આજે મધર્સ ડે : કુદરત મુશ્કેલી આપે છે તો એને સહન કરવાની શક્તિ પણ આપે જ છે

૧૬ વર્ષની ઉંમરે લગ્ન કરનારાં કાંદિવલીમાં રહેતાં શાંતા શાહે બાવીસ વર્ષની ઉંમરે પતિને ગુમાવ્યા પછી બાળકોના સારા ઉછેર માટે જીવન સમર્પિત કરી દીધું

shanta-benફાલ્ગુની જડિયા-ભટ્ટ

મુંબઈ, તા. ૧૩

કાંદિવલીમાં રહેતાં ૭૫ વર્ષનાં શાંતા સેવંતીલાલ શાહને મળો એટલે ‘મધર ઇન્ડિયા’ની નર્ગિસ દત્ત યાદ આવી જાય. ‘મધર ઇન્ડિયા’માં પતિ રાજકુમાર ઘર છોડીને જતો રહે છે ત્યાર પછી નર્ગિસે પોતાનાં બાળકોને મોટાં કરવા જે સંઘર્ષ કર્યો હતો એવો જ કંઈક સંઘર્ષ શાંતાબહેને પતિ સેવંતીલાલના મૃત્યુ પછી પોતાનાં બાળકો માટે કર્યો છે. જીવનનો તડકો-છાયો જોઈ ચૂકેલાં શાંતાબહેન આજે એ દિવસોને ખૂબ તટસ્થતાપૂર્વક જોઈ અને મૂલવી શકે છે, પરંતુ ત્યારે તેમણે જે સંઘર્ષ કર્યો હશે એનો અંદાજ તેમની વાતો પરથી આસાનીથી મેળવી શકાય છે.

મૂળ મહેસાણા જિલ્લાના જામળા ગામનાં શાંતાબહેનનો જન્મ અમદાવાદમાં થયો હતો. માત્ર ૧૬ વર્ષની ઉંમરે ચાર ચોપડી ભણેલાં શાંતાબહેનનાં લગ્ન મુંબઈના સેવંતીલાલ શાહ સાથે કરી દેવામાં આવ્યાં હતાં. લગ્નના એક વર્ષ પછી મુંબઈ આવી ગયેલાં શાંતાબહેનને ૧૮ વર્ષની ઉંમરે પહેલો પુત્ર આવ્યો, પરંતુ એક વર્ષમાં જ ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યો. ત્યાર પછી ૨૦ વર્ષની ઉંમરે તેમણે બીજા દીકરા અતુલ અને ૨૧ વર્ષની ઉંમરે દીકરી અમિતાને જન્મ આપ્યો. તેમના પતિને પોતાના મોટા ભાઈ સાથે ક્યારેય જોઈએ એવું બનતું નહીં એટલે બન્ને અહીં મુંબઈના ફૉર્ટ વિસ્તારમાં ભાડાની રૂમમાં રહી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં. એવામાં એક વાર મોટા ભાઈ સાથે પ્રૉપર્ટીના મામલે મોટો વિવાદ થતાં તેમના પતિ એટલા ડિપ્રેશનમાં જતા રહ્યા કે તેમણે આપઘાત કરી લીધો. ત્યારે શાંતાબહેન ચોથી વાર ગર્ભવતી હતાં. પોતાના પરિવાર પર આવી પડેલી આ અણધારી આપત્તિ માટે લડવા શાંતાબહેન પાસે ત્યારે કોઈ શક્તિ નહોતી : ન આર્થિક, ન શૈક્ષણિક. જેઠ પાસે જવાનો તો સવાલ જ નહોતો. ગામમાં એકલાં રહેતાં તેમનાં સાસુ પાસે પણ ત્યારે આ ત્રણ અને આવનારા ચોથા સભ્ય માટે કોઈ વ્યવસ્થા નહોતી એટલે તેમણે પણ શાંતાબહેનનો હાથ ઝાલવાની ના પાડી દીધી.

છેલ્લા ઉપાય તરીકે શાંતાબહેને પોતાનાં પિયરિયાંઓને ગામથી મુંબઈ પોતાની સાથે રહેવા બોલાવી લીધાં. પતિની જીવનભરની બચતમાંથી જે ૪૦૦ રૂપિયા બચ્યા હતા એમાં અહીં-ત્યાંથી મદદ મેળવી બીજા ૪૦૦ રૂપિયા ઉમેર્યા અને ફૉર્ટની રૂમ છોડી મલાડના રાણી સતી માર્ગ પર ચાલી સિસ્ટમમાં રહેવા આવી ગયાં. અહીં દસ બાય દસ ફૂટની રૂમમાં પોતાનાં બે બાળકો, બે ભાઈઓ, બે નાની બહેનો અને પોતાની માતા સહિત આઠ માણસોના પરિવાર સાથે શાંતાબહેને નવેસરથી જીવન જીવવાની શરૂઆત કરી. ત્યાં તો વધુ એક આઘાતરૂપે ચોથા બાળક તરીકે અવતરેલી દીકરી પણ બીમારીમાં મૃત્યુ પામી. બાકી રહી ગયું તો આ જ અરસામાં તેમને દીકરા અતુલની જન્મજાત બીમારી વિશે પણ જાણવા મળ્યું, જેને કારણે તેનું કદ ક્યારેય જોઈએ એટલું વધશે નહીં અને ચાલવામાં પણ જીવનભરની મુશ્કેલી રહી જશે એવું બહાર આવ્યું.

કુદરતે તો તેમની સામે મુસીબતોનો પહાડ મૂકી દેવામાં કોઈ કસર બાકી નહોતી રાખી, પરંતુ પોતાના નામની જેમ સ્વભાવે પણ શાંત એવાં શાંતાબહેન જરાય ડગ્યાં નહીં. પોતાની કમાવાની શક્તિ વિકસાવવા જે ઉંમરે લોકો ગ્રૅજ્યુએશન પૂરું કરી નોકરીએ લાગી જાય એ ઉંમરે શાંતાબહેન ફરી એક વાર મલાડની દવે સ્કૂલમાં ભણવા જોડાયાં. એક બાજુ તેમણે ભણવાનું શરૂ કર્યું તો બીજી બાજુ એકથી ચાર ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. એ માટે પ્રાઇવેટ ટ્યુશન આપવા તેઓ રોજ સવારે સાત વાગ્યે ઘરમાંથી નીકળી જતાં અને બપોરે બાર વાગ્યે પાછાં આવતાં. ફરી પાછું સાંજે બીજાં બે-ત્રણ ટ્યુશન આપવા લોકોના ઘરે જતાં. આટલું બધુ કયાર઼્ પછી તેમના હાથમાં મહિને સો-દોઢસો રૂપિયા જેવી રકમ માંડ આવતી. એટલે વધુ પૈસા ઊભા કરવા તેઓ અને તેમની માતા ખાખરા અને પાપડના ઑર્ડર પણ લેતાં. શાંતાબહેન કહે છે, ‘પતિની સાથે જીવનના બધા શોખ પણ જતા રહ્યા હતા. મનમાં માત્ર એટલું જ હતું કે મારાં બાળકોને બને એટલી સારી રીતે મોટાં કરું. કોઈ ખોટા ખર્ચા કરવાની તો શક્યતા જ નહોતી. બસ, મહિનાના અંત સુધી ઘરખર્ચ નીકળી જાય એમાં જ આનંદ મળી રહેતો.’

આમ કરતાં-કરતાં શાંતાબહેને દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. બન્ને બહેનોને પરણાવી સાસરે મોકલી અને બન્ને ભાઈઓનાં પણ લગ્ન કરાવી પોતાનાથી છૂટા કર્યા. ઉપરાંત દીકરા અતુલની પગની તકલીફને કારણે દર પાંચ વર્ષે કરાવવા પડતા તેના ઑપરેશનના ખર્ચની વ્યવસ્થા પણ કરતાં રહ્યાં. સદ્ભાગ્યે દીકરો મનનો એટલો મજબૂત નીકળ્યો કે અનેક ઑપરેશન અને શારીરિક વિટંબણાઓ છતાં ઇન્શ્યૉરન્સનો પોતાનો સ્વતંત્ર વ્યવસાય વિકસાવી શક્યો. આખરે વીસ વર્ષ પછી અતુલભાઈ આર્થિક રીતે સક્ષમ બનતાં શાંતાબહેનના દિવસો સુધર્યા અને તેમણે દીકરાનાં લગ્ન પછી બાળકોને ટ્યુશન આપવાનું બંધ કર્યું. આજે શાંતાબહેન કાંદિવલીના મહાવીરનગર વિસ્તારમાં પોતાના દીકરા અતુલ, વહુ દક્ષા, પૌત્રી ઉચિતા, પૌત્ર ઋષભ અને તેની પત્ની શ્રુતિ સાથે શાંતિભર્યું જીવન જીવી રહ્યાં છે. તેઓ કહે છે, ‘અનેક દુવિધાઓ છતાં સૌથી સારી વાત એ હતી કે મારાં બન્ને સંતાનો ખૂબ સારાં નીકળ્યાં. નાનાં હતાં ત્યારે પણ બન્ને ભાઈ-બહેન એકબીજા સાથે ક્યારેય ઝઘડ્યાં હોવાનું મને યાદ નથી. અમિતા તો પણ થોડી અધીરી, પરંતુ અતુલ પહેલેથી જ સમજદાર. તેણે ક્યારેય પોતાના પગનું જોઈએ એવું ધ્યાન આપ્યું નહીં અને પોતાની શારીરિક તકલીફ છતાં હંમેશાં મને મદદરૂપ થવાનો જ પ્રયત્ન કર્યો. આપણે ભગવાનની કરીએ એવી તેણે મારી સેવા કરી છે અને મારા હરવાફરવાની તથા જાત્રાએ જવાની બધી ઇચ્છાઓ પૂરી કરી છે. ઈશ્વરકૃપાથી વહુ પણ એટલી સરસ મળી કે અમિતાનાં લગ્ન પછી ઘરમાં ઊભી થયેલી દીકરીની ખોટ પુરાઈ ગઈ છે. હવે હું મહાવીરસ્વામીની પૂજા-અર્ચનામાં દિવસઆખો ગાળું છું અને મારા પરિવાર સાથે શાંતિથી રહું છું. જીવનમાં ક્યારેક કોઈ અફસોસ રાખ્યો નથી. અતુલની પગની તકલીફને કારણે તેની થોડી ચિંતા રહ્યા કરે, પરંતુ અનુભવથી શીખી ગઈ છું કે કુદરત મુશ્કેલી આપે છે તો સાથે એને સહન કરવાની શક્તિ પણ આપે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK