૨૦૧૭ પાસેથી શું શીખ્યા?

આ વર્ષને આજે અલવિદા કહેવાનો સમય પાકી ગયો છે ત્યારે કેટલાંક ક્ષેત્રના અગ્રણીઓ પોતાના જીવનમાં, દેશ તથા દુનિયામાં છેલ્લા ૩૬૫ દિવસમાં બનેલી કેટલીક વિશિષ્ટ ઘટનાઓ અને અનુભવો વિશે વાત કરે છે જેના દ્વારા કંઈક અનોખી શીખ મળી છે.

2017

રુચિતા શાહ

જો બીત ગઈ સો બાત ગઈ. No. દરેક વાતમાં એવું ન હોય. વીતેલા સમયની કેટલીક વાતો એવી પણ હોય છે જે તમારી આજને અને આવતી કાલને સંવારવાનું, સુધારવાનું અને બહેતર બનાવવાનું કામ કરતી હોય છે. આજે ૨૦૧૭ના છેલ્લા દિવસે કેટલીક એવી વીતી ગયેલી ઘટનાઓની ચર્ચા કરીએ, જેમાંથી પ્રેરણા લઈને આવનારા ૨૦૧૮ના વર્ષને આપણે વધુ જીવવાલાયક બનાવી શકીએ છીએ. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ‘મિડ-ડે’ સાથે આ દિશામાં શું વાત કરી એ જાણવા વાંચો આગળ...

પરિવર્તનનો સ્વીકાર કરવાથી આગળ વધાય એ વાત આ વર્ષે તલસ્પર્શી રહી : આશિષ ચૌહાણ, બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર

મારી દૃષ્ટિએ ૨૦૧૭માં કોઈ સૌથી શ્રેષ્ઠ બાબત બની હોય તો એ છે GST. દેશની પ્રગતિ માટે ટૅક્સેશન પદ્ધતિમાં લેવાયેલું આ સૌથી મોટું અને મહત્વનું પગલું હતું. દેશના દરેક બિઝનેસમાં એની ખૂબ પૉઝિટિવ અસર પડશે અને એનો દેખીતો પ્રભાવ સ્ટૉક માર્કેટ પર પણ જોવા મળશે. આની લાંબા ગાળાની અસર તો એ જ છે કે લોકો પ્રામાણિકતા સાથે ધંધો કરશે અને ટૅક્સ ભરશે એટલે અત્યારે બજેટ પણ મોટું થશે. આ નિર્ણય મારી દૃષ્ટિએ સરકાર દ્વારા ૨૦૧૭માં લેવાયેલા નિર્ણયોમાંથી શ્રેષ્ઠ નિર્ણય છે. બીજું, આ વર્ષે સરકારે બૅન્ક પાસેથી લોન લેનારા લોકો પર નજર રાખવા અને દેણદારો પોતાની રકમ પાછી મેળવવા માટે સમર્થ રહે એ આશયથી ઇન્સૉલ્વન્સિ ઍન્ડ બૅન્ક્રપ્ટ્સી બોર્ડ ઑફ ઇન્ડિયાનું ગઠન કર્યું છે. આ રેગ્યુલેટરી બૉડીને કારણે મનીલૅન્ડર્સને ઘણી મોટી રાહત થઈ ગઈ છે, જે પણ દેશની આર્થિક પ્રગતિની બાબતમાં લેવાયેલો મહત્વનો નિર્ણય છે. હવે દેશમાં વિજય માલ્યા જેવા લોકોને તકલીફ થશે, કારણ કે તેમનો જાપતો રાખવાનું અને દેણદારોના દૃષ્ટિકોણથી જ તેમને ટ્રીટ કરીને મૅક્સિમમ રકમ આવા દેવાળું કાઢનારા લોકો પાસેથી વસૂલ કરી શકાય એ કામ આસાન થશે. ૨૦૧૭માં સરકારે કેટલાક નિર્ણયો ખૂબ જ બોલ્ડનેસ સાથે લીધા છે. દરેક સરકાર આવી બોલ્ડનેસ દેખાડીને પોતાની વોટબૅન્કને નારાજ કરવાનું સાહસ નથી દેખાડી શકતી. એનું જ પરિણામ એ આવે છે કે દેશની પ્રગતિ નથી થતી અને દેશ આગળ વધવાને બદલે પછાત બનતો જાય છે. આ વર્ષે મને અને દેશને એક બહુ મોટી શીખ મળી છે કે જરૂરી હોય ત્યાં પરિવર્તનને પ્રાધાન્ય આપો અને લોકવિરોધ સહીને પણ સાર્વત્રિક ધોરણે જે ઉચિત હોય એ પગલાં ભરો. સમાજમાં સમય-સમય પર નીતિનિયમો અને ધારાધોરણો બદલવાની જરૂરિયાત એ આ વર્ષે સૌથી વધુ સ્પર્શેલી અને શીખેલી બાબત છે.

પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ તો ભૂલ કોઈની પણ હશે, નુકસાન બધાને થશે એટલું સમજાયું : કિરણ બેદી, દેશનાં પહેલાં ભૂતપૂર્વ મહિલા ત્ભ્લ્ અધિકારી, સોશ્યલ ઍક્ટિવિસ્ટ અને પૉન્ડિચેરીનાં ગવર્નર

દિલ્હીમાં આ વર્ષે હવાના પ્રદૂષણની બાબતમાં જે કંઈ બન્યું અને વૈશ્વિક ધોરણે પર્યાવરણમાં, સીઝનમાં જે પ્રકારના ફેરફારો દેખાઈ રહ્યા છે એ બાબતે ૨૦૧૭નું વર્ષ અલાર્મિંગ વર્ષ રહ્યું એવું કહી શકાય. આ વર્ષે સમજાવ્યું કે તમે ફટાકડા ફોડો કે ન ફોડો, તમે પ્રદૂષણ ફેલાવો કે ન ફેલાવો; પણ એનો ભોગ તો તમારે પણ બનવું જ પડશે. આ વર્ષમાં એ શીખ મળી કે પર્યાવરણ જ એક એવી બાબત છે, જેમાં તમારાં કમોર્ની સજા બીજાને અને બીજાનાં કમોર્ની સજા તમારે ભોગવવાની તૈયારી રાખવી પડશે. આજે આપણે બધા જ એકબીજાના સફરિંગ માટે કૉન્ટિÿબ્યુટ કરી રહ્યા છીએ એન્વાયર્નમેન્ટને નુકસાન પહોંચાડીને. જ્યારે આપણે મધર અર્થ એટલે કે ધરતી માતાની વાત કરતા હોઈએ ત્યારે આપણી વર્તણૂકમાં પણ એ આદરભાવ આવવો જોઈએ. એ તો ક્યાંય દેખાતો નથી! ૨૦૧૭ના વર્ષે એક બહુ મોટી જવાબદારી આપણને આપી, જેમાં સાર્વત્રિક સર્વાઇવલનો ભાર આપણા બધા પર છે. આપણી ઍક્શનનું પરિણામ બધા પર આવશે અને આપણા પ્રયાસોનો લાભ બધાને મળશે. તમે વિચાર કરો કે ફટાકડાને સ્પર્શ નહીં કરનારા લોકોએ પણ દિલ્હીના પ્રદૂષણનો ભોગ બનવું જ પડ્યું, ગંદકી નહીં કરનારા લોકો પણ પ્રદૂષણને કારણે રોગોનો ભોગ બને જ છે. આ જ આપણે શીખવાનું છે અને સતત જીવનમાં ઉતારવાનું છે કે પર્યાવરણની રક્ષા કરવાનું અનિવાર્ય છે અને હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ અટકાવવાનું છે.

દેશની એકતાની દિશામાં એક ડગલું આગળ વધ્યા આ વર્ષે : કૈલાશ ખેર, મ્યુઝિક-કમ્પોઝર, સિંગર અને ગીતકાર

૨૦૧૭નું વર્ષ દેશની એકતાને વધારવા માટે બહુ લકી વર્ષ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ ઉત્તર-પૂર્વીય પ્રદેશનાં કેટલાંક રાજ્યો એવાં છે જે ભારતનો હિસ્સો હોવા છતાં ભારતથી ડિસકનેક્ટ થયેલાં હતાં. આ વર્ષ પહેલાં ત્યાંથી મોટે ભાગે ડિસ્ટર્બન્સના, હિંસાના, હેટ્રેડના, આતંકવાદના જ સમાચારો સાંભળવામાં આવ્યા હતા. ક્યારેય આર્ટ અને કલ્ચરનું સંયોજન દેશના બીજા હિસ્સામાંથી થયું નથી. જોકે આ દૃષ્ટિએ ૨૦૧૭નું વર્ષ ચકિત કરનારું હતું. આ વર્ષે મણિપુર, નાગાલૅન્ડ અને અરુણાચલ પ્રદેશમાં પહેલી વાર કોઈ બહારના સિંગરની મ્યુઝિકલ કૉન્સર્ટ યોજાઈ. ત્યાંના દેશથી કટ ઑફ થયેલા લોકો આ કૉન્સર્ટમાં જોડાયા અને તેમણે અકલ્પનીય પ્રતિસાદ આપ્યો. ૨૦૧૭ એ ખરેખર ટ્રાન્ઝિટ યર છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાયું કે દેશ અને દેશના લોકોની વિચારધારા બદલાઈ રહી છે. દેશના યંગેસ્ટ પદ્મશ્રી મેળવનારા વ્યક્તિ તરીકે ભરપૂર આદર સાથે અમારા બૅન્ડનું જે સ્વાગત થયુ છે એનું વર્ણન હું કરી શકું એમ નથી. આગળ કહ્યું એમ ઉત્તર-પૂર્વીય પ્રદેશનાં ત્રણ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં અમે કૉન્સર્ટ માટે આમંત્રિત હતા, જેમાં નાગાલૅન્ડના હૉર્નબિલ ફેસ્ટિવલમાં લોકોનો ઉમળકો જોઈને અમે ડઘાઈ ગયા હતા. આ આપણા જ દેશનો હિસ્સો છે અને આપણા જ ભારતવાસી હોવા છતાં ભારતના અન્ય હિસ્સામાંથી ભાગ્યે જ કોઈ લોકો ત્યાં જાય છે. અરુણાચલ પ્રદેશમાં બૌદ્ધ મહોત્સવ અને મણિપુરના ટેમેન્ગલૉન્ગમાં પણ પફોર્ર્મન્સ માટે લોકો તરફથી જે પ્રેમ મળ્યો છે એ અદ્ભુત સ્તરના છે. તમને જાણીને આર્ય થશે કે મણિપુરમાં દર વર્ષે ઑરેન્જ ફેસ્ટિવલ થાય છે, જ્યાં વિશ્વભરમાં પ્રચલિત એવાં ૬૦ પ્રકારનાં સંતરાં ઊગે છે. આપણે સંતરાંનું નામ આવે એટલે નાગપુર પર અટકી જઈએ છીએ, પણ મણિપુર પણ એમાં મહત્વપૂર્ણ સ્થાને છે એ આપણને ખબર જ નથી. મારી દૃષ્ટિએ હું જો કંઈ શીખ્યો હોઉં આ વર્ષે તો એ એ જ કે આપણો દેશ વૈવિધ્યથી સભર છે અને દેશના મુખ્ય પ્રવાહ સાથે અળગા થયેલા વિસ્તારોમાં પણ પ્રેમ, કલા અને ટૅલન્ટની દૃષ્ટિએ સમૃદ્ધિથી તરબતર છે. આ વર્ષની મને મળેલી અને મને ગમેલી બીજી શીખ એટલે દેશ હવે સંગીત સાથે વધુ ને વધુ તાદાત્મ્ય સાધી રહ્યો છે. દેશનાં મહત્વનાં કૅમ્પેન સંગીત સાથે સાંકળવામાં આવે છે. બેટી બચાવો આંદોલન હોય કે સ્વચ્છતા અભિયાન, દરેક માટે સેપરેટ ઍન્થમ બનાવવામાં આવે છે. દરેક નવી યોજના સાથે વિશાળ જનસમુદાયને સરળતાથી કનેક્ટ કરવામાં અને લોકજાગૃતિ લાવવા માટે આ ઍન્થમ બહુ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. એટલે સુધી આપણે સંગીત દ્વારા સ્વાસ્થ્ય મેળવવાની દિશામાં પણ આગળ નીકળી રહ્યા છીએ. યોગ માટે અને યોગ સાથે પણ મ્યુઝિકને સાંકળીને એક ડગલું તંદુરસ્તી તરફ આગળ વધવામાં આપણે ગતિમાન થયા છીએ એ સૌથી શ્રેષ્ઠ બાબત મને ૨૦૧૭માં લાગી છે. ૨૦૧૭માંથી આપણે શીખવાનું છે આપણી એકતાનું સાચું મૂલ્ય. મહાન કવિ પ્રદીપજીએ કહ્યું છે એમ જો હમ આપસ મેં ન ઝઘડતે, બને હુએ ન કામ બિગડતેવાળી વાતને વધુ પ્રબળતા સાથે સ્વીકારીને દેશના દરેકેદરેક હિસ્સા એકબીજા સાથે જોડાયેલા રહે એ જોવાની અને આપણી મૂળ પરંપરાઓને વિશ્વ સ્વીકારે એટલી મજબૂતી આપવાની રીત પણ આ વર્ષે શીખવા જેવી હતી.

અવેરનેસની અનિવાર્યતા સમજાઈ ગઈ આ વર્ષે : અનુ મલિક, મ્યુઝિક-કમ્પોઝર અને સિંગર


૨૦૧૭માં મને એક વાત શીખવા મળી છે કે જો તમે મહેનત કરતા રહો તો તમારી ઉંમર કે સમયગાળો ભુલાવીને પણ તમારા કામને લોકો પ્રાધાન્ય આપતા હોય છે. આજે ઇન્ડસ્ટ્રીમાં આટલાં વષોર્થી હોવા છતાં પણ આજેય લોકો મારા કામને બિરદાવે છે. મારાં જ ગીતો ટૉપ લિસ્ટમાં છે અને મારાથી દસ-પંદર વર્ષ નાના મ્યુઝિક-ડિરેક્ટર ફોન કરીને એની સરાહના કરે છે એ બાબતે મને સતત મહેનત કરતા રહેવાની શીખ જ આપી છે. ભારતના લોકોએ આ શીખ અનાયાસ મારા કામ માટે ઉમળકો દર્શાવીને આપી છે. બીજું, આ વર્ષે એલ્ફિન્સ્ટન રોડની ઘટનાએ મારા હૃદયને ખૂબ મોટો આઘાત આપ્યો હતો. આજે પણ એ ઘટના યાદ આવે છે ત્યારે ઊંઘ ઊડી જાય છે. એ ટ્રૅજેડીમાં જે લોકો મૃત્યુ પામ્યા તેમની સાથે ભલે મારો ડાયરેક્ટ કોઈ નાતો નહોતો તો પણ મારી આંખમાં આંસુ આવ્યાં હતાં. એ ઘટના પરથી હું શીખ્યો કે જીવનમાં અવેરનેસની જરૂરિયાત ખૂબ વધારે છે. તમે સતત જાગૃતિ સાથે આગળ વધો તો અનેક દુર્ઘટનાઓમાંથી બચી શકાય એમ છે. હું હકારાત્મક બાબતો જોનારી વ્યક્તિ છું. ભારતની, મુંબઈની અઢળક સારી બાબતો છે જે વિશ્વમાં ક્યાંય નથી અને આ વાત હું એમ જ હવામાં નહીં; પણ આખું વિશ્વ ફરી લીધા પછી કહી રહ્યો છું. આપણા દેશની ખૂબીઓ વચ્ચે જો જીવનની કેટલીક માનવસર્જિત અનહોની ટાળવી હશે તો પહેલી શરત છે જાગૃતિ રાખો. આજે સોશ્યલ મીડિયા અને મીડિયાનાં સરળ ઉપલબ્ધ માધ્યમોને કારણે એ ખૂબ સહજ છે ત્યારે તો જાગૃતિ રાખી જ શકાયને? પહેલી શીખ ૨૦૧૭ની - જાગૃતિ કેળવો અને બીજી, એ જાગૃતિ આવ્યા પછી એના માટે પોતાનાથી બનતું કંઈક સારું યોગદાન આપો. આ માત્ર ઉપદેશાત્મક વાત નથી, મેં મારા જીવનમાં એને અમલમાં મૂક્યું છે. હું મારી કારર્કિદીની પહેલી મરાઠી ફિલ્મ માટે એક પણ રૂપિયો લીધા વિના મ્યુઝિક આપવાનો છું. આ ફિલ્મ ખેડૂતોની આત્મહત્યા પર આધારિત છે, જેની ãસ્ક્રપ્ટ વાંચીને મારી આંખો ભરાઈ આવી હતી. એ પછી તો એ વિસ્તારોમાં જઈ પણ આવ્યો. ૨૦૧૭માં આટલું શીખી લો કે જાગૃતિ સાથે આગળ વધો અને એના માટે પોતાનાથી બનતું કંઈક કરતા રહો.

બર્બરતા અને વિકૃતિની ચરમસીમાના ત્યજવાલાયક દાખલાઓનો પરિચય મળ્યો આ વર્ષે : ગુણવંત શાહ, લેખક અને ચિંતક

બર્બરતાની ચરમસીમાનાં દર્શન આ વર્ષના નવેમ્બર મહિનાની એક ઘટનામાં ખૂબ તીવ્રતાથી થયાં. ખરેખર હૃદયપૂર્વક કહું છું. ક્રૂરતા આટલી હદ વટાવી શકે એની કલ્પના કરી શકાય એમ નથી. રાજસ્થાનમાં પશ્ચિમ બંગાળથી આવેલા ૪૫ વર્ષના મુસલમાન યુવાનને કુહાડીના ઘાથી મારી નંખાય અને પછી જીવતો સળગાવી દેવાય અને એ તમામ ઘટનાને કૅમેરામાં કેદ કરવામાં આવે એ કઠોરતા અને ક્રૂરતાની પરાકાષ્ઠાથી પણ ઉપરની બાબત હતી. આવો લઘુમતી માટેનો વિદ્રોહ અને લવજેહાદના નામે આવી બર્બરતા? ૨૦૧૭માં સૌથી તીવ્રતાથી કંઈક શીખવાની જરૂર હોય તો એ આ જ કે આવી બર્બરતા ત્યજો. આ નહીં ત્યજવામાં આવે તો લખી રાખજો કે દેશના ફરી ભાગલા જ થશે. સોશ્યલ ફૅબ્રિકને તહસનહસ કરવાની આ નીંદનીય નહીં, પણ નિકંદનીય દુર્ઘટના હતી. હું ખરેખર આ ઘટનાથી હચમચી ગયો હતો. પેલા માણસનો શું ગુનો હતો? બસ, વધુ નથી કહેવું. એક જ વાત અને એક જ શીખ - અટકો. જાતિવાદની વિદ્રોહક માનસિકતામાંથી બહાર આવી જાઓ અને દેશને બચાવી લો.

વધુ ધીરજવાન અને શ્રદ્ધાવાન બનું એ શીખ્યો આ વર્ષે: શૈલેશ લોઢા, ઍક્ટર અને જાણીતા કવિ


૨૦૧૭નું વર્ષ મારા માટે ખરેખર બહુ મહત્વપૂર્ણ રહ્યું છે, કારણ કે આ વર્ષે મને વધુ ધીરજવાન બનાવ્યો છે. મારી આસ્થાનું બળ આ વર્ષમાં વધ્યું છે. તમે સાતત્ય સાથે જ્યારે ડેઇલી સોપમાં કામ કરતા હો તો તમારામાં ધીરજનો ગુણ કેળવાતો જતો હોય છે. યસ, એ દૃષ્ટિએ આ વર્ષે હું વધુ ધીરજવાન બન્યો છું. છેલ્લે એટલું કહીશ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શીખવા મળ્યું કે દુનિયામાં આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. ધર્મ અને જાતપાતના નામે દેશને વિભાજિત કરવા માગતા લોકોએ આ વર્ષે પણ દુનિયાને ક્રૂરતાથી રહેંસવાના પ્રયત્નો કર્યા છતાં માનવતાની જ જીત થઈ. એકેય ટેરરિસ્ટ અટૅક પછી માનવતાવાદી લોકોએ પોતાની સહિષ્ણુતા કે કરુણાને છોડી નહીં અને મદદની જરૂરિયાતવાળા લોકો માટે મદદગારોની કમી ન દેખાઈ. આ વર્ષે હું શીખ્યો કે ક્રૂરતા ગમે એટલી તીવ્ર કેમ ન હોય; પણ એમાં જીત તો કોમળતા, મૃદુતા અને કરુણાની જ થાય છે.

બાળકો અને મહિલાઓ પણ ધારે તો પ્રખર શક્તિનો પ્રતિકાર કરી શકે છે એટલું આ વર્ષના આંદોલનમાંથી સમજાયું : મેધા પાટકર, સામાજિક ચળવળકાર

નર્મદા બંધ માટે વષોર્ પહેલાં શરૂ કરેલું આંદોલન આજે પણ ચાલુ છે અને આ વર્ષે એનું રૌદ્ર સ્વરૂપ અમને જોવા મળ્યું. નર્મદા બંધ માટે આજે પણ એને સ્પર્શતાં લગભગ ૧૫૦થી વધુ ગામડાંઓ અને લગભગ ૪૦ હજાર લોકોને પુન:સ્થાપિત કરવાની અને તેમને રોજગારી માટેની જમીનની રકમ આપવાનો મહત્વપૂર્ણ ફેંસલો ૨૦૧૭ના ફેબ્રુઆરીમાં ફરી એક વાર આવ્યો. સાથે જ સુપ્રીમ કોર્ટે ૩૧ જુલાઈ સુધીમાં નર્મદા બંધ માટે નડતર બનેલાં ગામડાંઓ ખાલી કરવાની સૂચના પણ આપી હતી, પરંતુ સરકારે લોકોના પુનરુત્થાનની દિશામાં તો કોઈ સંતોષજનક પગલાં ન લીધાં અને ગામોને ખાલી કરાવવા માટે મિલિટરી શાસન જેવો વ્યવહાર કરીને હજારોની સંખ્યામાં પોલીસોને તહેનાત કરીને લાઠીમાર કરાવવા સુધીની હરકતો પણ કરી લીધી. અમે કેટલાક કાર્યકરોએ એના વિરોધમાં અનશન કર્યા અને લગભગ બાર દિવસના અન્ન-જળ ત્યાગ પછી પોલીસે અમારા અનશનને નેસ્તનાબૂદ કરવાની ચાલ કરી, જેમાં મધ્ય પ્રદેશના એ ગામની મહિલાઓ અને બાળકો અમારી ઢાલ બની ગયાં હતાં. મહિલાઓ અને બાળકોએ અમારી ફરતે ઘેરો ઘાલી દીધો હતો, જેથી પોલીસ અમારા સુધી પહોંચી જ ન શકે. આ વર્ષે મને એ સમજાયું કે આપણા દેશના જન-જનમાં શક્તિનો પારાવાર છે. તમે વિચાર તો કરો કે સરકારના હિંસાત્મક પગલા સામે પણ મહિલાઓ અને બાળકોએ દર્શાવેલો અહિંસક પ્રતિકાર ટકી ગયો. મહિલા અને બાળકોની અસીમ શક્તિનો અનુભવ ૨૦૧૭ના જૂન-જુલાઈ દરમ્યાન ચાલેલા પ્રખર આંદોલનમાં અમને થયો છે. ત્રાહિત, અવલંબિત વર્ગ પણ ઇચ્છાશક્તિને આધારે કેવી મોટી સત્તા સામે લડી શકે છે એની અદ્ભુત ક્ષમતા આ વર્ષે અમને જોવા મળી છે.

પાકિસ્તાનની નિર્લજ્જતા સામે આપણે આપણી સહિષ્ણુતાને પ્રૉપગૅન્ડા બનાવતા શીખવું જોઈએ એટલું સમજાયું : ઉજ્જવલ નિકમ, દેશના જાણીતા ક્રિમિનલ લૉયર

આપણે ત્યાં ભણેલી-ગણેલી છોકરીઓ આજે પણ પોતાની સાથે થતી છેડતી વિશે પોતાના પરિવાર સાથે ચર્ચા કરવા માટે બહુ તત્પર નથી હોતી, કારણ કે તેમને ડર હોય છે કે મા-બાપને આવી કોઈ વાત કરવાથી તેઓ તેમના પર જ પાબંદી મૂકી દેશે. તેમનો આ ડર પરિવારને હકીકતથી દૂર રાખે છે અને એની અસર એવી થાય છે કે સામાન્ય છેડતી અને હાથચાલાકીથી છોકરીઓની પજવણીની શરૂઆત કરનારાઓના હૌસલા બુલંદ થતા હોય છે. અહમદનગરના ગામડામાં કોપર્ડીમાં ૧૪ વર્ષની છોકરી પર થયેલો ગૅન્ગરેપ અને મર્ડર પાછળ આ કારણ પણ જવાબદાર હતું. મા-બાપ અને યુવાન દીકરીઓએ આ ઘટના પરથી શીખ લેવાની છે કે કોઈ પણ કારણસર ચૂપ ન રહો. સહેજમાં જ જો સજ્જડ પ્રતિકાર દર્શાવશો તો મોટી અનહોનીથી બચી શકશો. ૨૦૧૭ની આ પહેલી શીખ. બીજી શીખ કમલા મિલમાં લાગેલી આગમાંથી મળી છે. આજે મુંબઈમાં જ નહીં, પણ દેશભરમાં કેટલાક લોકો ટેમ્પરરી યુઝ માટે શેડ લગાવ્યો છે એમ કહીને નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે. ટેમ્પરરી શેડ છે એટલે રેસ્ટોરાં માટે જરૂરી કોડ અને કન્ડક્ટનું પાલન થવાનો તો સવાલ જ નથી. આ પ્રકારની જગ્યાએ જતા લોકોએ અને સરકારી અધિકારીઓએ જરા પણ વિલંબ કર્યા વિના આવાં કામચલાઉ બંધારણોને નેસ્તનાબૂદ કરવાં જોઈએ. આ એક ઘટના બહુ મોટી શીખ છે એ તમામ ગેરકાયદે બાંધકામો માટે જે ગેરકાયદે હોવાને નાતે મૂળ નિયમો પણ પાળતાં નથી. છેલ્લે ત્રીજા નંબરની શીખ આપણે પાકિસ્તાને કુલભૂષણ યાદવના પરિવાર મિલનમાં દેખાડેલી હલકટાઈમાંથી લેવાની છે. તેમણે એક માતા અને પત્નીનું ઇરાદાપૂર્વક અપમાન કર્યું, ભારતીય પરંપરાનું અપમાન કર્યું અને પછી એ જ વાતને મીડિયામાં ખૂબ ચગાવી. જ્યારે એની સામે ભારતે પાકિસ્તાનના વીઝા ઇશ્યુ કરવા માટે ઘણી સહિષ્ણુતા દેખાડી છે. અનેક વખત મેડિકલ ઇમર્જન્સીમાં તાત્કાલિક વીઝા ઇશ્યુ કરીને આપણે માણસાઈને મહત્વ આપ્યું છે. અનેક આર્ટિસ્ટોને આપણે બેરોકટોક અહીં આવવા દઈએ છીએ. પણ ક્યારેય એને આપણે પ્રૉપગૅન્ડા નથી બનાવ્યો. પાકિસ્તાને અનેક વાર, વારંવાર પોતાની હલકટાઈ દેખાડી છે અને એણે ખોટી પબ્લિસિટી માટે મીડિયાનો ભરપૂર લાભ લીધો છે. ભારતે હવે શીખવું જોઈશે સારી રીતે. આપણા દેશ દ્વારા પાકિસ્તાનીઓને માણસાઈના ગ્રાઉન્ડ પર આપવામાં આવતા વીઝાને ગ્રૅન્ડ લેવલ પર ડેમોન્સ્ટ્રેટ કરવા જોઈએ. આ ૨૦૧૭ની ત્રીજી અને ખૂબ મહત્વપૂર્ણ શીખ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK