નવા વરસે... નવું વરસો

આજે વર્ષનો છેલ્લો દિવસ છે.અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

૨૦૧૭ની રાત આથમશે અને ૨૦૧૮ની સવાર ઊગશે. વીતેલા વર્ષ પાસે અનુભવ હોય છે અને આવનારા વર્ષ પાસે આશા. આજે મુકુલ ચોકસીની નવા વરસની બેસ્ટ વિશિઝ પાઠવતી ગઝલ સાથે

જનાર-આવનારની સંધિને વધાવીએ. 

તમારા નામ પર કુદરતની એવી મહેર આવે

કે તમને પોંખવા આખાં ને આખાં શહેર આવે


માણસનો પુરુષાર્થ કુદરતની મહેર વગર મહોરી ન શકે. કોઈ અદૃશ્ય કૃપા આપણી સાથે હોય છે, જેને આપણે ઓળખી નથી શકતા. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સતનું તેજ એવું પ્રસરે કે આખું શહેર આ અજવાળાની આરતી ઉતારે. નાના-નાના અનેક દીવા પોતપોતાની રીતે કામ કરતા હોય છે. એમની છલાંગ કદાચ પોતાના વિસ્તાર કે સમાજ સુધી સીમિત હોય છતાં એમનું પ્રદાન ઓછું ન ગણાય. અરે ઘરે પણ જે માણસ સારો બનીને જીવે છે તે સમાજમાં એટલું યોગદાન તો નોંધાવે જ છે. ધર્મનિષ્ઠા કદાચ ઓછીવત્તી હોય તો ચાલે, કર્મનિષ્ઠાની ઊણપ પરવડે નહીં.  

જગત આખાએ જે વરસાવી તે શુભેચ્છાઓ

થઈને એકઠી કાયમ તમારા ઘેર આવે


એકમેકને થતું હૅપી ન્યુ યર આખરે તો આશાની આપ-લે છે. દિવાળી-ક્રિસમસ જેવા તહેવારો નિમિત્તે મોકલાતાં ગ્રીટિંગ્સ કાર્ડનો જમાનો ઓસરતો ચાલ્યો છે. હવે મોબાઇલના માધ્યમથી જ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આમ જુઓ તો એમાં કશું ખોટું નથી. કાગળનો બચાવ અંતે તો લાખો વૃક્ષોની જિંદગી બચાવે છે. કાગળને ફાડીને કચરાટોપલીમાં નાખતાં પહેલાં એની બીજી સાઇડ કોરી હોય તો વાપરવાનો નિય નવા વરસે કરો. અંગત કે અગત્યની માહિતી ન હોય તો કાગળના ટુકડા કરવાને બદલે એને પસ્તીમાં આપો, જેથી રીસાઇકલમાં જઈ એ પુર્નજન્મ પામે. શાયર કહે છે એવી કામના જો ફળે તો સમજવું કે માણસ માનવતાની મંજિલ તરફ બે કદમ આગળ વધ્યો છે.  

તમે સફળતા સતત પામતા રહો ને છતાં

ન થાય કોઈને ઈર્ષા ન વેરઝેર આવે


ઈર્ષા કરવાથી ઈશ મળતો નથી અને ગાળો આપવાથી ગૌરવ પ્રાપ્ત થતું નથી. કોઈને સુખ ન આપી શકો તો કંઈ નહીં, કોઈના ખાતામાં સણકા જમા કરવા નહીં. આપણી સાથેના સ્વજનો-મિત્રો આગળ વધે તો તેમની સરાહના કરવી. અન્ય પ્રત્યેની ઈર્ષા આપણી ઇચ્છાને ખપમાં આવતી નથી. પ્રત્યેક પેઢીની જવાબદારી હોય છે આવનારી પેઢીમાં સંસ્કારસિંચન કરવાની. શાયર કહે છે એવો રહસ્યમયી અનુભવ ઘણાએ કર્યો હશે... 

તમારે ત્યાં ફરી લઈને જનમ, મઝા કરવા

વીતી ગયેલી એ પેઢીઓ એકોતેર આવે


પૂવર્જયનો ચહેરો નવી પેઢીમાં વર્તાય ત્યારે લાગે કે એ સ્વજને ફરી જન્મ લીધો છે. કદાચ કોઈ મંછા બાકી રહી ગઈ હોય કે કોઈ •ણાનુબંધ ફરી ધરતી પર ખેંચી લાવ્યો હોય. લોહીનું અનુસંધાન આપણા હાથની વાત નથી, પણ અનુસંધાન સધાયા પછી એને સાર્થક કરવાનું જરૂર આપણા હાથમાં છે. નવા વરસે એવી આશા રાખીએ કે સંબંધમાં બરકત ઉમેરાય.

તમારો સાથ જે પામે તે થાય ધન્ય, અને

તમારું નામ લેવાથી જ સહુને લહેર આવે

સબ કા સાથ, સબ કા વિકાસ એ પરિવારથી સમાજ અને સમાજથી દેશ સુધી વિસ્તરતું સ્લોગન છે. બિઝનેસમાં સ્પર્ધા હોય, પણ એમાં જીતવા માટે કોઈને પછાડવાના વિચારને ઊગતો જ ડામી દેવો. કોઈની લીટી નાની કરીને નહીં, પોતાની લીટી મોટી કરીને આગળ વધવામાં ફળશ્રુતિ છે. જિંદગીનો અમુક તબક્કો પસાર થયા પછી લાગે કે આપણે જે ખેલી ગયા એ કાવાદાવાનો ખરેખર કોઈ અર્થ નથી. કૂવામાં મારેલા કૂદકાઓથી આકાશ સુધી પહોંચાતું નથી.

તમે ભીનાશને પ્રસરાવો રોજ, જે રીતે

નદીઓમાંથી સૂકાં ખેતરોમાં નહેર આવે


નદીઓ સીધી ખેતર સુધી પહોંચી શકતી નથી. એ આડીઅવળી જાય તો પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે નહીં. એટલે એના પાણીને ખેતર સુધી પહોંચાડવા આપણે જ પુરુષાર્થ કરવો પડે. નહેર વાટે ખેતરમાં પહોંચતું પાણી માત્ર પાકને જ સીંચતું નથી, એ આપણી હયાતીને પણ ટકાવી રાખે છે. જેમની પાસે વરસવાની અને વહેવાની શક્તિ હોય તેમણે એનો ઉપયોગ કરી વિસ્તરવાનું છે. આપણી સંગત કોઈના જીવનમાં રંગત લાવી શકે તો એને સફળતા ગણવી. આપણે ઑલિમ્પિક્સમાં જઈને બ્રૉન્ઝ, સિલ્વર કે ગોલ્ડ જીતી ન શકીએ તો કાંઈ નહીં; મેડલને બદલે માનવતા મેળવી શકીએ તોય એ સિદ્ધિ ગણાશે.

તમારા જેવાની સંગતની ફલશ્રુતિરૂપે

અમારા જેવાને હોઠે ગઝલના શેર આવે


નવા વરસે કલારસિકોની મહેફિલો વધે અને માતૃભાષા પ્રત્યેની રુચિ વિસ્તરે, આપણી પાસબુકમાં ઉમેરો થાય અને દેશની વિકાસબુકમાં કામગીરી દેખાય, અટકી પડેલાં અરમાનો ફરી પાટે ચડે અને સમૃદ્ધિ સાથે સુખનું સરોવર બે કાંઠે છલકાય એવી શુભેચ્છા.  

ક્યા બાત હૈ


નવા વરસની ડાયરી

તા. ૧લી હોય જાન્યુઆરીની

કે ૩૧મી છેલ્લી - ડિસેમ્બરની

શરદપૂનમની હોય

કે રાત વસંતપંચમીની

કે ઝગમગતી ક્રિસમસની

કે હોય કોઈની જન્મતિથિ

સાંજે છ વાગ્યે હૅવમોરમાં

ને બપોરે ટી સેન્ટર પર

સાચું પૂછો તો કોઈ અપૉઇન્ટમેન્ટ

નથી હોતી હવે

કોરાં રહે છે બધાં જ પાનાં

છેવટ સુધી

વરસોથી એક આદત પડી ગઈ છે

એટલે રાખું છું સાથે

તમારી પાસે નવા વરસની

ડાયરી આવી છે?

- વિપિન પરીખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK