સદા યુવાન અને આકર્ષક રહેવા પુરુષોના જાણવા જેવા સ્કિન-મૅનેજમેન્ટના ફન્ડા

એક જોક છે કે જો પત્નીને સાંજના શોમાં પિક્ચર જોવા લઈ જવી હોય તો બપોરનો શો છે એમ કહેવું જેથી સાંજ સુધીમાં તે તૈયાર થઈ જાય.

ranbir

વર્ષા ચિતલિયા


સ્ત્રીઓને તૈયાર થતાં બહુ વાર લાગે છે એમ કહીને સ્ત્રીઓને વગોવતા પુરુષો સ્વયં હવે કલાકો સુધી અરીસા સામે સમય વિતાવવા લાગ્યા છે. પુરુષોમાં આકર્ષિત દેખાવાનો મોહ વધતો જાય છે. એ દિવસો ગયા જ્યારે પુરુષોની ત્વચાની સંભાળ ખુશ્બૂદાર સાબુ અને આફ્ટરશેવ સુધી મર્યાદિત હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પુરુષોની લાઇફ-સ્ટાઇલમાં મોટો બદલાવ આવ્યો છે. ગ્લોઇંગ સ્કિન પુરુષોના આત્મવિશ્વાસમાં વધારો કરે છે એવું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. સ્કિન-કૅર માટે તેઓ શું કરે છે? શું છે તેમના સ્કિન-મૅનેજમેન્ટના ફન્ડા? એ જાણીએ તેમની જ પાસેથી.

ત્વચાની કાળજી માટે યુવાનો વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ વાપરે છે. સંવેદનશીલ ત્વચા હોય એવા યુવકો ફેસવૉશ અને શેવિંગ ક્રીમની પસંદગી કરવામાં બહુ ચીકણા હોય છે. ખીલની ટ્રીટમેન્ટને પણ યુવાનો ગંભીરતાથી લે છે. વસઈમાં રહેતો કૉલેજિયન મીત મહેતા ચહેરા પર ખીલ થાય તો ટેન્શનમાં આવી જાય. સ્કિનને લઈને તે બહુ જ કૉન્શ્યસ છે. મીત કહે છે, ‘હું સ્કિન ગ્લો કરે અને અંદરથી સ્વચ્છ થાય એ માટે ડૉક્ટર દ્વારા રેકમેન્ડ કરવામાં આવી હોય એવી જ પ્રોડક્ટ્સ વાપરવાનું પસંદ કરું છું. એક વાર મેં ફ્રેન્ડે સૂચવેલું ફેસવૉશ લીધું હતું જેની આડઅસરને કારણે મને ઈચિંગ પ્રૉબ્લેમ થઈ ગયો હતો અને સ્કિનમાં બળતરા પણ થતી હતી. મારે બહુ દિવસ સુધી સારવાર કરાવવી પડી હતી અને હેરાન થવું પડ્યું હતું. ત્યારથી ડૉક્ટરની સલાહ વગર કોઈ પ્રોડક્ટ્સ વાપરતો નથી.’

સ્કિન-કૅરમાં કોઈ બાંધછોડ નહીં કરવાની એવું મીતનું માનવું છે. તે કહે છે, ‘મારી સ્કિનની કેર માટે કોઈ રિસ્ક નથી લેતો. એમાંય ખાસ કરીને ચહેરાની સ્કિનનું બહુ જ ધ્યાન રાખવું પડે, કારણ કે મારે મૉડલિંગમાં કારર્કિદી બનાવવી છે. મૉડલિંગ માટે પોર્ટફોલિયો બનાવવો હોય તો સ્ટાઇલની સાથે આકર્ષક ચહેરો પણ હોવો જોઈએ. મોઢા પર પિમ્પલ્સ થાય એ મને જરાય પસંદ ન પડે એટલે પિમ્પલ્સ ન થાય એનું ખાસ ધ્યાન રાખું અને ક્યારેક થાય તો તાત્કાલિક ડૉક્ટરને કન્સલ્ટ કરીને ઉપચાર કરું. પિમ્પલ્સ મટે નહીં ત્યાં સુધી હું એની પાછળ લાગી જાઉં. પાણીથી ત્વચા સૉફ્ટ રહે છે એટલે ખૂબ પાણી પીઉં છું. ઉપરાંત વધારે તેલ-મસાલાવાળી વાનગીઓથી તેમ જ જન્ક-ફૂડથી દૂર રહું છું. લીલાં શાકભાજી, સૅલડ અને ફ્રૂટ્સ વધારે ખાવાથી સ્કિન ગ્લો કરે છે એટલે ભૂખ લાગે ત્યારે સૅલડને ફર્સ્ટ પ્રેફરન્સ આપું. હાલમાં ઠંડીની મોસમ છે એટલે રાતે સૂતા પહેલાં હાથ-પગ અને ચહેરા પર કોલ્ડ ક્રીમ લગાવું છું. ગરમી વધારે હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળું. તડકામાં ત્વચા કાળી ન પડી જાય એટલે સનસ્ક્રીન લગાવીને જ બહાર નીકળું. ફેસવૉશ અને શેવિંગ ક્રીમ વારંવાર ચેન્જ કરવાની જગ્યાએ એક જ કંપનીનાં વાપરવાં હિતાવહ છે.’

સ્કિન-કૅર માટે હર્બલ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી છે. કુદરતી વનસ્પતિ વાપરવામાં આવી હોય એવી ક્રીમ અસરકારક હોય છે એ વાત સાથે યુવાનો સહમત થાય છે. વિલે પાર્લેમાં રહેતા પુનિત શાહને આયુર્વેદમાં વિશ્વાસ છે. તે કહે છે, ‘હું હર્બલ પ્રોડક્ટ્સ વાપરવાનું વધારે પસંદ કરું છું, કારણ કે એની કોઈ સાઇડ-ઇફેક્ટ થતી નથી. મને ચિકનપૉક્સ થઈ ગયા હતા. એના ડાઘ રહી જવાથી ખરાબ દેખાતું હતું. એ વખતે મેં ડૉક્ટરોને કન્સલ્ટ કર્યું તો તેમણે મને બહુ જ લાંબી ટ્રીટમેન્ટ અને અધધધ કહી શકાય એટલો ખર્ચ કહ્યો હતો. અહીં સુધી કે ખર્ચને પહોંચી વળવા લોન અપાવવાની પણ બાંયધરી આપી હતી. એ વખતે મારા ર્પેન્ટ્સે કહ્યું કે આપણે આયુર્વેદનો ઉપચાર કરાવી જોઈએ. માત્ર ત્રણ કલાકની આ સારવારથી મને બહુ જ ફાયદો થયો છે.’

આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર વિશે વધારે માહિતી આપતાં પુનિત કહે છે, ‘આ ઉપચારમાં ત્વચાને અંદરથી સ્વચ્છ કરવા સૌથી પહેલાં આખી બૉડી પર મસાજ કરવામાં આવે છે. મસાજને લીધે શરીરમાં રક્તનું સંચાર થાય અને નસમાં ખરાબ લોહી એકઠું થાય. નસમાં લોહી જમા થાય એટલે એક છેદ કરીને બગાડ કાઢવામાં આવે છે. મારી નસમાં જ્યારે છેદ કરીને બગાડ કાઢવામાં આવ્યો ત્યારે જે લોહી નીકળ્યું એ કાળા રંગનું હતું. એના પરથી જ ખ્યાલ આવે છે કે લોહીમાં બગાડ હોય તો સ્કિન ડલ લાગે અને ડાઘ-ધબ્બાનો ઉપર-ઉપરથી ક્રીમ લગાવીને જે ઇલાજ થાય એ અસરકારક ન હોય. સ્કિનની સંભાળ માટે રક્ત શુદ્ધ હોવું જોઈએ. આ ટ્રીટમેન્ટ ખૂબ જ સરળ હતી અને વધારે ખર્ચાળ પણ નહોતી. રસપ્રદ વાત એ છે કે એમાં કોઈ પરેજી પણ પાળવાની જરૂર નહોતી. મને માત્ર ઘઉંની રોટલીની જગ્યાએ જુવારની રોટલી ખાવાની સલાહ આપવામાં આવી હતી તેમ જ જન્ક-ફૂડથી દૂર રહેવાનું કહ્યું હતું. આ ઉપચારને કારણે ચિકનપૉક્સના ૮૦ ટકા ડાઘ ઝાંખા પડી ગયા છે. રક્તના શુદ્ધીકરણથી ત્વચામાં નિખાર આવે છે એમાં કોઈ બેમત નથી. બીજું હું સ્ટ્રીટ-ફૂડને અવૉઇડ જ કરું છું. એવું નથી કે સાવ નથી જ ખાતો. કૉલેજ-સ્ટુડન્ટ છું એટલે થોડું તો ખાઈ જ લઉં છું, પરંતુ શેઝવાન સૉસ અને ચિલીફ્લેક્સથી તો દૂર જ રહું છું. સ્કિન-કૅર માટે અત્યારે મેં બે મક્કમ નિર્ણયો લીધા છે : એક, પૅકેટ-ફૂડ એટલે કે વેફર્સ અને કુરકુરે બિલકુલ નહીં ખાવાનાં. બીજું, સ્ટ્રીટ-ફૂડ નહીં ખાવાનું. ત્વચામાં નિખાર લાવવા ઉપચાર કરાવ્યા બાદ હું હર્બલ પ્રોડક્ટ્સ જ વાપરું છું.’ 

આ તો થઈ સ્કિન-ટ્રીટમેન્ટની વાત, પરંતુ જેમની ત્વચા ખરેખર સારી હોય છે એ લોકો પણ એની દેખરેખ પાછળ સમય અને પૈસા ખર્ચતા હોય છે. ઇવેન્ટ મૅનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા બોરીવલીમાં રહેતો જિમિત દોશી કહે છે, ‘મારું કામ જ એવું છે કે સ્કિનની ખૂબ કૅર કરવી પડે. બીજું, હું ડ્રમ વગાડું છું એટલે મારે પબ્લિકની સામે પર્ફોર્મ પણ કરવાનું હોય છે. મારી સ્કિન પહેલેથી જ સારી છે, પણ ખરાબ ન થાય અને ગ્લો કરે એ માટે દર મહિને બ્લીચ અને ફેશ્યલ કરાવીને એને ચમકતી રાખું છું. દર અઠવાડિયે સ્ટીમ લઉં જેથી ત્વચાનાં છિદ્રો ખૂલે અને અંદરથી ત્વચા સાફ થાય. ચહેરા પરથી ડસ્ટ રિમૂવ કરવા દર બે કલાકે ફેસવૉશથી ચહેરો ધોઈ નાખું છું. ઇવેન્ટ માટે બહાર જવાનું થાય ત્યારે મારી બૅગમાં ફેસવૉશ, મૉઇરાઇઝર અને શેવિંગ-કિટ હોય જ. હું હંમેશાં ક્લીન શેવ જ રાખું છું. હાઈ ક્વૉલિટીની પ્રોડક્ટ્સ જ વાપરવી જોઈએ એવી મારી પર્સનલ ઍડ્વાઇઝ છે. માત્ર ચહેરાની સ્કિન જ નહીં, બૉડીમાં સૉફ્ટનેસ જળવાઈ રહે એ માટે રેગ્યુલર બૉડી-મસાજ કરાવું છું. સ્કિન ગ્લો કરે એ માટે પાણી ઉત્તમ ટૉનિક છે. ખૂબ પાણી પીઓ અને ઑઇલી ફૂડનો ત્યાગ કરો તો સ્કિન સૉફ્ટ રહે. ઑઇલી ફૂડને કારણે ચહેરો ડલ લાગે છે. સ્કિન-કૅર માટે સારી બ્યુટી-પ્રોડક્ટ્સની સાથે-સાથે ફૂડ-હૅબિટ પર પણ ધ્યાન આપવું જોઈએ એવું મારું માનવું છે.’

ત્વચાને યુવાન રાખે રેડ વાઇન


ત્વચાને સદા યુવાન રાખવા રેડ વાઇન થેરપીની લોકપ્રિયતા વધી રહી છે. રિસર્ચ કહે છે કે રેડ વાઇન અને સ્કિનનો નજીકનો સંબંધ છે. ત્વચાને સુંદર બનાવવા રેડ વાઇન ટૉનિકનું કામ કરે છે. રેડ વાઇન દ્રાક્ષમાંથી બને છે અને દ્રાક્ષ ઍન્ટિ-ઑક્સિડન્ટનું કામ કરે છે. એમાં રહેલાં ઍન્ટિ-એજિંગ તત્વો વૃદ્ધત્વને અટકાવે છે. તૈલીય ત્વચા માટે રેડ વાઇનની થેરપી અસરકારક સાબિત થતી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. એમાંથી બનાવવામાં આવેલા માસ્ક ચહેરાની ચમકમાં વધારો કરે છે અને ત્વચાને યુવાન રાખે છે. તડકાને કારણે ત્વચા કાળી પડી ગઈ હોય તો રેડ વાઇનથી લાભ થાય છે. એમાં રહેલાં કુદરતી પોષક તત્વો રેડિયેશનથી ત્વચાનું રક્ષણ કરે છે. વિદેશમાં રેડ વાઇનમાંથી બનાવેલા ફેસમાસ્કનો ઉપયોગ અને વાઇન વડે ફેશ્યલ કરાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. રેડ વાઇનના અન્ય ફાયદા પણ છે. એ સ્કિનની સાથે-સાથે Xદયનું પણ રક્ષણ કરે છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે રેડ વાઇનને દવા તરીકે લેવો હિતાવહ છે.

આટલું ધ્યાન રાખો


શાવર લેતી વખતે ગરમ પાણી ચહેરા પર સીધું પડે એ રીતે નહાવાથી છિદ્રો ખૂલે છે અને ત્વચા સ્વચ્છ થાય છે.

પુરુષોની સ્કિન હાર્ડ હોય છે એટલે તેમની માટે બનાવવામાં આવેલાં ફેસવૉશ જ વાપરવાં. ફેસવૉશને ચહેરા પર હળવા હાથે મસાજ કરતા હોય એમ લગાવીને ચહેરો ધોવો જોઈએ.

ચહેરાને વારંવાર ધોવાથી ડ્રાયનેસ વધે છે એટલે દિવસમાં બે જ વાર ચહેરો ધોવો જોઈએ.

ઉચ્ચ ગુણવત્તાવાળી શેવિંગ ક્રીમ, મૉઇરાઇઝર અને બૉડીવૉશ વાપરવાનો આગ્રહ રાખવો.

હલકી ગુણવત્તાવાળા રેઝરનો ઉપયોગ ટાળવો.

ડાઘ-ધબ્બા, ખીલ અથવા ચહેરા પરના ખાડાના ઉપચાર માટે ઘરગથ્થુ પ્રયોગો કરવા કરતાં ડૉક્ટરને કન્સલ્ટ કરવું હિતાવહ છે.

પરસેવાથી ત્વચા કાળી પડી જાય છે અને વાસ પણ આવે છે. દુર્ગંધથી બચવા અન્ડર-આમ્ર્સને રેગ્યુલર ટ્રિમ કરવા. બહાર જતી વખતે સનસ્ક્રીન અને પરફ્યુમ અથવા ડીઓડરન્ટ વાપરવું.

ઍન્ટિ-એજિંગ ક્રીમ અને નાઇટ ક્રીમ વાપરવાથી ચહેરા પરની કરચલીઓને કન્ટ્રોલ કરી શકાય છે.

ત્વચાની નમી જળવાઈ રહે એ માટે ખૂબ પાણી પીવું અને વ્યસનથી દૂર રહેવું.

મારે મૉડલિંગમાં કરીઅર બનાવવી છે એટલે મારા ચહેરા પર વિશેષ ધ્યાન આપું છું. પિમ્પલ્સ થાય તો એની પાછળ જ પડી જાઉં અને ડૉક્ટરે સૂચવેલી પ્રોડક્ટ્સ વાપરવાનો આગ્રહ રાખું

- મીત મહેતા, વસઈ

મને આયુર્વેદિક ટ્રીટમેન્ટ પર સંપૂર્ણ ભરોસો છે. એમાં ત્વચાના શુદ્ધીકરણ પર ભાર મૂકવામાં આવે છે. આયુર્વેદના ઉપચારને કારણે મારા શરીર પરના ચિકનપૉક્સના ૮૦ ટકા ડાઘ દૂર થયા છે

- પુનિત શાહ, વિલે પાર્લે


પાણી સ્કિન-કૅર માટે ઉત્તમ ટૉનિક છે. પાણીથી ત્વચામાં નિખાર આવે છે. ગ્લોઇંગ સ્કિન માટે હું ફેશ્યલ અને બ્લીચ પણ કરાવું છું

- જિમિત દોશી, બોરીવલી

નિષ્ણાત શું માને છે?

ત્વચાની સંભાળ બાબતે પુરુષોમાં અવેરનેસ વધી છે, પરંતુ મોટા ભાગના પુરુષોને ત્વચાની કાળજી કઈ રીતે લેવી એની વધારે ખબર હોતી નથી. પવઈમાં ક્લિનિક ધરાવતાં ડૉક્ટર નર્મદા માતંગ કહે છે, ‘પુરુષોમાં પિગ્મેન્ટેશન, સ્કાર્સ અને ટૅનિંગની સમસ્યા વધારે જોવા મળે છે. ચહેરા પર ખીલ હોય અથવા ખાડા થઈ ગયા હોય એ આજના યુવાનોને પસંદ પડતું નથી અને એની ટ્રીટમેન્ટ માટે વધારે ઝુકાવ જોવા મળે છે. કેટલાક યુવકોની એવી ફરિયાદ હોય છે કે સવારે ચહેરો ફ્રેશ લાગે છે, પરંતુ સાંજે સાવ ડલ દેખાય છે. આ સમસ્યા તેમને પજવે છે. જૉબ માટે ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય એનાં બે-ત્રણ અઠવાડિયાં પહેલાં તેઓ ચહેરાની સ્કિન ક્લિયર કરાવવા આવે છે. કેટલાક પુરુષોને પસીનાની ફરિયાદ હોય છે. વધારે પડતો પસીનો થતો હોય તો હાથ મિલાવવામાં સંકોચ થાય છે. નૉર્મલથી વધારે એટલે કે હાઇપર હાઇડ્રોસિસની સમસ્યા હોય તો સૉલ્ટ વૉટર આયોનાઇઝેશન મશીનમાં હાથ રાખવાથી પરસેવો ઓછો થાય છે. પરસેવો જેન્યુઇન પ્રૉબ્લેમ છે. ઇન્ટરવ્યુ વખતે પ્રેશર હોય ત્યારે પરસેવો વળે એ સામાન્ય બાબત છે. આ એક સાઇકોલૉજિકલ સમસ્યા છે જે કાયમ રહેતી નથી, પણ જો કાયમ આવું થતું હોય તો બૉડીમાંથી બોટuુલિનમ ટૉક્સિન બહાર કાઢવા ઇન્જેક્શન આપવામાં આવે છે.’

માત્ર ચહેરાની ત્વચા જ નહીં, શરીરના અન્ય ભાગમાં જોવા મળતા ડાઘ-ધબ્બાની સારવાર માટે પણ પુરુષોમાં જાગરૂકતા વધી છે. આ સંદર્ભે વાત કરતાં ડૉ. નર્મદા માતંગ કહે છે, ‘આંતરિક બીમારીને તો છુપાવી શકાય, પરંતુ ચહેરા અને હાથ-પગ પરના ડાઘ-ધબ્બા દેખાઈ આવે એટલે એની સારવાર માટે પુરુષો કૉન્શ્યસ થયા છે. ચહેરો ક્લિયર દેખાય એ માટે હેર રિમૂવલની ડિમાન્ડ વધી છે. માત્ર ડાઘ-ધબ્બા જ નહીં, હેર રિમૂવ માટે પણ યુવકોમાં ઘેલછા જોવા મળે છે. અન્ડર-આમ્ર્સના વાળ અને કાનના વાળ પર્મનન્ટ કઢાવવા લેઝર ટ્રીટમેન્ટ કરાવવા તરફ પણ તેમનો ઝુકાવ વધી રહ્યો છે. અણછાજતા વાળ દૂર કરવા લેઝર ટ્રીટમેન્ટની ડિમાન્ડ પણ વધી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK