તમારો ડ્રેસ તમારી ઓળખ બને ત્યારે

વસ્ત્રો પરથી સ્ત્રીના ચરિત્રને મૂલવવાની આપણી વૃત્તિ બદલાતી નથી. એના કારણે સ્ત્રીઓને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમ જ આ સંદર્ભે જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓના અંગત અનુભવો અને વિચારોને જાણીએ

esha1

વર્ષા ચિતલિયા

આપણા દેશમાં સ્ત્રીના ચરિત્રને તેનાં વસ્ત્રો પરથી નક્કી કરવામાં આવે છે. થોડા દિવસ પહેલાં બૉલીવુડની અભિનેત્રી ઈશા ગુપ્તાએ બળાપો કાઢતાં કહ્યું હતું કે હું સલવાર-કમીઝ પહેરીશ તો લોકો મને બહેનજી કહેશે અને સ્કર્ટ પહેરીને નીકળીશ તો મારા માટે હલકી ભાષા વાપરશે. જો કોઈ યુવતી ટૂંકાં વસ્ત્રો પહેરીને નીકળશે તો લોકો તેને ટીકી-ટીકીને જોશે અને અણછાજતી કમેન્ટ્સ કરતાં અચકાશે નહીં. કોઈ સ્ત્રી કાયમ સાડી જ પહેરવાનું પસંદ કરતી હશે તો તેને ગમાર કહેતા ફરશે. મનગમતાં વસ્ત્રો પહેરીને નીકળતી યુવતી સાથે જો ન કરે ને કોઈ અઘટિત ઘટના ઘટી તો ટૂંકાં વસ્ત્રોના કારણે જ આવું બન્યું એવો વિવાદ જગાવનારાઓનો પણ અહીં તોટો નથી. લાજ-શરમ સ્ત્રીનું ઘરેણું છે એ વાત ચોક્કસ સાચી છે, પરંતુ શું મનગમતાં વસ્ત્રો પહેરીને નીકળનારી યુવતીને શરમ નડતી નથી એવું ધારી લેવું યોગ્ય છે? જે યુવતી ટૂંકાં વસ્ત્રો પહેરીને નથી નીકળતી એ શું સલામત છે? સ્ત્રીઓને વસ્ત્રો પરથી ઓળખવાની આ રીત ખરેખર નીંદનીય છે. આ બાબતમાં ઈશાનો બળાપો સાવ ખોટો તો નથી જ. સ્ત્રીએ શું પહેરીને બહાર નીકળવું જોઈએ અને શું ન પહેરવું જોઈએ એ આપણો પુરુષપ્રધાન સમાજ નક્કી કરે છે.

વસ્ત્રોની બાબતમાં સ્ત્રીઓ પર પાબંદી રાખવી એ વાસ્તવમાં તો આજના સમયમાં શક્ય જ નથી. આજે માત્ર ફિલ્મ જ નહીં, બીજાં પણ અનેક એવાં ક્ષેત્ર છે જેમાં ગ્લૅમર એક અનિવાર્ય અંગ બની ગયું છે. અનેક એવાં ક્ષેત્ર છે જેમાં સ્ત્રીનો ચહેરો અને તેનો પહેરવેશ મુખ્ય ભૂમિકા ભજવે છે. ઘણી કૉર્પોરેટ કંપનીઓનો ડ્રેસ-કોડ સ્કર્ટ અથવા પૅન્ટ્સ હોય છે. ડિફેન્સના ક્ષેત્ર સાથે જોડાયેલી સ્ત્રીઓએ ફરજિયાત પૅન્ટ્સ પહેરવાં પડે છે. રમત-ગમતના ક્ષેત્ર સાથે સંકળાયેલી યુવતીઓએ પણ ટૂંકાં સ્કર્ટ અથવા પૅન્ટ્સ પહેરવાની ફરજ પડે છે. તો શું આ સ્ત્રીઓનું ચરિત્ર ખરાબ કહેવાય? ટૂંકાં વસ્ત્રોને લઈને આટલોબધો હોબાળો શેનો છે? કેટલાક બુદ્ધિજીવીઓ અને ટીકાકારોનું કહેવું છે કે કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રીની કાબેલિયતની નોંધ લેવાય છે, તેના પહેરવેશની નહીં. બીજી બાજુ ફૅશનેબલ દેખાવાની લાયમાં સ્ત્રીઓ વરવું પ્રદર્શન કરે છે તેમ જ આધુનિક બનવામાં મર્યાદાનું ઉલ્લંઘન કરે છે એવો કકળાટ તો કાયમનો છે. માત્ર પુરુષો જ નહીં, કેટલીક સ્ત્રીઓનું પણ માનવું છે કે આજની પેઢી ઢંગધડા વગરનાં અને અડધું શરીર ઉઘાડું રહે એવાં વસ્ત્રો પહેરે છે એના કારણે જ તેમની પ્રગતિ થાય છે. પહેરવેશ સ્ત્રીની ઇમેજ નક્કી કરે છે એ કડવું સત્ય છે. વસ્ત્રો સ્ત્રીના ચરિત્રનું પ્રતિબિંબ છે એવી જે સામાજિક છાપ પડી ગઈ છે એ યોગ્ય છે? આજે આપણે આ સંદર્ભે જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલી કેટલીક સ્ત્રીઓ સાથે વાત કરી જાણવાનો પ્રયાસ કરીએ કે પહેરવેશના કારણે તેમને કેવા અનુભવો થયા છે. તેમની કારર્કિદીમાં પહેરવેશની શું ભૂમિકા રહી છે તેમ જ તેમની નજરે શોભનીય વસ્ત્રો કોને કહેવાય. બહેનજી અથવા બોલ્ડની ઉપમા આપવાની આ રીત વિશે તેમના અભિપ્રાયો જોઈએ.

ગ્લૅમર-ઇન્ડસ્ટ્રીમાં તમારી ઇચ્છા હોય કે ન હોય, વસ્ત્રોની પસંદગીમાં બાંધછોડ કરવી જ પડે છે એવો અભિપ્રાય આપતાં સાવધાન ઇન્ડિયા, ઝાંસી કી રાની, મીરા, મેરે અંગને મેં, શકુંતલા વગેરે ધારાવાહિકમાં કામ કરી ચૂકેલી ટેલિવિઝનની અભિનેત્રી શ્રેયા લહેરી કહે છે, ‘અમારા ફીલ્ડમાં તો ટૂંકાં વસ્ત્રો પહેરવાની ફરજ પડે છે. જો તમે આખું શરીર ઢંકાય એવાં વસ્ત્રો પહેરીને નીકળો તો કોઈ ભાવ પણ ન પૂછે. સામેવાળાને તમારી ટૅલન્ટ પર જલદી ભરોસો ન બેસે. જો કોઈ કાર્યક્રમ માટે તમે સલવાર-કમીઝ પહેરીને ઑડિશન દેવા જાઓ તો તમારું સિલેક્શન ન થાય, પણ ટૂંકાં વસ્ત્રો પહેરીને ગયા હો તો તરત સિલેક્ટ થઈ જાઓ. આ મારો જાતઅનુભવ છે. તમે ગ્લૅમર-વર્લ્ડ સાથે જોડાયેલાં હો ત્યારે વસ્ત્રોના મામલામાં કૉમ્પ્રોમાઇઝ કરવું જ પડે છે. ટૂંકાં વસ્ત્રોના કારણે સેટ પર કમેન્ટ્સ સાંભળવાની પણ તૈયારી રાખવી પડે. લોકો આપણું નામ લઈને અથવા આપણી સામે તો ન બોલે, પણ સંભળાય એમ કમેન્ટ્સ જરૂર કરે. હવે આપણે કંઈ એટલા બેવકૂફ તો નથીને કે સમજી ન શકીએ. માત્ર સેટ પર જ નહીં, બહાર પણ જ્યારે હું ટૂંકાં વસ્ત્રો પહેરીને નીકળું છું ત્યારે લોકો તાકી-તાકીને જુએ છે. ઘણી વાર આ વાતથી ગુસ્સો આવી જાય તો કેટલીક વાર એમ થાય, કોણ આવા લોકોના મોઢે લાગે? હું કુરતી પહેરીને નીકળું તો મારી મમ્મી જ મને ના પાડે. તે કહે, તું યંગ ગર્લ છે અને તારે એ જ રીતે રહેવાનું. મારા પેરન્ટ્સનો મને સપોર્ટ છે એટલે વાંધો નથી આવતો બાકી લોકોને એમ જ લાગે છે કે શૉટ્ર્સ પહેરતી છોકરી છે એટલે નક્કી ચાલુ જ હશે. એમાંય જો કોઈ છોકરા સાથે જોઈ જાય તો પાકા પાયે માની લે કે મારું ચરિત્ર ખરાબ છે. મને મારા પર ભરોસો છે અને આવી બધી વાતોની પરવા કરવાની મને આવશ્યકતા નથી લાગતી. હું નિષ્ઠાથી મારું કામ કરું છું અને આ બધી વાતોને નજરઅંદાજ કરું છું.’

eash

ટૂંકાં વસ્ત્રો પહેરવાં એ આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિ નથી એવો અભિપ્રાય વ્યક્ત કરતાં ગુજરાતી નાટ્યજગતનાં પીઢ અભિનેત્રી લીલી પટેલ કહે છે, ‘આપણા દેશમાં વેસ્ટર્ન કલ્ચરનો ખોટો જ પ્રચાર થાય છે. વિદેશમાં ઠંડી ખૂબ પડે છે એટલે એ લોકો સૂટ પહેરે છે અને આપણે ત્યાં ગરમી પડે છે તો લેંઘો-ઝભ્ભો કે અન્ય કૉટનનાં વસ્ત્રો પહેરવાની જગ્યાએ આપણે ટૂંકાં વસ્ત્રો પહેરીને વરવું પ્રદર્શન કરીએ છીએ. ટૂંકાં વસ્ત્રો પહેરીને નીકળો એટલે સામેવાળી વ્યક્તિ તમારી તરફ આકર્ષાય. તેના મનમાં વિકૃત ભાવના જાગે એમાંથી જ બળાત્કાર જેવા ગુનાઓ જન્મ લે છે. શરીરને જેટલું ઢાંકીને રાખો એટલા તમે સલામત છો. આપણા દેશનો પહેરવેશ કેટલો સુંદર છે. ગુજરાતી સાડી જોઈ લો અથવા બંગાળી સાડી હોય કે પછી પંજાબી ડ્રેસ હોય, આ પ્રકારનાં વસ્ત્રોમાં જ સ્ત્રી સુંદર દેખાય છે. હું એમ નથી કહેતી કે સાડી જ પહેરવી જોઈએ, તમારી કમ્ફર્ટ માટે સલવાર-કમીઝ તો પહેરી શકાયને? મને ક્યારેય નથી લાગ્યું કે સાડી પહેરવાથી તમારી ગણના બહેનજીમાં થાય. મને તો સાડી પહેરીને પણ પ્રેક્ષકોનો પ્રેમ મળ્યો છે. તાજેતરમાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે લોકનાટ્ય ભવાઈમાં ‘રંગીલી’ના મારા અભિનય માટે અવૉર્ડ મળ્યો ત્યારે હું સાડી પહેરીને જ ગઈ હતી. આ માન-સન્માન મને ભારતીય સંસ્કૃતિ અને મારા કામે અપાવ્યાં છે, સફળતા માટે મારે ટૂંકાં વસ્ત્રો પહેરવાની આવશ્યકતા નથી પડી. હા, ‘માથાભારે મંજુલા’ નાટકના મારા રોલ માટે મારે ફ્રૉક પહેરવું પડ્યું છે તો પહેયુંર્ છે. એ મારા કામની ડિમાન્ડ હતી, પણ અંગત જીવનમાં મને ક્યારેય આવાં વસ્ત્રો પહેરવા ગમ્યાં નથી. હું એટલું જ કહીશ કે ઉશ્કેરણીજનક વસ્ત્રો બિલકુલ ન પહેરો. તમારા શરીર પર શોભે અને અંગ ઢંકાય એવાં જ વસ્ત્રો પહેરો.’

અમુક ક્ષેત્રમાં ઇચ્છા ન હોય તો પણ ફરજિયાત ટૂંકાં વસ્ત્રો પહેરવાં પડે છે અને એના કારણે કેટલીક વાર પરેશાનીનો સામનો પણ કરવો પડે છે એ વાત સાથે સહમત થતાં અને વસ્ત્રો પરથી સ્ત્રીનું ચરિત્ર નક્કી કરતા પુરુષપ્રધાન સમાજ સામે આક્રોશ વ્યક્ત કરતાં સ્પાઇસ જેટમાં ઍર-હૉસ્ટેસ તરીકે ફરજ બજાવનાર પૂજા પંચાલ કહે છે, ‘વસ્ત્રો પરથી સ્ત્રીનું ચરિત્ર નક્કી કરનારા પુરુષોની મેન્ટાલિટીને બદલવી બહુ જ મુશ્કેલ છે. આ એ લોકો છે જેમને વાસ્તવમાં સુધરવું જ નથી. મારી સાડાચાર વર્ષની કારર્કિદીમાં એવા ઘણા અનુભવો થયા છે. એક વખત ચેન્નઈથી મુંબઈની ફ્લાઇટમાં કેટલાક મસ્તીખોર યુવાનોની ટોળીએ મને હેરાન કરી મૂકી હતી. એ લોકો વારેઘડીએ બેલ મારી જાતજાતની વસ્તુઓ લાવી આપવાનું ફરમાન કરતા. હું તેમની સીટ પર જાઉં એટલે મજાક પણ કરતા હતા. મને ગુસ્સો આવતો હતો, પણ મારી ફરજ મને આમ કરતાં રોકતી હતી. ઇચ્છા ન હોય તો પણ ચહેરા પર સ્મિત રાખવું અનિવાર્ય હોય છે. ઍર-હૉસ્ટેસનું કામ છે બધા મુસાફરો સાથે હસીને વાત કરવાનું, પરંતુ લોકો એને ભળતું જ સમજે છે. કેટલાક મુસાફરો તો એવું માનતા હોય છે કે સ્માઇલ આપે છે તો ફોન-નંબર પણ આપશે અને પછી વાત આગïળ વધારી શકાશે. આવા લોકોને સંભાળવા ચૅલેન્જ સમાન હોય છે. સ્પાઇસ જેટમાં ઍર-હૉસ્ટેસનો ડ્રેસ-કોડ સ્કર્ટ અને બ્લેઝર છે, જ્યારે ઍર-ઇન્ડિયામાં સાડી છે તો શું અમારી સફળતામાં ફરક છે? સાડી હોય કે સ્કર્ટ, અમે કામ એકસરખું જ કરીએ છીએ અને અમારો અનુભવ પણ જુદો તો નહીં જ હોય. હું ઍર-ઇન્ડિયામાં કામ કરતી હોત તો સાડી પહેરીને સ્માઇલ આપતી હોત. વસ્ત્રોથી સફળતાને આંકવાની રીત જ ખોટી છે. કોઈ પણ સ્ત્રીની સફળતા પાછળ તેની મહેનત અને ઈમાનદારીથી નિભાવવામાં આવતી ફરજનો મુખ્ય રોલ હોય છે. વસ્ત્રો માત્ર ઓળખ છે. સ્ત્રીના ચરિત્રને વસ્ત્રો સાથે સરખાવનારા પુરુષોની વિચારધારા સાથે લેવાદેવા રાખીએ તો આગળ જ ન વધી શકીએ. વાસ્તવમાં તો આવું સમજનારાઓએ તેમના વિચારોને બદલવાની જરૂરત છે.’

ટૂંકાં વસ્ત્રો પહેરવાં એ આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિ નથી. સામેવાળાને આકર્ષિત કરે અને તેનામાં વિકૃત ભાવના જાગે એવાં વસ્ત્રો પહેરીને નીકળો એને મૉડર્નાઇઝેશન ન કહેવાય. આવાં વસ્ત્રોના કારણે જ બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ થાય છે. શરીર ઢંકાય અને તમારા પર શોભે એવાં વસ્ત્રો પહેરવાથી સ્ત્રીનું માન વધે

- ગુજરાતી નાટ્યઅભિનેત્રી લીલી પટેલ

તમે ગ્લૅમર-વર્લ્ડ સાથે જોડાયેલાં હો ત્યારે વસ્ત્રોના મામલામાં કૉમ્પ્રોમાઇઝ કરવું જ પડે છે. ટૂંકાં વસ્ત્રો અમારા ફીલ્ડની ડિમાન્ડ છે, પેરન્ટ્સનો સપોર્ટ હોય તો લોકો શું કહેશે એવી પરવા કરવાની જરૂર નથી

- ટીવી-ઍક્ટ્રેસ શ્રેયા લહેરી


વસ્ત્રોથી સફળતાને આંકવાની રીત જ ખોટી છે. કોઈ પણ સ્ત્રીની સફળતા પાછળ તેની મહેનત અને ઈમાનદારીથી નિભાવવામાં આવતી ફરજનો મુખ્ય રૉલ હોય છે. વસ્ત્રો માત્ર ઓળખ છે

- ભૂતપૂર્વ ઍર-હૉસ્ટેસ પૂજા પંચાલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK