નવા વર્ષની પ્રતિજ્ઞા : અમારી સાચી જાતનો સામનો કરીશું

મારા વહાલા ભગવાન,

alia

ભગવાનને પત્ર - રુચિતા શાહ

મારા વહાલા ભગવાન,

કહેશે લોક ન તાણી કહેવું એવડું સ્વામી આગે, પણ બાળક જો બોલી ન જાણે તો કેમ વહાલું લાગે? આયી બાત સમઝ મેંï? હું તો બાળક છું અને બોલીશ, તમારું બાળક. અને મને એ કહેવામાં જરાય સંકોચ નથી હવે. લોકોને જે કહેવું હોય કહે, પણ હું મારા વહાલા ભગવાન સામે બેધડક બોલીશ. બેશક, માત્ર ફરિયાદો કરવા માટે પત્રનો આ વ્યવહાર શરૂ થયો નથી. છતાં પણ ક્યારેક ફરિયાદ થઈ જાય તો થઈ જાય. બાળક તો તેની બાળક્રીડામાં ગમે તે કરે. ફરિયાદો પણ હોય, નટખટ તોફાનો પણ હોય અને ક્યારેક સહજ કબૂલાતો પણ હોય. પણ એક વાત નક્કી છે કે જે હોય એ સહજ હોય; એમાં ક્યાંય દંભ, દેખાવ કે કપટનો અંચળો ન હોય. આપને લખવામાં આવતી દરેકેદરેક વાતમાં આ બાળસહજ નિર્દોષતા, નિખાલસતા અને સરળતાને જાળવી રાખવાનો પ્રયત્ન અમે કરીશું. અમને પૂરેપૂરો ભરોસો છે કે તમે એને આવકારશો; કારણ કે આપણો નાતો કંઈ આજનો નથી, ખૂબ પુરાણો છે. પુરાણો, આગમો, બાઇબલ, કુરાન જેવા ધર્મગ્રંથો રચાયા એના કરતાં પણ પુરાણા. હેંને? તો પછી હવે દુનિયાની ચિંતા કરવાની ક્યાં જરૂર રહી? લોગોં કા કામ હૈ કહના...

મારા વહાલા ભગવાન, વર્ષ હવે બદલાઈ રહ્યું છે. નાવીન્ય અમારો સ્વભાવ બની ગયો છે. યુ નો, અમે બહુ જલદી બોર થઈ જઈએ છીએ. અમારા કામથી, અમારી અવસ્થાથી, અમારી ખુશીઓથી, અમારી પીડાઓથી, અમારી આસપાસના લોકોથી (એમાંય સૌથી મોટી વિચિત્રતા એ છે કે જેનાથી અમે બોર થઈ ગયા છીએ એ અવસ્થા જો બદલાય તો પાછું અમને નથી ગમતું. ત્યારે પાછું અમને એમ લાગવા માંડે છે કે એના કરતાં તો જે હતું એ જ સારું હતું, સો કન્ફ્યુઝિંગ!) ખૂબ ઝડપથી મોનૉટોનસપણું અમને ગ્રસ્ત કરી દે છે અને એટલે જ અમે વર્ષમાં પાંચ-સાત વાર નવું વર્ષ ઊજવી લઈએ છીએ. અત્યારે લેટેસ્ટ ખ્રિસ્તીઓનું નવું વર્ષ ઊજવીશું, એ પહેલાં દિવાળીમાં હિન્દુઓનું હતું. એવી જ રીતે મરાઠીઓનું, મારવાડીઓનું, કચ્છીઓનું, બંગાળીઓનું, તમિલ લોકોનું નવું વર્ષ જુદું-જુદું હોય છે. ખેર, ક્યા ફર્ક પડતા હૈ. નવું વર્ષ એટલે નવી વાતો, નવા વિચારો, નવાં અરમાનો અને જીવન માટેનાં નવાં ફરમાનો. નો ડાઉટ, આ બધી ચર્ચાઓ માત્ર એક જ દિવસ પૂરતી થાય છે. એ છતાં તમે પણ ઍગ્રી કરશો જ કે નવીનતાનો સ્વીકાર કરવા માટેની આ જે ન્યુ યર સેલિબ્રેશનની એક્સરસાઇઝ અમે આદરી છે એ વિચારમાં કંઈ ખોટું નથી. હા, એની ઉજવણીની રીતમાં ઊંડા ન ઊતરીએ તો સારું, કારણ કે દરેક નવા વર્ષની ઉજવણીની રીત બદલાય છે. ક્યારેક અમે દારૂ પીને નવા વર્ષને આવકારીએ છીએ તો ક્યારેક ચાર રસ્તા પર દાળવડાં મૂકીને. યુ નો, ફૉર અ ચેન્જ. વર્ષ એનું એ રહે છે; દિવસો બદલાય છે, પ્રસંગો બદલાય છે, રીત બદલાય છે. અમે બદલાવની અપેક્ષા સાથે હાથ મિલાવીને કે હાથ જોડીને ઊભા રહી જઈએ છીએ. હૅપી ન્યુ યર કે સાલ મુબારક કહીને અભિવાદન કરીએ છીએ, પણ અમે એના એ રહીએ છીએ. અમારો વ્યવહાર એનો એ રહે છે. હવે તમે જ કહો કે તમે પોતે જૂનાના જૂના રહો, તમે પોતે પોતાનામાં કોઈ બદલાવ ન લાવો, તમે પોતે તમારી એકેય આદત કે કાર્યપ્રણાલીને ન સુધારો તો તમે કેવી રીતે નવા વર્ષમાં નવા થાઓ? કેવી રીતે તમારી બીબાઢાળ જિંદગીનું પૈડું ફરે? કેવી રીતે તમારી લાઇફમાં પરિવર્તનનો પવન ફૂંકાય? ન જ ફૂંકાયને! ઇટ્સ અ કૉમન સેન્સ જે અમે અંદરખાને સમજીએ છીએ, પણ અમલમાં નથી મૂકતા. પણ જે પણ હોય પ્રભુ, જેવો ગણો તેવો તથાપિ બાળ તારો છું...

જુઓ ભગવાન, આપણે આ પત્રવ્યવહાર શરૂ કર્યો છે તમારી સાથે રૂબરૂ થવા માટે. પણ ક્યાંક ને ક્યાંક તમારી સાથે રૂબરૂ થવામાં અમે અમારી જાત સાથે પણ રૂબરૂ થઈ જઈએ છીએ. થોડુંક ફિલોસૉફિકલ લાગી શકે છે બટ ઇટ્સ અ ફૅક્ટ. આજે અમે અમારી જાત સાથે રૂબરૂ થતાં ગભરાઈએ છીએ. એકલા પડીએ છીએ ત્યાં જ મોબાઇલમાં ઘૂસી જઈએ છીએ. એકલા પડીએ છીએ ત્યાં જ લોકો સાથે ભીડવામાં અને કાવાદાવા કરવામાં મચી પડીએ છીએ. એકલા પડીએ છીએ ત્યાં જ ખયાલી પુલાવો બનાવવામાં ખોવાઈ જઈએ છીએ, પણ જાત સાથે પરિચય નથી કેળવતા. અમને અમારી જ વાસ્તવિકતાઓનો જાણે ડર લાગવા માંડ્યો છે. અમે પોતે જ અમારા મનની વિકૃતિઓ, વિચારો અને કલ્પનાઓનો સામનો કરવામાં સહેજ સહમી જઈએ છીએ. કારણ જાણો છો? અફકોર્સ, તમે તો જાણતા જ હશો, અમસ્તું જ થોડું તમે અંતર્યામીનું ટાઇટલ લઈને ફરતા હશો; કારણ કે સમાજના પાખંડ સાથે કદમથી કદમ મિલાવાય એ આશયથી અમે પણ અમારું પોતાનું એક આભાસી ચિત્ર, આભાસી વ્યક્તિત્વ નિર્મિત કર્યું છે. સોનું જો અતિશય શુદ્ધ હોય તો એના દાગીના ન બને એટલે સોનીએ એમાં અન્ય ધાતુ ઉમેરવી પડતી હોય છે. અમે પણ એ જ કર્યું. તમે અમારું નિર્માણ શુદ્ધતા સાથે કરેલું, પણ અમે જો એવા જ શુદ્ધ રહીએ તો આ દુનિયામાં અળખામણા પડતા હતા. દુનિયા અમને ખોટા અને નિરર્થક માનવા માંડી હતી એટલે ભીડનો હિસ્સો બનવા માટે અમે થોડાક ફેરફાર કર્યા અમારામાં. એ ફેરફારો માત્ર દુનિયા પૂરતા જ રાખવાના હતા, પણ અમે એ કામચલાઉ ફેરફારોને જ અમારી સાચી જાત માની બેઠા છીએ. ચાલો, કાલથી નવું વર્ષ શરૂ થાય છેને, એક પ્રતિજ્ઞા લઈએ ભગવાન તમારી સાક્ષીએ. અમે અમારી સાચી જાતનો સામનો કરીશું. અમે અમારી મર્યાદાઓને સ્વીકારીશું. અમે અમારા ડરનો સામનો કરીશું. અમે અમારી અસુરક્ષિતતાને ભગાડીશું. ભગવાન, તમે અમારી સાથે છો; અમારે ડરવાનું, અસુરક્ષિત થવાનું, મનમાં કોઈના પ્રત્યે દુર્ભાવ રાખીને જાતને પીડવાનું કોઈ કારણ નથી. તમારા જેવો સર્વજ્ઞ જ સતત અમારો પડછાયો બનીને અમારી સાથે હોય તો ગભરાવાનું શું કામ? હાથીનું નાનકડું બચ્ચું જો એની સાથે એની મમ્મી હોય તો ક્યારેય નહીં ગભરાય. કોઈ પણ પ્રાણીના બાળકને લઈ લો. એમની સાથે માતા હોય ત્યારે એ પણ બાદશાહ થઈને ફરતા હોય છે. એ દૃષ્ટિએ તો અમારે તો જરાય ન ડરવાનું હોય. આખી દુનિયાનો રખેવાળ, બાહુબલીના બાપનો પણ બાપ અમારી સાથે છે. ડરને હવે તો અમારાથી ડર લાગવો જોઈએને. ચાલો ભગવાન, અમારા તમામ વાચકમિત્રો વતી તમને પ્રૉમિસ, હવે અમે ડરી-ડરીને નહીં જીવીએ અને તમે રાખશો એમ રહીશું. અમે કોઈ જસ્ટિસ ચૌધરી બનીને લોકોની જિંદગીનાં જજમેન્ટ નહીં આપીએ અને છાતી ચૌડી કરીને ચાલીશું, કારણ કે અમારો ભગવાન, તું અમારી સાથે છે. અમારી શ્રદ્ધા છે કે તમે અમારા માટે જે વિચાર્યું હશે એ શ્રેષ્ઠ જ હશે અને અમે કર્તવ્યો નિભાવ્યે જઈશું; કારણ કે મારા દાતા, મારા વહાલા પ્રભુ, તમે અમારી સાથે છો. હવે નો ટેન્શન, નો ફિકર, નો વરી ઍન્ડ ઓન્લી કૉન્ફિડન્સ, ઓન્લી કરેજ. હિંમત, સાહસ અને શ્રદ્ધાપૂર્વક શરૂ થઈ રહેલા આ નવા વર્ષને આ વખતે ચિંતાઓ અને પંચાતોનું તર્પણ કરીને આવકારવા માગીએ છીએ અને અમને ખબર છે કે તમે સાથે છો. સતત.

ઍન્ડ લાસ્ટ બટ નૉટ લીસ્ટ. આવા જ કંઈક આત્મખોજ સાથેના પત્રો સાથે આપણે વચ્ચે-વચ્ચે મળતા રહીશું, આપનો જવાબ કોઈક પણ સ્વરૂપમાં આવશે એ આશા સાથે...

- આપના નૉટી ભક્ત

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK