સ્ટ્રેટ વાળની ફૅશનને ફૉલો કરવામાં આંધળૂકિયાં ન કરો

વાળ સીધા કરાવવાના ટ્રેન્ડને અપનાવતાં પહેલાં હેર-રીબૉન્ડિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર-કેરાટિન અને હેર-સ્મૂધનિંગ વચ્ચેના તફાવતને સમજી લો

hair

લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

વાળની ખૂબસૂરતી મહિલાઓના ઓવરઑલ લુકમાં ચાર ચાંદ લગાવી દે છે. તેથી જ વાળને લઈને તેઓ ખૂબ જ પઝેસિવ બની છે. કોઈને કુદરતે બક્ષેલા વાંકડિયા વાળ નથી ગમતા તો વળી કોઈ મહિલા બરછટ વાળથી ત્રસ્ત છે. કોઈ મહિલાને લાંબા વાળનો મોહ છે તો કોઈ લીસા અને મુલાયમ વાળ ઝંખે છે. કોઈના વાળ ખૂબ ખરે છે તો કોઈ મહિલાને વારંવાર વાળની સ્ટાઇલ ચેન્જ કરાવવાનો ક્રેઝ છે. વાળની માવજત અને સ્ટાઇલને લઈને મહિલાઓમાં જોવા મળતી સભાનતાના કારણે એક આખો કારોબાર ઊભો થયો છે. વાળને સીધા કરવાની ફૅશન પણ આ જ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે. છેલ્લા કેટલાક સમયથી મહિલાઓમાં વાળ સીધા કરાવવાની ફૅશનનું વળગણ વધ્યું છે. કેટલીક મહિલાઓ કાયમી ધોરણે વાળ સીધા કરાવે છે તો કેટલીક મહિલાઓ પ્રસંગોપાત્ત નવો લુક મેળવવા થોડા સમય માટે આવી ટ્રીટમેન્ટ કરાવે છે. કેટલીક મહિલાઓ ઘરમાં જ મશીનની સહાયથી વાળ સીધા કરે છે. આજે આપણે વાળ સીધા કરાવવાની સાચી રીત કઈ કહેવાય તેમ જ એના ફાયદા અને જોખમ વિશે વાત કરીશું.

હેર સ્ટ્રેટ કરવાની ડિફરન્ટ ટેક્નિક્સ, ટ્રીટમેન્ટ બાદ વાળની સંભાળ તેમ જ એમાં રહેલા જોખમ વિશે માહિતી આપતાં ઘાટકોપરનાં ડર્મેટોલૉજિસ્ટ અને કૉસ્મેટોલૉજિસ્ટ અવનિ મણિયાર કહે છે, ‘વાસ્તવમાં વાળનો નૅચરલ લુક બદલવા માટે હેર-રીબૉન્ડિંગ, હેર-સ્ટ્રેટનિંગ, હેર-કેરાટિન અને હેર-સ્મૂધનિંગ એમ ઘણીબધી રીતો છે, પરંતુ મોટા ભાગની મહિલાઓ અધકચરી માહિતીના આધારે અથવા માત્ર ર્બોડ વાંચીને વાળ સીધા કરાવે છે. પરિણામે વાળની કુદરતી ચમક ખોઈ બેસે છે. દરેક મહિલાએ પોતાના વાળની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પસંદગી કરવી જોઈએ. જેમના વાળ ખૂબ જ વાંકડિયા હોય અને કાયમી ધોરણે વાળ સીધા કરાવવાની ઇચ્છા હોય તેમણે રીબૉન્ડિંગનો સહારો લેવો પડે છે. આ ટ્રીટમેન્ટમાં હીટ-થેરપી અને કેમિકલ બન્નેનો ઉપયોગ કરવામાં આવે છે. એક વાર સીધા કરવામાં આવેલા વાળ કાયમ માટે એવા જ રહે છે, પરંતુ નવા વાળ ઊગે એ પહેલાં જેવા વાંકડિયા આવે છે એટલે તમારે ફરી-ફરી ટચઅપ કરાવતા રહેવું પડે છે. હવે જેટલી વાર તમે ટચઅપ કરાવો એટલી વાર વાળમાં કેમિકલ લગાવવું પડે. પરિણામે વાળની નીચેની ત્વચાને નુકસાન થાય. ત્રણ કલાક સુધી કેમિકલ લગાવી રાખવાથી ખંજવાળ આવી શકે છે. કેટલીક વાર કેમિકલની આડઅસરના કારણે ખંજવાળ આખા શરીરમાં પ્રસરે છે તેમ જ આંખમાં ઇન્ફેક્શન થવાની શક્યતા પણ રહેલી છે. જો ઍલર્જી થાય તો રીબૉન્ડિંગ બંધ કરી દેવું જોઈએ. આનો સૌથી મોટો ગેરફાયદો એ થશે કે લગભગ છ મહિના સુધી તમારા વાળનો લુક ફરી જશે. સંવેદનશીલ ત્વચા ધરાવતી મહિલાએ આ પ્રકારની ટ્રીટમેન્ટ ન કરાવવી જોઈએ.’

હેર-સ્ટ્રેટનિંગ શું છે એ સંદર્ભે વાત કરતાં અવનિ કહે છે, ‘આયર્નિંગ મશીનથી એક દિવસ માટે વાળ સીધા કરવાને હેર-સ્ટ્રેટનિંગ કહેવાય. આ પ્રક્રિયામાં વસ્ત્રોને જેમ ઇસ્ત્રી કરવામાં આવે છે એવી જ રીતે વાળને સ્ટ્રેટ કરવામાં આવે છે. હવે તો બજારમાં આવાં મશીન સહેલાઈથી મળી રહે છે અને ઘણી મહિલાઓ જાતે જ વાળ સ્ટ્રેટ કરે છે. આ રીતે સીધા કરવામાં આવેલા વાળ થોડા કલાકમાં અથવા વાળ ધોઈ નાખે એટલે પાછા પહેલાં હતા એવા થઈ જાય છે. કોઈક વાર કરવામાં વાંધો નથી આવતો, પરંતુ વારંવાર આમ કરવાથી વાળ બળી જાય છે. આયર્ન મશીનનો ઉપયોગ કરવાથી વાળ બળી ગયાની ફરિયાદ લઈને આવતી મહિલાઓની સંખ્યા વધારે હોય છે.’

હેર-કેરાટિન અને હેર-સ્મૂધનિંગ સામાન્ય રીતે જે યુવતીનાં લગ્ન થવાનાં હોય અથવા ઘરમાં પારિવારિક પ્રસંગ હોય એવી મહિલાઓ કરાવતી હોય છે એમ જણાવતાં અવનિ કહે છે, ‘આ ટ્રીટમેન્ટની અસર ત્રણથી ચાર મહિના રહે છે. પ્રસંગ પૂરતો લુક ચેન્જ થાય અને પછી ફરી નૅચરલ લુક આવી જાય. આ દરમ્યાન વાળની કેટલીક માવજત રાખવી અનિવાર્ય છે. હેર-એક્સપર્ટે જણાવેલું શૅમ્પૂ વાપરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી વાળ ધોવાનું ટાળવું જોઈએ. આ ટ્રીટમેન્ટ અનુભવી પાસે જ કરાવવી હિતાવહ છે. હેર-કેરાટિનમાં વાળ બેજાન થવાની શક્યતા રહેલી છે. રીબૉન્ડિંગમાં વાળમાં જે શાઇનિંગ દેખાય છે એવી ચમક અહીં દેખાતી નથી. કોઈ પણ ટ્રીટમેન્ટમાં હીટ-થેરપી હોય જ છે તેથી જો યોગ્ય સંભાળ રાખવામાં ન આવે તો વાળ શુષ્ક, બરછટ અને બેજાન લાગવાના જ. મારું અગતપણે માનવું છે કે વાળ પર વધુ અખતરા ન કરવા. વાળ ખરવાની સમસ્યા હોય તેમના માટે કોલ્ડ બ્લો ડ્રાય બેસ્ટ છે.’

હેર-સ્મૂધનિંગથી વાળને ડૅમેજ ન થાય - બ્યુટિશ્યન અને હેર-એક્સપર્ટ અલ્પા શાહ, મુલુંડ

વાળ સીધા કરાવવાનો ટ્રેન્ડ અત્યારે પૉપ્યુલર છે એમ જણાવતાં મુલુંડનાં બ્યુટિશ્યન અને હેર-એક્સપર્ટ અલ્પા શાહ કહે છે, ‘આજે ૯૦ ટકા સ્ત્રીઓને વાળ સીધા કરાવવા છે. વાળ સીધા કરવાની અનેક રીતોમાં હેર-સ્મૂધનિંગ સૌથી બેસ્ટ કહેવાય. આ ટ્રીટમેન્ટમાં હેર ડૅમેજ થવાના ચાન્સિસ સૌથી ઓછા છે. સ્મૂધનિંગમાં સૌથી પહેલાં ક્રીમ વાપરવામાં આવે છે. ક્રીમના કારણે હેરનું ટેક્સ્ચર તૂટે છે. દાખલા તરીકે કોઈના વાળનું ટેક્સ્ચર કર્લી હોય તો કોઈનું વેવી હોય, કોઈના વાળ બહુ પાતળા હોય તો કોઈના બહુ જાડા અને બરછટ હોય છે. વાળના ટેક્સ્ચર અનુસાર ૨૦થી ૪૦ મિનિટ ક્રીમ લગાવી રાખવામાં આવે છે. આપણા વાળમાં ત્રણ પ્રકારની લેયર હોય છે - ક્યુટિકલ, કૉર્ટેક્સ અને મેડ્યુલા. એમાં કૉર્ટેક્સ મુખ્ય છે, જે વાળના રંગ અને બૉન્ડ એટલે કે શેપને જાળવવાનું કામ કરે છે. સ્મૂધનિંગ ક્રીમથી આ લેયરમાં પ્રોસેસ થાય. ત્યાર બાદ વાળને ધોવા પડે. જ્યાં સુધી ક્લીન વૉટર ન દેખાય ત્યાં સુધી સતત વાળમાં પાણી રેડવું પડે. કેમિકલ બિલકુલ રહેવું ન જોઈએ. વાળ સુકાઈ જાય એટલે આયર્નિંગ મશીન વડે સ્ટ્રેટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને હાર્ટ ઑફ ધ સ્મૂધનિંગ કહેવાય છે. એ પછી ન્યુટ્રિલાઇઝર ક્રીમ લગાવી રહેવા દેવામાં આવે છે. થોડી વાર બાદ હેર-સ્પા અને હેર-સિરમનો ઉપયોગ કરી ફરી વાળ ધોવા પડે. આ આખી પ્રક્રિયા યોગ્ય રીતે ન થાય તો જ વાળને નુકસાન થાય અન્યથા કોઈ ફરિયાદ આવતી નથી. ઘણી વાર હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ અથવા રોગના કારણે વાળ ખરતા હોય પણ તેમને લાગે છે કે વાળ સીધા કરાવવાથી આમ થયું છે. હકીકતમાં હેર-સ્મૂધનિંગ બાદ વાળનું વૉલ્યુમ સારું થયું હોવાનું નોંધવામાં આવ્યું છે.’

નાલાસોપારાનાં હેર-એક્સપર્ટ સુવર્ણા સન્યાશિવની ટિપ્સ

હેર-રીબૉન્ડિંગમાં વાંકડિયા અને બરછટ વાળ કાયમ માટે સીધા તો થઈ જાય છે, પરંતુ એની સંભાળ પણ એટલી જ જરૂરી છે. વાળ સીધા કરાવવાની કોઈ પણ ટ્રીટમેન્ટ બાદ ત્રણથી ચાર દિવસ વાળ ભીના ન થાય એનું ખાસ ધ્યાન રાખો. વાળની ચમક જાળવી રાખવા દર પંદર દિવસે હેર-સ્પા કરાવવું જોઈએ. હેર-સ્પાની ઓછામાં ઓછી છ સિટિંગ સળંગ થવી જ જોઈએ. એક મહિના સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળો તેમ જ હવાના પ્રેશરથી વાળને સુરક્ષિત રાખો. પંદરેક દિવસ બાદ તમે ઇચ્છો તો વાળમાં કલર લગાવી શકો અને નિયમિતપણે ઑઇલ પણ વાપરી શકો છો. ટ્રીટમેન્ટ કરાવતાં પહેલાં જો તમારા વાળ વર્જિન હોય તો બેસ્ટ કહેવાય, પરંતુ એમાં કલર કે મેંદી લગાવેલી હોય તો માઇલ્ડ કેમિકલ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. વાળમાં પહેલેથી જ કેમિકલ વાપરવામાં આવ્યાં હોય અને સ્ટ્રૉન્ગ કેમિકલ નાખો તો નુકસાન થાય. વાળ સીધા કરાવવાની પ્રોસેસમાં જે કંપનીની પ્રોડક્ટ્સ વાપરવામાં આવી હોય એ જ કંપનીનું સ્મૂધનિંગ શૅમ્પૂ અને માસ્ક (કન્ડિશનર) વાપરવું ફરજિયાત હોવું જોઈએ. જો તમે વારંવાર પ્રોડક્ટ્સ બદલો તો વાળની ચમક ગુમાવી બેસો. એક વાત યાદ રાખો, જે વાળને સીધા કરાવ્યા છે એ તકેદારી રાખવાથી સારા રહેશે જ; પણ રીગ્રોથમાં એવા જ વાળ આવશે જે કુદરતે તમને આપ્યા છે. સામાન્ય વાળ ધરાવતી મહિલાના હેર-રીગ્રોથ વિશે વાત કરીએ તો મહિને દહાડે આશરે એક ઇંચ વાળ ગ્રો થાય. એ જોતાં લગભગ ૧૦ મહિને ટચઅપ કરાવવું પડે. 

હેર-રીબૉન્ડિંગ, હેર-સ્ટ્રેટનિંગ અને હેર-સ્મૂધનિંગ ત્રણેયમાં


હીટ-થેરપીનો ઉપયોગ થાય છે. રીબૉન્ડિંગમાં કેમિકલ પણ ઍડ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં સમયાંતરે ટચઅપ કરાવતા રહેવું પડે છે તેથી વારંવાર કેમિકલનો ઉપયોગ થાય. વધારે સમય સુધી માથામાં કેમિકલ લગાવી રાખવાથી ત્વચામાં ઍલર્જી થવાની શક્યતા રહેલી છે. આવી જ રીતે હેર-સ્ટ્રેટનિંગ માટે વારેઘડીએ મશીન વાપરવાથી વાળ બળી જાય છે. જે મહિલાઓને વાળ ખરવાની ફરિયાદ હોય તેમણે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટથી દૂર રહેવું જોઈએ. વાળની કુદરતી ચમક બરકરાર રાખવી હોય તો માત્ર કોલ્ડ બ્લો ડ્રાય કરવાની સલાહ છે

- ડર્મેટોલૉજિસ્ટ ઍન્ડ કૉસ્મેટોલૉજિસ્ટ અવનિ મણિયાર, ઘાટકોપર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK