આંખના પલકારામાં ચહેરો ચમકાવી દેતી ટૂ-ઇન-વન પ્રોડક્ટ્સની બોલબાલા

મલ્ટિપર્પઝ બ્યુટી ઍન્ડ સ્કિનકૅર પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી છે તેમ જ આ પ્રકારની પ્રોડક્ટ્સ વાપરતાં પહેલાં કેવી તકેદારી રાખવી જોઈએ એ જાણી લો

face\\

વર્ષા ચિતલિયા

સદીઓથી મહિલાઓને નવાં-નવાં સૌંદર્ય પ્રસાધનોનો પ્રયોગ કરતાં રહેવાનો શોખ છે. કોઈ કૉસ્મેટિક્સ શૉપમાં જઈ ચડેલી મહિલાને ધ્યાનથી જોશો તો જણાશે કે સૌંદર્ય પ્રસાધનોની પસંદગી કરવી તેમના માટે સૌથી મુશ્કેલ ટાસ્ક છે. બ્યુટી પ્રોડક્ટ્સની પસંદગી કરવામાં મહિલાઓ કલાકોના કલાકો ગાળે છે તેમ છતાં સંતુષ્ટ થતી નથી, કંઈક ભુલાઈ ગયાનો વસવસો રહે જ છે. આજની આધુનિક મહિલાઓ આ બાબતમાં વધુ સભાન છે. સૌંદર્ય પ્રસાધનોની ખરીદીમાં તેઓ અગાઉ કરતાં વધારે ચીવટ રાખતી થઈ છે. ખાસ કરીને ત્વચાની નરમાશ જળવાઈ રહે અને ચહેરો સુંદર પણ દેખાય એવી બ્યુટી અને સ્કિનકૅર પ્રોડક્ટ્સને તેઓ પ્રાધાન્ય આપે છે. આ જ કારણે વર્તમાન સમયમાં સૌંદર્ય ઉદ્યોગમાં મલ્ટિપર્પઝ પ્રોડક્ટ્સની માગ અને લોકપ્રિયતા વધી રહી છે. હૅન્ડબૅગમાં વિવિધ પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનો રાખવાની ઝંઝટથી છુટકારો મેળવવા તેમ જ વ્યસ્તતાના કારણે મહિલાઓમાં મલ્ટિપર્પઝ પ્રોડક્ટ્સ વાપરવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ પ્રકારની પ્રોડક્ટ્સ પૈસા, સમય અને જગ્યાની બચત તો કરે જ છે સાથે-સાથે તમારી ભ્રમરથી લઈને હોઠની સુંદરતામાં ચપટી વગાડતાં ચાર ચાંદ લગાવી શકે છે. આજે આપણે સૌપ્રથમ એ જાણીશું કે ઓછા સમયમાં ચહેરાને ચમકાવવા મલ્ટિપર્પઝ બ્યુટી-પ્રોડક્ટ્સનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેમ જ એના વપરાશમાં કેવી તકેદારી રાખવી જોઈએ. બ્યુટી ઍન્ડ સ્કિન કૅર પ્રોડક્ટ્સ કેવી હોવી જોઈએ? ચહેરાની નાજુક અને સંવેદનશીલ ત્વચા માટે આવાં પ્રસાધનો કેટલાં ઉપયોગી અને કેટલાં જોખમી છે આ સંદર્ભે નિષ્ણાતનો અભિપ્રાય પણ જાણીએ.

અગાઉ ક્યાંય લગ્નપ્રસંગમાં કે ફંક્શનમાં બહાર જવાનું થાય તો મહિલાઓ પોતાની સાથે પાઉડર, લિપસ્ટિક, કાજળ, ચાંદલાનાં પૅકેટ્સ, સિંદૂર, આઇશૅડો, મસ્કરા, ફાઉન્ડેશન, બ્લશર, ઑઇલ વગેરે જાતજાતનાં સૌંદર્ય પ્રસાધનોથી સજ્જ મોટી મેકઅપ કિટ લેતી હતી. એ ઉપરાંત ચહેરાની સ્વચ્છતા અને મેકઅપ દૂર કરવા માટે પણ અનેક વસ્તુઓ સાથે રાખવી પડતી. આટલીબધી વસ્તુઓના કારણે બજેટ પણ વધી જતું હતું. આજે આ બધું આઉટડેટેડ થઈ ગયું છે. હવે જમાનો છે મલ્ટિપર્પઝ બ્યુટી-પ્રોડક્ટ્સનો. દાખલા તરીકે કાજલ પેન્સિલથી તમે આંખની સુંદરતા વધારી શકો છો તો એનો ઉપયોગ આઇબ્રોને ઘેરી કરવા માટે પણ કરી શકાય. લિપસ્ટિકનો ઉપયોગ સેંથામાં સિંદૂર પૂરવા અને કપાળ પર બિંદી લગાવવા કરી શકાય. બૉડી અને વાળ માટે એક જ ઑઇલનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. એક તીર દો નિશાન જેવી આ પ્રોડક્ટ્સ મહિલાઓને માફક આવી ગઈ છે. એક અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે આજના સમયમાં ૬૭ ટકા મહિલાઓ માત્ર ત્રણ પ્રોડક્ટ્સની સહાયથી સમસ્ત ચહેરાનો મેકઅપ કરી શકે છે અને માત્ર બે પ્રોડક્ટ્સના ઉપયોગથી ચહેરાને સ્વચ્છ રાખે છે.

મલ્ટિપર્પઝ બ્યુટી-પ્રોડક્ટ્સ એટલે શું, એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેમ જ કઈ પ્રોડક્ટ્સનો એમાં સમાવેશ કરી શકાય આ બાબતની વિસ્તૃત માહિતી આપતાં કાંદિવલીના બ્યુટી ઍન્ડ મેકઅપ ઍક્સપર્ટ ડૉલી લહેરી કહે છે, ‘ચહેરાના મેકઅપ માટે આમ તો ઘણીબધી વસ્તુઓ વાપરવામાં આવે છે, પરંતુ તમારી હૅન્ડબૅગ્સમાં વધુપડતાં સૌંદર્ય પ્રસાધનો રાખવાની હવે આવશ્યકતા નથી. માત્ર પાંચ બ્યુટી-પ્રોડક્ટ્સ તમારા આખા દિવસની જરૂરિયાત માટે પૂરતા છે. અમે જ્યારે મેકઅપ કરવા જઈએ ત્યારે અનેક પ્રકારની પ્રોડક્ટ્સની આખી બૅગ સાથે લઈ જવી પડે છે. ત્વચાના રંગ અને ચહેરાને અનુરૂપ મેકઅપ કરવામાં ખાસો સમય લાગે છે, પરંતુ ડે ટૂ ડે લાઇફમાં આ બધું કરવાની જરૂર હોતી નથી. ઓછા ખર્ચે અને લિમિટેડ પ્રોડક્ટ્સથી ચહેરાનો મેકઅપ થઈ જાય એ રીતે બ્યુટી-પ્રોડક્ટ્સની પસંદગી કરવી જોઈએ. દરેક મહિલાએ BB ક્રીમ, ફાઉન્ડેશન અથવા કન્સીલર, કૉમ્પૅક્ટ, કાજલ અને લિપસ્ટિક આ પાંચ વસ્તુ હાથવગી રાખવી જોઈએ. હોઠને શેપ આપવો હોય તો લાઇનર પણ રાખી શકાય. સૌથી પહેલાં સાદા પાણીથી ચહેરો ધોઈ નાખો. BB ક્રીમને હાથમાં લઈ ચહેરા પર ડૉટ કરી અપ્લાય કરો. ત્યાર બાદ ફાઉન્ડેશન અથવા કન્સીલર લગાવો. કૉમ્પૅક્ટ પણ લગાવી શકાય. છેલ્લે કાજલ અને લિપસ્ટિક લગાવી દો એટલે થઈ ગયો તમારો મેકઅપ. આ મેકઅપ ૯ કલાક સુધી રહે છે. સામાન્ય પાર્ટીમાં અને ઑફિસમાં પણ આવો મેકઅપ આકર્ષક લાગે છે. જોકે બધી જ પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાવાળી અને વૉટરપ્રૂફ હોવી જોઈએ. BB ક્રીમમાં સનસ્ક્રીન પણ હોય છે તેથી અલગથી સનસ્ક્રીન રાખવાની જરૂર નહીં પડે. મારું માનવું છે કે જ્યારે તમે અંગત વપરાશ માટે બ્યુટી-પ્રોડક્ટ્સની ખરીદી કરો છો ત્યારે એની પ્રાઇસ પર ધ્યાન ન આપો. તમે પાર્લરમાં ફેશ્યલ કરાવવા જાઓ છો તો એક વારમાં જ ૫૦૦-૭૦૦ રૂપિયા ખર્ચી નાખો છોને? તો પછી ચહેરાની માવજત માટે કંજૂસી ન કરો. આ પ્રકારની પ્રોડક્ટ્સ મોંઘી આવશે, પરંતુ ખૂબ ચાલશે એટલે સરવાળે તો સસ્તી જ પડશે. અહીં બહેનોને એક વાત ખાસ કહેવાની કે બ્યુટી-પ્રોડક્ટ્સને અપ્લાય કરતાં શીખી લેવું જોઈએ. જો એને પ્રૉપર મેથડથી અપ્લાય કરવાની ટૅલન્ટ નહીં હોય તો ચહેરો સુંદર નહીં લાગે. આજે તો મેકઅપ કરવાની રીતના વિડિયો સહેલાઈથી યુ-ટuુબ પર મળે છે. બે-ત્રણ વાર જોઈને જ શીખી જવાય. મેકઅપ કરવામાં જે રીતે ધ્યાન આપવાની આવશ્યકતા છે એટલી જ કાળજી મેકઅપ દૂર કરવામાં રાખવી જોઈએ. ડે-ટુ-ડે લાઇફમાં મેકઅપ રિમૂવરની વાસ્તવમાં કોઈ આવશ્યકતા જ નથી. બેબીઑઇલ શ્રેષ્ઠ છે. બેબીઑઇલને ચહેરા પર રગડી ટિશ્યુ પેપર વડે ચહેરો લૂછી નાખો. રાતે સૂતાં પહેલાં પણ બેબીઑઇલ લગાવવાથી ચહેરાની નરમાશ જળવાઈ રહેશે. મુંબઈના હવામાનમાં મેકઅપ કરવાની અને એને દૂર કરવાની આ જ સાચી અને અસરકારક રીત છે.’

face1

આ તો થઈ વાત ઓછા સમયમાં ઓછી બ્યુટી-પ્રોડક્ટ્સ સાથે ચહેરાને ચમકાવવાની. હવે જાણીએ કે મલ્ટિપર્પઝ સ્કિનકૅર પ્રોડક્ટ્સ કોને કહેવાય. સૂર્યનાં કિરણોથી ત્વચાનું રક્ષણ કરે, ત્વચાની નમી જળવાઈ રહે અને બહારના હવામાનમાં ત્વચા માટે ઍન્ટિ-ઑક્સિડન્ટનું કામ કરે એવા મૉઇરાઇઝર ક્રીમને મલ્ટિપર્પઝ સ્કિનકૅર પ્રોડક્ટ્સની હરોળમાં મૂકી શકાય. આવી પ્રોડક્ટ્સ વાપરતાં પહેલાં કેવી તકેદારી રાખવી જોઈએ એ વિશે વાતચીત કરતાં બાંદરામાં પ્રૅક્ટિસ કરતા કૉસ્મેટિક સજ્ર્યન ડૉ. મોહન થૉમસ કહે છે, ‘ત્વચાની સંભાળ રાખવા અને એની સ્વચ્છતા માટે મૉઇરાઇઝર ક્રીમ અને લોશનનો તેમ જ હોઠની કોમળતા બની રહે એ માટે લિપ-બામનો ડે-ટુ-ડે લાઇફમાં સમાવેશ કરવો જોઈએ. વર્તમાન સમયમાં મોટા ભાગની મહિલાઓ કામ કરે છે અને તેમની પાસે ત્વચાની કાળજી માટે મર્યાદિત સમય હોય છે. એવામાં આ ત્રણ પ્રોડક્ટ્સ તમારી રોજિંદી જરૂરિયાત માટે અનિવાર્ય છે. આ પ્રોડક્ટ્સ ઉપયોગી છે અને ખિસ્સા પર વધુ ભાર પણ નથી પડતો. ઉપરાંત એ ખૂબ જ હળવી હોય છે તેથી ત્વચા પર કોઈ આડઅસર થતી નથી. આવી પ્રોડક્ટ્સમાં અનેક પ્રકારનાં ઇન્ગ્રીડિયન્ટ્સનો સમાવેશ કરવામાં આવે છે. તેથી એકસાથે અનેક કામ કરવા સક્ષમ છે. આપણા દેશમાં મોટા ભાગના લોકોની ત્વચા શુષ્ક હોય છે. મૉઇરાઇઝિંગ ક્રીમ શુષ્ક ત્વચાને જીવંત બનાવે છે. આપણે ત્યાં આવાં વિવિધલશ્રી ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે અને એની ખૂબ માગ છે. જોકે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ્સ ન ખરીદવામાં જ ભલાઈ છે. એનું કારણ છે કે મોટા ભાગના લોકોને ત્વચાના પ્રકારની જાણ હોતી નથી. શુષ્ક, તૈલી અને સામાન્ય ત્વચા માટેની મૉઇરાઇઝિંગ ક્રીમ અલગ હોય છે, પરંતુ લોકો કોઈ પણ ખરીદી લે છે. તેથી જોઈએ એવી અસર વર્તાતી નથી. કોઈ પણ પ્રોડક્ટ્સ વાપરતાં ત્વચા પર ક્રૅક જોવા મળે અને ઍલર્જી જેવું લાગે તો તાત્કાલિક ડૉક્ટરને કન્સ્લ્ટ કરવા જોઈએ. બીજું, ઉંમર પ્રમાણે નાઇટ ક્રીમ વાપરવાથી ઘણો ફાયદો થાય છે. યુવાનોમાં ખીલની સમસ્યા હોય ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મારી પાસે એક કેસ આવ્યો હતો, જેમાં એક યુવતીને ચહેરા પર ખીલ અને પિગમેન્ટેશન હતાં. એ યુવતીનાં લગ્ન નક્કી થઈ ગયાં હતાં એટલે ખૂબ જ ચિંતામાં હતી. ઍન્ટિ-ઑક્સિડન્ટ ક્રીમથી તેની ત્વચા થોડા જ દિવસમાં સ્વચ્છ અને ચમકદાર થઈ ગઈ હતી.

ઍન્ટિ-ઑક્સિડન્ટ ક્રીમથી ત્વચાને કોઈ નુકસાન થતું નથી. આને શ્રેષ્ઠ સ્કિનકૅર પ્રોડક્ટ્સ કહી શકાય.’

ચહેરા પરથી મેકઅપ દૂર કરવા બેબીઑઇલનો ઉપયોગ કરી શકાય. રાતે સૂતા પહેલાં ચહેરા પર હળવે હાથે બેબીઑઇલ લગાવવાથી ત્વચા ખીલી ઊઠશે. મુંબઈના શુષ્ક હવામાનમાં ત્વચાની નરમાશ અને કોમળતા જાળવી રાખવા માટે આ સૌથી શ્રેષ્ઠ ઑપ્શન છે.

- ડૉલી લહેરી, મેકઅપ એક્સપર્ટ, કાંદિવલી

ડે-ટુ-ડે લાઇફમાં તમારી ત્વચાની સંભાળ માટે મૉઇરાઇઝર ક્રીમ, લોશન અને લિપ-બામ આ ત્રણ પ્રોડક્ટ્સનો સમાવેશ કરવો જોઈએ. ત્વચાની સંપૂર્ણ સ્વચ્છતા માટે ઍન્ટિ-ઑક્સિડન્ટ ક્રીમ શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ નિષ્ણાતની સલાહ વગર ત્વચા પર કોઈ પણ પ્રોડક્ટ્સનો પ્રયોગ કરવો બિલકુલ યોગ્ય નથી

- ડૉ. મોહન થૉમસ, કૉસ્મેટોલૉજિસ્ટ, બાંદરા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK