વાળની માવજત માટે પુરુષોના ચીકણાવેડા ઓછા નથી

પુરુષના વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવતી હેરકટ અને હેરકલરમાં અત્યારે કેવો ટ્રેન્ડ જોવા મળે છે એ જાણીએ

hair

વર્ષા ચિતલિયા

કહેવાય છે કે જો તમારે ટોળામાં અલગ તરી આવવું હોય તો તમારા વાળની સ્ટાઇલ અને અંદાજ નિરાળા હોવાં જોઈએ. કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને જ પુરુષો સમયાંતરે તેમની હેરસ્ટાઇલમાં ચેન્જ લાવતા હશે. આકર્ષક હેરકટ પુરુષના વ્યક્તિત્વને નિખારે છે. ફૅશનની બાબતમાં પુરુષો કેટલા સભાન છે એ તેમની હેરકટ પરથી ખબર પડી જાય છે. થોડા સમય પહેલાં વિદેશમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે વાળ કપાવ્યા બાદ થોડા સમય માટે પુરુષના મૂડમાં બદલાવ જોવા મળે છે. આ સર્વેમાં ૮૭ ટકા પુરુષોએ કબૂલ્યું હતું કે તેમના દેખાવ અને વ્યક્તિત્વમાં હેરકટની આગવી વિશેષતા છે. આધુનિક અને આકર્ષક દેખાવા તેઓ હેરકટમાં સતત બદલાવ ઇચ્છે છે.

કેવી હેરકટ કરાવવી એ બાબતનો નિર્ણય લેવો તેમના માટે સૌથી કઠિન હોય છે. વાસ્તવમાં માથા પર વાળનો જથ્થો, એની ગુણવત્તા અને ગ્રોથને ધ્યાનમાં રાખી હેરકટની પસંદગી કરવાની હોય. મોટા ભાગના પુરુષો આ બાબતને ધ્યાનમાં રાખીને જ હેરકટનો નિર્ણય લેતા હોય છે. હેરસ્ટાઇલિસ્ટોનું કહેવું છે કે પાતળા વાળ હોય તો કપાળ ઢંકાય એવી હેરકટ સારી લાગે, જ્યારે વાંકડિયા અને જાડા વાળ હોય તો એ પ્રમાણે હેરકટની પસંદગી કરવી પડે. વાળની ગુણવત્તા પર હેરકટ આધાર રાખે છે, પરંતુ લેટેસ્ટ ટ્રેન્ડને અનુસરવા કેટલાક પુરુષો વિચિત્ર દેખાય એવી હેરકટ કરાવે છે. ઑફિસમાં જતા પુરુષો જો વિચિત્ર હેરકટ રાખે તો તેમની ઇમેજને અસર થાય છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોએ નાના વાળ રાખવા જોઈએ જ્યારે કૉલેજિયનોએ લેટેસ્ટ સ્ટાઇલને ફૉલો કરવી જોઈએ. ઉંમર, વ્યવસાય, ઊંચાઈ અને ચહેરાના આકારને ધ્યાનમાં રાખી સ્ટાઇલ અપનાવવી જોઈએ.

hair3

હેરકટની જેમ હેરકલરની ફૅશન પણ સતત બદલાતી રહે છે. અગાઉ યુવાન દેખાવા માટે પુરુષો શ્વેત વાળને કલર કરતા હતા, આજે દરેક ઉંમરના પુરુષોમાં હેરકલરનો ક્રેઝ જોવા મળે છે. હકીકતમાં તો મોટી ઉંમરના પુરુષો કરતાં યુવાનોમાં વાળને કલર કરવાનો ટ્રેન્ડ વધારે પૉપ્યુલર બની રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય પુરુષોના શરીરનો વાન ઘઉંવર્ણો છે એથી તેમના પર કાળા વાળ જ શોભે છે. જો વાળને કલર કરાવવો હોય તો કૉપર બ્રાઉન અથવા કૉફી કલર પર પસંદગી ઉતારવી જોઈએ. આ સિવાયના કલર ખાસ શોભતા નથી. વાળ માટે કલર પસંદ કરતી વખતે શરીરના રંગની સાથે આંખોનો રંગ અને ચહેરાના આકાર પર ધ્યાન આપવાથી નૅચરલ લાગે છે. કૂલ અને શાનદાર લુક માટે હાલમાં કેવી હેરકટ અને હેરકલર લોકપ્રિય છે એ જોઈએ.

પુરુષોમાં પૉપ્યુલર હેરકટ અને હેરકલર વિશે વાત કરતાં ચેમ્બુરના હેરસ્ટાઇલિસ્ટ આલમ સલમાની કહે છે, ‘હેરકટના મામલામાં પુરુષો બહુ ચીકણા હોય છે. વાળ કપાવતાં પહેલાં તેઓ અમારી સાથે લાંબું ડિસ્કશન કરે છે. સામાન્ય રીતે યંગસ્ટર્સમાં હેરકટની ફૅશન બદલાયા કરતી હોય છે. કૉલેજિયનો બહુ સ્માર્ટ છે. ઇન્ટરનેટ પર કોઈ હેરકટ જોઈ હોય તો અમારી પાસે આવીને એનું વર્ણન કરે અને એવા જ વાળ કપાવવાનો આગ્રહ રાખે છે. કેટલીક વાર તેઓ મોબાઇલમાં ફોટો ડાઉનલોડ કરીને બતાવે છે. સેલિબ્રિટીઝ જેવા વાળ રાખવા તેમને વધુ પસંદ છે એના કારણે વારંવાર હેરકટમાં ચેન્જ લાવે છે. અત્યારે ગરમીને કારણે ફીડ કટની ડિમાન્ડ સૌથી વધુ છે. આ પ્રકારની કટમાં મશીનની મદદથી વાળની બન્ને બાજુ કાન પાસેથી ઝીરોનો આકાર આપી વાળ કાપવામાં આવે છે. સાઇડમાંથી વાળ એકદમ ઓછા તેમ જ વચ્ચે વાળનો જથ્થો રાખવામાં આવે છે. આ કટમાંસાઇડ-પાર્ટિશન હોય છે. પાર્ટીમાં જવાનું હોય ત્યારે મેસી લુક મેળવવા યુવાનો આગળના વાળ સેટ કરાવે છે. વાળ સેટ કરવા માટે વૅક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વાળની સ્ટિÿપ પર કલર કરવાનો ટ્રેન્ડ પણ એટલો જ પૉપ્યુલર છે. યુવાનોનો મનપસંદ કલર બ્લૉન્ડ છે. હેરકટની જેમ તેઓ વાળનો કલર પણ બદલ્યા કરે છે. વાળ કપાવવા આવે ત્યારે જૂનો કલર લગાવ્યો હોય એ વાળ કપાવી નાખે અને નવો કલર કરાવી લે.’

hair2

આમ તો હેરકટ હંમેશાં આકર્ષક જ હોવી જોઈએ, પરંતુ કેટલાક ખાસ પ્રસંગોમાં નવી સ્ટાઇલ અપનાવવાથી આકર્ષણનું કેન્દ્ર બનો છો એમ જણાવતાં કાંદિવલી અને બોરીવલીમાં આવેલા યુનિસેક્સ સૅલોંના હેરસ્ટાઇલિસ્ટ અનવર શેખ કહે છે, ‘સામાન્ય રીતે કૉલેજિયનો બેફિકર રહેતા હોય છે. પાર્ટીમાં જવું હોય તો કોઈક વાર સેટિંગ કરાવી લે છે એટલું જ. યંગસ્ટર્સ કરતાં પરણવાલાયક યુવાનો પ્રસંગ અનુસાર કેવી હેરકટ રાખવી જોઈએ એ બાબત પર વધારે ધ્યાન આપે છે. એમાંય ખાસ કરીને જેનાં લગ્ન થવાનાં હોય એ યુવક ફોટોગ્રાફીને ધ્યાનમાં રાખીને વાળ કપાવે છે. તે ફોટોમાં નીટ અને જેન્ટલમૅન દેખાવ પસંદ કરે છે. હવે તો એક જ દિવસના પ્રસંગમાં બે અલગ-અલગ લુક અપનાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. સવારે વિધિ દરમ્યાન માથાની આગળના ક્રાઉન એરિયામાં વૉલ્યુમ વધારે રાખે છે અને સાંજે રિસેપ્શન પહેલાં વાળનો જથ્થો ઓછો કરાવે છે. જેમ યુવતીઓ ખાસ પ્રસંગો માટે પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ રાખે છે એવી જ રીતે પુરુષો પણ હેરકટ ચેન્જ કરાવવા પૅકેજ રાખે છે એટલું જ નહીં, તેમના ખાસ મિત્રો પણ વાળની સ્ટાઇલ બદલે છે.’

મધ્યમ વયના પુરુષો ખાસ પ્રસંગ સિવાય હેરકટ બદલવાનું પસંદ નથી કરતા એવો અભિપ્રાય આપતાં આલમભાઈ કહે છે, ‘૩૦થી ૪૫ની વયના લોકો લાંબા સમય સુધી એકસરખી સ્ટાઇલ રાખવાનું વધારે પસંદ કરે છે. સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો પણ તેમને કૅઝ્યુઅલ લુક જ પસંદ પડે છે. આ ઉંમરના પુરુષોમાં હેર-સ્પા કરાવવાનો ટ્રેન્ડ વધુ છે. કામના ભારથી હળવા થવા તેઓ સ્પાનો સહારો લે છે. વાળની અન્ય ટ્રીટમેન્ટમાં પણ તેઓ વધારે રસ લે છે. મોટા ભાગના પુરુષો વાળ સાથે ચેડાં કરવા કરતાં એની માવજતને લઈને વધારે ગંભીર જોવા મળે છે. હેરકલરમાં તેઓ ગ્રે અથવા બ્રાઉન શેડ વધુ પસંદ કરે છે. આવા કલર વાળને નૅચરલ લુક આપે છે. હેરકટ અને હેરકલર ઉપરાંત વાળની કેરાટિન ટ્રીટમેન્ટનું આકર્ષણ દરેક ઉંમરના પુરુષોમાં જોવા મળે છે. કેટલીક સ્ટાઇલ માટે વાળ સ્મૂધ હોવા જોઈએ. વાંકડિયા વાળ ધરાવતા પુરુષો અમુક પ્રકારની કટ્સ માટે આવી ટ્રીટમેન્ટ કરાવે છે. આ પ્રકારની ટ્રીટમેન્ટમાં દર છ મહિને ફરીથી સેટિંગ કરાવવું પડે છે. વાળ ધોવા માટે પણ સ્મૂધનિંગ શૅમ્પૂનો ઉપયોગ કરવો પડે.’

આજે દરેક ઉમરના પુરુષોમાં હેરકલરનો ક્રેઝ છે એ વાત સાથે સહમત થતાં અનવરભાઈ કહે છે, ‘હું આ વ્યવસાયમાં પંદર વર્ષથી છું. આટલા લાંબા સમય દરમ્યાન મેં નોંધ્યું છે કે હવે સ્ત્રીઓની જેમ પુરુષો પણ વાળ અને ત્વચાની સંભાળ લેતા થયા છે. હેરકટની બાબતમાં તેઓ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી થતા. છેલ્લાં પાંચ વર્ષમાં પુરુષોના હેરકટના ધંધામાં ૪૦ ટકાનો વધારો થયો છે. પુરુષોમાં ફ્રન્ટ લુક મહત્વનો હોય છે. અત્યારે ક્રાઉન કટ જ વધારે ચાલે છે, કારણ કે દરેક ઉંમરના લોકો પર આ કટ સારી લાગે છે. જોકે વાંકડિયા વાળ હોય તો સેટિંગ કરવાની ફરજ પડે છે. આ પ્રકારની કટમાં પાછળથી વાળ અને આગળના ભાગમાં વધુ વાળ હોય છે. થોડા સમય પહેલાં આગળના વાળની લટ અથવા થોડા વાળને કલર કરવાની ફૅશન હતી. હવે આ સ્ટાઇલ આઉટડેટેડ થઈ ગઈ છે. અત્યારે આખા વાળને રંગવાની ફૅશન છે, જેને ગ્લોબલ કલર કહે છે. કલરમાં સિલ્વર વાઇટ અને ઍશ વધારે ચાલે છે. આ ઉપરાંત બ્લૉન્ડ પણ પૉપ્યુલર છે. યંગસ્ટર્સમાં અલગ-અલગ હેરકટ અને હેરકલરની સાથે હેરટૅટૂનો ક્રેઝ પણ જોવા મળે છે.’

લાંબા વાળ રાખવાનો જબરો શોખ : નિમેષ જોષી, કાંદિવલી

કાંદિવલીમાં રહેતા બિઝનેસમૅન નિમેષ જોષીને વારંવાર હેરકટ ચેન્જ કરાવતા રહેવાનો જબરો શોખ છે. તેઓ કહે છે, ‘મને પેહેલેથી જ હેરકટ અને બિઅર્ડમાં નવીનતા જોઈએ. વાળને લઈને હું બહુ જ કૉન્શિયસ છું. લાંબા સમય સુધી એકસરખો લુક મને ગમે જ નહીં. વાળ વધારવાનો મને ગાંડો શોખ છે. પહેલાં જૉબ કરતો હતો એટલે વાળ વધારી નહોતો શકતો. ઑફિસમાં જતા હોઈએ ત્યારે કેટલીક મર્યાદામાં રહેવું પડે. હવે મારો પોતાનો બિઝનેસ છે એટલે બધા શોખ પૂરા કરું છું. લાંબા વાળ માટે મેં દોઢ વર્ષનો સમય લીધો હતો. જોકે વચ્ચે-વચ્ચે વાળને ટ્રિમિંગ કરાવતા રહેવું જોઈએ. મારા વાળ વાંકડિયા છે એટલે વાળને સંભાળવા સમય પણ આપવો પડે. મને આ બધું કરવાની મજા આવે છે. લાંબા વાળમાં પણ મેં ઘણા ચેન્જિસ કર્યા છે. કોઈ વાર કલર કરું તો કોઈક વાર સ્ટ્રેટનિંગ કરાવું. થોડા સમય પહેલાં મારા કઝિનનાં મૅરેજ માટે વાળને સ્ટ્રેટનિંગ કરાવ્યા હતા. લગ્નમાં પઠાણી ડ્રેસ સાથે લાંબા અને લીસા વાળ જબરદસ્ત લાગતા હતા. સાથે દાઢી તો ખરી જ. એક સમય એવો હતો જ્યારે લાંબા વાળ અને લાંબી દાઢી રાખનારાઓની છાપ ખરાબ પડતી, પરંતુ હવે એવું નથી રહ્યું. ફ્રેન્ચ-કટ દાઢીની ફૅશન બાદ સિનારિયો ચેન્જ થઈ ગયો છે. મારું અંગતપણે માનવું છે કે તમે જ્યારે હેરકટ માટે જાઓ ત્યારે તમારા પર કેવી કટ સારી લાગશે એનો નિર્ણય હેરસ્ટાઇલિસ્ટ પર છોડી દેવો જોઈએ. આ ફીલ્ડમાં ટૅલન્ટેડ લોકોની કમી નથી. એ લોકો જે કાપી આપશે એ બેસ્ટ જ હશે.’

બાલ્ડ લુક મારી પર્સનાલિટીમાં વધારો કરે છે : ઘનશ્યામ જોષી, કાંદિવલી


નિમેષભાઈ કરતાં જુદો જ સૂર નીકળે છે કાંદિવલીના બિઝનેસમૅન ઘનશ્યામભાઈનો. તેઓ કહે છે, ‘મને વાળ વધારવામાં નહીં પણ ક્લીન શેવમાં વધારે રસ છે. ક્લીન શેવને કારણે મારી આખી પર્સનાલિટી ચેન્જ થઈ ગઈ છે. ત્રણેક વર્ષ પહેલાં હું તિરુપતિ બાલાજીનાં દર્શન કરવા ગયો હતો ત્યારે ધાર્મિક આસ્થાને કારણે વાળ ઊતરાવ્યા હતા. એ વખતે બધા મને કહેતા કે તું ક્લીન શેવમાં વધારે હૅન્ડસમ લાગે છે. થોડો વખત ફરજિયાત બાલ્ડ રહ્યા બાદ મને પણ લાગવા માંડ્યું કે ક્લીન શેવને કારણે મારી પર્સનાલિટી ડેવલપ થઈ રહી છે. જોકે હંમેશ માટે ક્લીન શેવ કરાવું તો વાઇફને પસંદ પડશે કે નહીં એ મોટો પ્રશ્ન હતો. શરૂઆતમાં મારી વાઇફને પણ થોડો ડર લાગતો હતો કે હું કેવો લાગીશ, પરંતુ હવે તો મારી વાઇફ અને પુત્રી બન્નેને હું બાલ્ડ લુકમાં પહેલાં કરતાં વધારે હૅન્ડસમ લાગું છું. કાયમી ધોરણે ક્લીન શેવ રાખવાનો નિર્ણય લીધા બાદ મારી આસપાસના ૯૮ ટકા લોકોએ મારી ડેરિંગને અપ્રિશિએટ કરી છે. મને પણ રિચ પર્સનાલિટી હોય એવું ફીલ થાય છે. જે પુરુષોને વાળનો જથ્થો ઓછો હોય એ લોકોએ આવો લુક અપનાવવા જેવો છે. આજે ક્લીન શેવનો ટ્રેન્ડ પણ લાંબા વાળ જેટલો જ પૉપ્યુલર છે. જેમની હાઇટ વધારે હોય અને મસ્ત બૉડી હોય એવા પુરુષોને આવો લુક વધારે શોભે છે. પાતળા લોકોએ વાળ વધારવા જોઈએ એવો મારો અંગત મતછે.’

સેલિબ્રિટીઝથી પ્રભાવિત કૉલેજિયનો વારંવાર હેરકટ બદલ્યા કરતા હોય છે. યંગસ્ટર્સને મેસી લુક વધારે ગમે છે, જ્યારે ૩૦થી ૪૫ની વયના પુરુષો લાંબા સમય સુધી એકસરખી સ્ટાઇલ રાખવાનું પસંદ કરે છે. તેઓ હેરકૅરની બાબતમાં પણ વધારે સભાન હોય છે

- મેન્સ હેરસ્ટાઇલિસ્ટ આલમ સલમાની, ચેમ્બુર


કૉલેજિયનો સિવાયના દરેક ઉંમરના પુરુષોને જેન્ટલમૅન લુક પસંદ છે. છેલ્લાં થોડાં વર્ષથી યુનિસેક્સ સૅલોંની મુલાકાત લેનારા પુરુષોમાં ૪૦ ટકાનો વધારો થયો છે. હેરકટ અને હેરકૅરની બાબતમાં પુરુષોમાં જોવા મળતી સભાનતાને કારણે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થયો છે.

- યુનિસેક્સ હેરસ્ટાઇલિસ્ટ અનવર શેખ, કાંદિવલી અને બોરીવલી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK