આ છે સુપરમૉમ

આજે ઇન્ટરનૅશનલ મધર્સ ડે છે ત્યારે કષ્ટ વેઠીને બાળકોને સફળ બનાવનાર રિયલ લાઇફની આદર્શ માતાઓને મળીએ

super-momમારાં બે દીકરાઓ અને દીકરીઓ નાનાં હતાં ત્યારે પતિનું સ્ટીલનાં વાસણો બનાવવાનું કારખાનું સારું ચાલતું હતું, પણ બન્ને કિડની ફેલ થવાથી પતિનું મૃત્યુ થયું. લગ્નનાં પાંચ જ વર્ષમાં પતિને ડાયાબિટીઝ થયો. ૧૯૮૩માં ખુલ્લા પગે દેરાસર જવામાં પગમાં ખીલી ઘૂસી ગઈ હતી એની ખબર ન રહી એટલે પસ થઈ ગયું અને પહેલી બે આંગળી કપાવવી પડી, પણ પાંચ વર્ષ સુધી રૂઝ ન આવી. એવામાં ટીબી પણ થયો અને વધુ દવાઓ લેવામાં બન્ને કિડની ફેલ થઈ ગઈ. ત્રણ વર્ષ સુધી તેમને ડાયાલિસિસ પર રાખવા પડ્યા. ૧૩-૧૪ વર્ષની લાંબી માંદગીમાં સો તોલા સોનું અને બધા પૈસા ખર્ચાઈ ગયા. એવી સ્થિતિ આવી કે એક રૂપિયો ઘરમાં નહીં ને ખાવાનો દાણો નહીં. અડધો લિટર દૂધ લાવવાના પણ પૈસા નહીં. આવું કહેતાં ભાઈંદર-વેસ્ટમાં રહેતાં ૬૨ વર્ષનાં કૈલાસ નટવરલાલ શાહનો અવાજ રૂંધાઈ જાય છે. તેઓ કહે છે, ‘બસ, ત્યારથી ઘરમાં ખાખરા, ખીચિયા પાપડ, સૂકા નાસ્તા, થેપલાં, રોટલીઓ બનાવી વેચવાનું કામ શરૂ કર્યું હતું એ ગઈ દિવાળી સુધી કર્યું.’

એ દિવસોને યાદ કરતાં ગળગળા અવાજે કૈલાસબહેન કહે છે, ‘રોજ સાડાચાર વાગ્યે ઊઠી જતી. ઘરનું કામ, રસોઈ, છોકરાઓનું કામ કરવાની સાથે રોજના ચાર-ચાર કિલો ખાખરા એકલા હાથે બનાવતી એમાં આખો દિવસ નીકળી જાય. રાત્રે સાડાઅગિયાર વાગ્યા સુધી તો તળવાનું કામ ચાલતું હોય. પછી બધાં વાસણો ઘસીને સૂઈ જાઉં. એટલા પૈસા નહોતા કે ઘરનું રોજિંદું કામ પૈસા આપીને કરાવી શકું. પગ દુખે, માથું દુખે, કમર દુખે, શરીર તૂટે તો ગોળી લઈને સૂઈ જતી. ૪૫ વર્ષની હતી ત્યારથી અત્યાર સુધી મેં મહેનત એટલે કરી કે બે પૈસા કમાઉં તો છોકરાઓનો બોજ હળવો થાય.’

પતિની બીમારીને કારણે છોકરાઓના ભણતરનું ધ્યાન ન રાખી શકવાનો તેમને અફસોસ છે. પતિનો ધંધો સંભાળવો પડે એમ હોવાથી તેમનો મોટા દીકરો ધવલ એસએસસી પછી ભણવાનું છોડી કામે લાગ્યો. પતિની ઇચ્છા હોવાથી દીકરી જિજ્ઞાસાને પતિની માંદગી દરમ્યાન જ સમૂહલગ્નમાં પરણાવી. એ પછી મોટા દીકરીને પણ પરણાવ્યો અને નાના દીકરાએ અરેજન્ડ મૅરેજ, પણ પોતાની મરજીથી ર્કોટ-મૅરેજ કર્યા. કૈલાસબહેન કહે છે, ‘પતિની માંદગીને કારણે ધંધામાંથી મૂડી ઓછી થવા લાગી એટલે છોકરાને ધંધામાં તકલીફ પડવા લાગી. અગિયારમા પછી નાના દીકરા સમીરે પણ ભણવાનું છોડી દીધું અને ભાઈ સાથે ધંધામાં જોડાયો. ધંધામાં પૂરું નહોતું પડતું એટલે છોકરાઓનો બોજ હળવો કરવા મેં મારું કામ શરૂ કર્યું, પણ હવે મારાથી નથી થતું અને છોકરાઓ પણ ના પાડે છે. ખાખરા, થેપલાં, રોટલીઓ ઉપરાંત બે-ત્રણ ટિફિનના ઑર્ડર હોય તો એ પણ બનાવી આપતી. સવારે ચાર વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી કામ કરતી. જોકે દીકરાઓ પરણ્યા પછી મારી વહુઓ મને બહુ મદદ કરતી. બહુ આકરાં વરસો અમે કાઢ્યાં છે.’

કૈલાસબહેન આજે ભાઈંદર (વેસ્ટ)માં નવ બેડરૂમ-હૉલ-કિચનના ફ્લૅટમાં બે દીકરાઓ, બે વહુઓ અને ચાર પૌત્રૌ સહિતના નવ જણના પરિવારમાં રહે છે. મૂળ સાબરકાંઠાના હરસોરા ગામનાં કૈલાસબહેન fવેતામ્બર મૂર્તિપૂજક જૈન છે. મલાડમાં જન્મીને મોટાં થયેલાં કૈલાસબહેન એન. એલ. સ્કૂલમાં આઠમી સુધી ભણ્યાં છે. પતિને ડાયાલિસિસ ચાલતું હતું એ સમયની વાત કરતાં તેઓ કહે છે, ‘સવારે ચાર વાગ્યે ઊઠી રસોઈ બનાવી પતિને લઈને ગોરેગામ ડાયાલિસિસ માટે આવતી. બે વાગ્યે ઘરે પાછાં આવી રોટલી બનાવી બે દીકરાઓને જમાડતી એ પછી ત્રણ વાગ્યે હું જમતી. ૧૯૯૬થી હું ખાખરા, નાસ્તા, થેપલાં, ટિફિનો બનાવતી આવી છું. એક સમયે ૧૦ કિલોનાં થેપલાં પણ મેં કર્યા છે.’

કૈલાસબહેને દીકરાઓને સેટલ કરવા અને તેમના આર્થિક બોજને હળવો કરવા મહેનત કરવામાં પાછાં વળીને જોયું નથી. હવે તેઓ સારા દિવસોની પ્રતીક્ષા કરી રહ્યાં છે.

super-mom1હું કમાઉં છું એટલે કમાવાની ચિંતા કરવાની જરૂર નથી

મારો મોટો દીકરો અશ્વિન ચાર વર્ષનો હતો, દીકરી ગીતા ત્રણ વર્ષની હતી અને નાનો દીકરો સતીશ ગર્ભમાં હતો. આઠમો મહિનો ચાલતો હતો ત્યારે જ કૅન્સરમાં પતિ ગુજરી ગયા. લગ્નના પાંચમા વર્ષે પતિને લિવરનું કૅન્સર છે એની ખબર પડી, તાતા હૉસ્પિટલમાં ઑપરેશન કરાવ્યું અને બે મહિનામાં તો તે ગુજરી ગયા. ત્યારે હું માંડ બાવીસ વર્ષની હતી, કારણ કે સત્તરમા વર્ષે મારાં લગ્ન થયાં હતાં. પતિની નોકરી સામાન્ય હતી એટલે મૂડી કંઈ નહીં; પણ હા, ઘાટકોપરના રામ નિવાસમાં એક રૂમ હતી. આવું કહેતાં અને આટલાં વરસો સુધી જિંદગીનો બોજ વેંઢારીને પણ ૬૯ વર્ષનાં દમયંતી ધીરજલાલ ગંભીરને જિંદગી સામે કોઈ ફરિયાદ નથી. તેઓ ખુશખુશાલ છે. તેમની આ ખુશી તેમની વાતોમાં પણ દેખાઈ આવે છે.

મૂળ મોરબીનાં હાલાઈ લોહાણા દમયંતીબહેન અત્યારે પણ ૫૦ વર્ષ પહેલાં લગ્ન કરીને જે સિંગલ રૂમમાં આવ્યાં હતાં એ જ રૂમમાં રહે છે. પતિ ગુજરી ગયા, કમાણી કંઈ નહીં, મૂડી કંઈ નહીં અને ત્રણ બાળકો. ગુજરાન કેમ ચલાવવું? એમાંય તાજા જન્મેલા દીકરાને મૂકીને બહાર કામ કરવા કેવી રીતે જવું? મા-બાપ ગ્રાન્ટ રોડમાં રહેતાં હતાં, પણ તેમનીયે એવી સ્થિતિ નહોતી કે બહુ આર્થિક મદદ કરી શકે. દમયંતીબહેન કહે છે, ‘બિલ્ડિંગની બાજુમાં રેડીમેડ કપડાંનું કામ કરતા એક ભાઈએ પૂછ્યું કે હવે શું કરશો, ઘરે કામ આપું તો કરશો?’

દમયંતીબહેને સુવાવડ પછી તરત કામ શરૂ કરી દીધું. રેડીમેડવાળા કટિંગ કરીને આપે એને તેઓ સીવીને આપી દેતાં. તેમનાં મા-બાપ તેમની સાથે રહેવા લાગ્યાં અને બાળકોને સાચવવામાં મદદ કરવા લાગ્યાં. એમ કરતાં એક વરસ નીકળી ગયું. દમયંતીબહેન કહે છે, ‘રેડીમેડના કામમાં ત્યારે રોજનો દોઢ રૂપિયો મળતો એમાં શું થાય? તેથી હું સાથે-સાથે કપડાંનું કટિંગ શીખવા લાગી. એક જણે મને તેમનું સિલાઈ મશીન વાપરવા આપ્યું એટલે રિપેરિંગનું કામ કરવા લાગી. એમાં મને થોડી વધુ આવક મળવા લાગી. જોકે એ મશીન બે વરસ પછી જેનું હતું તેને પાછું આપ્યું અને મારા પિતાએ મને નવું મશીન લઈ આપ્યું. કપડાંના રિપેરિંગના કામમાં અને રેડીમેડના કામમાં થોડી આવક થતી અને થોડીઘણી મદદ મારા પિતા કરતા.’

આટલા કામથી દમયંતીબહેનનું ગાડું કંઈ ગબડતું નહોતું. જિંદગીના બે છેડા ભેગા કરવા સરળ નથી હોતા. શરૂઆતનાં દસ વર્ષ બહુ ખતરનાક ગયાં. તેઓ કહે છે, ‘બાપ રે, એ સમય યાદ ન કરીએ તો જ સારું. રોજ સવારે સાડાપાંચ વાગ્યે ઊઠી જતી અને રાત્રે અગિયાર વાગ્યે સૂવા મળતું. બપોરે જરાય આરામ કરવાનો નહીં. ટિટવાલામાં રૅશનિંગના ચોખા મળતા એ રોજ દસ કિલો લઈ આવતી અને ઘાટકોપરમાં વેચતી. એમાં કિલોએ એક-દોઢ રૂપિયો મળતો. બાળકોને રામજી આસર સ્કૂલમાં ભણવા મૂક્યાં ત્યાં પણ તેમની ફી-માફી હતી એટલે વાંધો નહોતો આવતો.’

નાના દીકરાને અંધેરીમાં તેમની નાતની બોર્ડિંગમાં ભણવા મૂક્યો, પણ ત્યાં રહેવાનું તેને નહોતું ફાવતું અને ત્યાં જવાનું દમયંતીબહેનને નહોતું ફાવતું એટલે તેને ઘરે પાછો બોલાવી દીધો. બે છેડા ભેગા કરવાની લાયમાં તેઓ તેમના છોકરાઓના ભણતરમાં ધ્યાન ન આપી શક્યાં. તેમના બન્ને દીકરાઓ વધુ ભણ્યા નહીં. મોટો દીકરો નવમી સુધી ભણ્યો અને પછી મંગળદાસ માર્કેટમાં કામે લાગ્યો. પોતાના દીકરાઓને વધુ ન ભણાવી શકવાનો તેમને આજે પણ અફસોસ છે, પણ દીકરાના દીકરાઓ સારું ભણી રહ્યા છે એ જોઈને સંતોષ છે. નાનો દીકરો પણ ૧૪મી સુધી ભણ્યો અને લોખંડબજારમાં કામે લાગ્યો. જોકે તેમણે તેમના દીકરાઓને કહેલું કે હું કમાઉં છું એટલે કમાવાની ચિંતા કરવાની જરૂર નથી, તમતમારે ભણો; પણ તેઓ ભણી ન શક્યા.

આજેય રોજનું ૫૦ રૂપિયાનું સિલાઈકામ તો હું કરી જ લઉં છું; જોકે હવે જરૂર નથી, પણ કામ કરવાની આદત પડી ગઈ છે એમ કહેતાં દમયંતીબહેનને બેસી રહેવું નથી ગમતું. તેમની દીકરી પરણીને સાસરે છે. તે કલ્યાણમાં રહે છે. મોટો દીકરો પરણ્યો અને પછી નાનાને પરણાવવાનો હતો એટલે ચેમ્બુરના તિલકનગરમાં રૂમ લીધી. મોટો દીકરો ત્યાં રહેવા ગયો અને નાનો દીકરો તેમની સાથે રહે છે. મોટો દીકરો રહે છે ત્યાં હવે બિલ્ડિંગ બનવાનું હોવાથી તેને ફ્લૅટ મળશે એટલે તેઓ ખુશ છે. મોટા દીકરાને બે દીકરા છે અને નાનાને એક દીકરો છે જે એસએસસીમાં છે. તેને ઇંગ્લિશ મિડિયમમાં છે ભણાવ્યો એટલે દમયંતીબહેન ખુશ છે. તેઓ રોજ સવારે મંદિરમાં જાય છે, હરેફરે છે અને ભજન-સત્સંગ કરીને મજા કરે છે. જિંદગી જેવી પણ હતી એમાં તેઓ ખુશખુશાલ રહે છે. ૨૨ મેએ ઘાટકોપર બ્રાહ્મણ સમાજ વરિષ્ઠનું નાગરિક પ્રવૃત્તિ કેન્દ્ર તેમને સામા પ્રવાહે જીવતા સુખી જીવ (નિવૃત્તિમાં પ્રવૃત્તિ) અવૉર્ડ આપવાનું છે.

super-mom2ભરયુવાનીમાં પ્રવેશેલી દીકરીને કિડની સાથે દીધી અરમાનોની ભેટ

કાંદિવલી-વેસ્ટમાં રહેતાં દક્ષા કિશોર સામાણીને એક દિવસ અચાનક ખબર પડી કે યુવાનીના ઉંબરે ઊભેલી પોતાની દીકરીની બન્ને કિડની ફેલ છે. દીકરીનાં અરમાનોના પહાડને કડડડભૂસ થતો તેઓ સહી ન શક્યાં અને એ જ ઘડીએ નક્કી કરી લીધું કે પોતાની એક કિડની તેઓ દીકરીને આપશે. ૧૬ વર્ષથી તેઓ એક કિડની પર જીવી રહ્યાં છે અને પોતાની દીકરીને જિવાડી રહ્યાં છે.

૫૮ વર્ષનાં દક્ષાબહેનને બે દીકરી અને એક દીકરો છે. તેમની મોટી દીકરી શિલ્પા અત્યારે ૩૮ વર્ષની છે. કાંદિવલીમાં જ રહેતા દશા સોરઠિયા રવિ વખારિયાને તે પરણી છે. તેને સાત વર્ષની દીકરી શ્રિયા છે. ૧૯૯૪માં ગ્રૅજ્યુએટ થયેલી પોતાની દીકરીની વાત કરતાં દક્ષાબહેન કહે છે, ‘શિલ્પા બીકૉમ થઈ ગઈ. તે દેખાવડી પણ બહુ હતી. તેના સંબંધ માટે માગાં આવવા લાગ્યાં હોવાથી અમે પણ તેનાં લગ્ન માટે સિરિયસ્લી વિચારી રહ્યાં હતાં. એવામાં અચાનક જ ખબર પડી કે તેની બન્ને કિડની સંકોચાઈ ગઈ છે. કિડની રીનલ ફેલ્યર છે એવું હરકિસનદાસ હૉૅસ્પિટલના ડૉૅક્ટરોએ કહ્યું ત્યારે મારા માથે આભ તૂટી પડ્યું. આ વયે મારી દીકરીને કેટલાં અરમાનો હોય? તેને ડાયાલિસિસ પર રાખવી પડશે તો તેનાં અરમાનોનું શું થશે?’

વાત એમ બની કે એક વાર અચાનક શિલ્પાને બહુ ઉધરસ આવવા લાગી એટલે ફૅમિલી ડૉક્ટરને બતાવ્યું તો કહે કે પોલ્યુશનના કારણે છે. ઉધરસ ન મટી એટલે તે અઠવાડિયા સુધી પોતાની જાતે ડૉક્ટર પાસે જઈ દવા લઈ લેતી; પણ કંઈ ફરક ન પડ્યો એટલું જ નહીં, શ્વાસ અને ગભરામણ વધવા લાગ્યાં. રાત્રે બે-ચાર તકિયા લઈને સૂઈ જવું પડતું. નાની બહેન બરડામાં હાથ ફેરવે પછી જ ઊંઘ આવતી. આવી વાતની ખબર પડી એટલે દક્ષાબહેન તેને ડૉક્ટર પાસે લઈ ગયાં અને બધી વાત કરી. એ સમયે તેનું બ્લડપ્રેશર હાઈ આવ્યું. ૨૩ વર્ષની ઉંમરે આટલું બધું બીપી જોઈ ડૉક્ટરે તેના પપ્પાને બોલાવવા કહ્યું. એ જ સમયે તેને છાતીમાં પણ દુખાવો થવા લાગ્યો એટલે ડૉક્ટરે કાર્ડિયોલૉજિસ્ટ પાસે લઈ જવા કહ્યું. એ પછી ડૉક્ટરોએ નિદાન કર્યું કે તેની બન્ને કિડની સંકોચાઈ ગઈ હોવાથી ફેલ થઈ ગઈ છે.  સાથે ડૉક્ટરે એ પણ સલાહ આપી કે તેને બીજી કોઈ બીમારી નથી, કોઈ કિડની આપે તો બચી જાય. એ સમયને યાદ કરતાં દક્ષાબહેન કહે છે, ‘મેં તરત ડૉક્ટરને પૂછી જોયું કે કિડની આરોપાયા પછી તે લગ્ન કરી શકશે? તેને બાળકો થઈ શકશે? ડૉક્ટરે કહ્યું કે તે લગ્ન પણ કરી શકશે અને બાળકો પણ પેદા કરી શકશે એ જ ઘડીએ મેં નક્કી કરી લીધું કે હું મારી કિડની મારી દીકરીને આપીશ. તેનાં લગ્ન કરવાનાં હતાં! તેને કેટલાં બધાં અરમાનો હોય?’

દક્ષાબહેને તો ત્યારે કંઈ જ ન વિચાર્યું કે તેમની પોતાની જિંદગીને કોઈ તકલીફ થશે કે નહીં અને જો એવું કંઈ થશે તો એનાથી નાનાં સંતાનો અને પતિનું શું થશે? જોકે કિશોરભાઈને ચિંતા થઈ આવેલી કે તેમની જિંદગી રઝળી નહીં પડેને! જોકે ડૉક્ટરે કહ્યું હતું કે દક્ષાબહેનને કોઈ તકલીફ નહીં થાય. આઠેક ડાયાલિસિસ પછી ૧૯૯૬ની ૧૮ એપ્રિલે હરકિસનદાસ હૉસ્પિટલમાં એક જ ઑપરેશન થિયેટરમાં એકસાથે મા અને દીકરીનાં ઑપરેશન થયાં અને દક્ષાબહેનની એક કિડની શિલ્પાના શરીરમાં આરોપાઈ. દક્ષાબહેન કહે છે, ‘એ સમયે હૉસ્પિટલમાં અમને એમ સાંભળવા મળેલું કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના બે-ત્રણ કેસ ફેલ પણ થઈ ગયા હતા; પણ મને ભગવાન પર ભરોસો હતો અને મન મક્કમ હતું કે મારું તો જે થવાનું હોય એ થાય, મારી દીકરી તો જિંદગી માણી શકશે!’

મમ્મીની કિડની સાથે શિલ્પા સરસ જિંદગી જીવી. ૨૮મા વરસે કાંદિવલીમાં રહેતા રવિ વખારિયાએ બધી જ હકીકતોની જાણ સાથે અને દક્ષાબહેને પણ જન્માક્ષર વગેરે મૅચ થયા પછી તેનાં લગ્ન કરાવ્યાં. અત્યારે તેમને સાત વર્ષની દીકરી શ્રિયા છે. દક્ષાબહેનની તબિયત પણ સારી છે અને દર છ મહિને રૂટીન ચેક-અપ કરાવી લે છે, પરંતુ હવે જે ટ્રૅજેડી થઈ છે એની વાત કરતાં દક્ષાબહેન કહે છે, ‘શિલ્પાને આપેલી મારી કિડની ૧૫ વર્ષ બરાબર ચાલી, પણ છેલ્લા એક વર્ષથી ફરી કામ નથી કરતી. વીકમાં બે વાર ડાયાલિસિસ કરાવવું પડે છે. જોકે ડાયાલિસિસ તે જાતે જ જઈને કરાવી લે છે. હવે ફરી કિડની આપવી પડે એમ છે. તેના પતિ આપી શકે, પણ દીકરી નાની છે એટલે હવે તે પોતે જ ઑપરેશન કરાવવાની ના પાડે છે. ભગવાન પર ભરોસો રાખ્યો છે. એ સારું જ કરશે.’

દક્ષાબહેનની નાની દીકરી મેઘના મુંબઈમાં રહે છે. તેને પણ બે દીકરીઓ છે. દક્ષાબહેનનો દીકરો સુમિત પત્ની સાથે લંડનમાં સેટલ્ડ છે. કિશોરભાઈ ન્યુ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપનીમાં ડેવલપમેન્ટ ઑફિસર છે. આ પરિવારે દીકરી માટે ઘણો ખર્ચ કર્યો છે. નવી કિડનીને બૉડી રિજેક્ટ ન કરે એ માટે મહિને પચીસેક હજારની દવાઓ શિલ્પાને ૧૫ વર્ષથી ચાલુ છે, પણ આ બધા સાથે આ પરિવાર અને એમાંય દક્ષાબહેન ખાસ એક ખુશી મનાવી રહ્યાં હતાં કે તેમની દીકરી તેનાં અરમાનોને પૂરાં કરી શકી.

દીકરાને ઊંચું શિક્ષણ આપવું જ છે

તારા આગમનથી પાનખરમાં કોળી વસંત

ને મ્હોરી ઊઠી મમ ફૂલવાડી

નિહાળ્યો મેં તારાં નયનોમાં આવતી

કાલનો ઉજાસ તેથી

વહેતી રહી અલકમલકમાં ઉભયની

અનોખી જીવનશૈલી

super-mom3કે. જે. સોમૈયા કૉલેજ ઑફ આટ્ર્સ ઍન્ડ કૉમર્સનાં પ્રિન્સિપાલ ડૉ. સુધા વ્યાસે તેમના દીકરા શિવાંગના જન્મ સમયે આ પંક્તિઓ લખી હતી. દીકરાને ઉચ્ચતમ શિક્ષણ આપવા તેમણે જે જહેમત ઉઠાવી હતી એ જરાય સામાન્ય નથી. તેમનો દીકરો શિવાંગ ૩૧ વર્ષનો છે, સીએ (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) અને સાથે માસ્ટર્સ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલોજી થયો છે. શિવાંગ પત્ની કૃતિ અને ત્રણ વર્ષની દીકરી ત્વિશા સાથે અમેરિકામાં સેટલ છે. ૫૧ વર્ષનાં સુધાબહેન કહે છે, ‘દીકરાને ભણાવવાની મારી સ્ટ્રગલ જોઈને દીકરાએ પણ એને પૂરતો રિસ્પૉન્સ આપ્યો છે. કૉમર્સ ગ્રૅજ્યુએશન સાથે તે સીએ થયો છે. તેણે કદી ટ્યુશન નથી લીધું કે કોચિંગ ક્લાસનો ખર્ચ પણ નથી કર્યો. તે સ્કૉલરશિપ મેળવતો હતો. કમ્પ્યુટર એન્જિનિયર થવા ૨૦૦૦ની સાલમાં તે ઑસ્ટ્રેલિયા ગયો અને ત્યાંની યુનિવર્સિટીમાં ફસ્ર્ટ આવ્યો.’

શામળાજી નજીકના ટીંટોઈ ગામનાં ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ સુધાબહેનનાં ૧૯મા વર્ષે લગ્ન થયાં અને ૨૦મા વર્ષે તેમને દીકરો આવ્યો. ત્યારે તેઓ આર્ટ્સ ગ્રૅજ્યુએટ હતાં. પતિને મદદરૂપ થવા તેઓ તેમની સાથે નામું લખવાનું અને ટ્યુશન લેવાનું કામ કરતાં હતાં. સાથે સાસુ દૂધ આપવાનું કામ કરતાં એમાં પણ મદદ કરતાં, કારણ કે દૂધ આપવા સાસુએ બધે જવું પડે એટલે તેઓ થાકી જાય એવું તેમને લાગતું હતું.

દીકરાને સ્કૂલમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે સુધાબહેન અને તેમના ઘરવાળા વચ્ચે થોડો મતભેદ થયો. સુધાબહેનને દીકરાને ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં અને મુંબઈની ટોચની સ્કૂલમાં મૂકવો હતો. આ સ્કૂલની ફી એ સમયે મહિને ૨૦૦ રૂપિયા હતી. આ વાત છે ૧૯૮૪ની. સુધાબહેન કહે છે, ‘૨૦૦ રૂપિયા ફી ઘણી વધારે કહેવાય, કારણ કે મારા પતિ પર હું, મારાં સાસુ અને ચાર બહેનોની જવાબદારી હતી; પણ હું જીદ પર હતી કે મારે મારા દીકરાને વીટીમાં આવેલી ન્યુ ભરડા હાઈ સ્કૂલમાં જ મૂકવો છે, કારણ કે એમાં અંગ્રેજી મિડિયમમાં પણ ગુજરાતી વિષય ભણાવવામાં આવતો હતો. આ સ્કૂલમાં દીકરાનું ઍડ્મિશન લીધા પછી મારી જવાબદારી ઘણી વધી ગઈ હતી.’

દીકરાના સ્કૂલ-ખર્ચને પહોંચી વળવા માટે સુધાબહેને આકરી મહેનત શરૂ કરી. એ સમયે તેઓ ભુલેશ્વરમાં રહેતાં હતાં. સવારે પોણાસાત વાગ્યે ચોપાટીમાં આવેલી ભવન્સ કૉલેજમાં લેક્ચર આપવા સવારે છ વાગ્યે ઘરેથી નીકળતાં પહેલાં તેઓ બધી રસોઈ બનાવી લેતાં. એ માટે સવારે ચાર વાગ્યે ઊઠવું પડતું. અહીં એક લેક્ચરના ૧૦ રૂપિયા મળતા. ત્યાંથી ગામદેવીની બી. એમ. રુઇયા કૉલેજમાં લેક્ચર આપવા જતાં. અહીં ૧૨ રૂપિયા મળતા. એ પછી પારસી જનરલ હૉસ્પિટલ સામેની ગ્રીન લૉન્સ હાઈ સ્કૂલમાં પણ ટીચરની જૉબ મળી હતી. ત્યાં તેમને મહિને ૬૦૦ રૂપિયા મળતા. ત્યાં જતાં એ પછી સિડનહૅમ કૉલેજમાં લેક્ચર આપતાં. ત્યાં ૯ રૂપિયા મળતા. સાંજે છ વાગ્યે ઘરે આવી સાંજની રસોઈ કરતાં અને પછી ટ્યુશન્સ લેતાં. એ પતાવે અને જમીને કામ પરવારે ત્યાં સાડાઅગિયાર વાગી જતા. દીકરો આવ્યા પછી તેમણે ગુજરાતી વિષયમાં માસ્ટર્સ કર્યું. એના છ વર્ષ પછી એમફિલ (માસ્ટર્સ ઇન ફિલોસૉફી) કર્યું. એના એક દસકા પછી ૧૯૯૮માં પીએચડી (ડૉક્ટર ઇન ફિલોસૉફી) કર્યું. દીકરો આવ્યા પછી તો બે વર્ષ તેઓ રાજકોટ પણ શિફ્ટ થયાં, જ્યાં ત્યાંના એક પ્રેસમાં પણ કામ કર્યું.

આગળ ભણવાનું અને દીકરાને ભણાવવા માટે કમાવાનું સુધાબહેનની લાઇફમાં સમાંતર ચાલતું રહ્યું. ૧૯૯૨માં અંધેરીની ભવન્સ કૉલેજમાં ફુલ ટાઇમ લેક્ચરર તરીકે જોડાયા પછી આર્થિક તકલીફો ઓછી થઈ. ૧૯૯૪માં સોમૈયા કૉલેજમાં લેક્ચરર તરીકે જોડાયાં અને બે વર્ષમાં રિસર્ચ કરી પીએચડી થયાં. ૧૯૯૫માં સોમૈયા કૉલેજમાં ગુજરાતી વિભાગનાં હેડ બન્યાં, ૨૦૦૨માં વાઇસ પ્રિન્સિપાલ તથા ૨૦૦૯માં પ્રિન્સિપાલ બન્યાં.

આમ સુધાબહેન ભલે ગમે એટલી મહેનત કરવી પડે, દીકરાને જે ઉચ્ચતમ શિક્ષણ આપવા ઇચ્છ્યું હતું એ આપીને જ રહ્યાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK