ઘરેણાં ઑર્ડર કર્યા પછી અખાત્રીજ યાદ આવી એટલે ડિલિવરી આજે લેવાની છું : અપરા મહેતા

હું તિથિઓમાં બહુ માનું છું. ચૌદસ-અમાસ તો મને મોઢે યાદ રહે છે એટલે સ્વાભાવિક છે કે અખાત્રીજ પણ મને યાદ જ હોય. અખાત્રીજના એક વીક પહેલાં જો મારે કંઈ લેવાનું હોય તો હું એની ડિલિવરી અખાત્રીજના દિવસે જ લઉં છું.

apara-mehtaઆ વખતે એક ફંક્શન માટે મેં પહેલાં ગોલ્ડ ઓર્નામેન્ટ્સનો ઑર્ડર આપી દીધો, પણ પછી મને અખાત્રીજ યાદ આવી ગઈ એટલે મેં મારા જ્વેલરને ફોન કરી દીધો છે. હવે હું એ ઓર્નામેન્ટ્સની ડિલિવરી આજે લેવાની છું. પહેલાં બધાં સારાં કામ લોકો ઇરાદાપૂર્વક અખાત્રીજના દિવસ સુધી ટાળી દેતા, પણ હવે લાઇફ ફાસ્ટ થઈ ગઈ છે એટલે કામ ટાળી શકાતાં નથી. મોટા તહેવારોનું પણ મહત્વ હવે ઘટતું જાય છે એટલે તિથિનું મહત્વ પણ ઓછું થાય એ સ્વાભાવિક છે.

 

આ અખાત્રીજના દિવસે આમ તો કોઈ ખાસ પ્રોગ્રામ મેં નથી બનાવ્યો, પણ સવારે હું અને મારી દીકરી પૂજા ચોક્કસ કરીશું. આ અમારો વષોર્નો નિયમ છે.

અને આજના સપરમા દિવસ વિશે બીજા કેટલાક ગુજરાતી કલાકારો શું કહે છે?

અખાત્રીજની વિશેષતા વિશે મને ખાસ કંઈ ખબર નથી : દિલીપ જોશી

અખાત્રીજનું શાસ્ત્રોમાં બહુ મહત્વ છે, પણ મારી પર્સનલ લાઇફમાં હું કંઈ એને બહુ આંધળી રીતે ફૉલો નથી કરતો. ટુ બી વેરી ફ્રૅન્ક, અખાત્રીજની જે કોઈ વિશેષતા છે એના વિશે પણ મને ખબર નથી. એ દિવસે શુકન માટે બધા સોનું ખરીદે છે એ મને ખબર છે અને બેત્રણ વર્ષથી અમે પણ આ નિયમ પાળવાની કોશિશ કરીએ છીએ. જોકે ન ખરીદીએ તો મને કે મારી વાઇફને કોઈ અફસોસ નથી થતો. હું નાનો હતો ત્યારે ભુલેશ્વરમાં રહેતો હતો. મને યાદ છે કે એ સમયે અખાત્રીજના દિવસે પપ્પા-મમ્મી અમને મંદિરે દર્શન કરવા લઈ જતાં અને અમે પ્રસાદની લાલચે મંદિરે દર્શન કરવા જતા. એ દિવસે દર્શન કરવા જવું જ એવો કોઈ નિયમ નહોતો, પણ શક્ય હોય તો દર્શન કરી આવવાનું એવું બને ત્યાં સુધી પાળતા. એ પછી તો કૉલેજ અને પછી પ્રોફેશનલ કરીઅર શરૂ થઈ એટલે ધીમે-ધીમે બધું ઓછું થવા લાગ્યું. હવે તો મોટા તહેવારોના દિવસે પણ શૂટિંગ હોય છે એટલે ત્યારે પણ દર્શન માટે ખાસ શેડ્યુલ બનાવીને જતો હોઉં છું.

આ અખાત્રીજનો મારો કોઈ ખાસ પ્રોગ્રામ નથી. હું રાબેતા મુજબ શૂટિંગ કરવાનો છું. વાઇફ કદાચ શુકન પૂરતું સુવર્ણ ખરીદવા જાય, મને ખબર નથી.

મારા ઘરનું પહેલું ટીવી અખાત્રીજના દિવસે જ આવેલું : દીપક ઘીવાલા

અખાત્રીજનું શાસ્ત્રોક્ત રીતે બહુ મૂલ્ય છે. એ દિવસનાં બધા મુરત સારાં હોય છે. મને યાદ છે કે જો એપ્રિલમાં નાટકનું મુરત કરવાનું હોય તો મોટા ભાગે લોકો આજનો દિવસ પસંદ કરતા, હજી પણ કેટલાક પ્રોડ્યુસર એવું કરે છે. હું નાનો હતો ત્યારે અખાત્રીજના દિવસે બા-બાપુજી અમને મંદિરે લઈ જતાં અને ગુરુવંદના કરાવતાં. એ દિવસે સોનું ખરીદવું એવું અમારે ત્યાં દસકાઓથી ચાલ્યા કરે છે. છેલ્લાં વીસેક વર્ષથી હું એ નિયમને ફૉલો કરું છું. યથાશક્તિ સુવર્ણ ખરીદવાનું અને યથાભક્તિ દાનદક્ષિણા કરવાની. પહેલાં તો કપડાંથી માંડીને બીજી ચીજવસ્તુઓ અખાત્રીજના દિવસે ખરીદવાનો રિવાજ હતો. મેં પોતે આ દિવસે કપડાં ખરીદ્યાં છે અને મારા ઘરનું પહેલું ટીવી પણ આજના દિવસે જ આવ્યું હતું. જોકે હવે નવી ચીજવસ્તુ ખરીદવાની પ્રથા ઓછી થતી જાય છે અને બે-પાંચ વર્ષમાં તો વાત પણ ભુલાઈ જશે કે એક સમયે આજના દિવસે નવી ચીજવસ્તુઓની ખરીદી થતી હતી.

અખાત્રીજના દિવસે દર્શન કરવા જવાની સિસ્ટમ આજે પણ જળવાયેલી છે અને હું જ્યાં સુધી રહીશ ત્યાં સુધી આ પ્રથા કાયમ રહેશે.

મારા માટે બધા દિવસો એટલા જ સારા છે : ઉત્કર્ષ મઝુમદાર

હું રિલિજિયસ માનસિકતા ધરાવતો નથી. હમણાં મારા ફાધર એક્સપાયર થયા ત્યારે અમે તેમની સ્કિન અને બૉડીનું ડોનેશન પણ કર્યું હતું અને બધી ધાર્મિક વિધિઓ કરવાનું ટાળ્યું હતું. મારા માટે માત્ર અખાત્રીજ જ નહીં, બીજા બધા દિવસો પણ એટલા જ સારા છે. હું મુરત નથી જોવડાવતો. મેં મૅરેજ પણ સિવિલ કોર્ટમાં કર્યા છે. હું માનું છું કે બધો સમય સારો જ હોય છે. ફરક માત્ર એ છે કે આપણે આપણાં વાણી-વ્યવહારથી એ સમયને સારો રાખવાને બદલે ખરાબ કરતા હોઈએ છીએ.

અખાત્રીજ વિશે મને વધારે કંઈ ખબર પણ નથી અને હું માનતો નથી કે મારી ફૅમિલીમાં કોઈને આના વિશે વધુ ખબર હશે.

અમારી પહેલી કાર અખાત્રીજના દિવસે આવેલી : સેજલ શાહ

અખાત્રીજનું હવે કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે. છેલ્લાં ચારેક વર્ષથી જ્વેલર્સે આ ધાર્મિક તિથિને એ હદે પ્રમોટ કરી છે કે આટલી હદે આ તિથિ ક્યારેય પ્રમોટ નહોતી થઈ. મને યાદ છે કે હું નાની હતી ત્યારે પણ અખાત્રીજની કોઈ ખાસ તૈયારી અમારા ઘરમાં થતી નહોતી, પણ અખાત્રીજ જો નજીકમાં આવતી હોય તો સારાં કામ એ દિવસ પર મુલતવી રાખવામાં આવતાં અને અખાત્રીજના દિવસે એ કામ કરવામાં આવતાં. અમારી પહેલી કાર અખાત્રીજના દિવસે આવી હતી. ટીવીસિરિયલ અને ફિલ્મોનાં મુરત ખાસ અખાત્રીજના દિવસે કરવામાં આવતાં હતાં, જે પ્રથા હજી પણ જળવાયેલી રહી છે. હમણાં જ મારે કોઈની સાથે વાત ચાલતી હતી, જેમાં મને ખબર પડી કે આજે અખાત્રીજના દિવસે કંઈક ચાર-પાંચ સિરિયલ અને એટલી જ ફિલ્મોનું મુરત થવાનું છે. ગુજરાતમાં તો અખાત્રીજના દિવસે લગ્ન અને સગાઈ કરવા જેવી વિધિ માટે પણ મુરત જોવામાં નથી આવતાં. પહેલાં મુંબઈમાં પણ એવું જ હતું, પણ હવે અખાત્રીજનું મહત્વ મુંબઈમાં ઓછું થઈ ગયું છે.

ગોલ્ડ ખરીદવા મળે ત્યારે હું ખરીદી લેતી હોઉં છું. મારે મન તો જે દિવસે ગોલ્ડ ખરીદું એ દિવસ અખાત્રીજ.

મેં પહેલી કાર અખાત્રીજના દિવસે લીધેલી : વંદના પાઠક

અખાત્રીજના શુભ દિવસે હું બૅન્કમાંથી ગોલ્ડનો કૉઈન લઉં છું. જેવી સગવડ હોય એવડો, પણ શક્ય હોય ત્યાં સુધી કોઈન લેવાનો જ. આ કૉઈન હું મારા દીકરાઓના નામે લઉં છું અને મારા માટે હું ઓર્નામેન્ટ્સ લઉં છું. આજના દિવસે જોઈતી ડિઝાઇનનું કંઈ ન મળે એવું બને એટલે હું એકાદ વીક પહેલાં જઈને ડિઝાઇન પસંદ કરી લઉં અને પછી ડિલિવરી અખાત્રીજના દિવસે લેવાની. મને યાદ છે કે મારી બચતમાંથી મેં પહેલી કાર લીધી એ પણ અખાત્રીજ ના દિવસે લીધી હતી. મારુતિ-૮૦૦ કાર હતી એ. મારી લાઇફમાં અખાત્રીજનું વિશેષ મહત્વ એ છે કે એ દિવસે હું શૂટિંગ જ કરતી હોઉં છું. છેલ્લાં સાત વર્ષથી આ બનતું આવે છે. આખું વર્ષ ટીવીનું કંઈ કામ ન કર્યું હોય તો પણ આજના આ દિવસે મારી પાસે ગમે ત્યાંથી કામ આવી જાય. હું એને પણ શુકન ગણું છું કે આજના આ દિવસે મારી પાસે લક્ષ્મી આવે છે.

આ વર્ષની અખાત્રીજ માટે અમે ‘આર. કે. લક્ષ્મણ કી દુનિયા’ની આખી ટીમે નક્કી કર્યું છે કે બધાએ પોતપોતાના ઘરેથી કંઈ ને કંઈ સ્વીટ્સ લઈ આવવાની અને સાથે જમવાનું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK