આને તે કંઈ કહેવાતો હશે વેજિટેરિયન ફેસ્ટિવલ

ઑક્ટોબરમાં થાઇલૅન્ડના ફુકેત ટાપુ પર ઊજવાતો વેજિટેરિયન ફેસ્ટિવલ કાચાપોચા હૃદયવાળી વ્યક્તિ શા માટે ન જોઈ શકે એ જાણવા આ લેખ સાથેની તસવીરો જોઈ લો...

 

 

 

(આર્યન મહેતા )

ઑક્ટોબર મહિનામાં તમે થાઇલૅન્ડના ફુકેત ટાપુ પર ફરવા ગયા હો તો તમને સફેદ બૅગી પૅન્ટ અને શર્ટમાં ફરતા ઘણા લોકો દેખાય. ખાસ તો તમારું ધ્યાન ખેંચે તેમના ચહેરા પર કરેલી પાટાપિંડી. જો તમને વેજિટેરિયન ફેસ્ટિવલ વિશે કશી જ ખબર ન હોય તો આશ્ચર્ય થયા વિના રહે નહીં કે એક જ ગામમાં આટલાબધા લોકોને એકસાથે ચહેરા પર આટલીબધી ઈજા કેમ થયેલી છે! અને આગલા દિવસે તે લોકોએ પોતાના શરીરની જે વલે કરી હોય એની તો તમને કલ્પના જ ક્યાંથી આવે?

 

 

ઉત્સવો : માનવજીવનનું લુબ્રિકન્ટ

સર્વિસ થઈ જાય અને નવું બળતણ ભરાઈ જાય પછી વાહન જેમ ‘ઘુઘરા’ની જેમ દોડવા માંડે, જેમ કારમા ઉનાળાની કાળઝાળ ગરમી પછી વરસાદ સમગ્ર સૃષ્ટિમાં નવું ચેતન પૂરે, સખત ભૂખ લાગી હોય અને ઘરે ગરમાગરમ વાનગીઓથી સજ્જ થાળી તૈયાર હોય ત્યારે જે ફીલિંગ આવે... એવું જ કંઈક માનવજીવનમાં ઉત્સવોનું સ્થાન છે. ઉત્સવો માણસની એકવિધ કંટાળાજનક બીબાઢાળ જિંદગીમાં ઉત્સાહનો ઑક્સિજન પૂરે છે, પરંતુ કેટલાક ઉત્સવો એવા હોય છે જેના સાક્ષી બનીએ તો આપણને જોઈને અરેરાટી છૂટી જાય અથવા તો મોંમાંથી ઍટલીસ્ટ હાયકારો તો નીકળી જ જાય. આવો જ એક ઉત્સવ છે થાઇલૅન્ડના ફુકેત ટાપુ પર ઊજવાતો ‘વેજિટેરિયન ફેસ્ટિવલ’.

 

શાકાહારં શરણં ગચ્છામિ

૨૦૦૪ના ડિસેમ્બરમાં આવેલા સુનામીનો ભોગ બનેલા રળિયામણા ફુકેત ટાપુ પર સંખ્યાબંધ ચીની મૂળના લોકો રહે છે. અહીંની ૯૫ ટકા વસ્તી બૌદ્ધ ધર્મ પાળે છે; પરંતુ અહીંની સંસ્કૃતિ પર હિન્દુ, તાઓ વગેરે ધર્મોનો જબ્બર પ્રભાવ છે. ઇન ફૅક્ટ, આ વેજિટેરિયન ફેસ્ટિવલમાં જે દેવતાઓની પૂજા થાય છે તે તાઓ ધર્મના જ દેવતાઓ છે, જ્યારે એની ઉજવણી માટે ચીની કૅલેન્ડરની મદદ લેવાય છે. એ પ્રમાણે નવમા મહિનામાં ૧૦ દિવસ માટે આ વેજિટેરિયન ફેસ્ટિવલ ઊજવાય છે. નામ પ્રમાણે આ ફેસ્ટિવલમાં લોકો જાતભાતની ધાર્મિક વિધિઓ ઉપરાંત ૧૦ દિવસ સુધી સંપૂર્ણપણે શાકાહારી ખોરાક ખાય છે. આપણને થાય કે એમાં શું નવાઈની વાત છે, આપણે તો આખું વર્ષ શાકાહારી વાનગીઓ જ ખાઈએ છીએને? ના જનાબ, ચીની લોકો માંસાહારના એટલાબધા દીવાના છે કે તેમના માટે જ તો કહેવત બની છે કે ‘હવામાં ઊડતું, પાણીમાં તરતું અને જમીન પર ચાલતું કોઈ પણ પ્રાણી-પક્ષી ચીનાઓનો ખોરાક બની શકે છે.’ હશે, જેવી જેની સંસ્કૃતિ.

નિયમો પાળો, પણ તર્ક ન પૂછો

શાકાહાર ઉપરાંત ૧૦ દિવસ માટે બીજી પણ શરતો પાળવાની રહે છે, જેમ કે શરીરની સંપૂર્ણ પવિત્રતા જાળવવાની; જે લોકો આ ઉત્સવમાં ન જોડાતા હોય તેમનાં વાસણ-કપડાં-વગેરે બધું અલગ રાખવાનું; સમગ્ર ઉત્સવમાં સફેદ વસ્ત્રો જ પહેરવાનાં; શારીરિક અને માનસિક રીતે શાંતિ જાળવવા પ્રયાસ કરવાનો; અફર્કોસ માંસ નહીં ખાવાનું; સેક્સથી પણ દૂર રહેવાનું અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું; દારૂથી પણ દૂર રહેવાનું; જેમના કુટુંબમાં કોઈ અવસાન થયું હોય અને સૂતક ચાલતું હોય તો તેમણે પણ આ ઉત્સવમાં જોડાવાનું નહીં; ગર્ભવતી સ્ત્રીઓ અને માસિક ધર્મમાં આવેલી સ્ત્રીઓ પણ આ ઉત્સવમાં જોડાઈ શકે નહીં. વાંચીને જ ખ્યાલ આવે છે કે આ ઉત્સવ પર હિન્દુ ધર્મની પણ ભારે અસર છે.

લાખ દુ:ખોં કી એક દવા : શાકાહાર

ઈસવીસન પૂર્વેના જમાનાથી ફુકેત ટાપુ ચીન, પોટુર્ગીઝ, આરબો અને ભારતીયો સુધી પહોંચવા માટે દરિયાઈ માર્ગો માટે બહુ મોકાનું સ્થળ હતું એટલે વિવિધ દેશોની સંસ્કૃતિ અહીં આવે એ સ્વાભાવિક છે. આજના સ્વરૂપમાં વેજિટેરિયન ફેસ્ટિવલની ઉજવણીના ઇતિહાસની કથા ઈસવીસન ૧૮૨૫માં જાય છે. ત્યારે ચીનની ગામેગામ ફરતી એક નાટકમંડળીના સભ્યો આ ફુકેત ટાપુના કાથુ જિલ્લામાં પહોંચ્યા ત્યારે તેઓ કોઈ ભેદી બીમારીનો ભોગ બન્યા હતા. સપ્તર્ષિ તારાઓમાં રહેતા હોવાનું કહેવાતા દેવતાઓની આરાધના કરીને તેમણે ૧૦ દિવસ સુધી ચુસ્તપણે શાકાહારનું પાલન કર્યું અને ચમત્કાર! તેઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા. આ ચમત્કારથી થાઇલૅન્ડના લોકો પણ ભારે પ્રભાવિત થયા અને આ દિવસોમાં તે લોકોએ પણ શાકાહારનું પાલન કરવાનું શરૂ કર્યું.

રમન્તે તત્ર દેવતા:

આ ૧૦ દિવસ દરમ્યાન નવ દેવતાઓને પૃથ્વી પર અવતરિત કરાય છે. એમનું હંગામી મંદિર ઊભું કરવામાં આવે છે અને એમની મૂર્તિઓને લાકડાની મોટી પાલખીમાં બેસાડીને ગામમાં ચોક્કસ જગ્યાએ એનું સ્થાપન કરાય છે. આ ઉત્સવમાં સૌથી મહત્વની ધાર્મિક માન્યતા છે કે આ દેવો બ્રહ્માંડમાંથી પૃથ્વી પર અવતરે છે. એમના અવતરણ માટે દરેક મંદિર પર લાકડાનો એક તોતિંગ થાંભલો ઊભો કરાય છે જેના પર નવ ફાનસ લટકાવવામાં આવે છે. એવું કહેવાય છે કે આ થાંભલા મારફત નવ દેવો ધરતી પર આવે છે.

શરીરને કષ્ટ આપો, પણ આટલુંબધું?

આ નવ દિવસ દરમ્યાન ઉત્સવમાં ભાગ લેનારા મોટા ભાગના લોકોનાં શરીર પર એ અવકાશી દેવો કબજો લઈ લેતા હોવાનું કહેવાય છે એટલે તેઓ એવી-એવી ક્રિયાઓમાં ભાગ લઈને એમાંથી સાંગોપાંગ ઊગરી જાય છે જેને જોઈને પણ આપણને અરેરાટી થઈ આવે. ખાસ કરીને આ ઉત્સવના સાક્ષી બનવા આવેલા પ્રવાસીઓના તો તે શ્રદ્ધાળુઓનાં પરાક્રમો જોઈને છક્કા છૂટી જાય એવી હાલત સર્જાય છે; જેમ કે તલવારની અણીઓમાંથી બનાવેલી એક ઊંચી સીડી પર ચડવું, ઊકળતા તેલમાં સ્નાન કરવું, ધગધગતા કોલસા પર ચાલવું, ફટાકડાની લૂમો હાથ પર વીંટાળીને ફોડવી, બન્ને હાથમાં જથ્થાબંધ સળગતી અગરબત્તીઓ લઈને શરીર પર ઘસવી અને સૌથી ભયંકર છરી, તલવારો, સાંકળો વગેરે જેવી અત્યંત કઠોર વસ્તુઓને પોતાના ચહેરા પર ખૂંચાવીને આરપાર કાઢવી.

આ તહેવારમાં પોતાની જાતને શક્ય એટલું વધારે કષ્ટ આપીને પવિત્ર થવાની માન્યતા પ્રવર્તે છે. કહેવાય છે કે પોતાની જાતને પીડા આપતી વખતે દેવતાઓ તેમનાં શરીરનો કબજો લઈ લે છે એટલે તેમને કોઈ પણ જાતની પીડાનો અનુભવ થતો નથી અને ખાસ પ્રકારનાં પવિત્ર વસ્ત્રો પહેરેલાં આ લોકો કેવી-કેવી વસ્તુઓ પોતાના ગાલમાં ખૂંચાવીને આરપાર કરે છે એનું લિસ્ટ જોઈ લો : અણિયાળી મોટી તલવાર (ઘણી વાર મ્યાન સાથે), આખું વૃક્ષ વાઢી નાખે એવા કરવત જેવા દાંતા ધરાવતા છરા, બબ્બે-ત્રણત્રણ ફૂટ લાંબા તીક્ષ્ણ સોયા, ધાતુની સુરાહીઓ, પેટ્રોલ પૂરવાનો પમ્પ, દાંતરડાં, મૂળો-ગાજર જેવાં શાકભાજી, છત્રીનાં હૅન્ડલ (છત્રી સાથે), રિવૉલ્વરનાં નાળચાં, રાઇફલનાં કૂદાં, મસમોટા નટ-બૉલ્ટ ખોલી નાખે એવી પાના-પક્કડ, બાળકો પગેથી ધક્કો મારીને ચલાવે છે એવું સ્કૂટર, સાઇકલ અને મોટરબાઇકનાં હૅન્ડલ, નાઇટ-લૅમ્પ, કાદવ ઉલેચવાનો પાવડો, આખેઆખી સાઇકલ અને આખી તલવાર બન્ને ગાલની આરપાર પસાર કરી એમાં બન્ને છેડે ત્રણત્રણ-ચારચાર અનાનસ ભરાવવાં, ઝાડપાનનો આકાર આપવા માટે વપરાતી માળીની મોટી કાતર વગેરે. કેમ, લિસ્ટ વાંચીને જ મનમાં હાયકારો થઈ ગયોને! ઘણા લોકો તો ગાલમાં એકથી વધુ તલવાર કે જથ્થાબંધ સોયા એકસાથે ભોંકે છે. અરે, ઘણા લોકો તો તલવાર કે ધારદાર કુહાડી સાથે પોતાની જીભ ઘસીને પણ પારાવાર લોહી કાઢે છે.

 

શરીરને આવી કારમી પીડા આપવામાં સ્ત્રીઓ પણ બાકાત રહેતી નથી. સ્વાભાવિક છે કે આવી નક્કર અને તીક્ષ્ણ વસ્તુઓ શરીરની આરપાર કરવામાં આવે ત્યારે લોહી તો નીકળે જ. આ કરતબો વખતે શ્રદ્ધાળુઓને નીકળતું લોહી પવિત્ર માનવામાં આવે છે. તેમની સાથે ફરતા સ્વયંસેવકો ટિશ્યુ પેપર વડે એ લોહી લૂછતા રહે છે અને લોકોમાં એને વહેંચી દેવાય છે જેને લોકો ગડી વાળીને માદળિયા તરીકે પહેરે છે. જોવા જેવી વાત એ છે કે આટઆટલા જોખમી સ્ટન્ટ્સ કર્યા પછી પણ લગભગ કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોવાનું નોંધાતું નથી. કાચાપોચા હૃદયના લોકો તો આવું જોઈને જ છળી મરે એવાં દૃશ્યો હોય છે એ. આવાં કરતબોવાળાં સરઘસ આ તહેવાર દરમ્યાન વહેલી સવારે અને સાંજે નીકળે છે. પોતાનાં શરીર દેવતાઓના હવાલે કરતા આ લોકોનાં શરીરમાંથી જ્યારે દેવતાઓ વિદાય લે છે ત્યારે તેઓ બેહોશ થઈને ઢળી પડે છે. ત્યાર બાદ તેમનાં ઈજા પામેલાં અંગોની સારવાર કરાય છે. ડૉક્ટરો તેમના મોટા ચીરા પડેલા ગાલને ટાંકા લઈને સીવે છે. એટલા માટે જ આ તહેવારોમાં ફુકેતનાં બજારોમાં ચહેરા પર પાટાપિંડી કરેલા સંખ્યાબંધ લોકો જોવા મળે છે.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK