંતુ આ એક બહુ મોટી ભૂલ છે. ખાસ કરીને તેમના માટે જેમને આંખની આસપાસ કાળાં કૂંડાળાંની સમસ્યા સતાવતી હોય છે. આવાં કાળાં કૂંડાળાંને કન્સીલર વડે છુપાડી દેવામાં આવે તો જ ત્વચાનો રંગ એકસમાન લાગે. મેકઅપના સામાન્ય નિયમ પ્રમાણે કન્સીલર હંમેશાં તમારા ફાઉન્ડેશનથી એક કે બે શેડ આછા શેડના હોવા જોઈએ અને ફાઉન્ડેશનની પહેલાં લગાડવા જોઈએ, કારણ કે એમ કરવાથી જ્યાં એક બાજુ એ ડાર્ક સર્કલ્સને ઢાંકી દે છે ત્યાં જ બીજી બાજુ એની ઉપર ફાઉન્ડેશન લગાડવામાં આવે ત્યારે એ એની સાથે મિક્સ થઈને ત્વચાનો રંગ એકસમાન કરી દે છે. નવા ટ્રેન્ડ મુજબ ચહેરા પર ઇલ્યુમિનેટિંગ ઇફેક્ટ લાવવા ચિરાગ સિલેક્ટ મૉઇસ્ચર કવર નામે ઓળખાતાં કન્સીલર્સ વાપરવાની સલાહ આપે છે. આવાં કન્સીલર્સ આંખની આસપાસની ત્વચાને ઇલ્યુમિનેટિંગ મેકઅપ માટે જરૂરી સૅટિનના કપડા જેવી હળવી ચમકવાળી અને આછી ભીનાશવાળી ઇફેક્ટ આપે છે.

સ્ટેપ ૩

કન્સીલર બાદ લગાડવામાં આવતા ફાઉન્ડેશન માટે ચિરાગ હવે બજારમાં મળતા સિરમ ઇન્ફ્યુઝ્ડ એટલે કે સિરમ ધરાવતા ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આવાં ફાઉન્ડેશન ત્વચાના રંગને નિખારવાની સાથે એને રિપેર કરવાનું કામ પણ કરે છે. આ સિવાય આજકાલ બજારમાં લિક્વિડ હોવા છતાં સુકાઈ ગયા બાદ પાઉડર ફિનિશ આપતાં ફાઉન્ડેશન પણ મળવા લાગ્યાં છે. આવાં ફાઉન્ડેશનની ખાસિયત એ હોય છે કે એમનો ઉપયોગ કર્યા બાદ તમારે અલગથી કૉમ્પૅક્ટ પાઉડર વાપરવાની આવશ્યકતા રહેતી નથી. સાથે જ એ મૅટ હોય કે ઇલ્યુમિનેટિંગ, બન્ને પ્રકારના મેકઅપ બેઝ સાથે સરસ રીતે મિક્સ પણ થઈ જાય છે.

સ્ટેપ ૪

ફાઉન્ડેશન બાદ ચિરાગ સીધું બ્લશર લગાડવા પર આવી જાય છે, જેના માટે તેઓ સામાન્ય પાઉડર બ્લશરને સ્થાને ક્રીમ બ્લશર વાપરવાનું સૂચન કરે છે. એનું કારણ સમજાવતાં ચિરાગ કહે છે, ‘સાદાં બ્લશર્સ પાઉડરના ફૉર્મમાં મળતાં હોવાથી એ લગાડ્યા બાદ ત્વચાના એટલા ભાગમાં મૅટ ઇફેક્ટ આવે છે, જ્યારે આપણા તો મેકઅપનો કન્સેપ્ટ જ ઇલ્યુમિનેટિંગ ઇફેક્ટ તૈયાર કરવાનો છે. તેથી ક્રીમ બ્લશરનો ઉપયોગ કરવાથી એ ત્વચાને ચમક આપવાની સાથે મેકઅપની ઇલ્યુમિનેટિંગ ઇફેક્ટને પણ બરકરાર રાખે છે. આવાં બ્લશર્સ ચિકબોન એટલે કે હસતી વખતે ગાલનો જેટલો ભાગ ઊપસેલો દેખાય એના પર આંગળીઓની મદદથી લગાડી દેવાથી ગુલાબી પૅચવર્કને સ્થાને આછી કુદરતી ગુલાબી દેખાય છે.’

સ્ટેપ ૫

આટલું જણાવ્યા બાદ આવા ઇલ્યુમિનેટિંગ મેકઅપના ગુપ્ત રહસ્ય જેવી સ્ટ્રોબિંગ ટેક્નિકની વાત કરતાં ચિરાગ કહે છે, ‘વર્ષો સુધી મેકઅપ આર્ટિસ્ટ ચહેરાની ખામીઓ છુપાવવા કૉન્ટુઅરિંગ અને કટિંગ ટેક્નિકનો ઉપયોગ કરતા હતા, જેમાં તેઓ ચહેરાના જે ભાગને ઢાંકી દેવો હોય ત્યાં ડાર્ક કલરના બ્લશર વગેરેનો ઉપયોગ કરી એના પર પડછાયાની ઇફેક્ટ ક્રીએટ કરવાનો પ્રયત્ન કરતા હતા. ઇલ્યુમિનેટિંગ મેકઅપમાં આ ટેક્નિકથી તદ્દન સામા છેડાની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ત્વચાના ન ગમતા ભાગોને છુપાવવાને સ્થાને ગમતા ભાગોને હાઇલાઇટ કરવા પર ફોકસ કરવામાં આવે છે. આ માટે ચહેરાના ટી-ઝોન એટલે કે કપાળ, નાકની દાંડી અને ચિન તથા ચહેરાના સી-ઝોન એટલે કે કપાળ અને ગાલના ઊપસેલા ભાગના સૌથી ઉપરના સ્થાન પર બ્રશ અથવા સ્પન્જની મદદથી સ્ટ્રોબિંગ ક્રિમ લગાડીને એને હાઇલાઇટ કરવામાં આવે છે. આવી સ્ટ્રોબિંગ ક્રીમમાં રહેલાં હાઇલાઇટર્સ પ્રકાશને પોતાની તરફ આકર્ષતાં હોવાથી ચહેરાનો એટલો ભાગ આપોઆપ હાઇલાઇટ થઈ જાય છે, જેને પગલે ચહેરાના અન્ય ભાગો તરફ કોઈનું ધ્યાન જતું પણ નથી.’

સ્ટેપ ૬

બ્લશર બાદ આઇ મેકઅપ પર આવતાં ચિરાગ છેલ્લા કેટલાક સમયથી પૉપ્યુલર બનેલા સ્મોકી આઇઝ ટ્રેન્ડની વાત કરતાં કહે છે, ‘સામાન્ય રીતે સ્મોકી આઇ મેકઅપમાં લોકો બ્લૅક અને બ્રાઉનના શેડ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ન્યુ યર પાર્ટી મેકઅપમાં બ્લૅક અને બ્રાઉનની સાથે હાલના લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડીપ રેડ, મરૂન, ઑબર્જિન, ડાર્ક બ્લુ જેવા રંગોનું મિશ્રણ પણ કરવું જોઈએ. આ માટે પહેલાં આંખ બંધ હોય ત્યારે એનો જેટલો ભાગ ઊપસેલો દેખાય છે એટલા ભાગ પર હળવા હાથે કાજલ લગાડવું જોઈએ. ત્યાર બાદ આંખના એટલા જ ભાગ પર કાજલ સાથે મિક્સ કરતા હો એવી રીતે આવા બ્રાઇટ કલર્સના આઇ-શૅડો લગાડવા જોઈએ. ત્યાર બાદ ઘઉંવર્ણી ત્વચા ધરાવતી યુવતીએ બરાબર આઇબ્રોની નીચેના ભાગમાં મીડિયમ ગોલ્ડ કલરનું તથા ગોરી ત્વચા ધરાવતી યુવતી સિલ્વર અથવા પર્લ ફિનિશવાળું હાઇલાઇટર લગાડવું જોઈએ.’

આ સાથે આજકાલ યુવતીઓમાં વિન્ગ આઇલાઇનર્સ લગાડવાનો ટ્રેન્ડ પણ ખાસ્સો લોકપ્રિય બન્યો છે જેમાં તેઓ પોતાના ચહેરા, આંખોની સાઇઝ તથા ગમા-અણગમા અનુસાર આઇલાઇનરની લેન્ગ્થ લાંબી અથવા ટૂંકી રાખે છે. આ કામ માટે સામાન્ય લિક્વિડ આઇલાઇનરને સ્થાને પેન લાઇનર્સનો ઉપયોગ કરવો વધુ ઉચિત રહે છે, કારણ કે આવી લાઇનર્સ દેખાવમાં સ્કેચપેન્સ જેવી હોવાથી વાપરવામાં વધુ આસાન હોય છે. આવો સ્મોકી આઇ મેકઅપ એટલો ગ્લૅમરસ હોય છે કે આખા ચહેરાનું ફોકલ પૉઇન્ટ બની શકે છે.

સ્ટેપ ૭

છેલ્લે લિપસ્ટિકની વાત પર આવતાં ચિરાગ કહે છે, ‘સામાન્ય રીતે અમે મેકઅપ આર્ટિસ્ટ હેવી આઇ મેકઅપ બાદ હોઠને વધુ હાઇલાઇટ ન કરવાનું પસંદ કરીએ છીએ, પરંતુ પાર્ટી મેકઅપમાં તમે ઇચ્છો તો આ નિયમનો ભંગ કરી શકો છો. અત્યાર સુધી યુવતીઓ પોતાના હોઠને હાઇલાઇટ કરવા માટે લિક્વિડ લિપસ્ટિક્સ અથવા ગ્લૉસનો ઉપયોગ કરતી હતી, પરંતુ મારા અનુભવના આધારે હું શીખ્યો છું કે જો ઉપર અને નીચેના હોઠને ડાર્ક શેડની લિપ-લાઇનરથી આઉટલાઇન કર્યા બાદ લિપસ્ટિક લગાડવામાં આવે અને છેલ્લે નીચેના હોઠના મધ્ય ભાગમાં થોડું ગોલ્ડ કે સિલ્વર હાઇલાઇટર લગાડી દેવામાં આવે તો હોઠ અત્યંત સુંદર અને ભરાવદાર દેખાઈ શકે છે. તમે ઇચ્છો તો તમારા આઇ મેકઅપ સાથે મૅચ થાય એ માટે લિપસ્ટિક તરીકે કોઈ પણ સુંદર ઑરેન્જ અને મરૂન રંગનું મિશ્રણ ધરાવતા શેડનો ઉપયોગ કરી શકો છો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK