વાળ ધોવાની સાચી રીત જાણી લો

લાંબા, મુલાયમ અને ચમકદાર વાળની કાળજી રાખવા બાબતની અધકચરી જાણકારી અને વાળ ધોવાની ખોટી ઢબને કારણે વાળ સંબંધિત રોગોનો સામનો કરવો પડે છે.

hair

વર્ષા ચિતલિયા

સ્ત્રીની સુંદરતામાં વાળનું અનેરું મહત્વ છે. લાંબા, સુંવાળા અને ચમકદાર વાળ સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે; પણ જ્યારે વાળની યોગ્ય સંભાળ લેવામાં આવતી નથી ત્યારે એમાં અનેક પ્રકારના રોગો થાય છે. એમાં વાળ ખરવા, અકાળે સફેદ થઈ જવા, મૂળમાંથી નબળા પડી જવા, પુષ્કળ ખોડો થવો, જૂ પડવી, ખંજવાળ આવવી વગેરે મુખ્ય છે. વાળ ખરાબ થવાનાં અનેક કારણો હોઈ શકે છે જેમાં અનિયમિત જીવનશૈલી, ચિંતા, ઉજાગરા, તીખીતમતમતી વાનગીઓનું અતિ સેવન અને સ્વચ્છતાનો અભાવ મુખ્ય છે. વાળને લગતી તમામ બીમારીના ઉપચાર છે, પરંતુ કેટલીક વાર સ્વસ્થ વાળ પણ ધોયા બાદ બેજાન લાગે છે એનું કારણ છે પાણી અને વાળ ધોવાની ખોટી રીત.

પહેલાંના જમાનામાં વાળ ધોવા માટે પ્રાકૃતિક જડીબુટ્ટીઓ વાપરવામાં આવતી હતી. ત્યાર બાદ સાબુનો વપરાશ શરૂ થયો. આજે મોટા ભાગની સ્ત્રીઓ વાળની સ્વચ્છતા માટે શૅમ્પૂ પર આધાર રાખે છે, પણ એને વાપરવાની સાચી રીતથી વાકેફ ન હોવાથી અનાયાસ વાળના રોગોને આમંત્રણ આપી બેસે છે. બજારમાં મળતાં સ્વચ્છતાનો દાવો કરતાં શૅમ્પૂ ઘણી વાર વાળ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. વાળ ધોવાની સાચી રીત અને એની સ્વચ્છતા માટે વાપરવામાં આવતા શૅમ્પૂ અને કન્ડિશનર વિશે સચોટ જાણકારી હાંસલ કર્યા વગર એનો અતિરેક વાળને નુકસાન પહોંચાડે છે. આજે આપણે વાળની સ્વચ્છતા માટે વપરાતા શૅમ્પૂની પસંદગી અને એના ફાયદા-ગેરફાયદા વિશે વાત કરીશું. આ સાથે વાળ ધોવાની કુદરતી રીત અને વાળને લગતી સમસ્યાઓ માટે નૅચરોપથી, આયુર્વેદ અને ઍલોપથીમાં કેવા ઉપચારો સૂચવવામાં આવ્યા છે એ પણ જાણીશું.

જેમ શરીર માટે પાણી મહત્વનું છે એવી જ રીતે વાળ માટે પાણી ઉત્તમ ટૉનિક છે. શુષ્ક અને બેજાન થઈ ગયેલા વાળને પાણી હાઇડ્રેટ કરે છે. શું વાળને પોષણ આપતા પાણીને કારણે વાળના રોગ થાય? આ સંદર્ભે વાત કરતાં નૅચરોપૅથ કલ્પના સંઘવી કહે છે, ‘પાણીથી વાળને થતા નુકસાનથી બચવા થોડી તકેદારી રાખવી જોઈએ. સૌથી પહેલાં તો વાળ ધોવા માટેનું પાણી સ્વચ્છ અને સૉફ્ટ હોવું જોઈએ. હાર્ડ વૉટરથી વાળ રૂક્ષ થઈ જાય છે. વાળ ધોવા માટે ક્યારેય ગરમ પાણીનો ઉપયોગ કરવો ન જોઈએ. વર્તમાન સમયમાં દરિયાકિનારે અને રિસૉર્ટમાં જવાનો ક્રેઝ વધ્યો છે. દરિયાનું ખારું પાણી વાળને જડતા બક્ષે છે. સ્વિમિંગ-પૂલના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જેનાથી વાળને નુકસાન થાય છે. સ્વિમિંગ-પૂલમાં નહાવા જતાં પહેલાં વાળમાં તેલ નાખી શકાય. જો આવી પરવાનગી ન મળે તો કૅપ પહેરીને વાળને કવર કરી દો અને પૂલમાંથી બહાર નીકળ્યા બાદ તરત વાળ ધોઈ નાખો.’

સામાન્ય રીતે પાણીથી વાળને કોઈ નુકસાન નથી થતું, પરંતુ જો પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય તો નુકસાન કરે છે એવો અભિપ્રાય આપતાં આયુર્વેદનિષ્ણાત વૈદરાજ પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘ઘણી વાર બોરિંગમાં ખૂબ જ ઊંડેથી પાણી ખેંચીને કાઢવામાં આવે છે. આવા પાણીમાં ક્ષારનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે વાળને બરછટ બનાવે છે. પ્રદૂષિત પાણી હોય તો પણ વાળ ખરાબ થાય છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે મગજનું ગરમીથી રક્ષણ કરવું જોઈએ. આજકાલ લોકો વાળ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે જે ઉચિત નથી. માથા પર ગરમ પાણી રેડવાથી માત્ર વાળને જ નુકસાન થાય છે એવું નથી, એનાથી આંખો નબળી પડે છે અને યાદશક્તિને પણ અસર કરે છે. વાળ કેટલા દિવસે ધોવા જોઈએ એ વ્યક્તિના કામકાજ પર આધાર રાખે છે. ગૃહિણીએ રોજ વાળ ધોવાની આવશ્યકતા નથી, જ્યારે ધૂળ અને ધુમાડાનો વધારે સામનો કરવો પડતો હોય એવી વ્યક્તિએ બે-ત્રણ દિવસે વાળ ધોવા જોઈએ. વાળમાં અમુક પ્રકારની ચીકાશ રહેવી જોઈએ. આ ચીકાશને જાળવી રાખવા વાળને શક્ય હોય ત્યાં સુધી બાંધીને રાખવા હિતાવહ છે. ખુલ્લા વાળની ફૅશન પણ વાળના રોગોનું એક કારણ કહી શકાય.’

શૅમ્પૂથી વાળને કઈ રીતે નુકસાન થાય તેમ જ શૅમ્પૂ અને કન્ડિશનરની પસંદગી કઈ રીતે કરવી જોઈએ એ સંદર્ભે વાત કરતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. રશ્મિકાન્ત શાહ કહે છે, ‘શૅમ્પૂથી વાળ અને ખોપરીની ત્વચાને નુકસાન થઈ શકે છે, કારણ કે કોઈ પણ શૅમ્પૂમાં ઓછાવત્તા અંશે કેમિકલનું પ્રમાણ તો રહેવાનું જ. જો ઉચ્ચ ગુણવત્તાવાળું શૅમ્પૂ વાપરો તો નુકસાન ઓછું થાય, પરંતુ હલકી ગુણવત્તાવાળા અને વધારે પ્રમાણમાં કેમિકલ ધરાવતા શૅમ્પૂથી માથામાં ઍલર્જી થઈ શકે છે જેને તબીબી ભાષામાં કૉન્ટૅક્ટ ડર્મેટાઇસિસ કહે છે. કેમિકલયુક્ત શૅમ્પૂને લાંબા સમય સુધી વાળમાં લગાવી રાખો અને લાંબા સમય સુધી આ પ્રકારનું શૅમ્પૂ વાપરો તો કૅન્સર થવાની શક્યતા પણ નકારી ન શકાય. હકીકતમાં તો શૅમ્પૂનું કામ છે વાળમાંથી ડસ્ટને દૂર કરવાનું. જો માથાની ત્વચામાં રોગ હોય તો ડૉક્ટરની સલાહ અનુસાર સારવાર કરાવવી જોઈએ, કારણ કે ત્વચાનો રોગ વાળને નુકસાન કરશે. ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન હોય તો નિદાન બાદ ઍન્ટિ-ફંગલ શૅમ્પૂ વાપરવાની સલાહ આપવામાં આવે છે. શૅમ્પૂમાં નાખવામાં આવેલા પદાર્થ વિશે માહિતી મેળવી લેવી હિતાવહ છે. શૅમ્પૂથી વાળ ધોયા બાદ કન્ડિશનર વાપરવું જોઈએ. એનાથી વાળ મુલાયમ અને ચમકદાર થાય છે તેમ જ સહેલાઈથી ઓળી શકાય છે. બજારમાં મળતાં કન્ડિશનર માર્કેટિંગ ગિમિક છે. એને વાપરવાં કે નહીં એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે. વાળની ગુણવત્તાની ચકાસણી કરીને કન્ડિશનરની પસંદગી કરવી જોઈએ. રૂક્ષ અને તૈલીય વાળ માટેનાં શૅમ્પૂ અને કન્ડિશનર અલગ હોય છે. જો તમે ઊંધું વાપરો તો એની અસર પણ ઊંધી થાય. ઑઇલ પણ એક પ્રકારનું કન્ડિશનર જ છે. તમે ચાહો તો માથામાં તેલ નાખી શકો છો. આપણે ત્યાં લોકો શું કરે છે કે માથામાં તેલ નાખે અને પછી થોડી વારમાં કે પછી બીજા દિવસે વાળ ધોઈ નાખે. આ રીત ખોટી છે. વાળ ધોયા બાદ તેલ નાખવું જોઈએ. અહીં એક વાત યાદ રાખો કે શૅમ્પૂ કે કન્ડિશનરથી વાળ વધતા નથી.’

વાળ ધોવાની કુદરતી રીત વિશે વાત કરતાં કલ્પનાબહેન કહે છે, ‘વાળ ખરાબ થવાનું મુખ્ય કારણ છે બજારમાં મળતા કેમિકલયુક્ત શૅમ્પૂનો અતિરેક. પહેલાંના સમયમાં આપણે શિકાકાઈ, અરીઠાં, ત્રિફળા, ભૃંગરાજ જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરતા હતા. હવે આ બધું આઉટડેટેડ થઈ ગયું છે. આજે લોકો પાસે સમય મર્યાદિત છે તેથી વાળ ધોયા બાદ તરત બ્લો ડ્રાય કરે છે. ડ્રાયરમાંથી ફેંકાતી ગરમ હવા વાળને નુકસાન કરે છે. આપણે નાના હતા ત્યારે વાળને ટુવાલથી ઝાટકીને સૂકવતા હતા એ જ સાચી રીત છે. જ્યારે પણ વાળ ધોવાની આવશ્યકતા હોય ત્યારે આગલા દિવસે માથામાં તેલ નાખવું જોઈએ. ૧૦૦ ગ્રામ કોપરેલ તેલમાં પાંચથી સાત ગ્રામ ભીમસેન કપૂર નાખી દો. આ તેલ માથામાં નાખવાથી વાળની સ્નિગ્ધતા અને મુલાયમતા અકબંધ રહેશે. જૂના જમાનાની દેશી પદ્ધતિ અનુસાર રાતે શિકાકાઈ અને અરીઠાંને પાણીમાં પલાળી દો. સવારે એને ગાળી લો અને આ પાણીથી વાળને બે વખત ધૂઓ. વાળની ચીકાશ દૂર થઈ જશે અને શૅમ્પૂની જરૂર નહીં પડે. હવે વાત કરીએ કન્ડિશનરની. કન્ડિશનર વાળની ચમક માટે જ હોય છે. સૌપ્રથમ એક વાટકીને ગૅસ પર ગરમ કરો. ગૅસ બંધ કર્યા બાદ ગરમ વાટકીમાં એરંડિયુ રેડો. આમ કરવાથી એરંડિયાની થિકનેસ ઓછી થશે. ખોપરીમાં એને ઘસવાથી વાળની ચમક જળવાઈ રહેશે. આ ઉપચારને કન્ડિશનરનો વિકલ્પ કહી શકો છો.’

શૅમ્પૂથી વાળને નુકસાન જ થાય એવું કહેવું અતિશયોક્તિ ભરેલું છે એવો મત વ્યક્ત કરતાં પ્રબોધભાઈ કહે છે, ‘બધાં જ શૅમ્પૂ નુકસાન કરે એમ ન કહી શકાય, પણ એ સાચું કે કેમિકલ વગર શૅમ્પૂ બને જ નહીં. કેટલાક લોકોને કેમિકલ માફક આવી જાય છે. જોકે વાળ ધોવાની સાચી રીત એ જ છે કે તમે કુદરતી વસ્તુઓ વાપરો. આયુર્વેદમાં વાળ ધોવા માટેના મુખ્ય ઘટક તરીકે અરીઠાંનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. અરીઠાંને પાણીમાં ઉકાળી, ગાળી એ પાણીથી માથું ધોવાથી લાભ થાય છે. આ પાણી શૅમ્પૂ જેવું જ કામ કરે છે. અરીઠાંમાં જૂ, ટોલા અને ખોડાને દૂર કરવાના ગુણ છે. એની પ્રકૃતિ ઉગ્ર છે તેથી માત્રા ઓછી હોવી જોઈએ. સામાન્ય લાંબા વાળ ધરાવતી બહેનોએ વધુમાં વધુ પાંચ ગ્રામ અરીઠાં લેવાં જોઈએ. આમળાં વાળને રંગવાનું કાર્ય કરે છે અને એ લોહતત્વ તેમ જ વિટામિન ઘ્થી ભરપૂર છે. એ વાળને સફેદ થતા અટકાવે છે. બજારમાં મળતા પાઉડર પર સંપૂર્ણ ભરોસો ન મૂકી શકાય. અરીઠાં અને આમળાંની છાલનો ઉપયોગ કરવો જોઈએ તેમ જ શિકાકાઈના ફળને આખેઆખું વાપરી શકાય. હવે બજારમાં જે પાઉડર મળે છે એને મશીનમાં બનાવવામાં આવે છે. આ પદ્ધતિમાં અરીઠાં અને આમળાંના ઠળિયા પણ પિસાઈ જાય છે. શક્ય હોય તો ઘરમાં જ એને સૂકવી, ઠળિયા કાઢીને પાઉડર બનાવવો જોઈએ. આજે કોઈની પાસે એટલો સમય નથી એટલે બજારમાં મળતા પાઉડર અથવા તૈયાર શૅમ્પૂ જ વાપરે છે.’

આ તો થઈ વાળ ધોવાની રીત. હવે જાણીએ કે વાળના રોગોને કઈ રીતે દૂર કરી શકાય. વાળના રોગોની સારવાર વ્યક્તિની પ્રકૃતિ પર આધાર રાખે છે એમ જણાવતાં કલ્પનાબહેન કહે છે, ‘વાળની સુંદરતા અને સ્વસ્થતા માટે ભૃંગરાજ, બ્રાહ્મી અને આમળાંનું સેવન કરી શકાય. જો તમારી પ્રકૃતિ પરવાનગી આપે તો ત્રિફળાનો ઉમેરો કરવો. હવે તો બજારમાં આ બધી વસ્તુની તૈયાર ટૅબ્લેટ્સ સહેલાઈથી મળી રહે છે. સામાન્ય પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ સવાર-સાંજ બે-બે ગોળીનું સેવન કરી શકે છે. આહારમાં કૅલ્શિયમયુક્ત પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ. વાળના રોગોનું કારણ પેટની ગરમી પણ હોઈ શકે છે. ગરમ પ્રકૃતિ હોય તો કાંસાની વાટકીને ગરમ કરીને પગના તળિયે ઘી ઘસવું જોઈએ. મારી સલાહ છે કે એક વાર ચિકિત્સક પાસે પ્રકૃતિનું પરીક્ષણ કરાવી લેવું જોઈએ.’

ઍલોપથીની દૃષ્ટિએ વાળના રોગો દૂર કરવાની પદ્ધતિ વિશે માહિતી આપતાં રશ્મિકાન્તભાઈ કહે છે, ‘વાળ ખરાબ થવાનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી છે. માથાની ત્વચામાં કેવા પ્રકારનો રોગ છે એના પર સારવાર આધાર રાખે છે. અમુક ગંભીર બીમારીમાં વાળ ખરી જાય છે. શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય તો પણ વાળ ખરે છે. સ્ત્રીઓમાં મેનોપૉઝના પિરિયડ દરમ્યાન શરીરમાં હૉર્મોનની ઊથલપાથલની વાળ પર અસર થાય છે. વાળની માવજત માટે સૌથી પહેલાં તો શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ. જેમ પાણી ઘટે અને ત્વચા રૂક્ષ થઈ જાય એવી જ રીતે વાળમાં પણ ડ્રાયનેસ જોવા મળે છે. બૉડીને હંમેશાં હાઇડ્રેટેડ રાખવી આવશ્યક છે. બૅલૅન્સ્ડ ડાયટ, ફૂડ-હૅબિટ અને લાઇફ-સ્ટાઇલ પર વાળની ગુણવત્તા નિર્ભર કરે છે.’

દેશી પદ્ધતિ અનુસાર રાતે શિકાકાઈ અને અરીઠાંને પાણીમાં પલાળીને સવારે એને ગાળી લો. આ પાણીથી વાળને બે વખત ધોવાથી વાળની ચીકાશ દૂર થઈ જશે. માથામાં એરંડિયું ઘસવાથી વાળની ચમક વધે છે. એરંડિયાને કન્ડિશનરના વિકલ્પ તરીકે ઓળખાવી શકાય

- નૅચરોપૅથ કલ્પના સંઘવી, ઘાટકોપર

અરીઠાં અને આમળાંની માત્ર છાલ જ વાપરવી જોઈએ, જ્યારે શિકાકાઈના ફળને આખેઆખું વાપરી શકાય. બજારમાં જે પાઉડર મળે છે એને મશીનમાં બનાવવામાં આવે છે. મશીનમાં ઠળિયા પણ પિસાઈ જાય છે. આમળાં અને અરીઠાંને ઘરમાં જ સૂકવી, ઠળિયા કાઢીને પાઉડર બનાવવો જોઈએ

- વૈદરાજ પ્રબોધ ગોસ્વામી, બોરીવલી

વાળની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ શૅમ્પૂ અને કન્ડિશનરની પસંદગી કરવી જોઈએ. જો માથાની ત્વચામાં કોઈ રોગ હોય તો તબીબી સલાહ બાદ ઍન્ટિ-ફંગલ શૅમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. વાળ ખરવાનું મુખ્ય કારણ આપણી લાઇફ-સ્ટાઇલ છે. વાળની માવજતમાં બૅલૅન્સ્ડ ડાયટનો રૉલ મહત્વનો છે.

- ડર્મેટોલૉજિસ્ટ ડૉ. રશ્મિકાન્ત શાહ, કાંદિવલી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK