ચહેરાના ઝગમગાટમાં સુવર્ણરજનો વ્યાપ વધ્યો

કુદરતી ખનીજો અને ન્યુટ્રિયન્ટ્સ ઉમેરવામાં આવેલા ગ્લિટર અને રબર ફેશ્યલ માસ્ક બન્યા પૉપ્યુલર

facde1

વર્ષા ચિતલિયા

વિદેશની એક નામાંકિત કંપની દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા રંગબેરંગી જરીવાળા, ચમકદાર અને રબરની જેમ ખેંચીને દૂર કરવામાં આવતા ફેશ્યલ માસ્કે થોડા સમયથી ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે. કાળા રંગનો ગ્લિટર માસ્ક પળવારમાં ચહેરાને યુવાન બનાવી દેશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. કંપની સાથે સંકળાયેલા ત્વચા અને સૌંદર્ય નિષ્ણાતોનું કહેવું છે કે  ચહેરા પર ચોંટી જતા ગ્લિટર માસ્કને જ્યારે ખેંચીને કાઢવામાં આવે છે ત્યારે ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. ગ્લિટર માસ્કમાં સુવર્ણ અને ચાંદીની ધાતુની રજ તેમ જ અન્ય કુદરતી ખનીજો ઉમેરવામાં આવ્યાં છે જે ચહેરાને ટાઇટ રાખવામાં સહાય કરે છે. માસ્કમાં ઉમેરવામાં આવેલાં ન્યુટ્રિયન્ટ્સથી ચહેરાની ત્વચાને પોષણ મળે છે. મૉડલિંગ અને અન્ય જાહેર ક્ષેત્રો સાથે સંકળાયેલી મહિલાઓ હાથ પર પણ આ માસ્કનો ઉપયોગ કરે છે. માસ્ક દૂર કર્યા બાદ જે ચળકાટ જોવા મળે છે એના કારણે એનો ઉપયોગ વધ્યો છે.

ગ્લિટર માસ્કની જેમ જ ખેંચીને દૂર કરવામાં આવતા જાડા થર જેવા રબર માસ્ક પણ એટલા જ પૉપ્યુલર છે. રબર માસ્કમાં વાસ્તવમાં રબરનો ઉપયોગ થતો નથી. એને એલ્જિનેટ નામના પદાર્થમાંથી બનાવવામાં આવે છે, જે ચહેરા પર રબર જેવું ટેક્સચર બનાવે છે. માટીમાંથી બનાવવામાં આવતા માસ્ક જેવી જ ટેક્નૉલૉજી વાપરીને બનાવવામાં આવતા ગ્લિટર અને રબર માસ્કની ત્વચા પર કોઈ આડઅસર થતી નથી એવો દાવો પણ થઈ રહ્યો છે.

ફેસ માસ્ક નિ:શંકપણે શ્રેષ્ઠ


સ્કિન-ટ્રીટમેન્ટ છે. ચહેરાની ત્વચાને મુલાયમ, યુવાન અને હાઇડ્રેટેડ રાખવા છેલ્લા એક દાયકામાં ફેશ્યલ ટેક્નૉલૉજીનો વ્યાપ વધ્યો છે. ફેશ્યલ માટે વપરાતી વિવિધ સામગ્રીમાં સૌથી છેલ્લે વાપરવામાં આવતા માસ્કનું ખૂબ જ મહત્વ છે. ખાસ કરીને મસાજ અને સ્ટીમિંગ સમયે ખૂલી ગયેલાં છિદ્રોને એના મૂળ સ્વરૂપમાં લાવવા તેમ જ ત્વચાની નમી જાળવી રાખવા માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉ મુલતાની માટી અને અન્ય મડ માસ્ક તેમ જ ફ્રૂટ્સમાંથી બનાવવામાં આવેલા માસ્કનો જ વધારે ઉપયોગ થતો હતો. માટીમાંથી બનાવેલા માસ્ક ત્વચાને તાજગી તો બક્ષે છે, પરંતુ ત્વચાને ટાઇટ રાખવામાં ખાસ ઉપયોગી થતા નથી એમ નિષ્ણાતોનું કહેવું છે. હાલમાં લોકપ્રિય એવા રબર અને ગ્લિટર માસ્કમાં ત્વચાને ટાઇટ અને જીવંત રાખવાની ક્ષમતા છે. આવા માસ્કમાં મોટા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન ઉમેરવામાં આવે છે, જે તમારી ત્વચાને યુવાન રાખે છે. ત્વચા-નિષ્ણાતોએ પણ આવા માસ્કને માન્યતા આપી છે. જોકે કેટલાક લોકોએ એને માર્કેટિંગ ગિમિક અને વાહિયાત કહીને વખોડી પણ કાઢ્યા છે. ન્યુટ્રિયન્ટ્સનો દાવો કરતા આ માસ્ક કેવી રીતે વાપરવામાં આવે છે તેમ જ એના ઉપયોગમાં કેવી સાવધાની રાખવી જોઈએ અને એનો ઉપયોગ કઈ ઉંમરમાં કરવો જોઈએ એ જાણીએ.

માસ્કથી ચહેરો ચમકી ઊઠે છે એ વાત સાથે સહમત થતાં મુલુંડના બ્યુટિશ્યન અલ્પા શાહ કહે છે, ‘રબર માસ્ક પાઉડરના સ્વરૂપમાં અને ગ્લિટર માસ્ક જેલના સ્વરૂપમાં આવે છે. રબર માસ્ક જ્યારે વાપરવાનો હોય ત્યારે પાઉડરમાં પાણી ઉમેરી જાડી પેસ્ટ બનાવી ચહેરા પર બ્રશ અથવા હાથ વડે અપ્લાય કરવામાં આવે છે. આ માસ્ક ચહેરા પર સિમેન્ટની જેમ ટાઇટ ચોંટી જાય છે. સુકાઈ ગયા બાદ એને બહુ જોરથી નહીં, પણ ખેંચીને કાઢવામાં આવે છે. આ માસ્કની થિકનેસ એટલી હોય છે કે દૂર કરતી વખતે ચહેરાનો આકાર બની જાય છે. આને મૉડલિંગ માસ્ક કહેવાય છે. રબર માસ્કમાં ઘણાં વેરિએશન આવે છે. યંગ ગર્લ અથવા બ્રાઇડ માટે સ્કિન-બ્રાઇટનિંગ અને સ્કિન-વાઇટનિંગ મૉડલિંગ માસ્ક બેસ્ટ છે. ૪૦ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે ઍન્ટિએજિંગ માસ્ક અસરકારક છે. જેમની ત્વચા શુષ્ક અને બેજાન લાગતી હોય તેમણે હાઇડ્રેશન મૉડલિંગ માસ્ક વાપરવા જોઈએ. આપણે ઘણી વાર જોઈએ છીએ કે કેટલીક યુવતીઓ અને મહિલાઓના ચહેરા પર ચાર્મ જ નથી હોતો. પાણી ઓછું પીતા હોય એટલે ચહેરો મુરઝાઈ જાય. આ લોકો માટે હાઇડ્રેશન માસ્ક બહુ સારું રિઝલ્ટ આપે છે. આ ઉપરાંત જે લોકો ઘરની બહાર બહુ રહેતા હોય, પ્રવાસ બહુ કરવો પડતો હોય, ત્વચા ડલ લાગતી હોય અને ચહેરા પર ડસ્ટ વધારે રહેતી હોય એવી મહિલા જો ડી-ઑક્સિડન્ટ મૉડલિંગ માસ્ક વાપરે તો ચહેરો સાફ થઈ જાય છે. આમ ત્વચાના પ્રકાર અનુસાર રબર માસ્કનો ઉપયોગ કરી શકાય છે.’

ગ્લિટર માસ્ક જેલના સ્વરૂપમાં હોય છે અને એને ચહેરા પર ડાયરેક્ટ અપ્લાય કરવામાં આવે છે અને સુકાઈ ગયા બાદ કાઢી નાખવામાં આવે છે. જેલના કારણે ચહેરા પર થોડી ચીકાશ લાગે છે, પરંતુ આવા માસ્ક લગાવ્યા બાદ તાબડતોબ સ્કિન ગ્લો કરે છે એના કારણે મહિલાઓમાં લોકપ્રિય બન્યા છે એમ જણાવતાં અલ્પાબહેન કહે છે, ‘રબર માસ્ક કરતાં ગ્લિટર માસ્ક વધારે પૉપ્યુલર છે. એમાં આમ તો ત્રણ જ વરાઇટી છે ગોલ્ડ, સિલ્વર અને ચારકોલ. ધાતુનો ઉપયોગ કરવાનો કંપની દ્વારા જે દાવો કરવામાં આવે છે એ મને થોડો પોકળ લાગે છે. ૫૦૦થી ૧૦૦૦ રૂપિયામાં મળતી ટ્યુબમાં સોનું-ચાંદી ઉમેરવામાં આવે એ શક્ય કઈ રીતે બને? વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ હોઈ શકે છે. કદાચ સેલિબ્રિટીઝ દ્વારા વાપરવામાં આવતા ખૂબ જ મોંઘા માસ્કમાં ઓછા પ્રમાણમાં સુવર્ણરજ પણ વાપરવામાં આવતી હશે. બાકી સામાન્ય પ્રોડક્ટ્સમાં તો સ્પાર્ક જ હોય છે. સ્કિનકૅર પ્રોડક્ટ્સ તરીકે એને વાપરી શકાય એવો દાવો કરવામાં આવે છે અને માસ્કના બૉક્સ પર પણ એ વિશે લખેલું હોય છે, પરંતુ એમાં કેટલા પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ ઉમેરવામાં આવ્યાં છે અને એનાથી ત્વચાને બીજા કયા ફાયદા થાય છે એ વિશે ચોક્કસ કહી ન શકાય.’

ભારતમાં આવા માસ્કની પૉપ્યુલૅરિટી વધી છે એનું કારણ છે ઇન્ટરનેટ. આજે બધા જ સોશ્યલ મીડિયાથી પ્રભાવિત છે અને માર્કેટમાં કંઈ પણ નવું આવે કે તરત જ ખબર પડી જાય છે. બ્યુટી-ટ્રીટમેન્ટમાં નવીનતા એ સ્ત્રીઓની ડિમાન્ડ છે. અગાઉ સાદા મડ પૅક લગાવવામાં આવતા હતા. હવે સ્કિનકૅર બાબતે જાગ્રતતા આવ્યા બાદ મહિલાઓ અનેક પ્રશ્નો પૂછે છે એવો અભિપ્રાય આપતાં અલ્પાબહેન આગળ કહે છે, ‘હવે ક્લાયન્ટ્સ ઘણી પૂછપરછ કરે છે. તેમને સંતોષકારક જવાબ મળે ત્યાર બાદ જ કરાવે. આ ફીલ્ડમાં તમને સ્કિન કેવી છે એ ઓળખતાં આવડવું જોઈએ.  માર્કેટમાં રોજ નવી પ્રોડક્ટ્સ આવે છે અને લોકો માગે છે એટલે અમારે પણ સમયાંતરે અપગ્રેડ થતા રહેવું પડે છે. રબર અને ગ્લિટર માસ્કનો ઉપયોગ હાલમાં જ શરૂ થયો છે. તમે એને મૉડર્ન માસ્ક પણ કહી શકો. બીજું, આવા માસ્ક ખૂબ મોંઘા આવે છે એટલે બધાને પોસાતા નથી. આપણે ત્યાં પાર્લરમાં ફેશ્યલ ટ્રીટમેન્ટ માટે આવતી મહિલાઓમાંથી ૩૫થી ૪૦ ટકા મહિલાઓ જ એને અપ્લાય કરવાનો આગ્રહ રાખે છે. જોકે કેટલાક રેગ્યુલર ક્લાયન્ટ્સ કઈ પ્રોડક્ટ્સ વાપરવી એનો નિર્ણય અમારા પર જ છોડી દે છે. માસ્કની વિશ્વસનીયતા વિશે કંઈ કહેવું મુશ્કેલ છે, પણ એની કોઈ આડઅસર થયાની ફરિયાદ હજી સુધીમાં આવી નથી. સ્કિનની ક્વૉલિટી અનુસાર ૧૫થી ૨૫ દિવસે એક વાર એનો ઉપયોગ કરવો હિતાવહ છે.’

ગોલ્ડ, સિલ્વર અને ચારકોલ ગ્લિટર માસ્ક અત્યારે પૉપ્યુલર છે. વાસ્તવમાં એમાં કુદરતી ધાતુઓ અને ન્યુટ્રિયન્ટ્સ ઉમેરવામાં આવે છે કે નહીં અને એનું પ્રમાણ કેટલું હશે એ વિશે ચોક્કસ કહી ન શકાય, પરંતુ એના ઉપયોગથી સ્કિન ટાઇટ થાય છે તેમ જ સ્પાર્કના કારણે ગ્લો કરે છે અને એથી જ મહિલાઓમાં લોકપ્રિય છે

- બ્યુટિશ્યન અલ્પા શાહ, મુલુંડ

face

આટલી તકેદારી રાખો

કોઈ પણ માસ્કને પંદરથી વીસ મિનિટથી વધારે સમય સુધી ચહેરા પર લગાવી ન રાખવો. આમ કરવાથી ચહેરાની ત્વચા ફાટી જવાના ચાન્સિસ વધી જાય છે.

ચારકોલ અને અન્ય ગ્લિટર માસ્કમાં ઉમેરવામાં આવેલા સ્પાર્કમાં બનાવટનો ભય વધુ રહેલો છે. સંવેદનશીલ ત્વચા પર ચારકોલની આડઅસર થવાની શક્યતા વધારે છે.

મૉડલિંગ માસ્કને વધારે જોરથી ખેંચીને કાઢવા જતાં ત્વચા પર રૅશિસ થઈ શકે છે. વારંવાર એનો ઉપયોગ ટાળવો હિતાવહ છે.

માસ્ક લગાવતી વખતે આંખમાં ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

સંવેદનશીલ ત્વચા ધરાવતી વ્યક્તિએ ડર્મેટોલૉજિસ્ટ દ્વારા માન્યતાપ્રાપ્ત ઉચ્ચ ગુણવત્તાવાળા માસ્કનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. માસ્ક દૂર કર્યા બાદ ત્વચા પર આડઅસર દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK