વહાલ વરસાવ્યું કેટલું, કેટલી દીધી મહેકની છાબ કહો કોઈ માતાએ રાખ્યો એનો ક્યાંય હિસાબ?

બીજાના દુ:ખે દુ:ખી થનારા અને બીજાના સુખે સુખી થનારા સજ્જનો તો જગતમાં ઘણાય છે, પરંતુ બીજાને સુખી કરીને સુખ પામનાર મા જેવા ભાગ્યે જ કોઈ હશે

yuvi-momરોહિત શાહ

એક સ્કૂલના વાર્ષિકોત્સવ સમારોહના સાક્ષી બનવાનું થયું. એમાં એક સરસ સ્પર્ધા રાખવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીએ માઇક પાસે આવીને ‘મા’ વિશે માત્ર એક વાક્ય કે એક પંક્તિ રજૂ કરવાની હતી. મોટે ભાગે જાણીતી પંક્તિઓ જ રજૂ થતી હતી. એક વિદ્યાર્થીએ નવી જ રજૂઆત કરી: ‘આપણને માલામાલ કરી મૂકે એ મા!’

મજાની વાત એ બની કે એ વિદ્યાર્થી પછી તરતના ક્રમે આવેલા નવા વિદ્યાર્થીએ આ વાક્યમાં સહેજ ફેરફાર કરીને એના પર મૌલિકતાની મહોર મારી દીધી. તે બોલ્યો: ‘આપણને જીવનભર માલામાલ રાખે તે મા હોય છે.’

જેની પાસે મા હોય તે કદી ગરીબ ગણાય જ નહીં એવી વાતો શીખવા માટે આપણે શશી કપૂર અને અમિતાભ બચ્ચનના અભિનયવાળી ફિલ્મ ‘દીવાર’ વારંવાર જોવી જોઈએ.

મા આપણને માલામાલ કરે છે પણ ખરી અને માલામાલ રાખે છેય ખરી.  ક્યારેક વૃદ્ધ માતાની પાસે નિરાંતે બેસીને બે ઘડી વાતો કરીએ છીએ ત્યારે તેની આંખોમાંથી છાલક મારતી વહાલની સરવાણીઓ એવી કમાલ કરે છે કે આપણે ન્યાલ થઈ જઈએ.

માલામાલ કરનારું કોઈ બીજું પાત્ર કદાચ જડી પણ જાય, પરંતુ ન્યાલ કરવામાં માતાની કમાલને કોઈ ન પહોંચે.

એક લોકગીતમાં દિયર તેની ભાભી માટે વાટીઘૂંટીને મેંદીના વાડકા ભરે છે:

વાટીઘૂંટીને ભર્યા વાડકા રે ભાભી!

રંગો તમારા હાથ રે...

મેંદી રંગ લાગ્યો...

મા આપણા માટે વાટીઘૂંટીને તેનું આયખું ભરતી રહે છે. કમ્પ્યુટરની કે વેબસાઇટની શોધ નહોતી થઈ એવા આદિકાળથી માતૃત્વ નામની એક વેબસાઇટ ચાલી રહી છે. એનો પાસવર્ડ છે વાત્સલ્ય. હૃદયના કમ્પ્યુટરમાં વાત્સલ્યડૉટકૉમ લખશો તો તરત જેણે વાટીઘૂંટીને પોતાનું આયખું ભર્યું છે એવી માતાની આંખો તમારી સામે આવશે.

વહાલ વરસાવ્યું કેટલું

કેટલી દીધી મહેકની છાબ

કહો કોઈ માતાએ રાખ્યો

એનો ક્યાંય હિસાબ?

જો માતાને પોતાના ઉપકારોનો હિસાબ રાખવાની હૅબિટ હોત તો આખું જગત તેનું દેવાદાર બની ગયું હોત. ખુદ ઈશ્વર પણ માતાનો દેવાદાર હોત, કારણ કે ઈશ્વરનેય જન્મ તો માતાની કૂખે જ લેવો પડતો હોય છેને! એટલે જ તો કોઈ કવિએ સરસ પંક્તિ લખી છે:

‘મ’ને લગાડો કાનો (મા)

પછી ઈશ્વર પણ લાગશે નાનો!

આપણે કોઈ પણ ઉપદેશ સાંભળીએ છીએ ત્યારે એમાં હંમેશાં કહેવાય છે કે માફ કરવાનું શીખો, બીજાને ક્ષમા આપતા રહો. ‘માફ’ અને ‘ક્ષમા’ આ બે શબ્દો મહાન છે, કારણ કે એ બન્ને શબ્દોમાં ‘મા’ છે. એક હિન્દી કવિએ બહુ મજાની પંક્તિ લખી છે:

કુછ ઇસ તરહા મેરે ગુનાહોં કો

વો ધો દેતી હૈ

માં બહુત ગુસ્સા હોતી હૈ

તો રો લેતી હૈ!

માણસ કેટલો મહાન કે પવિત્ર છે એ માપવું હોય તો તેને ગુસ્સે કરવાનો પ્રયત્ન કરી જોવો. ગુસ્સામાં તે જેવી રીતે વર્તે છે એ તેનું કૅરૅક્ટર સર્ટિફિકેટ હોય છે. મા જ્યારે પોતાના સંતાન પ્રત્યે ગુસ્સે થાય ત્યારે ખાનગીમાં રડી લે છે. જાહેરમાં રડે તો તેના સંતાનની બદનામી થાયને. માતાએ છાનાં-છાનાં વહાવેલાં આસું તેના સંતાનના અપરાધોને ધોઈને સાફ કરે છે. આમેય માફ કરવું એટલું સાફ (સ્વચ્છ) કરવું એવો જ અર્થ છે.

માતાની એક ખૂબી એ છે કે તે સૌને સાચવે છે છતાં સૌ તેને સાચવે એવી તેની અપેક્ષા નથી હોતી. પોતે કશીયે ડિમાન્ડ ન કરે અને સૌની ડિમાન્ડ્સ પૂરી કરવા મથતી રહે તે મા હોય છે. ‘ડિમાન્ડ’ શબ્દમાંય મા તો છે જ! તમે માર્ક કરજો કે આપણને ઓચિંતી કશી તકલીફ પડે, કોઈ આઘાત લાગે કે અણધાર્યું કોઈ કષ્ટ આવી પડે તો આપણા મોઢામાંથી ‘ઓ મા...’ શબ્દ નીકળી પડે છે અને જો કોઈ આનંદનો અવસર મળે, કંઈક સફળતા મળે કે સુખદ ઘટના ઘટે ત્યારે ‘થૅન્ક ગૉડ...’ ઉદ્ગાર નીકળી પડે છે. દુ:ખદ કે કષ્ટ-પ્રસંગે આપણને મા એટલા માટે યાદ આવે છે કે તે હંમેશાં આપણાં દુ:ખો અને કષ્ટો દૂર કરવા મથામણ કરતી હોય છે. બીજાના દુ:ખે દુ:ખી થનારા લોકો સંસારમાં ઘણા છે એ જ રીતે બીજાના સુખે સુખી થનારા લોકોય ઘણા છે. તેમને સજ્જનો કહેવાય. પરંતુ બીજાને સુખી કરીને પોતે સુખ પામનારા માણસો બહુ ઓછા હોય છે. મા સંતાનને સુખી કરીને પોતે સુખ માણતી હોય છે. જો ગૉડ ઇઝ ગ્રેટ તો મધર ઇઝ ગ્રેટર.

સ્ત્રીઓની ઈર્ષા

સ્ત્રીઓની એક બાબતે મને હંમેશા ઈર્ષા આવે છે. તે મા બની શકે છે. નવ મહિના સુધી પોતાના શરીરની અંદર એક નવું શરીર આકાર પામતું રહે, હલનચલન કરતું રહે એ અનુભવ ગમે તેટલા પુણ્યાત્મા પુરુષનેય નથી મળતો. પુરુષને પિતા બનવાની તક મળે છે, પણ મા બનવાનું સૌભાગ્ય નથી જ મળતું. ગર્ભાવસ્થાના નવ મહિના દરમ્યાન માતાની આંખોમાં પ્રતીક્ષાનાં કેટકેટલાં પંખીઓ ટહુકા કરતાં હશે! જેનું હજી મોં પણ જોયું નથી તેના પ્રત્યે પણ પારાવાર વહાલ વરસાવીને તેની વાટ જોવાનું કેવું સુખદ હોતું હશે એની પુરુષને પ્રતીતિ થતી જ નથી.

માતાને તરબોળ કરીએ

નવી જનરેશનને મારે એક જ વાત કહેવી છે કે તમે માતાને ભરપૂર ચાહજો. કહેવાય છે કે માતાનાં વધુપડતાં લાડ-પ્યારથી સંતાનો વંઠી જતાં હોય છે. પરંતુ એક વાત નક્કી છે કે સંતાનો દ્વારા ગમે એટલાં માન-આદર મળે તોય મા કદી વંઠી જતી નથી. માતા પ્રત્યે પ્રેમ હોવો એટલું જ ઇનફ નથી, માતાને વારંવાર આપણા પ્રેમની અનુભૂતિ થતી રહેવી જોઈએ. ‘આઇ લવ યુ મમા!’ એવા શબ્દો જ માત્ર ઉચ્ચારવાના નથી, આપણા લવથી તેને તરબોળ કરવાની છે. આમ થાય તો મધર્સ ડે ઊજવેલો સાર્થક ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK