દરેક ભારતીયે સેક્યુલર ભારતના પડખે ઊભા રહેવાની આજે જરૂર છે, આ અત્યારના સમયની ડિમાન્ડ છે

જે મૌલાના મૌદ્દુદી માનતા હતા એ BJPના અનંતકુમાર અને સંઘપરિવાર માને છે. ફરક એ છે કે મૌલાના પ્રામાણિકતાપૂર્વક પોતાનો અભિપ્રાય આપવાની હિંમત ધરાવતા હતા. મને યાદ નથી કે તેમણે ક્યારેય માફી માગી હોય. પાકિસ્તાનમાં જનરલ અયુબ ખાને તેમને જેલમાં નાખ્યા હતા ત્યારે પણ તેમણે માફી નહોતી માગી કે નહોતો તેમણે વિચાર બદલ્યો

kite

નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

કેન્દ્રના કૌશલ વિકાસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનંતકુમાર હેગડેએ કહ્યું છે કે BJPની સરકાર કેન્દ્રમાં આવી છે તો એ સત્તા ભોગવવા માટે નથી આવી પરંતુ ભારતનું બંધારણ બદલવાની છે અને નજીકના ભવિષ્યમાં એ ઘટના બનવાની છે. કર્ણાટકમાં કોપ્પલ ખાતે બ્રાહ્મણ યુવા પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ડા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે એટલે બંધારણ બદલવું જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ માટે BJP સરકાર પ્રતિબદ્ધ છે અને એ વિશે કોઈએ ભ્રમમાં રહેવાની જરૂર નથી.

તેમણે સેક્યુલરિઝમમાં માનનારા લોકો વિશે કહ્યું હતું કે ‘આ એવી જમાત છે જેમને પોતાનાં માબાપ કોણ છે એની જાણ નથી. આજકાલ સેક્યુલરિસ્ટોની એક નવી જમાત પેદા થઈ છે જે મૂળિયાં વિનાની છે. તેમને તેમના લોહીની જાણ નથી અને તેમને જોઈને ચીડનો અનુભવ થાય છે. આ બાજુ જો કોઈ કહે કે હું હિન્દુ છું, મુસલમાન છું, ખ્રિસ્તી છું કે લિંગાયત છું તો મને રાજીપો થાય છે કે ચાલો, તેમને તેમના મૂળની તો જાણ છે.’

તેમણે મનુસ્મૃતિનો બચાવ કરતા કહ્યું હતું કે ‘સ્મૃતિઓ પ્રાચીન ભારતમાં બંધારણ તરીકે કામ કરતી હતી. અત્યારે દેશમાં આંબેડકર સ્મૃતિ અમલમાં છે અને એ પહેલાં પરાશર સ્મૃતિ અમલમાં હતી.’ એ પછી તેમણે કહ્યું હતું કે જે લોકો ઇતિહાસનું જ્ઞાન ધરાવતા નથી એ બેવકૂફ છે.

અનંતકુમાર હેગડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ઊછર્યા છે એટલે બૌદ્ધિક પ્રતિભા તેમને ગળથૂથીમાં મળી છે. ઇતિહાસ તેમણે એટલો પચાવ્યો છે કે તેઓ કોઈને પણ બેવકૂફ કહી શકે. અનંતકુમાર હેગડેને માત્ર એટલું જ કહેવાનું કે તેમને સ્મૃતિઓના ઇતિહાસની જાણ નથી. ભારતના ઇતિહાસમાં ક્યારેય કોઈ એક સ્મૃતિએ આખા દેશમાં બંધારણ તરીકે કામ કર્યું નથી કે સ્મૃતિઓના બંધારણીય શાસનનો ક્રમ હતો નહીં. જેમ કે પહેલાં મનુસ્મૃતિ પછી, પરાશર સ્મૃતિ વગેરે. ભારતના અલગ-અલગ પ્રદેશોમાં અલગ-અલગ સ્મૃતિઓએ કહેલા રીતિરિવાજ સમાંતરે ચાલતા હતા. અનંતકુમાર હેગડેને એની પણ જાણ નથી કે ભારતમાં મનુસ્મૃતિ અને પરાશર સ્મૃતિ એમ માત્ર બે જ સ્મૃતિ નહોતી, લગભગ બે ડઝન સ્મૃતિઓ સમાંતરે કે આગળ-પાછળ અમલમાં હતી.

તેમણે આના વિશે વધારે જાણવું હોય તો ભારત રત્ન પી. વી. કાણેના હિસ્ટરી ઑફ ધર્મશાસ્ત્રના છ ખંડ જોઈ જવા જોઈએ. કુલ મળીને ત્રણ હજાર પાનાં વાંચવાં એ થોડું અઘરું કામ છે, સ્વયંસેવક માટે કદાચ ગજાબહારનું કામ છે; પરંતુ ઇતિહાસ જાણવા મળશે. કોઈ સ્મૃતિ ક્યારેય કોઈ બંધારણ તરીકે કામ નહોતી કરતી અને સ્મૃતિઓના આદેશ કાલ અને સ્થળ મુજબ વિરોધાભાસી પણ હતા. જોકે જવા દઈએ ઇતિહાસના જ્ઞાનની વાત, તેમણે પોતે જ ઇતિહાસ ન જાણનારાઓને સર્ટિફિકેટ આપી દીધું છે.

વાત છે બંધારણ બદલવાની અને કુજાત સેક્યુલરિસ્ટોની જેમને પોતાના ગોત્રની જાણ નથી. સંઘપરિવાર બંધારણ બદલવા ઇચ્છે છે એ ઉઘાડી વાત છે, પરંતુ સંઘની પરંપરા મુજબ ફોડ પાડીને ઈમાનદારીપૂર્વક તેમણે પોતાનો ઇરાદો પ્રગટ નથી કર્યો. સંઘની પરંપરા અને રણનીતિ એવી છે કે ચેન્નઈ જવું હોય તો દિલ્હીનો રસ્તો પકડે. ત્રણ ડગલાં ચાલે અને બે ડગલાં પીછેહઠ કરે. અનેક લોકો અનેક મોઢે બોલે. ગુગલી ફેંકનારને બે જણ શાબાશી આપે અને એક જણ ઠપકો આપે. અનંતકુમાર હેગડેને શાબાશી પણ આપવામાં આવી છે અને ઠપકો પણ આપવામાં આવ્યો છે. લોકસભામાં બંધારણ બદલવાની વાત તેમણે પાછી લીધી છે અને બંધારણનું અપમાન કરવા માટે તેમણે માફી માગી છે. આમ તેલ અને તેલની ધાર જોઈને ધીરે-ધીરે જગ્યા બનાવવાની સંઘની નીતિ છે.

ભારતના સેક્યુલર બંધારણ સાથે કેટલાં ચેડાં થઈ શકે એમ છે અને કેટલી હદે દેશની જનતા ચેડાં ચલાવી લે એમ છે એનું પાણી માપવા માટે સૌપ્રથમ અટલ બિહારી વાજપેયીની સરકારે ૨૦૦૦ની સાલમાં ન્યાયમૂર્તિ વેન્કટચલૈયાના અધ્યક્ષમાં ધ નૅશનલ કમિશન ટુ રિવ્યુ ધ વર્કિંગ કૉãન્સ્ટટ્યુશનની રચના કરી હતી. એ સમયે સંઘપરિવારની ગણતરી એવી હતી કે ધાર્મિક અને ઈશ્વરભીરુ વેન્કટચલૈયા બંધારણમાં ફેરફાર કરવા માટેનાં કારણો શોધી આપશે અને એક વાર દસ્તૂરખુદ ન્યાયમૂર્તિઓના કમિશન દ્વારા કારણો હાથ લાગે એટલે છીંડાં પાડવા માટેનાં બહાનાં મળી જશે. તેમના કમનસીબે કમિશને અહેવાલ આપ્યો કે બંધારણના મૂળભૂત ઢાંચામાં કોઈ ખામી નથી અને એને હાથ લગાડવો એ બંધારણદ્રોહ કહેવાય.

શું છે બંધારણનો મૂળભૂત ઢાંચો? શું છે બંધારણનો પ્રાણ? ન્યાયમૂર્તિ વેન્કટચલૈયાના કમિશન મુજબ સેક્યુલર સંસદીય લોકતંત્ર એ બંધારણનો પ્રાણ છે અને એના પર બંધારણનો ઢાંચો આધારિત છે. એ સમયે બંધારણમાં ફેરફાર કરવા માટે કારણો હાથ લાગ્યાં નહીં. ઊલટું કમિશને કઈ બાબતને હાથ લગાડવામાં ન આવે એ ફોડ પાડીને કહ્યું હતું. એક રમત નિષ્ફળ નીવડી એનો અર્થ એવો નથી કે તેઓ ભવિષ્યમાં બંધારણ સાથે ચેડાં કરવાની તક શોધવાના નથી. તેમનો ઇરાદો હિન્દુ રાષ્ટ્રની નિર્મિતિનો છે એટલે લોકતાંત્રિક સેક્યુલર બંધારણ તેમને આંખના કણાની જેમ ખૂંચે છે. અનંતકુમાર હેગડેએ પાણી માપવાની કોશિશ કરી હતી.

પ્રધાન મહોદયે સેક્યુલરિસ્ટોને નબાપી જમાત કહી છે અને જે લોકો ધર્મ કે જ્ઞાતિની ઓળખ ધરાવે છે અને એ ઓળખ માટે ગર્વ ધરાવે છે તેમની સરાહના કરી છે, પછી ભલે એ ઓળખ ધરાવનારાઓ મુસલમાન કે ખ્રિસ્તી હોય. અહીં આપણે તેમને મૌલાના મૌદ્દુદીની યાદ અપાવવી જોઈએ. ઇસ્લામના બહુ મોટા પંડિત હતા. જમાત એ ઇસ્લામી-એ-હિન્દના સ્થાપક અને રાહબર મૌલાના પ્રારંભમાં ભારતના વિભાજનના વિરોધી હતા. એટલા માટે નહીં કે તેઓ હિન્દુ-મુસ્લિમ એકતામાં માનતા હતા, પરંતુ એટલા માટે કે જો અવિભાજિત ભારતના મુસલમાનો અલગ મુસ્લિમ રાજ્ય લઈને ભારતની બહાર નીકળી જાય તો બાકીના ભારતને મુસ્લિમ ભારત બનાવવાની યોજના સમાપ્ત થઈ જાય. ઇસ્લામ વિશ્વનો એકમાત્ર સાચો ધર્મ છે અને હજી જેમણે સાચો ધર્મ અપનાવ્યો નથી તેમને મુસલમાન બનાવવા અને તેમનું કલ્યાણ કરવું એ સાચા મુસલમાનનું કર્તવ્ય છે.

આઝાદી પહેલાં મૌલાનાએ કહ્યું હતું કે આ મિશનમાં જો કોઈ મોટું વિઘ્ન હોય તો એ સેક્યુલરિઝમ છે. સેક્યુલરિઝમ એમ શીખવે છે કે તમારી ધર્મશ્રદ્ધા એ તમારી અંગત બાબત છે અને એ ઘરની ચાર દીવાલોની અંદર રહેવી જોઈએ. રાજ્યને કોઈ ધર્મ સાથે કે ધર્મના શ્રેષ્ઠત્વ સાથે લેવાદેવા નહીં હોય. સેક્યુલરિઝમ પ્રત્યેક ધર્મને એકસરખો આદર આપે છે એટલું જ નહીં, દરેક ધર્મને અને દરેક ઈશ્વરને સાચો માને છે.

હવે જો બધા ધર્મ એકસરખા હોય, બધા ધર્મ સાચા હોય, બધા ઈશ્વર સાચા હોય તો ધર્મબહુલતા સ્વીકારવી પડે અને અનેક ઈશ્વરનો સ્વીકાર કરવો પડે. ઉપરથી રાજ્ય ધર્મનિરપેક્ષ હોય તો ધર્મના નામે કાયદો હાથમાં લઈ શકાય નહીં, વિધર્મી પર કહેવાતો સાચો ધર્મ ઠોકી શકાય નહીં અને કહેવાતા તત્વના નામે ધર્મયુદ્ધ કરી શકાય નહીં. સેક્યુલરિઝમ એવું એક દુક્ટ તત્વ છે જે ધર્મને ઘરની બહાર લઈ જવાની તક આપતું નથી તો પછી આખરે ઇસ્લામનો વિજય થાય કઈ રીતે? રણભૂમિ બચાવી રાખવી જોઈએ, હાર-જીત પાછળથી જોઈ લેવાશે.

એટલા માટે મૌલાના મૌદ્દુદીએ કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાનોએ મળીને સેક્યુલરિઝમ સામે લડી લેવું જોઈએ. તેમણે અનંતકુમાર હેગડેની ભાષામાં કહ્યું હતું કે સેક્યુલરિસ્ટોને તેમના બાપની જાણ નથી. એ જ ભાષા, એ જ વાણી, એ જ તેવર જે અનંતકુમાર હેગડેમાં જોવા મળ્યા હતા. ૯૦ વરસના કાળખંડનું અંતર છે એટલો જ ફરક. મૌલાના મૌદ્દુદીએ હિન્દુઓને સલાહ આપી હતી કે ‘તેમણે પોતાનાં મૂળિયાં માટે ગર્વ અનુભવવો જોઈએ. તેમણે પોતાના ધર્મ અને જ્ઞાતિ માટે ગર્વ અનુભવવો જોઈએ. તેમણે જો તાકાત હોય તો હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવી જોઈએ, મુસલમાનો પોતાનો રસ્તો શોધી લેશે. સેક્યુલરિઝમના નામે બહુમતી કોમે ઉદાર બનવાની જરૂર નથી અને લઘુમતી કોમની દયા ખાવાની જરૂર નથી. મુસલમાનોને ધર્મ ખાતર શહીદ થતાં આવડે છે. કુરાન મુજબ કોઈ જેહાદી નરકમાં જતો નથી.’

આનો અર્થ શું થયો? સહઅસ્તિત્વ માટે રસ્તા શોધવાની જરૂર નથી, જે ધર્મ સાચો હશે એનો વિજય થશે. મૌલાના મૌદ્દુદીને ખાતરી હતી કે ઇસ્લામ ધર્મ એકમાત્ર સાચો ધર્મ છે એટલે એનો વિજય થવાનો છે. બહુ-બહુ તો ધર્મયુદ્ધ કરવું પડશે જે માટે તેઓ તૈયાર હતા. સેક્યુલરિઝમ એ સહઅસ્તિત્વ માટે ઉપયોગી છે એટલે કોમવાદીઓ માટે એનો કોઈ ખપ નથી. જે મૌલાના મૌદ્દુદી માનતા હતા એ BJPના અનંતકુમાર અને સંઘપરિવાર માને છે. ફરક એ છે કે મૌલાના પ્રામાણિકતાપૂર્વક પોતાનો અભિપ્રાય આપવાની હિંમત ધરાવતા હતા. મને યાદ નથી કે તેમણે ક્યારેય માફી માગી હોય. પાકિસ્તાનમાં જનરલ અયુબ ખાને તેમને જેલમાં નાખ્યા હતા ત્યારે પણ તેમણે માફી નહોતી માગી કે નહોતો તેમણે વિચાર બદલ્યો.

અહીં વાચકના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થશે કે મૌલાના મૌદ્દુદી ભારતના વિભાજનનો વિરોધ કરતા હતા તો પાકિસ્તાન કેમ જતા રહ્યા? બન્યું એવું કે દેવબંદના મુલ્લાઓ વિભાજનનો વિરોધ કરતા હતા એમ છતાં ભારતનું વિભાજન થયું હતું અને પાકિસ્તાનની સ્થાપના થઈ. તેમને એમ લાગ્યું કે ભારતીય ઉપખંડમાં જો મુસ્લિમ બહુમતી સેક્યુલર રાજ્ય અસ્તિત્વમાં આવશે તો ઇસ્લામને ફાયદા કરતા નુકસાન વધુ થશે. અવિભાજિત ભારત ઇસ્લામની ભૂમિ (દારુલ ઇસ્લામ) જ્યારે બનવું હશે ત્યારે બનશે, અત્યારે તાત્કાલિક જરૂરિયાત પાકિસ્તાન સેક્યુલર દેશ ન બને એની છે. તેઓ તેમના ચેલાઓ સાથે પાકિસ્તાન ગયા હતા અને એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.

મોહમ્મદઅલી જિન્નાહ પાકિસ્તાનને સેક્યુલર દેશ બનાવવા માગતા હતા, પરંતુ તેઓ પાકિસ્તાનની બંધારણસભામાં પાકિસ્તાનના ઉદ્દેશનો મુસદો (ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશન) પસાર નહોતા કરાવી શક્યા. પાકિસ્તાનની બંધારણસભાએ પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક જાહેર કર્યું હતું અને સાવર્ભૌનમત્વ અલ્લાહને આપવામાં આવ્યું હતું. ભારતની જેમ નાગરિકના સાવર્ભૌંમત્વની જગ્યાએ પાકિસ્તાને અલ્લાહને સાવર્ભૌ મત્વ આપ્યું અને પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક બનાવ્યું એ પછી પાકિસ્તાન સેક્યુલર સ્ટેટ બને એવી કોઈ શક્યતા રહી નહોતી. આપણી જેમ ભેદભાવ વિનાના સેક્યુલર કાયદાઓની જગ્યાએ પાકિસ્તાનમાં ઇસ્લામિક કાયદાઓ સર્વોપરી છે.

પાકિસ્તાનની આજે જે અવસ્થા છે એ મૌલાના મૌદ્દુદીની વિચારધારાનું પરિણામ છે. પાકિસ્તાન આતંકવાદની ઉછેરભૂમિ બન્યું છે તો એ માટે મૌલાના મૌદ્દુદી જવાબદાર છે. પાકિસ્તાનની સ્થાપના વખતે જો પાકિસ્તાનની પ્રજાએ મૌલાનાની જગ્યાએ સેક્યુલર નેતાઓને ટેકો આપ્યો હોત તો પાકિસ્તાનનો ઇતિહાસ જુદો હોત.

આપણને કેવું ભારત જોઈએ છે? સેક્યુલર ભારત કે હિન્દુ રાષ્ટ્ર જે રીતે પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર છે? એ ન ભૂલવું જોઈએ કે અનંતકુમાર અને મૌલાના મૌદ્દુદી એક વેવલેન્ગ્થ પર છે. એ જ ભાષા, એ જ વાણી અને એ જ તેવર. એજન્ડા પણ એકસરખો છે. જે ડહાપણ આપણા વડીલોએ બતાવ્યું હતું એને ભૂલવા માગો છો? આજે દરેક ભારતીયે સેક્યુલર ભારતના પડખે ઊભા રહવાની જરૂર છે. આ અત્યારના સમયની ડિમાન્ડ છે.
\

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK