અમારે તો લગ્ન કરવાં જ હતાં દિવસ તો યોગાનુયોગ મળી ગયો

વિલે પાર્લે (ઈસ્ટ)માં રહેતા ચિંતન કિલ્લાવાળા અને વડોદરામાં રહેતી અંકિતા પટેલને અક્ષયતૃતીયાનો સપરમો દિવસ રૂઢિગત માન્યતાઓને લીધે નહીં પણ તેમના મિલનને લીધે શુભ લાગે છે

chintanઅર્પણા ચોટલિયા

‘અમારે તો બસ જલદી લગ્ન કરવાં હતાં, પછી દિવસ કોઈ પણ હોય.’

ચિંતન અને અંકિતા બન્નેનું આવું માનવું છે. અક્ષય તૃતીયાનો દિવસ વર્ષનાં સાડાત્રણ શુભ મુરતોમાંનો એક છે અને આજના દિવસે લગ્ન માટે કોઈ મુરત નથી જોવડાવવું પડતું, કારણ કે આખો દિવસ જ બધા માટે શુભ હોય છે. જોકે ચિંતન કિલ્લાવાળા અને અંકિતા પટેલને લગ્નની તારીખ નક્કી કર્યા પછી ખબર પડી હતી કે એ દિવસે અક્ષયતૃતીયા પણ છે. બન્નેના પેરન્ટ્સને આ યોગાનુયોગ ખૂબ પસંદ પડ્યો, પણ ચાર વર્ષના કોર્ટશિપ પિરિયડ પછી આજના શુભ દિવસે લગ્ન કરનારાં આ પ્રેમીપંખીડાંના વિચારો કંઈક જુદા જ છે.

લગ્ન એટલે શુભ

૨૪ વર્ષની અંકિતા કિન્ડરગાર્ટન ટીચર છે. તે વિલે પાર્લે-જુહુમાં જ જન્મી અને મોટી થયેલી છે, પણ છેલ્લા દસ મહિનાથી તે ફૅમિલી સાથે વડોદરામાં રહે છે. ૨૨ વર્ષનો ચિંતન તેના પપ્પા જિગર કિલ્લાવાળા સાથે પોતાના રેલવે ટેલિકમ્યુનિકેશનના ફૅમિલી બિઝનેસમાં જોડાયેલો છે. પોતાના પ્રેમની શરૂઆત વિશે જણાવતાં ચિંતન કહે છે, ‘અમારી કૉલેજ તો જુદી-જુદી હતી, પણ કૉમન ફ્રેન્ડ્સ થ્રૂ અમે મળેલાં અને ત્યાર પછી એકબીજાને પસંદ કરવા લાગ્યાં. મેં તેને પ્રપોઝ કર્યું હતું જેની તેણે હા પાડી. ત્યાર બાદ ચારેક વર્ષ ફર્યા અને ગયા વર્ષે ઑક્ટોબરમાં અમે સગાઈ કરી.’

વાતમાં વચ્ચે કૂદી પડતાં અંકિતા કહે છે, ‘સગાઈ પછી હું વડોદરા શિફ્ટ થઈ અને અમે નક્કી કર્યું કે વહેલામાં વહેલી તકે પરણી જવું છે.’

દિવસ એટલે નસીબ નહીં

અક્ષયતૃતીયાના શુભ દિવસે તેઓ પરણી રહ્યાં છે એ વાતની બન્નેને ખુબ જ ખુશી છે, પરંતુ એના કરતાં પણ એ વાત તેમને વધુ મહત્વની લાગી રહી છે કે તેઓ પરણી રહ્યાં છે. આ વિશે અંકિતા કહે છે, ‘અમારા બન્નેના પેરન્ટ્સે અમને કહ્યું છે કે આજનો દિવસ ખૂબ શુભ છે, પણ અમારા માટે અમે લગ્ન કરી રહ્યાં છીએ એ મહત્વનું છે. આજના દિવસે ઘણા લોકો લગ્ન કરે છે અને અમે પણ કરી રહ્યાં છીએ. ઘણા લોકો ભાગીને પણ લગ્ન કરે છે. ત્યારે તેઓ ક્યાં મુરત જોવા જાય છે? એટલે કોઈ દિવસ લગ્નને ટકાવી નહીં રાખે, પણ તમારા પોતાનામાં એ લગ્નને નિભાવવાની સૂઝ હોવી જરૂરી છે. હું કોઈ ચીજ લેવી હોય તો પણ દિવસ જોવામાં નથી માનતી, કારણ કે જો હું દિવસ જોવા બેસું તો એટલામાં એ ચીજ કોઈ બીજાએ લઈ લીધી હોય તો હું રહી જાઉં. એટલે હું મન થાય ત્યારે જે કરવું હોય એ કરું છું. હું રિલિજિયસ છું, પણ અંધશ્રદ્ધાળુ તો નહીં જ.’

અંકિતાની વાત સાથે સહમત થતાં ચિંતન કહે છે, ‘અમારા નસીબમાં જે છે એ ક્યાંય જવાનું નથી; એ થવાનું જ છે. એટલે આવા સારા દિવસે પરણવાની ખુશી મને છે, પણ અક્ષયતૃતીયાનું કોઈ સ્પેશ્યલ એક્સાઇટમેન્ટ નથી. મને તો કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે લગ્ન માટે ભલે સારો દિવસ હોય, પણ મારી રાશિ પ્રમાણે મારા માટે આજનો દિવસ એટલો શુભ નથી. તો પણ મેં એ ન માનતાં લગ્ન માટે આ જ તારીખ પસંદ કરી છે, કારણ કે દિવસ કે તારીખ નસીબ નથી લખતાં.’

પૂર્વતૈયારી કરી હતી

ઑક્ટોબરમાં સગાઈ થયા બાદ તરત જ લગ્નનું મુરત કઢાવ્યું હોવાથી આ કપલનાં લગ્નમાં કોઈ મુશ્કેલી નથી આવી. મોટા ભાગે આ દિવસે વધુ લગ્નો હોવાથી હૉલ, મેંદી, ગ્રૂમિંગ, કેટરર તેમ જ ગોરમહારાજ બધાનાં જ બુકિંગ મળવાં મુશ્કેલ હોય છે. જોકે આ સ્માર્ટ કપલે અક્ષયતૃતીયાની ભીડને ધ્યાનમાં રાખીને લગ્નની તારીખ નક્કી થયા પછી તરત જ બધી તૈયારીઓ શરૂ કરી દીધી હતી જેથી પછીથી કંઈ ન મળે એવો મોકો જ ન આવે. ચિંતન કહે છે, ‘મારા બન્ને કઝિનની એપ્રિલના પહેલા વીકમાં પરીક્ષા હતી. ૧૩ એપ્રિલે એક્ઝામનો છેલ્લો દિવસ હતો એટલે એ પહેલાં તો પરણવું જ નથી એ નક્કી હતું અને આ જ મહિનામાં પરણી લેવું છે એ પણ નક્કી હતું. એટલે તૈયારીઓ એ મુજબની જ કરી હતી.’

મહત્વ ખબર છે, પણ માનતાં નથી

ચિંતન અને અંકિતા બન્ને લગ્નને લઈને ખૂબ એક્સાઇટેડ છે. ચિંતન કહે છે, ‘મારું ધ્યેય હતું કે મારે અંકિતાને પરણવું છે. એટલે જો આજે અક્ષયતૃતીયા ન હોત તો પણ અમારા માટે તો શુભ જ છે. મારું માનવું છે કે જીવનને કોઈ કન્ટ્રોલ કરી શકતું નથી. જે નસીબમાં હોય છે એ બનીને જ રહે છે. માટે દિવસની માન્યતાઓમાં ન પડી લોકોએ પોતાની સૂઝબૂજથી જીવન પસાર કરવું જોઈએ.’

મમ્મી-પપ્પા માટે પણ શુભ

ચિંતનનાં મમ્મી નીતાબહેન અને પપ્પા જિગરભાઈની સગાઈની તારીખ પણ ૨૪ એપ્રિલ જ હતી. એટલે તેઓ પોતાના દીકરાનાં લગ્ન આજે હોવાથી ખૂબ ખુશ છે. તેઓ કહે છે, ‘લગ્નનું મુરત જોવડાવીને ઘરે આવ્યાં ત્યાર બાદ ખબર પડી કે એ દિવસે અખાત્રીજ પણ છે. એટલે મારી ખુશીનો તો પાર ન રહ્યો કે યોગાનુયોગ આટલા શુભ દિવસે મારા દીકરાનાં લગ્ન થશે. અક્ષયતૃતીયાનો દિવસ ખૂબ જ શુભ છે એટલે કોઈ કામમાં કોઈ વિઘ્ન આવવાનો તો સવાલ જ નથી. વળી અમારી સગાઈ પણ એ જ દિવસે થઈ હતી એટલે મને વધુ ખુશી થાય છે. અમને તો આ શુભ દિવસ યોગાનુયોગ મળી ગયો છે જેની અમે કોઈ ધારણા પણ નહોતી કરી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK