જોઈ લો કચ્છની કારીગરીનું સમર સ્પેશ્યલ કલેક્શન

કૉટન ને લિનન પર રબારી ભરત કરેલાં કુરતા, સાડીઓ તથા રજાઈના ઉત્કૃષ્ટ નમૂનાઓનું એક પ્રદર્શન અત્યારે કાલા ઘોડામાં ચાલી રહ્યું છે

kachchhi-bharat(અહેવાલ અને તસવીરો: અર્પણા ચોટલિયા)

કચ્છમાં ભુજથી ૨૪ કિલોમીટર દૂર સુમરાસર ગામમાં કલારક્ષા ટ્રસ્ટની વર્કશૉપ છે જ્યાં કચ્છના અનેક સ્થાનિક કારીગરો આર્ટિસ્ટિક ચીજો બનાવે છે. એમાં રબારી સ્ત્રીઓ અને પુરુષો અનેક પ્રકારનાં કામ સાથે જોડાયેલાં છે. કલારક્ષામાં થતા આવા જ આર્ટવર્કમાં આ વખતે ઉનાળાને ધ્યાનમાં રાખીને ચીજો બનાવવામાં આવી છે જેને નામ આપવામાં આવ્યું છે ‘કમ્ફર્ટર્સ - ધ હીલિંગ પાવર ઑફ આર્ટ’.

કમ્ફર્ટર એટલે આરામ આપનારી ચીજ અને ઉનાળામાં કૉટન તથા લિનન સિવાય વધારે આરામ બીજા એકેય ગાર્મેન્ટમાં મળતો નથી. આ પ્રદર્શનમાં તમને કૉટનની સાડીઓ જોવા મળશે જેના પર ઠેબરિયા રબારી સ્ત્રીઓએ આભલાં અને દોરાથી રબારી ભરત કરેલું છે. લિનનની વાઇટ, ઑફ-વાઇટ અને ગ્રે જેવા સમર-ફ્રેન્ડ્લી રંગોની કુરતી પર રંગબેરંગી દોરાથી બખિયાવર્ક કરેલું છે. એ સિવાય મલમલના કાપડમાંથી બનેલા બાથરૉબ પણ સારા છે.

આ પ્રદર્શનમાં નાનાં સ્લિંગો પાઉચ અને બટવા તેમ જ કાપડમાંથી બનાવેલાં પર્સ જોવાલાયક છે. મોટાં ગાર્મેન્ટ્સ બનાવ્યા પછી એમાંથી બચેલા વેસ્ટેજને અપસાઇકલ કરીને આકર્ષક પર્સ અને બટવા બનાવવામાં આવ્યાં છે. એ સિવાય રબારીવર્ક, સૂપ અને ખારેક ભરતનું કામ કરીને પર્સ બનાવવામાં આવ્યાં છે. કલારક્ષાનાં ફાઉન્ડર રાધી પારેખ આ કલા વિશે સમજાવતાં કહે છે, ‘આ ચીજો બનાવવા માટે કારીગરોને કોઈ ડિઝાઇન બનાવીને નથી આપવી પડતી. તેઓ પોતાનું મન આ એક-એક પીસ પર ઉતારે છે, જેમાં દરેક ડિઝાઇન એક કરતાં જુદી જ જોવા મળશે.’

ખાસ વાત એટલે કે આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી રજાઈઓ ખરેખર એક જોઈને એક ભુલાય એવી છે. જેને વિન્ટેજ ક્વિલ્ટ્સ એવું નામ આપવામાં આવ્યું છે એવી આ રજાઈઓ કલારક્ષાની સ્ત્રીઓએ મશીન વગર જ હાથેથી એક-એક કાપડનો ટુકડો ડિઝાઇનમાં જોડીને બનાવી છે. કેટલીક ખાસ રજાઈઓ ઘરમાં પડેલા નકામા કાપડમાંથી બનાવવામાં આવેલી છે. આ વિશે સમજાવતાં સુમરાસર ગામમાં કલારક્ષાની વર્કશૉપ સાથે જોડાયેલા હરેશ મચ્છર કહે છે, ‘રબારી સ્ત્રીઓના પોશાકમાં મહત્વનો ભાગ એટલે માથા પર ઓઢાતી ઓઢણી જેને લુડી કહેવાય. આ લુડી ઊનની જ હોય તેમ જ ઘાઘરમાં અને પછેડીમાં પણ ઊનનું જ કાપડ વપરાય. આ કપડાં જ્યારે જૂનુ થઈ જાય અને પહેરવાની ઇચ્છા ન હોય ત્યારે આ રબારણ સ્ત્રીઓ એને રજાઈનું રૂપ આપી દે છે. લુડીની ફરતે પછેડીની બૉર્ડર તેમ જ ડિઝાઇન બનાવી અંદર રૂ ભરી એના પર બખિયા ભરીને રજાઈ તૈયાર કરવામાં આવે છે.’

પ્રદર્શનમાં મટકા સિલ્ક પર એક પ્રકારની વિશેષ એમ્બ્રોઇડરી કરીને બનાવેલી શાલ પણ અદ્ભુત છે. આ વર્ક કાપડની પાછળની બાજુએ કરવામાં આવે છે અને સીધી બાજુએ એ વર્ક એવું દેખાય જાણે એને કપડાની સાથે જ વણવામાં આવ્યું હોય. આ વર્કની વિશેષતા એ છે કે એ પારકરિયા સોઢા નામની એક કમ્યુનિટીના લોકો જ કરી શકે છે. આ લોકો ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનમાંથી માઇગ્રેટ થઈને ભારત આવીને વસેલા. એ સિવાય આ વર્ક ફક્ત ૩૦-૩૫ વર્ષની વય સુધી જ કરી શકાય છે, કારણ કે ત્યાર બાદ દૃષ્ટિ નબળી પડી જાય છે અને આ વર્ક ખૂબ જ ઝીણવટભર્યું છે.

જો ટ્રેડિશનલ અને કચ્છી પરંપરાગત એમ્બ્રોઇડરીના શોખીન હો તો ટેબલ-રનર, પીલો કવર, બોલ્સટર એટલે કે ગોળ તકિયાનાં કવર, પૅચવર્ક અને ઍપ્લિકનાં વૉલપીસ પણ ખૂબ જ સુંદર છે. કચ્છી સ્ત્રીઓએ જ બનાવેલા પૅચવર્ક અને ઍપ્લિકના દરેક વૉલ-પીસમાં એક સ્ટોરી વર્ણવાય છે તેમ જ કેટલાકમાં તો ભગવાનની છબીઓ પણ બનાવવામાં આવી છે. આવું વૉલ-પીસ બનાવતાં એક વ્યક્તિ આખો દિવસ સળંગ બેસીને કામ કરે તોય ૧૦-૧૫ દિવસ લાગે છે. કૉટન પર બાટિક પ્રિન્ટ તેમ જ બીજું રંગબેરંગી કાપડ વાપરીને બનાવેલા દરેક વૉલ-પીસ પર એના આર્ટિસ્ટનું નામ પણ લખવામાં આવ્યું છે.

જો હોમ ડેકોરમાં એથ્નિક ટચ આપવાનું વિચારતા હો અને સમર આરામદાયક રીતે એન્જૉય કરવાની ઇચ્છા હોય તો કલારક્ષાના આ પ્રદર્શનમાં એક વાર આંટો મારવા જેવો છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

ક્યાં? : આર્ટિસન્સ ગૅલેરી, ૫૨-૫૬, ડૉ. વી. બી. ગાંધી માર્ગ, રિધમ હાઉસની પાછળ, કાલા ઘોડા, ચર્ચગેટ.

ક્યાં સુધી? : સોમવાર, ૧ એપ્રિલ સુધી

સમય : સવારે ૧૧થી સાંજે ૭ વાગ્યા સુધી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK