ત્વચાની ચમક વધારતો મિનિમલ મેકઅપ

મેકઅપ કરવો એ એક કળા છે. એમાં પણ પાછો મેકઅપ એવો હોવો જોઈએ જે આપણા ચહેરાની ખામીઓ છુપાડે અને એની નૈસર્ગિક સુંદરતા વધારે. આ માટે જ છેલ્લા થોડા સમયથી બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં મિનિમલ મેકઅપનો ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય બની રહ્યો છે. આ મેકઅપમાં ઇલ્યુમિનેટિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ થતો હોવાથી એ ચહેરાની ત્વચાને વધુ સ્મૂધ અને શાઇની દેખાડવાનું કામ કરે છે, જેને પગલે ધ્યાન ચહેરા પર લગાડેલા રંગો પર નહીં પણ તમારી ચમકીલી ત્વચા પર વધુ જાય છે


ફાલ્ગુની જડિયા-ભટ્ટ


સુંદર દેખાવું એ દરેક સ્ત્રીની માત્ર અંતરતમ ઇચ્છા જ નહીં, જન્મસિદ્ધ અધિકાર છે. જોકે સુંદર દેખાવાનો અર્થ એ નથી કે મેકઅપ-કિટમાં જેટલા પણ રંગો છે એ બધાનો જ એકસાથે પોતાના ચહેરા પર લપેડો કરીને બહાર નીકળી પડો. સુંદરતા કુદરતી દેખાવી પણ એટલી જ આવશ્યક છે. આ તથ્યને ધ્યાનમાં રાખતાં બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં હંમેશાંથી એવા મેકઅપ પર ભાર મૂકવામાં આવ્યો છે જે બને એટલો નૅચરલ દેખાય. જોકે છેલ્લા થોડા સમયથી આ માટે મેકઅપ-આર્ટિસ્ટ એવો મેકઅપ કરવા પર ભાર મૂકવા લાગ્યા છે જેમાં ચહેરાની ત્વચાની સુંદરતા ઊડીને આંખે વળગે, જેમાં મેકઅપના રંગો પર ઓછો અને ત્વચાની કાન્તિ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હોય. આ પ્રકારના મેકઅપ માટે તેઓ મિનિમલ શબ્દ વાપરવાનું પસંદ કરે છે અને આવો મિનિમલ મેકઅપ કરવો એ એક કળા છે. તો આવો આજે સુસ્મિતા સેન, અનુષ્કા શર્મા, કૅટરિના કૈફ જેવી અભિનેત્રીઓ સાથે કામ કરી ચૂકેલા સેલિબ્રિટી મેકઅપ-આર્ટિસ્ટ ચિરાગ બામબોટ પાસેથી આ કળાને તબક્કાવાર વિભાજિત કરી ઓછામાં ઓછા મેકઅપ દ્વારા ચહેરાની ત્વચાને વધુમાં વધુ સુંદર કેવી રીતે દેખાડી શકાય એ સમજવાનો પ્રયાસ કરીએ.

સ્ટેપ ૧


કોઈ પણ પ્રકારના મેકઅપની શરૂઆત હંમેશાં ફાઉન્ડેશનથી થાય છે. ત્વચાની ખામીઓ છુપાડવા અને એની સુંદરતા નિખારવા ફાઉન્ડેશન તમારા ચહેરાની ત્વચા સાથે મેળ ખાય એ સૌથી આવશ્યક છે અને અહીં જ મોટા ભાગની સ્ત્રીઓ માર ખાય છે. ક્યાં તો તેઓ પોતાની જાતને છે એનાં કરતા વધુ ગોરી દેખાડવા આછા રંગનું ફાઉન્ડેશન પસંદ કરી લે છે અને ક્યાં તો જરૂર કરતાં વધુ ફાઉન્ડેશન લગાડીને ગધેડા પર અંબાડી જેવો ઘાટ કરી મૂકે છે. એથી જ મિનિમલ મેકઅપમાં ફાઉન્ડેશનના સ્થાને ટિન્ટેડ મૉઈશ્ચરાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ બજારમાં એવાં અનેક મૉઈશ્ચરાઇઝર મળવા લાગ્યાં છે જે મૂળ તો મૉઈશ્ચરાઇઝર હોવાથી ચહેરાની ત્વચા પર ગ્લો લાવવાનું કામ કરે છે, સાથે જ એમાં ફાઉન્ડેશનની ઇફેક્ટ હોવાથી એ ત્વચાને ઈવન ટોન પણ આપે છે. આવાં મૉઈશ્ચરાઇઝરની બીજી ખાસિયત એ હોય છે કે એમાં ઇલ્યુમિનેટિંગ ઇફેક્ટ રહેલી હોય છે જે ત્વચાને ગ્લૉસી એટલે કે ચમકીલી બનાવે છે. જોકે આપણે ત્યાંનું હવામાન વધુ ભેજવાળું હોવાથી કોઈ પણ ટિન્ટેડ મૉઈશ્ચરાઇઝર ખરીદતી વખતે એ વૉટરપ્રૂફ છે એની ખાતરી કરી લેવી આવશ્યક છે. આવાં મૉઈશ્ચરાઇઝર ગરમી કે વરસાદમાં પણ નીકળી ન જતાં હોવાથી કલાકોના કલાકો ચહેરો એકસરખો ચમકદાર લાગે છે.

સ્ટેપ ૨


ફાઉન્ડેશન બાદ હંમેશાં ચહેરા પર પાઉડર લગાડવામાં આવે છે. જોકે સામાન્ય પાઉડર મૅટ હોવાથી મિનિમલ મેકઅપમાં એનો ઉપયોગ કરવામાં આવે તો એ ટિન્ટેડ મૉઈશ્ચરાઇઝર દ્વારા ચહેરા પર જે ગ્લો આવ્યો છે એને ખતમ કરી નાખે છે. એથી જરૂરી છે કે ટિન્ટેડ મૉઈશ્ચરાઇઝર બાદ પાઉડર પણ ઇલ્યુમિનેટિંગ ઇફેક્ટ ધરાવતો જ વાપરવામાં આવે. આવા પાઉડરમાં ત્વચાને ચમકીલી બનાવનારા પિગમન્ટ્સ ક્રશ કરીને નાખવામાં આવ્યાં હોવાથી જ્યાં એક બાજુ એ આગળના સ્ટેપ્સ માટે સારો બેઝ તૈયાર કરે છે ત્યાં જ બીજી બાજુ ચહેરાની ચમકને કુદરતી રીતે વધારવાનું કામ પણ કરે છે.

સ્ટેપ ૩


સામાન્ય રીતે ફાઉન્ડેશન લગાડ્યા બાદ મેકઅપ-આર્ટિસ્ટ સીધો આઇ-મેકઅપ પર ભાર મૂકે છે, પરંતુ મિનિમલ મેકઅપ માટે ચિરાગ ફાઉન્ડેશન બાદ બ્લશર લગાડવાની સલાહ આપે છે. એ પણ પાછા સાદા પાઉડર બ્લશર નહીં, પરંતુ ક્રીમ બ્લશર. એનું કારણ સમજાવતાં તે કહે છે, ‘આવાં બ્લશર ક્રીમ ફૉર્મમાં આવતાં હોવાથી આંગળીઓ વડે જ સરળતાથી ચહેરા પર ફેલાઈ જાય છે અને ક્રીમ-બેઝ્ડ હોવાથી એમાં ફાઉન્ડેશન અને પાઉડર દ્વારા આપણે ચહેરા પર જે ઇલ્યુમિનેટિંગ ઇફેક્ટ તૈયાર કરી છે એ પણ બરકરાર રહે છે. આટલું કર્યા બાદ અત્યાર સુધીના મેકઅપને સેટ કરવા માટે મેકઅપ ફિક્સિંગ અથવા મેકઅપ સેટિંગ સ્પþ છાંટવાનું ભૂલવું ન જોઈએ. આવા સ્પþ પણ હવે તો ઇલ્યુમિનેટિંગ ઇફેક્ટવાળા મળતા હોવાથી સ્કિનના મેકઅપની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.’

સ્ટેપ ૪


આંખો આપણા વ્યક્તિત્વનો દરવાજો છે, એથી જ કોઈ પણ પ્રકારના મેકઅપમાં ફાઉન્ડેશન બાદ સૌથી વધુ ભાર આઇ-મેકઅપ પર મૂકવામાં આવે છે. મિનિમલ મેકઅપમાં આપણે ત્વચાને વધુ ચમકદાર બનાવવાનો પ્રયત્ન કરતા હોવાથી આઇ-મેકઅપ પણ એવો જ પસંદ કરવો જોઈએ જે થોડો ચીકણો અને ચમકીલો હોય. આ માટે મેકઅપ-આર્ટિસ્ટ પાઉડરના ફૉર્મમાં મળતા આઇ-શૅડોને સ્થાને આઇ-ગ્લૉસ અથવા લિક્વિડ કે ક્રીમ-બેઝ્ડ આઇ-શૅડો વાપરવાની સલાહ આપે છે. જોકે અહીં ચિરાગ ખતરાની ઘંટી વગાડતાં કહે છે, ‘આ પ્રકારના આઇ-શૅડો સાથે સમસ્યા એ હોય છે કે એ ચીકણા હોવાથી મેકઅપ લગાડ્યાના થોડા સમયમાં જ એ આંખની ઉપરની બાજુની ત્વચા પર રહેલી કરચલીઓ વચ્ચે ભરાઈ જાય છે, જે અત્યંત બેહૂદું અને કદરૂપું લાગે છે. એથી આવા આઇ-શૅડો માત્ર એવી યુવતીઓએ જ પસંદ કરવા જોઈએ જેમની આંખની ઉપરની બાજુની ત્વચા પર ઓછામાં ઓછી કરચલીઓ હોય. અન્યથા આઇ-શૅડો લગાડ્યા વગર જેલ અથવા આઇ-લાઇનર્સનો ઉપયોગ કરી આંખોને સ્મોકી ઇફેક્ટ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવાં લાઇનર્સની ખાસિયત એ હોય છે કે એ સરળતાથી સ્મર્જ થઈ જતાં હોવાથી એના ઉપયોગથી આંખોને હાઇલાઇટ કરવાનું પ્રમાણમાં વધુ સરળ છે. વળી હવે તો મોટા ભાગની કંપનીઓ આવાં આઇ-લાઇનર્સ વૉટરપ્રૂફ જ બનાવતી હોવાથી આંખોમાં કચરો જાય કે પાણી નીકળે તો પણ એ ફેલાઈ નથી જતાં. જેમને આંખોને સ્મોકી બનાવવું ન ગમતું હોય તેઓ વૉટરપ્રૂફ લિક્વિડ લાઇનર્સ અથવા આજકાલ બહુ પૉપ્યુલર બનેલા પેન-લાઇનર્સનો ઉપયોગ પણ પરંપરાગત રીતે કરી આંખોને હાઇલાઇટ કરી શકે છે. આઇ-મેકઅપ કોઈ પણ કરો, જ્યાં સુધી મસ્કરા લગાડવામાં નથી આવતો ત્યાં સુધી એ અધૂરો છે. એથી આઇ-મેકઅપની પૂર્ણાહુતિ કરતાં પહેલાં વૉટરપ્રૂફ મસ્કરા લગાડવાનું ચૂકવું ન જોઈએ.’

સ્ટેપ ૫


છેલ્લે આવે છે લિપસ્ટિક. છેલ્લા થોડા સમયથી વિદેશોની જેમ આપણે ત્યાં પણ લિક્વિડ લિપસ્ટિક અથવા લિપ-ગ્લૉસનો ક્રેઝ વધ્યો છે, પરંતુ મિનિમલ મેકઅપ દ્વારા આપણે આખા ચહેરાને ચમકીલો બનાવ્યો હોવાથી લિપ-મેકઅપ બને એટલો મૅટ રાખવામાં આવે તો ચહેરા પર શાઇનિંગ અને મૅટનું પર્ફે‍ક્ટ બૅલૅન્સ જળવાઈ રહે છે. એથી આ પ્રકારનો મેકઅપ કર્યો હોય ત્યારે હોઠને યોગ્ય આકાર આપવા લિપલાઇનરનો ઉપયોગ કરી એની વચ્ચે આછા ગુલાબી કે પિચ રંગની મૅટ લિપસ્ટિક અથવા તાજેતરમાં બહુ લોકપ્રિય બની રહેલા લિપ-ટિન્ટ લગાડવા જોઈએ. આવા લિપ-ટિન્ટ હોઠ પર જરૂર પૂરતો જ રંગ લગાડી મેકઅપને નૅચરલ દેખાડવાનું કામ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK