આંખોની નીચેની ત્વચાની સુંદરતાને વીસરશો નહીં

સ્ત્રીઓને પજવી રહેલાં ડાર્ક સર્કલ્સ, આઇબૅગ્સ અને આંખની નીચેની ત્વચા પર જોવા મળતી કરચલીઓનાં કારણો, ઉપાયો અને તકેદારી વિશે જાણો

eye

વર્ષા ચિતલિયા

બાહ્ય દેખાવ વ્યક્તિની ઇમેજ પર ઘેરી અસર કરે છે. આજના સ્પર્ધાત્મક સમયમાં તમામ ઉંમરની વ્યક્તિને સુંદર અને પ્રભાવશાળી દેખાવું છે. એમાંય ખાસ કરીને સ્ત્રીઓ પોતાના બાહ્ય દેખાવને લઈને વધુ સભાન બની છે. કૉર્પોરેટ વર્લ્ડમાં તો બાહ્ય દેખાવ તમારા પ્રેઝન્ટેશન અને પ્રમોશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આત્મવિશ્વાસથી ભરપૂર ચહેરો સૌને ગમે છે. જો ચહેરાની ત્વચાને લઈને સમસ્યા ઊભી થાય તો વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગી જાય છે. ફિઝિકલ અપીઅરન્સને લઈને સજાગ સ્ત્રીઓ પણ સમયાંતરે ડાર્ક સર્કલ્સ, આઇબૅગ્સ અને આંખની આસપાસની ત્વચા પર દેખાતી કરચલીઓની ફરિયાદ કરે છે. ચહેરાની સુંદરતાને નષ્ટ કરતી આ સમસ્યાનાં કારણો, ઉપાયો અને તકેદારી સંદર્ભે વાત કરીએ.

સ્ત્રીઓની આંખોની સુંદરતા વિશે અનેક કવિતાઓ રચાઈ છે અને અગણિત ગીતો લખવામાં આવ્યાં છે, પરંતુ જો આંખો નીચે કાળાં કૂંડાળાં હોય તો જોવાં ગમે? સ્ત્રીની આંખો તેની સુંદરતાનું પ્રતિબિંબ છે, જે હેક્ટિક લાઇફ-સ્ટાઇલના લીધે ધૂંધળું થતું જાય છે. આજે આંખની નીચેના કાળાં કૂંડાળાં એટલે કે ડાર્ક સર્કલ્સથી ચહેરાની સુંદરતા ઝાંખી પડી રહી હોવાની ફરિયાદ સામાન્ય થઈ ગઈ છે. ડાર્ક સર્કલ્સની સમસ્યા લગભગ તમામ ઉંમરની સ્ત્રીઓમાં જોવા મળે છે, જ્યારે આઇબૅગ્સ અને ત્વચાની કરચલીની સમસ્યા ૪૦ વર્ષની વય વટાવી ગયેલી સ્ત્રીઓમાં વધુ જોવા મળે. જોકે વર્તમાન સમયમાં જીવનશૈલીમાં જોવા મળતા પરિવર્તનને કારણે યુવતીઓ પણ આ બાબતે ફરિયાદ કરતી થઈ છે. આંખની નીચેની ત્વચા પર ચરબીનું પ્રમાણ વધી જાય ત્યારે આઇબૅગ્સની સમસ્યા જોવા મળે છે. વાસ્તવમાં આ કોઈ રોગનું લક્ષણ નથી અને એને ગંભીર ન ગણી શકાય, પણ એનાથી બાહ્ય દેખાવ પર વિપરીત અસર પડે છે. ઘણી વાર એના પર કન્ટ્રોલ કરવો મુશ્કેલ થઈ પડે છે. આ પ્રકારની સમસ્યા ધરાવતી સ્ત્રીઓ કન્સીલર વડે એને છુપાવી દે છે.

ત્વચા-નિષ્ણાતોનું કહેવું છે કે આઇબૅગ્સ અને ડાર્ક સર્કલ્સને મેકઅપ વડે છુપાવવા કરતાં લાઇફ-સ્ટાઇલમાં થોડું પરિવર્તન લાવવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ હાથવગું જ છે. આ માટે ખાસ કોઈ ટ્રીટમેન્ટની પણ આવશ્યકતા નથી. આઇબૅગ્સની સમસ્યાથી છુટકારો મેળવવા સૌથી પહેલાં તો ડાયટમાંથી સોડિયમની માત્રા ઓછી કરવી પડે. આહારમાં મીઠાની માત્રા ઓછી કરવાથી અનેક પ્રકારના રોગોમાં રાહત થાય છે. આ સિવાય ઊંઘ પણ અગત્યની કહેવાય. કેટલીક વાર રાતે મોડે સુધી ઉજાગરા બાદ સવારે આંખોની નીચેની ત્વચા સૂઝી ગઈ હોય અથવા ફૂલી ગઈ હોય એવું લાગે છે. ઊંઘ પ્રત્યે બેદરકારી રાખનારા લોકોમાં આઇબૅગ્સ અને ડાર્ક સર્કલ્સની સમસ્યા વધારે જોવા મળે છે. આજે સ્ત્રીઓમાં વ્યસનનું પ્રમાણ વધતું જાય છે. આલ્કોહૉલ અને ધૂમ્રપાન કરતી સ્ત્રીઓને આઇબૅગ્સ અને ડાર્ક સર્કલ્સ થવાની શક્યતા વધારે છે. ઉપરાંત કોઈ અસાધ્ય રોગ, ઍલર્જી, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી અથવા શુષ્ક ત્વચાના કારણે પણ આમ થાય છે.

આઇબૅગ્સ અને ડાર્ક સર્કલ્સની સમસ્યા સંદર્ભે વાત કરતાં ઘાટકોપરના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પંકજ મણિયાર કહે છે, ‘સામાન્ય રીતે આઇબૅગ્સ અને ડાર્ક સર્કલ્સની સમસ્યા વારસાગત હોય છે. સ્ટ્રેસ, લાઇફ-સ્ટાઇલ, અપૂરતી ઊંઘ, અનિયમિત આહાર-પદ્ધતિ, વ્યસન, કમ્પ્યુટર સામે બેસીને લાંબા કલાકો સુધી કામ કરવું અને ચશ્માંના નંબર હોય પણ ચશ્માં પહેરવામાં આળસ કરવી આ બધાં સામાન્ય કારણો છે આઇબૅગ્સ અને ડાર્ક સર્કલ્સનાં. આપણી આંખની આસપાસની ત્વચા ખૂબ જ પાતળી હોય છે. જેમની ત્વચા સંવેદનશીલ હોય અથવા શુષ્ક રહેતી હોય એવી સ્ત્રીઓને આંખોના મેકઅપના કારણે પણ હાનિ પહોંચે છે. કૉસ્મેટિક્સમાં રહેલાં રાસાયણિક તત્વોથી ત્વચા કાળી પડી જાય છે. સંવેદનશીલ ત્વચા ધરાવતી સ્ત્રીઓએ કૉસ્મેટિક્સનો અતિરેક ટાળવો જોઈએ. આજના સમયમાં બધાની જ લાઇફ-સ્ટાઇલ એટલીબધી સ્ટ્રેસફુલ થઈ ગઈ છે કે અગાઉ ૩૫ વર્ષે જોવા મળતી ત્વચા-સંબંધિત સમસ્યા આજે પચીસથી ૩૦ વર્ષની વયમાં જોવા મળે છે. એમ સમજો કે લાઇફ-સ્ટાઇલમાં ચેન્જિસના કારણે હવે આપણે પાંચ વર્ષ વહેલા બીમાર થઈ રહ્યા છીએ. ૨૫ વર્ષે સ્કિન પર જે ગ્લો દેખાવો જોઈએ એ હવે દેખાતો નથી. એટોપિક ડર્મેટાઇટિસ પણ અન્ય એક મહત્વનું કારણ છે ડાર્કનેસનું. આમાં ત્વચા પર લાલ ચકામાં દેખાય છે તેમ જ પિગ્મેન્ટેશન જોવા મળે છે. આ સિવાય ડાયાબિટીઝ અને થાઇરૉઇડના દરદીમાં આઇબૅગ્સ અથવા પફી આઇઝની સમસ્યા વધારે જોવા મળે છે.’

આઇબૅગ્સ અને ડાર્ક સર્કલ્સની સમસ્યા ગંભીર હોય છે અને એને કાબૂમાં લઈ શકાતી નથી એમ જણાવતાં ડૉ. મણિયાર કહે છે, ‘સમસ્યા વારસાગત હોય તો અસરકારક પરિણામ દેખાતું નથી. બીજું, આઇ-ક્રીમ અથવા અન્ય સ્કિનકૅર પ્રોડક્ટ્સની જલદી અસર વર્તાતી નથી. આઇબૅગ્સ અને ડાર્ક સર્કલની સમસ્યા લઈને આવતા દરદીના રોગની ચકાસણી કર્યા બાદ સારવાર કરવી પડે છે. જો રોગના કારણે હોય તો બાહ્ય ટ્રીટમેન્ટથી કોઈ ફાયદો ન થાય. પહેલાં તો રોગને જ કાબૂમાં લેવો પડે. કૉસ્મેટિક સારવાર માટે જતાં પહેલાં કેટલાંક તબીબી પરીક્ષણો અનિવાર્ય છે. મૉડલિંગ, ઍરલાઇન્સ ઇન્ડસ્ટ્રી અથવા ગ્લૅમર-વર્લ્ડ સાથે જોડાયેલી સ્ત્રીઓ કે જેમના માટે ફિઝિકલ અપીઅરન્સ મહત્વનો છે તેઓ જ કૉસ્મેટિક સારવારને પ્રાધાન્ય આપે છે. ડાર્ક સર્કલ્સ અને પફી આઇઝ માટે કૉસ્મેટિક સારવારમાં અન્ય સ્ત્રીઓ ખાસ રસ લેતી નથી એનું કારણ એ કે આ પ્રકારની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે.’

આંખની નીચેની ત્વચા પર જોવા મળતી કરચલીઓનું મુખ્ય કારણ વધતી વય છે. ચહેરાના અન્ય ભાગ કરતાં આંખોની નીચેની ત્વચા વહેલી પરિપક્વ થાય છે. આંખની નીચેની ત્વચા શુષ્ક અને પાતળી થઈ જતાં આપણે એને વારંવાર ચોળીએ છીએ જેના કારણે એમાં મૉઇરનું પ્રમાણ ઘટી જાય છે. આને વૃદ્ધત્વની પહેલી નિશાની કહી શકાય. આંખની નીચેની ત્વચા પર દેખાતી રેખાઓ ત્રણ પ્રકારની હોય છે - ફાઇન લાઇન્સ, ક્રોઝ ફીટ (એટલે કે કાગડાના પગ જેવી) અને રિન્કલ. વૃદ્ધત્વની શરૂઆત ફાઇન લાઇન્સથી થાય છે. જેમ-જેમ રેખાઓ ઘેરી થતી જાય છે કરચલીઓ વધતી જાય છે. એક સમય એવો આવે છે જ્યારે મેકઅપથી પણ ખાસ લાભ થતો નથી. કેટલીક વાર મેકઅપ આકર્ષક લાગવાની જગ્યાએ ખરાબ દેખાય છે. મેનોપૉઝ અને સ્ટ્રેસના લીધે પણ કરચલીઓ ઝડપથી વધે છે. આ ઉપરાંત ચહેરા પર ગુસ્સાના હાવભાવ, ચીસો પાડીને બોલવાથી અથવા જોર-જોરથી રાડો પાડવાથી ત્વચા પરની કરચલીઓમાં વધારો થાય છે. વૃદ્ધત્વને કાયમ માટે ટાળી ન શકાય, પરંતુ કેટલીક તકેદારી અને સમયસરની સંભાળ દ્વારા એને અમુક વર્ષ પાછળ ધકેલી શકાય છે.

આંખની નીચેની ત્વચાની કરચલીઓ દૂર કરવાના અનેક વિકલ્પો છે એમ જણાવતાં ડૉ. મણિયાર આગળ જણાવે છે, ‘ઉંમરના કારણે કરચલી પડવી એ સામાન્ય બાબત છે. આંખની આસપાસની ત્વચા પર જે કરચલીઓ દેખાય છે એને ક્રોઝ ફીટ કહેવાય. વયની સાથે ચહેરા પર જોવા મળતી કરચલીઓને સંપૂર્ણપણે અટકાવી ન શકાય, પરંતુ યુવાન દેખાવાના અન્ય વિકલ્પો છે. આંખની આસપાસ દેખાતી કરચલીઓનું મુખ્ય કારણ છે સૂર્યનાં UVA અને UVB કિરણો. તમે જોજો, આખો દિવસ તડકામાં ફરતા લોકોની ત્વચા જલદી કરમાઈ જાય છે. હવે ખેડૂતને જોઈ લો. તે આખો દિવસ ખેતરમાં કામ કરે છે. ૪૦ વર્ષનો ખેડૂત ૬૦ વર્ષનો દેખાય છે અને તેની ત્વચા પણ કાળી હોય છે એનું કારણ સૂર્યનાં UV કિરણો જ છે. સામાન્ય રીતે આપણે એવું સમજતા હોઈએ છીએ કે તડકામાં નથી જવાનું તો સનસ્ક્રીનની શું જરૂર છે? દરેક વ્યક્તિએ સનસ્ક્રીન લગાવીને રાખવું જોઈએ. માત્ર ઉનાળામાં જ નહીં, ચોમાસામાં પણ સનસ્ક્રીનની જરૂર પડે છે. ચોમાસામાં તડકો ન હોય એનો અર્થ એ નથી કે UV કિરણો તમારી ત્વચા પર નહીં પડે. સૂર્ય વાદળોથી ઢંકાઈ જાય છે, પણ એની હાજરી તો છે જ. સવારે ૯ વાગ્યે સનસ્ક્રીન લગાવવું જોઈએ. સનસ્ક્રીનની અસર બેથી ત્રણ કલાક જ રહે છે, તેથી એને સાંજ સુધી રિપીટ કરતા રહેવું જોઈએ તો જ અસરકારક પરિણામ દેખાય. જે સ્ત્રીઓની ત્વચા સંવેદનશીલ હોય અથવા ખૂબ જ ડ્રાય રહેતી હોય તેમણે મૉઇરાઇઝર અને સનસ્ક્રીન બન્ને લગાવીને રાખવાં જોઈએ. ઘરમાં રહેતી સ્ત્રીઓને પણ આ જ નિયમ લાગુ પડે છે. સામાન્ય ત્વચા ધરાવનારે દિવસે સનસ્ક્રીન અને રાતે મૉઇરાઇઝર લગાવીને રાખવું જોઈએ.’

આંખની આસપાસની ત્વચા પર કરચલીઓને અટકાવવા સનસ્ક્રીન રામબાણ ઇલાજ છે. આ સિવાય કેટલીક કૉસ્મેટિક સારવાર દ્વારા પણ કરચલીઓથી છુટકારો મેળવી શકાય છે. કૉસ્મેટિક સારવાર વિશે વાત કરતાં ડૉ. મણિયાર કહે છે, ‘કરચલીઓને દૂર કરવા બોટોક્સનાં ઇન્જેક્શન લઈ શકાય. આ ઉપરાંત આઇ-ફિલર સારવાર પણ ઉપલબ્ધ છે. બોટોક્સનાં ઇન્જેક્શન વડે કરચલીઓ તરત દૂર થઈ જાય છે, પરંતુ દર છ મહિને ફરીથી ઇન્જેક્શન લેવાં પડે નહીંતર કરચલીઓ દેખાવા લાગે. જેમની આંખની આસપાસ ખાડા પડી ગયા હોય અથવા આંખો ઊંડી ઊતરી ગઈ હોય તેમના માટે આઇ-ફિલરની સારવાર શ્રેષ્ઠ વિકલ્પ છે. અગાઉ જણાવ્યું એમ આ પ્રકારની સારવાર સામાન્ય રીતે ફ્રન્ટ ડેસ્ક જૉબ કરતી સ્ત્રીઓમાં જ પૉપ્યુલર છે. હેમા માલિની કે રેખા જેવી પ્રૌઢ અભિનેત્રીઓ હંમેશાં યંગ લાગે છે એનું કારણ આ જ છે. તેઓ નિયમિત રીતે આવી સારવાર કરાવતી હોય છે. સામાન્ય સ્ત્રીઓને અમે આવી સારવાર માટેની સલાહ આપતા નથી, પરંતુ વર્તમાન સમયમાં ગૃહિણીઓ પણ ખાસ પ્રસંગોમાં બોટોક્સનાં ઇન્જેક્શન લેતી થઈ છે. દાખલા તરીકે ૫૦ વર્ષથી ઉપરની વયની સ્ત્રીના ઘરમાં પુત્ર કે પુત્રીનાં લગ્નનો પ્રસંગ હોય ત્યારે અમે તેમને આવાં ઇન્જેક્શન લેવાની સલાહ આપીએ છીએ. પ્રસંગોમાં મોંઘી જ્વેલરી અને ડિઝાઇનર સાડીની સાથે કરચલીઓવાળો ચહેરો ન ગમે. બીજું, ફોટો અને વિડિયો-શૂટિંગ પાછળ પણ ખૂબ ખર્ચ કરવાનો હોય ત્યારે આવાં ઇન્જેક્શનનો ખર્ચ ભારે ન પડે અને યંગ દેખાય એટલે તેઓ ખુશ થઈ જાય. ત્વચાની કરચલીઓથી નાખુશ સ્ત્રીઓને અમે પારિવારિક પ્રસંગોમાં થોડા સમય પૂરતી આવી સારવાર લેવાની સલાહ આપીએ છીએ. છ મહિના બાદ તેઓ ફરીથી આવાં ઇન્જેક્શન લેતી નથી. સામાન્ય ગૃહિણીઓ પોતાના રોજિંદા પ્રવાહમાં જ રહેવાનું પસંદ કરે છે. તેમના માટે કાયમ સારા દેખાવું કે કરચલીઓ છુપાવવી અનિવાર્ય પણ હોતું નથી.’

આંખની આસપાસની ત્વચા પર દેખાતી ક્રોઝ ફીટ અને રિન્કલની સમસ્યાનું મુખ્ય કારણ છે સૂર્યનાં UV કિરણો. યંગ લુક મેળવવા કોઈ પણ મોસમમાં સનસ્ક્રીન અને મૉઇરાઇઝર લગાવવાનું ભૂલવું ન જોઈએ. ખાસ પ્રસંગોમાં કરચલીઓને છુપાવવા બોટોક્સનાં ઇન્જેક્શન લઈ શકાય. ડાર્ક સર્કલ અને આઇબૅગ્સની સમસ્યા ધરાવતી સ્ત્રીઓ મેકઅપ વડે એને છુપાવી દે છે. જે સ્ત્રીઓની ત્વચા સંવેદનશીલ હોય અથવા ઍલર્જી થવાની શક્યતા રહેતી હોય તેમણે આંખનો મેકઅપ કરવાનું ટાળવું જોઈએ. આઇબૅગ્સ અને ડાર્ક સર્કલની સમસ્યા સામાન્ય રીતે વારસાગત જ હોય છે તેથી કોઈ સ્કિનકૅર પ્રોડક્ટ્સ વાપરવાથી પણ અસરકારક પરિણામો જોવા મળતાં નથી. લાઇફ-સ્ટાઇલમાં ચેન્જિસ લાવવાથી અમુક હદ સુધી લાભ થાય છે

- ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પંકજ મણિયાર, ઘાટકોપર 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK