બોલો, હવે આઇબ્રોને પણ ડેકોરેટ કરવામાં આવે છે

ચહેરાની સુંદરતામાં મહત્વની ગણાતી ભ્રમરને નિતનવા વળાંક આપી આકર્ષક બનાવવાની ચાહ વધતાં આઇબ્રો-ટૅટૂ, આઇબ્રો-કરેક્શન અને વિચિત્ર દેખાતી ફિશટેલ આઇબ્રો બની રહી છે પૉપ્યુલર

eyebrow

વર્ષા ચિતલિયા

સ્ત્રીના ચહેરા પર સૌથી વધારે ધ્યાન દોરતી કોઈ બાબત હોય તો એ છે ભ્રમર. ભ્રમરનો આકાર ચહેરાને વિશિષ્ટતા પ્રદાન કરે છે. સુંદરતાની અભિવ્યક્તિમાં એનું યોગદાન અવગણી ન શકાય. ભ્રમરનો આકાર તમારી આંખોને વાચા આપે છે. થોડા સમય પહેલાં દક્ષિણ ભારતીય અભિનેત્રી પ્રિયા પ્રકાશનો ભ્રમરને ઊંચી-નીચી કરી આંખો મટકાવતો વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ પૉપ્યુલર થયો હતો. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં પણ ચહેરાના હાવભાવ પ્રગટ કરવા ભ્રમરનો સહારો લેવામાં આવે છે અને આ માટે ખાસ તાલીમ લેવી પડે છે. ચહેરાના આકારમાં વિશિષ્ટ સ્થાન ધરાવતી અને આંખોની સુંદરતામાં વધારો કરતી ભ્રમર હાલમાં ચર્ચાનો વિષય બની છે. ઇન્સ્ટાગ્રામ પર ફિશટેલ સ્ટાઇલની આઇબ્રોએ યુવતીઓમાં ગજબનું આકર્ષણ ઊભું કર્યું છે. આ સ્ટાઇલમાં ભ્રમરને કમાન જેવો આકાર આપી બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને પછી એક બાજુથી માછલીની પૂંછડીના આકારની જેમ ઉપરની તરફ વાળવામાં આવે છે. આ પ્રકારની સ્ટાઇલથી વાસ્તવમાં ચહેરો વિચિત્ર દેખાય છે. એના કારણે બ્યુટીજગતમાં ઊહાપોહ મચી ગયો છે. કેટલીક યુવતીઓને આ વિચિત્ર સ્ટાઇલ ‘કૂલ’ અને ‘બોલ્ડ’ લાગે છે તો કેટલાક લોકોએ મોં મચકોડ્યું છે. સૌંદર્ય-નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારની ભ્રમર બનાવી યુવતીઓએ ચહેરાની સુંદરતા સાથે ચેડાં ન કરવાં જોઈએ.

ઇન્સ્ટાગ્રામ પર ‘ફિશટેલ’ આકારની આઇબ્રો ધરાવતો ફોટો શૅર કરવાની હોડ શરૂ થઈ છે. મોટા ભાગની યુવતીઓ ફોટોશૉપની સહાયથી આવી ભ્રમર બનાવે છે. જોકે કેટલીક ફૅશનઘેલી યુવતીઓએ તેમની ભ્રમરને ફિશટેલ લુક આપવાની હિંમત પણ દાખવી છે તો વળી કેટલીક યુવતીઓએ કમાન જેવી ભ્રમરને વચ્ચેથી વિભાજિત કરી ઉપરની તરફ પેન્સિલ વડે પૂંછડી બનાવવાની યુક્તિ શોધી કાઢી છે. ‘આર્ક’ એટલે કમાન અને ‘ફિશટેલ’ એટલે માછલીની પૂંછડી. જેમ દરેક પ્રકારની હેરસ્ટાઇલ બધાને સારી નથી લાગતી એવી જ રીતે ભ્રમરનો આકાર પણ વ્યક્તિના ચહેરાના આકારને અનુરૂપ હોય તો જ સુંદર દેખાય. ભ્રમરને ખાસ આકાર આપવા માટે વધારાના વાળ દૂર કરવાની સાચી રીત કઈ કહેવાય? ભ્રમરના વાળને પણ શું ટ્રાન્સફૉર્મેશનથી ઉગાડી શકાય ખરા? લેઝર પદ્ધતિથી ભ્રમરને કાયમી ધોરણે ચોક્કસ આકાર આપી શકાય? આઇબ્રો-કરેક્શન અને આઇબ્રો-ટૅટૂ શું છે તેમ જ આ પ્રકારની ટ્રીટમેન્ટમાં કેવી તકેદારી રાખવી જોઈએ એ જાણી લો.

પાતળી અને ખૂબ જ ઓછા વાળ ધરાવતી ભ્રમરને આપણે સહજતાથી લઈએ છીએ, પરંતુ ભ્રમરના વાળનો જથ્થો વધી જાય તો તરત જ બ્યુટી-પાર્લરની મુલાકાત લેવી પડે છે. એનું કારણ એ કે ચહેરા પર વાળ વધી જાય તો તરત જ ધ્યાનમાં આવે છે. આંખોની ઉપર આવેલા થોડા અમથા વાળ તમારી ઇમેજ બદલી શકે છે. ભ્રમરથી ચહેરાની સુંદરતામાં કેવો ફરક પડે છે એ વિશે તેમ જ હાલમાં પૉપ્યુલર બનેલી ફિશટેલ આઇબ્રો વિશે વાત કરતાં જુહુનાં બ્યુટિશ્યન સુધા રાય કહે છે, ‘આઇબ્રો તમારા ચહેરાની ઓળખ છે. તમે ગમે તેટલો મેકઅપ કરીને સુંદર દેખાવાનો પ્રયાસ કરો, પણ જો આઇબ્રોનાં ઠેકાણાં નહીં હોય તો ચહેરો સારો નહીં જ લાગે. આઇબ્રોને મેકઅપથી પણ છુપાવી ન શકાય. એ પ્રૉપર શેપમાં હોવી જ જોઈએ. ઇન્ડિયામાં આઇબ્રો પર વૅક્સિંગ કરવાનું ચલણ જ નથી. અહીં થ્રેડિંગથી આકાર આપવામાં આવે છે. આંખોની આસપાસની ત્વચા સંવેદનશીલ હોય છે. તેથી થ્રેડિંગ ચાલતું હોય એ દરમ્યાન ગ્રિપ છૂટવી ન જોઈએ. ગ્રિપ છૂટી જાય તો આંખની આસપાસ કટ આવી જાય કે લોહી પણ નીકળે. જોકે એક્સપર્ટ હોય તેમને આ બાબતનો તરત જ ખ્યાલ આવી જાય એટલે કસ્ટમરના હાથની ગ્રિપ છૂટે તો તરત જ થ્રેડિંગ માટે વાપરવામાં આવતા દોરાની ઢીલ મૂકી દે એટલે ચહેરા પર ખરોંચ પણ ન આવે. હાલમાં ફિશટેલ આઇબ્રો પૉપ્યુલર બની છે એ વાત સાચી, પણ આ પ્રકારની આઇબ્રોનો ક્રેઝ ટીનેજ ગર્લ્સ પૂરતો જ મર્યાદિત છે. મહિલાઓ આર્ક સ્ટાઇલને વધારે પસંદ કરે છે. ફિશટેલમાં આગળના વાળને ઉપર તરફ વાળવામાં આવે છે અને પાછળનો ભાગ પાતળો રાખવામાં આવે છે. આર્ક સ્ટાઇલમાં આઇબ્રોને ઉપરની તરફ પૉઇન્ટ આપવામાં આવે છે. મોટા ભાગની મહિલાઓ બૉલીવુડ સ્ટાઇલ જ અપનાવે છે અને એને જ બરકરાર રાખે છે. વારંવાર સ્ટાઇલ ચેન્જ કરવાનો ક્રેઝ ટીનેજ ગર્લ્સમાં જ છે. આપણે ત્યાં ઘટ્ટ અને આગળથી જાડી દેખાતી આઇબ્રોને સદાબહાર કહી શકાય.’

ભ્રમરમાં હેર-ટ્રાન્સફૉર્મેશન માત્ર સેલિબ્રિટીઝ સુધી જ સીમિત છે. બીજું એ કે ભ્રમરના વધારાના વાળ દૂર કરી એને ચોક્કસ આકાર આપવા લેઝર પદ્ધતિનો ઉપયોગ ખાસ લોકપ્રિય નથી. હકીકતમાં તો લેઝરથી અણગમતા વાળ રિમૂવ કરવામાં આવે છે, ઉગાડવામાં નથી આવતા એમ જણાવતાં એલિયન ટૅટૂ સ્ટુડિયોના આર્ટિસ્ટ સની ભાનુશાલી કહે છે, ‘આઇબ્રોમાં લેઝર પદ્ધતિ કામ નથી આવતી અને લોકો કરાવતા પણ નથી. આઇબ્રોને આકર્ષક બનાવવા માટે ટૅટૂનું ચલણ વધારે છે. ૨૫થી ૩૫ વર્ષની યુવતીઓમાં ટૅટૂ બનાવવાની ફૅશન છે, પરંતુ સામાન્ય રીતે ટૅટૂ બનાવવાનો આગ્રહ એ લોકો જ રાખે છે જેમની આઇબ્રોમાં ખામી હોય. જેમ કે કોઈ અકસ્માતમાં આઇબ્રોના વાળ નીકળી ગયા હોય તો તેમની પાસે ટૅટૂ જ એકમાત્ર વિકલ્પ બચે છે. યુવતીઓને પોતાની આઇબ્રોથી સંતોષ થતો નથી. તેમને લાંબી અને ઘટ્ટ આઇબ્રોનો મોહ હોય છે. તેમના મગજમાં એક વાત બેસી ગઈ હોય છે કે તેમની આઇબ્રો ચહેરાને અનુરૂપ નથી એટલે ટૅટૂ દ્વારા એને એન્લાર્જ કરવાની માગણી કરે છે. આઇબ્રો-ટૅટૂ બનાવવા આવતા ક્લાયન્ટ્સને અમે એમ જ કહીએ છીએ કે શક્ય હોય ત્યાં સુધી આર્ટિફિશ્યલ આઇબ્રો કરાવવાથી દૂર રહો. આઇબ્રો-ટૅટૂ બનાવવાથી દર મહિને આઇબ્રો કરાવવાની ઝંઝટથી બચી જવાય છે. એના કારણે પણ યુવતીઓમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે. અમે તેમને સલાહ આપીએ છીએ કે જો કુદરતી રીતે તમારી આઇબ્રોમાં વાળ છે તો એની સાથે ચેડાં કરવાની શું જરૂર છે? કાઉન્સેલ કર્યા બાદ પણ જો તેમના ગળે વાત ન ઊતરે તો જ ટૅટૂ બનાવી આપવામાં આવે છે. આઇબ્રો સારી નથી એ વાસ્તવમાં તો સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ છે. આ પ્રકારનાં ટૅટૂ બનાવી આપવાં એ જવાબદારીનું કામ છે, દરેક આર્ટિસ્ટને આવી જવાબદારી આપી ન શકાય. તાલીમબદ્ધ આર્ટિસ્ટ જ કામ હાથમાં લે છે. આમાં મશીનનું પ્રેશર ઓછું કરી કામ કરવું પડે છે. આઇબ્રોï-ટૅટૂ ચહેરાની સુંદરતામાં વધારો કરવાનો સૌથી સસ્તો અને સલામત માર્ગ છે. એથી એની લોકપ્રિયતામાં વધારો થયો છે. મારી પાસે મહિને ત્રણથી ચાર યુવતીઓ આઇબ્રો-ટૅટૂ બનાવવા આવે છે. આ ઉપરાંત પુરુષોમાં પણ આ પ્રકારનાં ટૅટૂનો ક્રેઝ છે. જોકે પુરુષો ત્યારે જ ટૅટૂ કરાવે છે જ્યારે તેમની આઇબ્રોમાં કોઈ ખામી હોય.’

આઇબ્રો-ટૅટૂની જવાબદારી બધાને ન સોંપી શકાય એ વાત સાથે સહમત થતાં તેમ જ આ પ્રકારના ટૅટૂમાં રાખવી પડતી તકેદારી વિશે માહિતી આપતાં સની ટૅટૂ ઇન્કના આર્ટિસ્ટ મનીષ કહે છે,

‘આઇબ્રો-ટૅટૂ ઝીણવટભર્યું કામ છે. હકીકતમાં તો શરીરના અન્ય ભાગ કરતાં અહીં કામ ઓછું હોય છે, પણ બધા આર્ટિસ્ટ આ કામ ન કરી શકે એટલે નિષ્ણાતના હાથ નીચે જ કામ થાય. આ માટે તમારું ડ્રૉઇંગ સારું હોવું જોઈએ અને એકાગ્રતા જોઈએ. આઇબ્રો-ટૅટૂનો ટ્રેન્ડ છેલ્લા થોડા સમયથી પૉપ્યુલર બન્યો છે એનું કારણ છે કોઈ પણ વ્યક્તિના ચહેરા પર સૌથી પહેલી નજર આઇબ્રો પર જ પડે છે. હવે જો તમારી આંખની ઉપર આઇબ્રોમાં વાળ જ ન હોય તો ચહેરો કેવો દેખાય? મારી પાસે એક કેસ આવ્યો હતો, જેમાં છોકરીનો ચહેરો ખૂબ જ સુંદર હતો; પણ આઇબ્રોમાં વાળ ઓછા હોવાના કારણે તે ખૂબ જ હતાશ હતી. તેના ફ્રેન્ડ્સ ચીની કહીને બોલાવતા હતા એ તેને ગમતું નહોતું. આઇબ્રો-ટૅટૂ બનાવ્યા બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો હતો. આઇબ્રો-ટૅટૂ કરાવવા આવતા ક્લાયન્ટ્સનું પહેલાં તો મેડિકલ ચેકઅપ કરાવેલું હોવું જોઈએ. ડાયાબિટીઝ કે અન્ય ગંભીર બીમારીનાં લક્ષણ જણાય એવી વ્યક્તિને હું ટૅટૂ બનાવી આપવાની ચોખ્ખી ના પાડી દઉં છું. ડૉક્ટરની સલાહ વગર ટૅટૂ બનાવવાથી આડઅસર થવાની શક્યતા વધી જાય છે. શરીરના અન્ય ભાગમાં જ્યારે ટૅટૂ કરવાનું હોય ત્યારે અમે ક્લાયન્ટ્સ સાથે વાત કરીને જાણી લઈએ કે તેમને કોઈ બીમારી કે કોઈ વસ્તુની ઍલર્જી નથીને, પરંતુ આઇબ્રો-ટૅટૂ માટે તો તબીબી તપાસનો આગ્રહ રાખવો જ પડે. તેમની સલાહ વગર ગમે એટલા પૈસા ઑફર થાય આઇબ્રોને હાથ લગાવવામાં આવતો નથી. આઇબ્રો પાસે કોઈ જખમ હોય તો પણ ના પાડી દઈએ. તબીબી ચકાસણી બાદ જ આર્ટિસ્ટ કામ શરૂ કરે છે. ચહેરાનો આકાર અને કેવા પ્રકારની આઇબ્રો જોઈએ છે એ બાબતમાં વાતચીત કર્યા બાદ નાની જગ્યામાં ટૅટૂ બનાવવામાં આવે છે. એક વાર ટૅટૂ બન્યા બાદ એને એન્લાર્જ કરી શકાય, પણ રિમૂવ ન કરી શકાય એટલે વધારે ઘટ્ટ આઇબ્રો બનાવવાનો આગ્રહ ન રાખવા સૂચવીએ છીએ જેથી ભવિષ્યમાં ફૅશન બદલાય તો એમાં વધારે કામ કરી શકાય.’

brow1

જોઈ લો આ ડિઝાઇનર આઇબ્રો

વિચિત્ર સ્ટાઇલની સાથે આઇબ્રો પર જાતજાતની ડિઝાઇન કરવાનો ટ્રેન્ડ પણ પૉપ્યુલર બની રહ્યો છે. માથામાં નાખવાની ફ્લાવર રિંગ પરથી પ્રેરિત થઈ વિદેશમાં સાજશણગારની વિવિધ વસ્તુઓની સહાયથી આઇબ્રોને ડેકોરેટ કરવાની ફૅશન ચાલી છે. જો બગીચો બનાવવો હોય તો આઇબ્રોના વાળને ગ્રીન કલર કરી આર્ટિફિશ્યલ ફ્લાવરને એના પર ચોંટાડી દેવામાં આવે છે. આવી જ રીતે નદીનો પટ બનાવવામાં આવે છે. જેવી રીતે હાથના નખને રંગવા નેઇલ પેઇન્ટ્સમાં વિવિધ ડિઝાઇન ઉપલબ્ધ છે એવી જ રીતે હવે ડિઝાઇનર આઇબ્રો પણ માર્કેટમાં આવી ગઈ છે. આર્ટિફિશ્યલ નેઇલ્સની જેમ જ એને પણ ગ્લુ વડે ચોંટાડી શકાય છે. આઇબ્રોને મૅચિંગ આંખોનો મેકઅપ ચહેરાને નવો જ લુક આપે છે. પાર્ટીમાં બોલ્ડ લુક અપનાવવો હોય તો આર્ટિફિશ્યલ આઇબ્રોની સાથે મૅચ થતી હેર-ઍક્સેસરીઝ વાપરી શકાય. ફિશટેલ ઉપરાંત ગાર્ડન બ્રો સ્ટાઇલ પણ ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે.

ફિશટેલ આઇબ્રોનો ક્રેઝ ટીનેજ ગર્લ્સ પૂરતો જ મર્યાદિત છે. મહિલાઓ આર્ક સ્ટાઇલને વધારે પસંદ કરે છે. ફિશટેલમાં આગળના વાળને ઉપર તરફ વાળવામાં આવે છે અને પાછળનો ભાગ પાતળો રાખવામાં આવે છે, જ્યારે આર્ક સ્ટાઇલમાં આઇબ્રોને ઉપરની તરફ પૉઇન્ટ આપવામાં આવે છે

- બ્યુટી-એક્સપર્ટ સુધા રાય, જુહુ

આઇબ્રોની ખામીને છુપાવવાનો સૌથી સસ્તો અને સરળ ઉપાય ટૅટૂ જ છે. એક વાર ટૅટૂ બનાવી લો ત્યાર બાદ કાયમ માટે આઇબ્રોને આકાર આપવાની ઝંઝટ રહેતી નથી. એથી આ પ્રકારના ટૅટૂની ડિમાન્ડ વધી છે. માત્ર યુવતીઓ જ નહીં, યુવકોમાં પણ આઇબ્રો ટૅટૂ બનાવવાનો મોહ વધ્યો છે

- ટૅટૂ-આર્ટિસ્ટ સની ભાનુશાલી, બાંદરા અને મલાડ

આઇબ્રો-ટૅટૂ કરાવવા આવતા ક્લાયન્ટ્સનું પહેલાં તો મેડિકલ ચેકઅપ કરાવેલું હોવું જોઈએ. ડાયાબિટીઝ કે અન્ય ગંભીર બીમારીનાં લક્ષણ જણાય એવી વ્યક્તિએ ટૅટૂ ન બનાવવું જોઈએ. એક વાર ટૅટૂ બન્યા બાદ એને એન્લાર્જ કરી શકાય, પણ રિમૂવ ન કરી શકાય એટલે વધારે ઘટ્ટ આઇબ્રો બનાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ

- આઇબ્રો-કરેક્શન આર્ટિસ્ટ મનીષ, કાંદિવલી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK